Get The App

અરવલ્લી વિવાદ પર સુપ્રિમ કોર્ટની સુઓમોટો

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
અરવલ્લી વિવાદ પર સુપ્રિમ કોર્ટની સુઓમોટો 1 - image

નવીદિલ્હી: અરવલ્લી પહાડીના વિવાદ બાબતે હવે સુપ્રિમ કોર્ટે સુઓમોટો એક્શન લીધી છે. આજે સીજેઆઇ સૂર્યકાંત સહિત ત્રણ જજોની બેન્ચ આ વિવાદ પર સુનાવણી કરશે. બેન્ચમાં સીજેઆઇ ઉપરાંત જસ્ટીસ જે કે માહેશ્વરી અને જસ્ટીસ એ જી મસીહ પણ હશે. અરવલ્લી પર્વતમાળા દુનિયાની સૌથી જૂની પર્વતમાળામાંથી છે. દિલ્હી - એનસીઆરને થારના રણની ધૂળથી બચાવનાર એક માત્ર કુદરતી ઢાલ છે. કેન્દ્ર સરકારે પારોઠના પગલા ભરીને નવા માઇનીંગને અટકાવવાનો નિર્ણય લીધો છે. આ બાબતે સરકાર પર ઘણા માછલા ધોવાયા હતા. સરકારને એમ હતું કે આ વિવાદ સમય જતા શાંત થઈ જશે, પરંતુ હવે આજથી સુપ્રિમ કોર્ટમાં આ વિવાદની સુનાવણી થવાની છે ત્યારે સરકાર પોતાના નિર્ણયનો બચાવ કઈ રીતે કરશે એ તરફ બધાની નજર છે.

'આપણે આવનાર પેઢી પર દેવાનો બોજો નાખી રહ્યા છીએ'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય અને વરિ અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલ એમના આખાબોલા માટે જાણીતા છે. એમના કેટલાક નિવેદનો સરકારની પોલ પણ ખોલે છે. સાન્યાલએ દેશની આર્થિક નીતિ, ખાસ કરીને મફત રેવડી કલ્ચર અને જૂની પેન્શન યોજનાઓ ફરીથી લાગુ કરવાના નિર્ણય અંગે ગંભીર ચેતવણી આપી છે. એમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે કોઈપણ જાતના વિચાર કર્યા વગર રાજકીય પક્ષો જે રીતે સબસીડી વહેચે છે અને પેન્શનની મોટી રકમનું વચન આપે છે એને કારણે આવનારી પેઢીઓ માટે મોટી આર્થિક ચેલેન્જ ઉભી થશે. આ પ્રકારની નીતિ ભવિષ્યની અર્થવ્યવસ્થા માટે જોખમી છે. સાન્યાલએ 'કલ્યાણકારી સુરક્ષા કવચ' અને 'રાજકારણથી પ્રેરીત રેવડી' વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો હતો.

કર્ણાટકમાં ફરીથી સંકટ, મુખ્યમંત્રી દિલ્હી આવ્યા

થોડો સમય શાંત રહ્યા પછી ફરીથી કર્ણાટક કોંગ્રેસનો વિવાદ બહાર આવ્યો છે. કર્ણાટક સરકારના ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર એટલા માટે નારાજ છે કે, સત્તાના અઢી વર્ષ પછી સિદ્ધારમૈયાએ એમના માટે મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરી નથી. થોડા સમય પહેલા સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર સવારે નાસ્તા માટે ભેગા થયા હતા અને કામચલાઉ સમજુતી કરી હતી. જોકે ડી કે શિવકુમાર અને સિદ્ધારમૈયાના ટેકેદારો વચ્ચે ખેંચતાણ ચાલુ જ હતી. ડી કે શિવકુમારની ટીમ માને છે કે જ્યારે સરકારની રચના થઈ ત્યારે એવું નક્કી થયું હતું કે પહેલા અઢી વર્ષ માટે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી રહેશે અને ત્યાર પછી પદ ખાલી કરીને ડી કે શિવકુમારને આપી દેશે. સિદ્ધારમૈયા કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠકમાં ભાગ લેવા દિલ્હી આવ્યા હતા, પરંતુ થતી ચર્ચા પ્રમાણે એમણે કોંગ્રેસ હાઇકમાન્ડને ફરીથી ડી કે શિવકુમાર અને એમના ટેકેદારો બાબતે ફરિયાદ કરી છે.

મંત્રીના પીએ પાસેથી પણ કરોડો  રૂપિયાની સંપત્તિ પકડાઈ

સામાન્ય રીતે બધા જાણે છે એમ કેન્દ્ર કે રાજ્યના મંત્રીઓ થોડા સમયમાં જ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. હવે તો મંત્રીના અંગત મદદનીશો પણ પાછળ રહ્યા નથી. કોઈ મંત્રીને શરમાવે એવી મિલ્કત ભ્રષ્ટાચાર કરીને તેઓ જમા કરી લે છે. કર્ણાટક લોકાયુક્ત પોલીસ એક મોટી કાર્યવાહીમાં રાજ્ય સરકારના લઘુમતી કલ્યાણમંત્રી બી. ઝમીર અહમદ ખાનના પર્સનલ સેક્રેટરી સરદાર સરફરાઝ ખાનના રહેઠાણો પર પહોંચી હતી. સેક્રેટરી સામે આવક કરતા વધુ મિલકતની તપાસ ચાલી રહી છે. સરફરાઝ ખાન સહકારી સમિતિના ઓડિટ વિભાગમાં નિર્દેશક છે, પરંતુ હમણા તેઓ મંત્રીના અંગત સચીવ તરીકે કામ કરી રહ્યા છે. એમને ત્યાની તપાસ દરમિયાન લોકાયુક્તની ટીમને ૧૪.૩૮ કરોડ રૂપિયાની સંપત્તી હાથ લાગી હતી. સેક્રેટરીના બેંગ્લોરના રહેઠાણ ઉપરાંત ઓડાઘુ અને મૈસુર ખાતે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એમને ત્યાંથી ૮.૪૪ કરોડ રૂપિયાની સ્થાયી સંપત્તી, ચાર મકાનના દસ્તાવેજો, ૩૭ એકર ખેતીની જમીન, ત્રણ કરોડના સોનાના ઝવેરાત, ૧.૬૪ કરોડ રૂપિયાની લકઝરી મોટરો તેમજ ૧.૨૯ કરોડની બેન્ક ડીપોઝીટ મળી આવ્યા હતા.

કોંગ્રેસ સરકારે ભાજપવાળી કરતા વિવાદ વકર્યો

કર્ણાટકના ઘલુરમાં કોંગ્રેસ સરકારે ભાજપવાળી કરી છે. બુલડોઝર મારફતે મોટા ડિમોલિશન કરવામાં આવ્યા છે. પોલીગુ ગામના ફકીર કોલોની અને વસીમ વિસ્તારમાં મુસ્લિમોના ૪૦૦થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ઘણા પરિવારો બેઘર થઈ ગયા છે. વહેલી સવારે કડકડતી ઠંડીમાં બુલડોઝરથી મકાનો તોડવામાં આવ્યા હતા. સરકારના કહેવા પ્રમાણે તળાવ કીનારે સરકારી જમીન પર આ બધા મકાનો ગેરકાયદેસર બનાવવામાં આવ્યા હતા. પહેલા આ વિસ્તાર કચરો ફેકવાનો ડમ્પિંગ ઝોન હતો. જોકે સ્થાનીક લોકોનો દાવો છે કે એમને કોઈ નોટીસ આપવામાં આવી નહોતી. તેઓ છેલ્લા ૨૦-૨૫ વર્ષોથી અહીં રહે છે. બેઘર થયેલા લોકો પાસે આધાર કાર્ડ અને વોટર આઇડી પણ છે. કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનએ પણ આ ડિમોલિશનની ટીકા કરી હતી.

દિગ્વિજય સિંહ અને વિવાદને ગાઢ મિત્રતા છે

રાજ્યસભાના સાંસદ અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે આરએસએસના સંગઠનના વખાણ કરીને મધપુડો છંછેડયો છે. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે આરએસએસની સંગઠન શક્તિને કારણે સામાન્ય કાર્યકર પણ મુખ્યમંત્રી અને વડાપ્રધાન બની શકે છે. દિગ્વિજય સિંહના આ નિવેદનને પકડી લઈને ભાજપએ કોંગ્રેસ પર રાજકીય પ્રહાર કર્યા હતા. જોકે દિગ્વિજય સિંહ અને વિવાદને જૂની મિત્રતા છે. કોંગ્રેસના વર્તુળમાં બધા જાણે છે કે એમને પોતાના વિચારો વ્યક્ત કરતા અટકાવી શકાતા નથી. મુંબઈ આતંકવાદી હુમલા પછી એમણે એવું નિવેદન કર્યું હતું કે, હુમલો આરએસએસએ કરાવ્યો છે. દિગ્વિજય સિંહની કારકિર્દી ૧૯૮૫થી ચમકી હતી અને તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ એમને મધ્યપ્રદેશ કોંગ્રેસના વડા બનાવ્યા હતા. યુપીએ સરકાર જ્યારે સત્તામાં હતી ત્યારે પણ દિગ્વિજય સિંહના કેટલાક નિવેદનને કારણે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.

રહેમાન ડકેતના મિત્રએ બોલીવુડનો આભાર કેમ માન્યો

આદિત્ય ધરની ફિલ્મ ધુરધંરમાં એક સાચી સ્ટોરી છે. ફિલ્મમાં બતાવવામાં આવેલા રહેમાન ડકેત નામનો ગેંગસ્ટર પાકિસ્તાનમાં હતો. રહેમાન ડકેતના મિત્ર હબીબ જાન બલોચનો એક વિડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હબીબ ખાન વકીલ અને રાષ્ટ્રવાદી છે. એમણે ધૂરંધર ફિલ્મ બે વખત જોઈ છે. બલોચ કહે છે 'હું પાત્ર બાબતે વાત નહીં કરુ કારણ કે ફિલ્મોમાં છૂટછાટ લેવામાં આવે છે. મારે એ કહેવું છે કે જે પાકિસ્તાને નહીં કર્યું એ ભારતના બોલીવુડએ કરી બતાવ્યું છે. 

બોલીવુડનો ખૂબ ખૂબ આભાર.' જોકે બલોચના કહેવા પ્રમાણે ફિલ્મમાં બતાવ્યા મુજબ રહેમાન વીલન નહીં, પરંતુ હીરો હતો. એ સારો માણસ હતો. જો રહેમાન અને ઉઝૈર બલોચ નહીં હોત તો આજે પાકિસ્તાનની હાલત બાંગ્લાદેશ જેવી હોત. હબીબ ખાન બલોચ બે દશક પહેલા રહેમાનના મિત્ર હતા.