નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે બિહારના રાજકારણમાં ગરમી વધી છે. છેલ્લા થોડા દિવસોથી બિહારમાં ચર્ચા થતી હતી કે, એનડીએના સાથી પક્ષો વચ્ચે બેઠક વહેંચણી બાબતે મોટા મતભેદ છે. પરિસ્થિતિની ચકાસણી માટે એક દિવસ માટે બિહાર ગયેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મુખ્યમંત્રી નિતિશકુમારને મળ્યા હતા. એજ સાંજે નિતિશકુમાર દિલ્હી આવી ગયા. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, દિલ્હીમાં ચાલેલી લાંબી મીટીંગો પછી બેઠકોની વહેચણી બાબતે સમાધાન થઈ જશે. એમ મનાય છે કે ભાજપ અને જેડીયુ લગભગ સરખી બેઠકો પર ચૂંટણી લડશે. કેટલાક રાજકીય નીરીક્ષકો માની રહ્યા છે કે ભાજપને કદાચ થોડી બેઠકો વધુ આપવામાં આવે. એક અદાજ પ્રમાણે બંને બેઠકો મળીને ૨૦૫ બેઠકો પરથી ચૂંટણી લડશે. ભાજપ ૧૦૦થી ૧૦૨ બેઠકો પર અને જેડીયુ ૧૦૩થી ૧૦૫ બેઠકો પર ચૂંટણી લડી શકે એમ છે.
કોંગ્રેસ - આરજેડીએ રેડ્ડી - સ્ટાલીનને બિહાર કેમ બોલાવ્યા
રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બિહારમાં 'વોટર અધિકાર યાત્રા' કાઢી રહ્યા છે. યાત્રાના ૧૧મા દિવસે તામીલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન અને ડીએમકેના નેતા કની મોઝી દરભંગાથી મુઝફ્ફરપુર સુધી રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સાથે રહ્યા હતા. આ પહેલા તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ 'વોટર અધિકાર યાત્રા' સાથે જોડાયા હતા. તામીલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન અને એમના પક્ષ પર હિન્દી વિરોધી હોવાનો આરોપ છે. રેવંત રેડ્ડી પર પણ બિહારના લોકોનું અપમાન કર્યું હોવાનો આરોપ છે. નરેન્દ્ર મોદીએ પણ પોતાની એક રેલીમાં આ બાબતે કોંગ્રેસની ટીકા કરી હતી. રાજકીય નીરીક્ષકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે બિહારમાં સત્તા મેળવવા માટે પ્રયત્ન કરી રહેલા કોંગ્રેસ અને આરજેડી, સ્ટાલીન અને રેવંત રેડ્ડી જેવા નેતાઓને બોલાવીને ભૂલ તો નથી કરી રહ્યા ને?
ઘણા દિવસો પછી ટ્રમ્પે ભાજપ ખુશ થાય એવું કર્યું
અમેરિકાના અબજોપતિ જ્યોર્જ સોરોસ ભારતમાં અશાંતી ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ ભારતીય જનતાપક્ષ કરતો રહે છે. ભાજપ વિરોધી ઘણા એનજીઓને સોરોસ ફડીંગ કરતા હોવાનું મનાય છે. હવે જ્યોર્જ સોરોસ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અડફટે ચઢી ગયા છે. ટ્રમ્પે સોરોસ અને એમના પુત્ર સામે છેતરપીંડીના આરોપો હેઠળ કામ ચલાવવાની તૈયારી કરી છે. ટ્રમ્પે આરોપ મૂક્યો છે કે, અમેરિકામાં થતા હિંસક પ્રદર્શનોને સોરોસ ટેકો આપે છે. ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, 'જ્યોર્જ સોરોસ અને એમના સામ્યવાદી પુત્ર પર 'રીપો' લાગુ પડવો જોઈએ, કારણ કે અમેરિકામાં થતા તમામ હિંસક પ્રદર્શનોને તેઓ ટેકો આપે છે. અમેરિકાને બરબાદ કરવાનો મોકો આ ગાંડાઓને અમે આપીશું નહીં. આ બંનેને શ્વાસ લેવાનો કે સ્વંતત્ર થવાનો મોકો મળશે નહીં. સોરોસ પર નજર રાખવામાં આવશે.'
દિલ્હીના વકીલોએ મુખ્યમંત્રીની વાત ફગાવી
દિલ્હીના ઉપરાજ્યપાલ (એલજી) વી કે સકસેનાએ એક નોટીફીકેશન બહાર પાડયું છે. નોટીફીકેશનમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ સ્ટેશનોમાં વીડીયો કોન્ફરન્સીંગ રૂમને પુરાવા રેકોર્ડ કરવા માટે માન્ય ગણવામાં આવશે. દિલ્હીના વકીલોએ આ નોટીફીકેશનનો વિરોધ કર્યો હતો. દિલ્હી ડીસ્ટ્રીક્ટ કોર્ટ બાર એસોસીએશનના વકીલો આ બાબતે હડતાળ પર ઉતર્યા છે. વકીલો ૨૨ ઓગસ્ટથી હડતાળ પર છે. પટિયાલા હાઉસ કોર્ટના વકીલોએ કોર્ટની સામે ઇન્ડિયા ગેટ સર્કલ પર રેલી કાઢી હતી. વકીલોનું કહેવું છે કે, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે એમણે મીટીંગ કરી હતી, પરંતુ કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી. વકીલો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પણ મળ્યા હતા. રેખા ગુપ્તાએ એમને હડતાળ ખેંચી લેવા સમજાવ્યા હતા. જોકે વકીલોએ એમની વાત ફગાવી દીધી છે.
'ઉપરી કોર્ટના જજે ખાસ પક્ષની તરફેણમાં ચુકાદો આપવા કહ્યું હતું'
નેશનલ કંપની લો અપીલેટ ટ્રીબ્યુનલ (એનસીએલએટી)ના એક જજે એમ કહીને કેસ ચલાવવાનો ઇન્કાર કર્યો છે કે એમની પર દબાણ લાવવામાં આવ્યું છે. એનસીએલએટીની ચેન્નઇ બેન્ચના જસ્ટીસ શરદ કુમાર શર્મા એક કેસની સુનાવણીમાંથી અલગ થઈ ગયા હતા. જસ્ટીસએ આરોપ મુક્યો છે કે, એક કેસનો ચૂકાદો પ્રભાવીત કરવા માટે ન્યાયતંત્રના એક ખુબ જ સન્માનીય વ્યક્તિ એમના પર દબાણ લાવ્યા હતા. એક રાજકીય પક્ષની તરફેણમાં ચુકાદો આપવા માટે એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જસ્ટીસ શરદ કુમારએ કહ્યું છે કે, કેસ બીજી કોઈ બેન્ચને સોંપવામાં આવે. જસ્ટીસ શરદ કુમારે કેસ છોડી દીધા પછી હવે નવી બેન્ચમાં સુનાવણી થશે.
પીએમ અમને ચોર કહેશે એવી ધારણા નહોતી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરીથી એક વખત નરેન્દ્ર મોદી પર નિશાન તાંક્યું છે. નરેન્દ્ર મોદીએ હમણા કરેલી ટીપ્પણીનો ઉલ્લેખ કરીને મમતા બેનર્જીએ કહ્યું છે કે, એમને નરેન્દ્ર મોદી પાસે આવી આશા નહોતી. મોદીએ મમતાની ખુરશીનું અપમાન કરીને સાથે સાથે રાજ્યના લોકોને પણ ચોર કહ્યા છે. આ રીતે એમણે આખા રાજ્યનું અપમાન કર્યું છે. મમતાએ કહ્યું હતું કે, 'જે રીતે હું મોદીની ખુરશીને માન આપું છું એ રીતે એમણે પણ મારી ખુરશીને માન આપવું જોઈએ.' મમતાનું કહેવું છે કે, એમણે વડાપ્રધાનના દરેક પ્રશ્નના જવાબ આપ્યા છે. છતાં પણ કેન્દ્રએ રાજ્યનું ભંડોળ રોકીને બંગાળને ચોર કહ્યું છે. મમતાએ એવો પણ ટોણો માર્યો હતો કે વડાપ્રધાન પ્રવાસી પક્ષીઓની જેમ ચૂંટણી હોય ત્યારે પશ્ચિમ બંગાળ આવે છે.
પપ્પુ યાદવએ મીસા ભારતી સાથે લગ્ન કરવા હતા
પુર્ણીયાના અપક્ષ સાંસદ રાજેશ રંજન ઉર્ફ પપ્પુ યાદવ હંમેશા વિવાદમાં રહ્યા છે. સીપીએમના ધારાસભ્ય અજીત સરકારની હત્યાના આરોપસર લાંબા સમય સુધી પપ્પુ યાદવ જેલમાં રહ્યા હતા. છ વખત સાંસદ રહી ચૂકેલા પપ્પુ યાદવનો એક કિસ્સો તો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્રી મીસા ભારતી સાથે જોડાયેલો છે. વર્ષો પહેલા પપ્પુ યાદવ અને લાલુ યાદવ વચ્ચે નજીકના સંબંધો હતા. ૧૯૯૦ની આસપાસ બિહારમાં લાલુ યાદવનો સિક્કો ચાલતો હતો. એ વખતે પપ્પુ યાદવ પણ રાજકારણમાં ઓળખ બનાવી રહ્યા હતા. યાદવ વોટબેન્ક અને પપ્પુ યાદવની દબંગ છાપને કારણે લાલુ અને પપ્પુ વચ્ચે દોસ્તી હતી. જોકે આ સંબંધ લાંબો ચાલ્યો નહોતો. પપ્પુ યાદવએ લાલુના મોટા પુત્રી મીસા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. લાલુ યાદવને આ વાત મંજૂર નહોતી અને તેઓ ખુબ ગુસ્સે થઈ ગયા હતા.


