નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે રણનીતી બનાવવાની શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ કેટલાક સાંસદો અને ધારાસભ્યો સાથે મળીને વિરોધ પક્ષોને ઘેરવાનો વ્યૂહ બનાવ્યો છે. અમિત શાહની રણનીતિને કારણે બિહાર ભાજપના સ્થાનિક નેતાઓના ઉત્સાહમાં વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહે દિલ્હીમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ તેમજ બિહાર ચૂંટણીના પ્રભારી સહિત ૧૨ રાજ્યોમાંથી આવેલા ૪૫ સાંસદો અને ૪૫ ધારાસભ્યોની સાથે મીટીંગ કરી હતી. આ સાંસદો અને ધારાસભ્યોને બિહારના અલગ અલગ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ હાઇકમાન્ડે પસંદ કરેલા સાંસદો અને ધારાસભ્યો સંગઠનના કામમાં નિષ્ણાંત હોવાનું મનાય છે. બિહારમાં એન્ટી ઇન્કમબન્સી પરિબળને નાથવા માટે ભાજપના આ પ્રવાસી સાંસદો - ધારાસભ્યો પ્રચાર કરશે.
શાહરૂખ સામે બદનક્ષીનો કેસ, કોર્ટે કહ્યું અરજીની સુનાવણી દિલ્હીમાં થઈ શકે નહીં
શાહરૂખ ખાનના પ્રોડક્સન હાઉસ સામે આઇઆરએસ અધિકારી સમીર વાનખેડેએ બદનક્ષીની ફરિયાદ દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરી છે. સમીર વાનખેડેનો આક્ષેપ છે કે શાહરૂખ ખાનના પ્રોડક્સન હાઉસની સિરિઝ 'બેડ્સ ઓફ બોલીવુડ' દ્વારા એમની ઇમેજ બગાડવાનો પ્રયત્ન થયો છે. આ સિરિઝ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનએ ડિરેક્ટ કરી છે. યાદ રહે કે આર્યન ખાનને સમીર વાનખેડેએ ડ્રગ્સના કેસમાં જેલની હવા ખવડાવી હતી. ત્યાર પછી ટોચના સંપર્કનો ઉપયોગ કરીને આર્યનને છોડાવવામાં આવ્યો હતો. એમ મનાય છે કે હવે વાનખેડે સામે બદલો લેવા માટે આર્યન ખાનએ વેબસિરિઝનો ઉપયોગ કર્યો છે. વાનખેડેના સિનિયર વકીલ સંદીપ શેઠીએ દલીલ કરી હતી કે વેબસિરિઝ બીજા શહેરો ઉપરાંત દિલ્હીમાં પણ પ્રદર્શીત થઈ રહી છે. જોકે ન્યાયાધીશનું માનવું હતું કે, આ કેસ દિલ્હીમાં ચલાવી શકાય નહીં, આમ છતાં વિચારણા માટે વાનખેડેને સમય આપવામાં આવ્યો છે.
તેજપ્રતાપના પક્ષમાં લાલુ પ્રસાદનો ફોટો ગાયબ
લાલુ પ્રસાદ યાદવે એમના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને કુટુંબમાંથી અને પક્ષમાંથી હાંકી કાઢયા છે. દુભાયેલા તેજપ્રતાપે હવે જનશક્તિ જનતા દળ (જેજેડી)ની સ્થાપના કરી છે. તેજપ્રતાપ આરજેડી અને ભાઇ તેજસ્વી યાદવને મહુવા ઉપરાંત બીજી વિધાનસભાની બેઠકો પર પણ ચેલેન્જ આપવા માંગે છે. તેજપ્રતાપ યાદવને ચૂંટણી કમિશને બ્લેક બોર્ડનું ચૂંટણી ચિન્હ ફાળવ્યું છે. તેજપ્રતાપ યાદવ સમસ્તીપુર જિલ્લાના હસનપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. જોકે આવતી ચૂંટણીમાં તેઓ વૈશાલી જિલ્લાની મહુવા બેઠક પરથી ચૂંટણી લડશે. તેજપ્રતાપ આ બેઠક પર ૨૦૧૫માં પહેલી વખત જીત્યા હતા. તેજપ્રતાપ આ નવા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા છે. પાર્ટીના સિમ્બોલની માહિતી આપવા તેજપ્રતાપે જે પોસ્ટર બનાવ્યું છે એમાં લાલુ પ્રસાદ યાદવનો ફોટો નથી. તેજપ્રતાપે પાર્ટીના પોસ્ટરમાં મહામત્મા ગાંધી, ભીમરાવ આંબેડકર, રામ મનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ અને કરપુરી ઠાકોરના ફોટાઓ મુક્યા છે.
ઉત્તર પ્રદેશમાં 'જ્ઞાતિ' બાબતે યોગી સરકારનો મોટો નિર્ણય
ઉત્તર પ્રદેશમાં પોલીસના કોઈપણ લખાણમાં હવે કોઈપણ આરોપીની જ્ઞાતિનો ઉલ્લેખ કરવામાં નહીં આવે. એફઆઇઆરમાં પણ આ કોલમ ખાલી છોડી દેવામાં આવશે. એસસી - એસટી એક્ટ બાબતોના કેસ સિવાય બીજી ફરિયાદોમાં ફરિયાદી અને આરોપીની અટક લખવામાં આવશે, પરંતુ જ્ઞાતિનો ઉલ્લેખ નહીં હોય. ધરપકડ મેમોમાં પણ આરોપીની જ્ઞાતિનો ઉલ્લેખ નહીં થાય. બિહારના ડીજીપી રાજીવ કૃષ્ણનું કહેવું છે કે, સીસીટીએનએસ (ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સીસ્ટમ) અંતર્ગત ઓનલાઇન એફઆઇઆર દાખલ કરવાના ફોર્મમાંથી પણ જ્ઞાતિની કોલમ દુર કરવા માટે એનસીઆરબીને પત્ર લખવામાં આવ્યો છે. પોલીસના દસ્તાવેજોમાં જ્યાં જ્ઞાતિ લખવાની કોલમ હતી ત્યાં પણ હવે જ્ઞાતિનો ઉલ્લેખ નહીં થશે. એ જ રીતે વાહનો પર પણ જ્ઞાતિ નહીં લખી શકાય.
નિતિશકુમારની ઇબીસી વોટ બેન્ક પર મહાગઠબંધનની નજર
બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખ હજી ભલે જાહેર નહીં થઈ હોય, પરંતુ દરેક પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. વિરોધી મહાગઠબંધન ઇન્ડિયા બ્લોકએ અત્યંત પછાત વર્ગ (ઇબીસી)ને આકર્ષવા માટે અત્યંત પછાત ન્યાયસંકલ્પ (ઇબીસી માટે ન્યાયનો સંકલ્પ) જાહેર કરીને ઇબીસીને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. વિરોધ પક્ષો દ્વારા જાહેર કરવામાં આવેલા ૧૦ મુદ્દાના પ્રસ્તાવમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કાયદાની માફક ઇબીસી વિરુદ્ધ થતા અત્યાચારો રોકવા માટે પણ એક કાયદો બનાવવામાં આવે, પંચાયતોમાં ઇબીસી માટે ૨૦ ટકા અનામત વધારીને ૩૦ ટકા કરવામાં આવે. જેવા મુદ્દાઓ છે. બિહારના રાજકારણમાં એમ મનાય છે કે, ઇબીસી મતદારો મોટી સંખ્યામાં એનડીએ સાથે છે. જો એમને એનડીએથી દુર કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધનને મોટો ફાયદો થાય એમ છે.
સોનમ વાંગચૂક સામે લેવામાં આવેલા પગલાથી કેજરીવાલ દુખી
લદ્દાખમાં થયેલી હિંસા પછી કેન્દ્ર સરકારે સામાજીક કાર્યકર્તા સોનમ વાંગચૂકની ધરપકડ કરી છે. સરકારના આ નિર્ણયથી આપના વડા અરવિંદ કેજરીવાલ ખુબ દુખી છે. એમના કહેવા પ્રમાણે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સહિત દરેક વાંગચૂક માટે ચિંતીત છે. આમ આદમી પાર્ટીમાં કેન્દ્ર સરકાર સામે ગુસ્સો છે. વાંગચૂકની ધરપકડના એક દિવસ પહેલા જ કેજરીવાલે જાહેર કર્યું હતું કે લદ્દાખની લડાઈ આખા દેશની લડાઈ બનવાની શક્યતા છે. આપ પણ દિલ્હીમાં મોટા પાયે આંદોલન કરવાનો વિચાર કરી રહ્યો હતો. આપના નેતાઓ આંદોલન માટે દિલ્હીના લોકોનો મૂડ ચકાસી રહ્યા છે. જો વાંગચૂકની ધરપકડ કરવામાં નહીં આવતે તો કેજરીવાલ એમને મળીને આંદોલનનો વિસ્તાર કરવા વિચારણા પણ કરવાના હતા.
બિહાર ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા ચિરાગએ કમીટી બનાવી
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએના સંયુક્ત ચૂંટણી ઢંઢેરાની જાહેરાત થવાની છે. આ સિવાય લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાન પણ લોકોને જાણકારી આપવા પોતાનો ચૂંટણી ઢંઢેરો પ્રકાશિત કરવાના છે. આ માટે ચિરાગ પાસવાનએ પાંચ સભ્યોની ડ્રાફ્ટીંગ કમીટી બનાવી છે. કમીટીના એક સભ્યના કહેવા પ્રમાણે ચિરાગ પાસવાનએ નવું બિહાર, યુવાન બિહાર અને વિકસીત બિહાર બનાવવાનો સંકલ્પ લીધો છે. આ આધારે પક્ષનો ચૂંટણી ઢંઢેરો નક્કી થશે. ચિરાગ પાસવાનની ઇચ્છા છે કે યુવાન મતદારોને આકર્ષિ શકે એવો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવો. આ ઢંઢેરામાં યુવાનો માટે સારી શિક્ષા, રોજગારી અને નોકરી માટે નવા અવસર તેમજ મહિલાઓને સુરક્ષાની સંપૂર્ણ ખાતરી આપવામાં આવશે. આ ઉપરાંત દરેક જિલ્લામાં ફૂડ પ્રોસેસીંગ યુનિટની સ્થાપના, સમાન વળતર તેમજ દરેક પ્રાઇવેટ સ્કૂલમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે અનામત બેઠક રાખવાની વાતનો સમાવેશ પણ ઢંઢેરામાં થશે.


