Get The App

દિલ્હીની વાત : ધાર્મિક નારાઓ વિશે હવે આઝમ ખાન સલાહ આપે છે

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ધાર્મિક નારાઓ વિશે હવે આઝમ ખાન સલાહ આપે છે 1 - image

નવી દિલ્હી : જેલમાં સજા કાપી આવેલા સમાજવાદી પક્ષના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મંત્રી આઝમ ખાનને એકાએક જ્ઞાાન લાદ્યું છે. નવાઈની વાત એ છે કે એક સમયએ કોંગ્રેસમાં મોટુ સ્થાન ધરાવતા એડવોકેટ કપીલ સિબ્બલએ આઝમ ખાનની મુલાકાત લીધી છે. આઝમ ખાનએ કહ્યું છે કે, 'મે વિધાનસભામાં પહેલાં પણ કહ્યું હતું કે જો કોઈ નારા - એ - તકબીર અલ્લાહ હુ અકબરનો નારો એટલા માટે લગાવે કે બાજુમાં સુતેલું બાળક ઉઠી જાય અને ભય ફેલાય તો હું કહીશ કે આ નારો ઇસ્લામનો નથી. એજ રીતે જો કોઈ હર હર મહાદેવનો નારો લગાવે અને ડર ફેલાવવાની કોશિષ કરે તો પણ હું કહીશ કે આ ધર્મનો નારો નથી. આ વિચારીને જ અમે સમાજવાદી પાર્ટી બનાવી હતી.'

'નેશનલ કોંગ્રેસ ચોથી બેઠક બાબતે ગંભીર નહોતી'

જમ્મુ-કાશ્મીરથી ચૂંટાયેલા આપના ધારાસભ્ય મેહરાજ મલિકના કહેવા પ્રમાણે રાજ્યસભાની ચૂંટણીમાં એમણે નેશનલ કોન્ફરન્સના ઉમેદવારને મત આપ્યો હતો. એમની સામે એવો આક્ષેપ થાય છે કે એમણે ભાજપના પક્ષમાં મતદાન કર્યું હતું. મલિક હમણા કઠુઆ જેલમાં કેદ છે. મલિકના કહેવા પ્રમાણે નેશનલ કોન્ફરન્સને મત આપ્યા પછી પણ કેટલાક નેતાઓ એમની પૂછપરછ કરી રહ્યા છે. આ બેશરમીની હદ છે. એમણે કહ્યું હતું કે નેશનલ કોન્ફરન્સ ચોથી રાજ્યસભાની બેઠક જીતવા માટે ગંભીર નહોતી. એમણે મારો સંપર્ક કર્યો નહોતો અને એમની સર્વસંમતી બનાવવાની ઇચ્છા પણ નહોતી. આમ છતા મે એમને મત આપ્યો હતો. પક્ષનેતાએ એમને મળીને સોશ્યલ મીડિયા પર એમનું નિવેદન અપલોડ કર્યું છે. જે લોકો ભાજપ વિરોધી હોવાનો દાવો કરે છે એમણે જ ઉમેદવાર સત શર્મા સાથેની દોસ્તી સાબિત કરી છે.

ડોન, ડર અને ડોલર... ગેંગસ્ટરની અજીબો ગરીબ વાત

લોરેન્સ બિશ્નોઇ ગેંગના ખાસ ગેંગસ્ટર લખવિંદર ઉર્ફ લાખાને અમેરિકાથી ડીપોર્ટ કરીને ભારત લાવવો હરિયાણા પોલીસની મોટી સફળતા મનાઈ રહી છે. ગેંગસ્ટર અનમોલ બિશ્નોઇના ઇશારે હરિયાણા અને પંજાબમાં ખંડણીનું નેટવર્ક ચલાવનાર ગેંગસ્ટર સામે ૧૩૦ થી વધારે કેસ દાખલ થયા છે. એમ મનાય છે કે, ગેંગસ્ટર લખવિંદરકુમાર ઉર્ફે લાખાને ભારત પરત લાવવો એ સમગ્ર ભારત પોલીસ માટે મોટી સફળતા ગણાય છે. હરિયાણાના ડીજીપી ઓપી સિંહે ટાસ્કફોર્સની સફળતા માની છે. ડીજીપીના કહેવા પ્રમાણે સીબીઆઇના કોઓર્ડીનેશનમાં ચલાવવામાં આવેલા એક આંતરરાષ્ટ્રીય ઓપરેશનને કારણે લાખાને અમેરિકાથી ડીપોર્ટ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા પુરી કરવા માટે લગભગ ૧ વર્ષનો સમય લાગ્યો છે. લાખાનો ક્રિમીનલ રેકોર્ડ ખૂબ મોટો છે. હરિયાણા અને પંજાબમાં એની સામે અસંખ્ય ફરિયાદો થઈ છે.

હવાલાના પૈસા લૂંટવાના કેસ બદલ એસડીઓપી પૂજા પાંડેને જામીન નહીં મળે

હવાલાના ત્રણ કરોડ રૂપિયાની લૂંટ ચલાવવાના કેસની મુખ્ય આરોપી એસડીઓપી (સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર) પૂજા પાંડેને જામીન આપવા જિલ્લા કોર્ટે ઇન્કાર કર્યો છે. જામીનની સુનાવણી દરમિયાન પૂજા પાંડેના બે વર્ષના પુત્રનો ઉલ્લેખ કરીને સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓ ટાંકવામાં આવ્યા હતા. એવી દલીલ થઈ હતી કે, બાળકને સારૂ વાતાવરણ મળે એ એનો મૂળભૂત અધિકાર છે. 

એસડીઓપી પૂજા પાંડે હવાલાના ત્રણ કરોડ રૂપિયા લૂંટની મૂખ્ય આરોપી છે. એસડીઓપીની રેન્ક ડીવાયએસપીની સમકક્ષ ગણાય છે. આ ઘટનાએ સીવની વિસ્તારમાં ચકચાર જગાડી હતી. ઉચ્ચ રેન્ક ધરાવતી મહિલા પોલીસ અધિકારી સામે લૂંટનો ગુનો દાખલ થાય એવા કિસ્સાઓ ભાગ્યે જ બને છે.

'મારા નિવેદનોનું ખોટુ ભાષાંતર થયું હતું'

લેહમા થયેલી હિંસા પછી જેલ ભેગા કરાયેલા કાર્યકર્તા સોનમ વાંગચૂકની પૂછપરછ ત્રણ સભ્યોની બનેલી એડવાઇઝરી બોર્ડએ કરી હતી. વાંગચૂકનું કહેવું હતું કે, એમના નિવેદનોનો ખોટો અર્થ કાઢીને એને વિકૃત રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ પૂછપરછ દરમિયાન સોનમ વાંગચૂકના પત્ની ગીતાંજલી આંગમો પણ હાજર રહ્યા હતા. ગીતાંજલીના જણાવ્યા પ્રમાણે સોનમ વાંગચૂકએ કહ્યું હતું કે, કઈ રીતે એમને ગેરકાયદેસર રીતે એનએસએના કાયદા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે. 

એમના કહેવા પ્રમાણે વિડિયોમાંથી એમના નિવેદનોને તારવીને ખોટો અર્થ કાઢી રજૂ કરવામાં આવ્યા હતા. ટ્રાન્સલેટરએ પણ પોતાની મરજી મુજબ ભાષાંતર કર્યું હતું. સીઆરએફ અને લોકો વચ્ચે થયેલી હિંસામાં એમનું નામ જબરદસ્તીથી દાખલ કરવામાં આવ્યું હતું.

આપના નેતાની ચેતવણી, યમુનાના પાણીનું આચમન નહીં કરતા

છઠ તહેવાર બાબતે આપ અને ભાજપ વચ્ચે મૌખીક જંગ ચાલુ છે. યમુના નદીના ઘાટ પર છઠ મનાવવાના હુકમ બાબતે બંને પક્ષો પોતપોતાની રીતે દલીલો કરી રહ્યા છે. આપના દિલ્હી પ્રમુખ સૌરભ ભારદ્વાજએ એવું નિવેદન આપ્યું હતું કે ફક્ત છઠના દિવસે જ નહીં, બીજા કોઈ પણ તહેવારે યમુનાના પાણીનું આચમન નહીં કરો. એમણે આક્ષેપ કર્યો હતો કે, હથનીકુંડ બૈરાજથી ઉત્તર પ્રદેશ જનાર પાણી રોકીને દિલ્હી તરફ યમુનામા નાખવામાં આવી રહ્યું છે.

 યમુનાનું પાણી હજુ સાફ નથી થયું. જોકે ભાજપના નેતાઓ એવી ડંફાસ મારે છે કે એમને યમુનાને ચોખ્ખી કરી નાખી છે. ઉત્તર પ્રદેશ તરફ જનાર પાણીને યમુનામાં ઠાલવીને એવું બતાવવામાં આવ્યું છે કે યમુના સાફ થઈ ગઈ છે.

... તો શશી થરૂર કોંગ્રેસ પ્રમુખ હોત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક મહિનાઓથી ચૂંટણી કમિશન અને ભાજપ ઉપર વોટ ચોરીનો આક્ષેપ કરી રહ્યા છે. ભાજપ પણ હવે આક્રમકતાથી રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ આપી રહ્યો છે. ભાજપના પ્રવક્તા જયદીપ શેરગીલે કોંગ્રેસ પક્ષના પ્રમુખપદની ચૂંટણીમાં પારદર્શિતા નહીં હોવાનો આક્ષેપ કરીને રાહુલ ગાંધી પર નિશાન તાંક્યું છે. એમના કહેવા પ્રમાણે મલ્લિકાર્જૂન ખડગે અને શશી થરૂર વચ્ચે થયેલી ચૂંટણી જો નિષ્પક્ષ કરાવવામાં આવી હોતે તો આજે કોંગ્રેસ પ્રમુખ શશી થરૂર હોત. શેરગીલે કહ્યું હતું કે, 'જેમના પોતાના ઘર કાચના હોય છે તેઓ બીજાના ઘરો પર પથ્થર નથી ફેંકતા. કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી દરમિયાન શશી થરૂર અને મનિષ તિવારી જેવા નેતાઓને મતદારોની યાદી બતાવવામાં નહોતી આવી.