Get The App

દિલ્હીની વાત : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનું નામ જાહેર થવાની તૈયારી

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનું નામ જાહેર થવાની તૈયારી 1 - image

નવીદિલ્હી : છેવટે ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થઈ શકે છે. નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી માટે પક્ષના સિનિયર નેતાઓ છેલ્લા ત્રણ દિવસથી મળી રહ્યા છે. સંગઠન ચૂંટણી માટે બનાવવામાં આવેલી સમિતિના પ્રમુખ કે લક્ષ્મણ અમિત શાહને મળ્યા હતા અને ત્યાર પછી દિલ્હીમાં ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત બાબતે ચર્ચા તેજ થઈ ગઈ છે. બુધવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ પક્ષના પ્રદાધિકારીઓ માટે ડિનર યોજ્યું હતું. દેખાડો એવો કરાયો હતો કે, બિહારની જીત સંદર્ભે આ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, શિવરાજ ચૌહાણ, સુનીલ બંસલ અને મનોહરલાલ ખટ્ટરના નામો ચર્ચાય રહ્યા છે. જોકે નરેન્દ્ર મોદીની ટેવ પ્રમાણે છેલ્લી ઘડીએ કોઈ ચોંકાવનારૂ નામ પણ જાહેર થઈ શકે છે.

મોસાદ - સીઆઇએએ કોંગ્રેસને હરાવવા માટે કાવતરૂ કર્યું હતું

કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અને પત્રકાર કુમાર કેતકરએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પરિણામો બાબતે ધડાકો કર્યો છે. એમણે કહ્યું હતું કે અમેરિકા અને ઇઝરાઇલની જાસુસી સંસ્થાઓ સીઆઇએ અને મોસાદએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા માટે કાવતરૂ કર્યું હતું. કેતકરના કહેવા પ્રમાણે ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૧૪૫ બેઠકો જીતી હતી. એના પાંચ વર્ષ પછી થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને ૨૦૬ બેઠકો મળી હતી. જો આ જ સિલસિલો ચાલું રહેતો તો કોંગ્રેસને ૨૫૦ જેટલી બેઠકો મળતે અને સત્તા મેળવી શકી હોત. જોકે ૨૦૧૪માં પક્ષને ફક્ત ૪૪ બેઠકો મળી હતી. ચૂંટણી પહેલા જ રમત શરૂ થઈ ગઈ હતી અને નક્કી થઈ ગયું હતું કે કોઈપણ સંજોગોમાં કોંગ્રેસની બેઠકો વધવી જોઈએ નહીં. કેટલીક એવી શક્તિઓ હતી કે જે ઇચ્છતી હતી કે જ્યાં સુધી કોંગ્રેસની બેઠકો ૨૦૬ થી ઓછી નહી કરવામાં આવે ત્યાં સુધી ભારતમાં રમત નહી રમી શકાય.

કર્ણાટકમાં શિવકુમારએ સસ્પેન્સ વધાર્યું

છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પદ બચાવવા માંગે છે જ્યારે ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારએ મુખ્યમંત્રી બનવું છે. હવે શિવકુમારએ એવું નિવેદન આપ્યું છે કે તમામનું ધ્યાન એમની તરફ ખેંચાયું છે. એમણે કહ્યું છે કે શબ્દની તાકાત જ દુનિયાની સૌથી મોટી તાકાત છે અને વચન નિભાવવું મોટી તાકાત છે. ન્યાયાધિશ હોય કે રાષ્ટ્રપતિ, હું હોઉ કે તમે, આપણે બધાએ આપેલા વચનનું પાલન કરવું જોઈએ. એમણે એક વાત એવી પણ કરી કે જેને કારણે શ્રોતાઓ હસી પડયા હતા. એમણે પોતાની આજુબાજુ ઉભા રહેલા લોકોને બેસવાનું કહ્યું અને કહ્યું કે મારી પાછળ જે ઉભા છે એમને ખુરશીની કિંમત ખબર નથી. શિવકુમારનું માનવું છે કે, અઢી વર્ષ પહેલા નક્કી થયું હતું કે સિદ્ધારમૈયા અઢી વર્ષ પછી ખુરશી ખાલી કરી દેશે અને શિવકુમાર મુખ્યમંત્રી બનશે. હવે સિદ્ધારમૈયા આપેલા વચનમાંથી ફરી રહ્યા છે.

કુશવાહાના પક્ષમાં ધરતીકંપ, ડઝનથી વધુ નેતાઓના રાજીનામાં

રાષ્ટ્રીય લોકમોરચા પક્ષમાં ધરતીકંપ થયો છે. પક્ષના ઉપપ્રમુખ જીતેન્દ્રનાથ પટેલ તેમ જ પ્રદેશ પ્રવક્તા રાહુલકુમાર સહિત એક ડઝનથી વધુ પદાધિકારીઓએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આપેલા રાજીનામાઓમાં પક્ષ સુપ્રિમો ઉપેન્દ્ર કુશવાહાની કાર્યપદ્ધતિની આકરી ટીકા કરવામાં આવી છે. જીતેન્દ્રનાથ પટેલ તેમ જ રાહુલકુમારએ કહ્યું છે કે, ઉપેન્દ્ર કુશવાહાની કાર્યપદ્ધતિ એવી છે કે પાચન શક્તિ કરતા વધુ ખાઈ લીધું હોય. હવે પોતાના ટેકેદારોને મળીને તેઓ નક્કી કરશે કે શું કરવું. એનડીએનો હિસ્સો હોવા છતા પણ જીતેન્દ્રનાથ પટેલ સહિત રાષ્ટ્રીય લોકમોરચાના ઘણા નેતાઓએ વિધાનસભા ચૂંટણીમાં શેખપુરા અને બરબીધામાં એનડીએના ઉમેદવારોનો વિરોધ કર્યો હતો. જોકે આ બંને બેઠકો પર જેડીયુનો ઐતિહાસીક વિજય થયો હતો.

એમઇટી યુનિ.ની વિદ્યાર્થિનીને કારણે દેશની ખાનગી યુનિ.ઓ સંકટમાં

દેશની અલગ અલગ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને સુપ્રિમ કોર્ટે મોટુ દિશા સૂચન આપ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ને નિર્દેશ આપ્યો છે કે, એમની યુનિવર્સિટી કયારે સ્થપાઈ, એમનું બંધારણ શું છે અને એ વિશે નજર કોણ રાખે છે. સુપ્રિમ કોર્ટના જસ્ટીસ અહસાનુદ્દીન અમાનઉલ્લાહ અને જસ્ટીસ એન વી અંજારીયાની બેન્ચે એમઇટી યુનિવર્સિટી સાથે જોડાયેલા એક કેસ સંદર્ભે આ નિર્દેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું હતું કે દેશમાં જે રીતે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ વધી ગઈ છે એની ઉંડાણ પૂર્વક તપાસ થવી જરૂરી છે. આ કિસ્સો આયશા જૈન વિરુદ્ધ એમઇટી યુનિવર્સિટી સાથે જોડાયેલો છે. કોર્ટે પૂછયું છે કે ખાનગી યુનિવર્સિટીઓ કેવી રીતે બને છે? કયા કાયદા હેઠળ આવી યુનિવર્સિટીઓને ચલાવવાની મંજૂરી આપવામાં આવે છે?

ભારત શેખ હસિનાને બાંગ્લાદેશ ભેગા કરી દે એવી શક્યતા

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસિના સામે થયેલા બળવા પછી તેઓ ભાગીને ભારત આવી ગયા છે. બાંગ્લાદેશની કોર્ટે હમણા શેખ હસિનાને ફાંસીની સજા સંભળાવી છે. બાંગ્લાદેશે શેખ હસિનાના પ્રત્યાર્પણ માટે ભારત સરકાર પાસે માંગણી કરી છે. 

ભારત સરકારે હવે આ બાબતે કાયદાકીય અને ન્યાયીક જાણકારી મેળવવાની શરૂ કરી છે. વિદેશ મંત્રાલયે પહેલી વખત જાહેર કર્યું છે કે આ બાબતે આંતરીક રીતે કાયદાકીય અને ન્યાયીક પ્રક્રિયાની તપાસ કરવામાં આવી રહી છે તેમજ ભારત બાંગ્લાદેશના લોકોના હીતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. ૨૦૨૪ની પાંચમી ઓગસ્ટથી શેખ હસિના ભારતમાં રહે છે. શેખ હસિનાના સાથીદાર અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમા ખાન કમાલને પણ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટના ચુકાદા પછી બાંગ્લાદેશે ભારત પાસે આ બંનેનું પ્રત્યાર્પણ માંગ્યું છે.

મ.પ્રદેશમાં બીએલઓના સહાયક તરીકે ભાજપ - સંઘની નિમણૂકથી વિવાદ

મધ્યપ્રદેશ સહિત દેશના ૧૨ રાજ્યોમાં મતદાર યાદીના સુધારણા માટે એસઆઇઆરનું અભિયાન ચાલી રહ્યું છે. દતિયા જિલ્લામાં ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા ઘણા લોકોને એસઆઇઆર માટે બુથ લેવલ ઓફિસર્સ (બીએલઓ) તરીકે નિમવામાં આવ્યા છે. આ સંદર્ભે વિવાદ થયો ત્યારે સરકારી અધિકારીઓએ અજાણતા ભૂલ થઈ ગઈ હોવાનું રટણ કર્યું હતું. ત્યાર પછી આવા સહાયકોને દુર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બાબતે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ ચૂંટણીની રિવિઝનની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીએ સોશ્યલ મીડિયા પર એક લિસ્ટ મૂક્યું છે અને દાવો કર્યો છે કે, બીએલઓના સહાયક તરીકે ઓછામાં ઓછી ૪ વ્યક્તિઓ ભાજપની સભ્ય છે.