નવીદિલ્હી : રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના મહામંત્રી દત્તાત્રેય હોસબોલેએ એક મોટું નિવેદન આપ્યું છે. એમણે બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ જેવા શબ્દો દુર કરવાની માંગણી કરી છે. જોકે સંઘના કોઈ નેતાએ આવી કોઈ માંગણી કરી હોય એવું પહેલીવાર નથી બન્યું. બીજા કેટલાક નેતાઓ પણ સમયાંતરે આવી માંગણી કરે છે. સંઘના કાર્યકરોને સંબોધતા હોસબોલેએ કહ્યું હતું કે કટોકટી વખતે ઇન્દિરા ગાંધીએ બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ જેવા શબ્દો ઉમેર્યા હતા. શું આજના સમયમાં પણ એ શબ્દો રાખવા જરૂરી છે? હોસબોલેના કહેવા પ્રમાણે કોંગ્રેસે આ શબ્દો બંધારણની પ્રસ્તાવનામાં ઉમેરવા માટે માફી માંગવી જોઈએ.
'વન નેશન, વન ઇલેક્શન' સંદર્ભે ભૂતપૂર્વ સીજેઆઇની ટીપ્પણી
'વન નેશન, વન ઇલેક્શન'ના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે સંસદની જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટિ (જેપીસી) સમક્ષ પોતાનો અભિપ્રાય આપતી વખતે બંધારણ અને લોકશાહી બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને નાના અને સ્થાનિક રાજકીય પક્ષોને બીજા પક્ષો જેટલો જ મોકો મળે એ આવશ્યક હોવાનું એમણે કહ્યું હતું. જેપીસીની હવે પછીની બેઠક ૧૧મી જુલાઈએ છે જેમાં ભૂતપૂર્વ સીજેઆઇ જેએસ ખેહર અને ધનંજય ચંદ્રચુડ બંનેને આમંત્રણ અપાયું છે. દેશભરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઇ એ સંદર્ભે જેપીસીની રચના કરવામાં આવી છે. ૩૯ સભ્યોની જેપીસીના પ્રમુખ તરીકે ભાજપના નેતા પી પી ચૌધરી છે. ભૂતપૂર્વ સીજેઆઇ ચંદ્રચૂડએ સમિતિને લેખીત સૂચનો આપીને ચેતવણી આપી છે કે, એક સાથે ચૂંટણી કરવાથી વધુ સાધનો ધરાવતા રાષ્ટ્રીય પક્ષોને ફાયદો થશે. જ્યારે નાના અને સ્થાનિક પક્ષો માટે રાજકીય સ્પર્ધા અઘરી બનશે. સ્થાનિક રાજકીય પક્ષો હાંસિયા પર ધકેલાઈ જવાની શક્યતા છે.
લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપની નવી જાહેરાત
કુટુંબ અને પક્ષ માટે મુશ્કેલી બની ગયેલા તેજપ્રતાપ યાદવ હવે અલગ રીતે સત્તાને ચેલેન્જ કરી રહ્યા છે. જોકે હજી સુધી એમણે પોતાનો વિરોધ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને કે કેટલીક વ્યક્તિઓને વીડિયો કોલ કરવા સુધી સીમીત રાખ્યો છે. પોતાના સરકારી રહેઠાણે તેઓ એમના જે સાથીદારોને મળી રહ્યા છે એમાંથી મોટા ભાગના રાજકીય મિત્રો છે. આવી વ્યક્તિઓની રાજકીય મહત્વકાંક્ષા તેજપ્રતાપ યાદવને શાંતિથી બેસવા દેશે નહીં. તેજપ્રતાપએ હવે લોક દરબાર શરૂ કરવાનો નિર્ણય પણ લીધો છે. સોશ્યલ મીડિયા એક્સ પર એમણે લખ્યું છે કે લોકોની તકલીફોનું નિવારણ કરવા માટે તેઓ લોક દરબારનું આયોજન કરશે. બિહારના રાજકારણમાં આ રીતે લોક દરબાર બોલાવવાનો પ્રયોગ નવો છે.
સમાજવાદી પાર્ટી નહીં, ફક્ત અલ્લાહ પાસે આશા છે
સમાજવાદી પક્ષના ભૂતપૂર્વ નેતા આઝમ ખાન જેલમાં કેદ છે. એમના પત્ની એમને મળવા માટે સિતાપુર જેલમાં ગયા હતા. આઝમ ખાનના પત્ની તાનઝીમ ફાતિમા રાજ્ય સભાના ભૂતપૂર્વ સાંસદ છે. પુત્ર અદિ બાઝમ અને સપાના નેતા સાવેજ ખાન પણ એમની સાથે હતા. જેલમાં મુલાકાત માટે એમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આઝમ ખાનનો પરિવાર લગભગ ૩૦ મીનીટ સુધી એમને મળ્યો હતો. જેલની બહાર આવ્યા ત્યારે તાનઝીમ ફાતિમાએ સમાજવાદી પક્ષના નેતાઓ પર આડકતરા પ્રહાર કર્યા હતા. એમણે કહ્યું હતું કે, સમાજવાદી પક્ષના કોઈપણ નેતા આજ સુધી આઝમ ખાનને મળવા ગયા નથી. સમાજવાદી પક્ષ પાસેથી એમને કોઈ અપેક્ષા નથી. આઝમ ખાન જ્યારે સત્તામાં હતા ત્યારે ટીકીટ મેળવવા માટે એમની આસપાસ લોકોના ટોળા ભેગા થતા હતા. હવે ફક્ત અલ્લાહ પાસે જ આશા છે.
લુધિયાણા પેટા ચૂંટણીમાં આપને જીતાડવા કોંગ્રેસના નેતાઓએ મદદ કરી હતી
પંજાબના રાજકારણમાં ચાલતી વાત પ્રમાણે લુધિયાણાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડવા માટે કોંગ્રેસના એક સિનિયર નેતાએ આપ સાથે હાથ મેળવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ભારત ભૂષણ આસુને હરાવવા માટે મુખ્યમંત્રી ભગવંત માન સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતો. ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર પછી હવે કોંગ્રેસમાં જ અસંતોષ જોવા મળે છે. પંજાબ ભાજપના પ્રમુખ સુનીલ ચાખડએ આરોપ મૂક્યો છે કે, કોંગ્રેસના સિનિયર નેતાઓ આપ સાથે મળી ગયા હતા. ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર ભારત ભુષણ આસુને આપના ઉમેદવાર સંજીવ અરોરાએ ૧૦ હજાર મતોથી હરાવ્યા હતા. કોંગ્રેસના કેટલાક નેતાઓએ પંજાબના મુખ્યમંત્રી સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું.
મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યનો વાણી વિલાસ, મુખ્યમંત્રી લાલચોળ
મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય બબન રાવ લોનીકરે એક સભામાં વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે. એમણે કહ્યું હતું કે, એમના પક્ષ અને સરકારની ટીકા કરનારાઓને ખબર હોવી જોઈએ કે એમના કપડા, પગરખા, મોબાઇલ અને બીજા આર્થિક લાભો અમારે કારણે છે. બબન રાવની આ ટીપ્પણી પછી એમની ઘણી ટીકા થઈ છે. સરકારની વિવિધ યોજનાઓ વિશે બોલતા એમની જીભ કચરાઈ ગઈ હતી. એમના આ નિવેદનની મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ટીકા કરી છે. ફડણવીસે કહ્યું છે કે એમણે આ પ્રકારની વાતો કરવી જોઈએ નહીં. લોનીકરની ટીપ્પણીનો વિડિયો પણ મહારાષ્ટ્રમાં વાયરલ થયો છે. બબન રાવે ત્યાં સુધી કહ્યું હતું કે અમારી ટીકા કરનારની માતાઓને અમે પગાર આપ્યો છે અને એમના પિતાઓ માટે પેન્શન માન્ય કર્યું છે.
મુક્ત ગગનના ઉલ્લેખથી કોંગ્રેસ-થરૂર વચ્ચેની ખાઈ વધી
થરૂરના 'પંખ તમારા છે' થી લઈને કોંગ્રેસના 'મુક્ત પંખીએ પણ ગગનમાં ધ્યાન રાખવું પડે' જેવી ટિપ્પણીથી થિરુવનંથપુરમના સાંસદ શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે પંખી શબ્દયુદ્ધ ચાલુ થયું છે. વડા પ્રધાન મોદીની પ્રશંસાથી ચર્ચામાં રહેલા થરૂર શબ્દોની રમતમાં માહેર છે. તેમણે બુધવારે મુક્ત પંખીથી શરૂઆત કરી. બુધવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ થરૂર પર કટાક્ષ કરતા કહ્યું કે તેમનો પક્ષ દેશ પ્રથમમાં માને છે પણ કેટલાક લોકો મોદી પ્રથમ અને દેશ પછીમાં માને છે. થરૂરે તુરંત સાંકેતિક પોસ્ટ કરતા લખ્યું કે ઉડવા માટે મંજૂરી ન માગશો. પાંખો તમારી છે અને ગગન પર કોઈની માલિકી નથી. આ પોસ્ટનો અર્થ થરૂર પોતાની મનમાની કરશે એવું માનવામા આવ્યું. એક દિવસ પછી કોંગ્રેસની વ્હીપે લોકસભામાં પ્રતિસાદ આપ્યો કે ઉડવા માટે મંજૂરી નહિ માગતા. પંખીઓને છૂટની જરૂર નથી. પણ આજના સમયમાં મુક્ત પંખીએ પણ ગગનમાં બાજ અને શકરાથી બચતા રહેવું પડે છે. સ્વતંત્રતા મફત નથી મળતી, ખાસ કરીને શિકારીઓ જ્યારે દેશભક્તિનો આંચળો પહેરીને ફરતા હોય છે. શબ્દોની આ રમત વચ્ચે થરૂર ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે તેવો ગણગણાટ શરૂ થયો છે.
ગિરિરાજનો લાલુ પર કટાક્ષ, પહેલા ઘર સંભાળો પછી બિહાર
આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ પર કટાક્ષ કરતા ભાજપના કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહએ જણાવ્યું કે પારિવારીક સમસ્યા સાથે ઝઝૂમી રહેલા લાલુ પ્રસાદ બિહારના મુખ્ય મંત્રી બનવાના સ્વપ્ન જોઈ રહ્યા છે. ગિરિરાજે દાવો કર્યો કે બિહારમાં એનડીએ ફરી નિતિશ કુમારની આગેવાની હેઠળ સરકાર બનાવશે. તેમના મતે લાલુ વાસ્તવિક્તાથી દૂર છે. તેમના જ પુત્રએ તેમની સામે બળવો કર્યો છે. ગિરિરાજે આરોપ લગાવ્યો કે કટોકટી દરમ્યાન કોંગ્રેસે લોકશાહીની હત્યા કરી હતી. ઉપરાંત તેમણે ઝારખંડ સરકાર પર બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશ્રય આપવાનો આરોપ પણ લગાવ્યો.
ડિજિટલ કોપીની રાહુલ ગાંધીની માગણી માત્ર સ્ટન્ટ
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી ચૂંટણી પંચ પાસેથી સતત મશિનમાં વાંચી શકાય તેવી ૨૦૨૪ માટેની મતદાર યાદીની ડિજિટલ નકલ માગી રહ્યા છે. જો કે કાનૂની નિષ્ણાંતોના મતે આ માગણી કાયદેસરની નથી. તેમણે સ્પષ્ટતા કરી કે અગાઉ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની તરફેણમાં આ બાબતની પતાવટ કરી હતી. તેમના મતે રાહુલની સતત મશિનમાં વાંચી શકાય તેવી ડિજિટલ નકલોની માગણી પબ્લિસિટિ સ્ટન્ટ સિવાય કંઈ જ નથી, જ્યારે સર્વોચ્ચ અદાલતે આ માગણી અગાઉ ઠૂકરાવી દીધી છે. ૨૦૧૮માં કોંગ્રેસી નેતા કમલ નાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મતદાર યાદીની સોફ્ટ કોપી ટેક્સ્ટ ફોર્મેટમાં માગી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મતદાર યાદી અરજદારને અગાઉથી જ આપવામાં આવી છે.
ચૂંટણી પંચ સામેના સંઘર્ષમાં મમતાની આગેવાની
ગુરુવારે મુખ્ય વિપક્ષોએ મતદાર યાદીમાં સઘન સુધારા માટે બિહારથી શરૂ થનારા ઘેર ઘેર અભિયાન યોજવાના ચૂંટણી પંચના નિર્ણયનો વિરોધ કર્યો હતો. પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું કે આ પગલુ એનઆરસી કરતા પણ વધુ જોખમી છે. તેમના મતે આ પ્રક્રિયાના મતે બ્લોક લેવલના અધિકારીઓ લોકોના ઘરની મુલાકાત લેશે, તેમને ફોર્મ ભરવા માર્ગદર્શન આપશે અને તેમની પાસેથી દસ્તાવેજો એકત્ર કરશે. બિહારમાં આ વર્ષના અંતે ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે વિપક્ષી ગઠબંધને જોરદાર વિરોધ કરવાનો સંકેત આપ્યો છે અને જણાવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણપણે અવ્યવહારુ છે અને તેનાથી જરૂરી દસ્તાવેજો નહિ આપી શકનારા હજારો લોકોના નામ મતદાર યાદીમાંથી નીકળી જશે. મમતાએ કહ્યું કે મને આ પગલાની આડથી એનઆરસી લાગુ થતી હોવાનો વહેમ આવે છે.
- ઈન્દર સાહની


