નવીદિલ્હી : ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે બાંગ્લાદેશના લશ્કરે એક મોટું પગલું લીધું છે. બાંગ્લાદેશ લશ્કરે એક બ્રિગેડ સહિત ત્રણ સ્પેશિયલ પેરા કમાન્ડો યુનિટ બનાવવાની શરૂઆત કરી છે. બાંગ્લાદેશના સશસ્ત્ર ડીવીઝને આ બાબતે પ્રસ્તાવ તૈયાર કરીને મંજૂરી માટે રક્ષામંત્રાલય અને મુખ્ય સલાહકાર મોહમદની ઓફિસે મોકલ્યો છે. બાંગ્લાદેશ લશ્કરે આ બાબતે બે દિવસના સંમેલનમાં ચર્ચા કરી હતી. બાંગ્લાદેશ લશ્કરના પ્રમુખ જનરલ વકાર - ઉઝ - જમાત રંગપુર ખાતે આવેલા ૬૬માં ઇનફેંટરી ડીવીઝનની મુલાકાતે જશે. પાંચમી જાન્યુઆરીએ ૮ પાનાનો એક ખાનગી દસ્તાવેજ લશ્કરના ટોપના અધિકારીને સરક્યુલેટ કરવામાં આવ્યો હતો. ટોચના લશ્કરી અધિકારીઓએ એવો નિર્ણય કર્યો હતો કે હવે તેઓ પોતાના કેડેટને તાલીમ માટે ભારત નહીં મોકલે. બાંગ્લાદેશનું લશ્કર ભારત અને રશિયાના સંબંધો નબળા કઈ રીતે કરવા એનું આયોજન કરે છે. નવાઇની વાત એ છે કે, બાંગ્લાદેશ જેવો ટચૂકડો દેશ ભારતને આંખો દેખાડી રહ્યો છે અને ભારત તરફથી કોઈ પ્રત્યાઘાત આવતા નથી.
દાવોસ પ્રવાસ મુદ્દે સંજય રાઉત અને અમૃતા ફડણવીસ સામસામે
દાવોસ ખાતે યોજાયેલા સંમેલનમાં ભાગ લેવા માટે ગયેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સહિત બીજા નેતાઓના ખર્ચ જાહેર કરવાની માંગણી શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કરી હતી. એમણે ટોણો મારતા કહ્યું હતું કે, કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ દાવોસમાં પિકનીક માણી રહ્યા છે. સંજય રાઉતની આ ટીકાનો જવાબ મહારાષ્ટ્ર ભાજપના નેતાઓએ આપ્યો નથી, પરંતુ દેવેન્દ્ર ફડણવીસના બચાવમાં એમના પત્ની અમૃતા ફડણવીસ આવ્યા છે. અમૃતાએ સંજયને વળતો જવાબ આપતા કહ્યું હતું કે મારા પતિ પિકનીક માટે દાવોસ નથી ગયા. કોઈ વ્યક્તિ વિદેશ ફરવા જાય છે ત્યારે એ મહારાષ્ટ્ર અને ભારત માટે રોકાણ કરવા અને રોજગાર વધારવા માટે કામ નથી કરતા. દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના વિકાસ માટે રોજ સવારે ૬ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી કામ કરે છે.
યુજીસી વિવાદમાં હવે કુમાર વિશ્વાસ પણ કુદ્યા
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ બનાવેલા નવા નિયમોનો વિવાદ દેશભરમાં થઈ રહ્યો છે. નવા કાયદાનો ઉપયોગ સવર્ણો વિરુદ્ધ થવાને કારણે ભાજપ સરકારની ટીકા થઈ રહી છે અને ભાજપ માટે એક તરફ કુવો તો બીજી તરફ ખાઈ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે. દિલ્હીના યુજીસી હેડક્વાર્ટર સામે દેખાવો થઈ રહ્યા છે. હવે કવિ અને પ્રવચનકાર કુમાર વિશ્વાસે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. નવા નિયમને કારણે કુમાર વિશ્વાસ ખુદ દુખી થઈ ગયા છે. એમણે ફેસબુક પર એક પોસ્ટ મુકી છે જેમાં લખ્યું છે કે હું એક કમનસીબ સવર્ણ છું. કુમાર વિશ્વાસે પોતાની પોસ્ટમાં રમેશ રંજન મિશ્રની કવિતા મુકી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, 'ચાહે તીલ લો યા તાડ લો રાજા, રાય લો યા પહાડ લો રાજા, મેં અભાગા સવર્ણ હું, મેરા, રૌયા-રૌયા ઉખાડ લો રાજા.'
શું થરૂર કોંગ્રેસ છોડીને સીપીઆઇએમમાં જોડાશે?
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના સાંસદ શશી થરૂરની કોંગ્રેસ પ્રત્યેની વફાદારી શંકામાં છે. ઓપરેશન સિંદુર પછી સરકારે વિદેશ મોકલેલા સાંસદોમાં શશી થરૂર પણ હતા. એ વખતે શશી થરૂરે પેટ ભરીને નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. થરૂરના મોદી પ્રત્યેના કુણા વલણને કારણે રાહુલ ગાંધી ખુબ નારાજ થયા હતા અને થરૂરને અવગણવાના શરૂ કર્યા હતા. એમ લાગતું હતું કે શશી થરૂર કદાચ કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડે, જોકે હવે એક નવી જ વાત રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. તિરૂવનતપુરમના સાંસદ લીટરેચર ફેસ્ટીવલમાં હાજરી આપવા દુબઈ ગયા હતા એ વખતે તેઓ સીપીઆઇએમના કેટલાક સિનિયર નેતાઓને મળ્યા હતા. એવી વાત ચાલી રહી છે કે તેઓ કોંગ્રેસ છોડીને સામ્યવાદી પક્ષોના ગઠબંધન લેફ્ટ ડેમોક્રેટીક ફ્રન્ટ (એલડીએફ)માં જોડાશે. જોકે કેરળ સીપીઆઇએમના મંત્રી એમવી ગોવિંદને આ સમાચારો નકાર્યા છે અને સંપૂર્ણ રીતે આધાર વગરના બતાવ્યા છે. શશી થરૂરે જોકે મગનું નામ મરી પાડયું નથી.
પ્રજાસત્તાક દિવસે પહેલી વખત યુરોપિયન યુનિયનને આમંત્રણ શા માટે મળ્યું
ભૂતકાળમાં ભારતે પ્રજાસત્તાક દિવસે જે દેશના નેતાઓને આમંત્રણ આપ્યું છે એ દેશ સાથે અગત્યના કરાર કર્યા છે. ૨૦૧૫માં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પ્રજાસત્તાક દિવસે મુખ્ય મહેમાન બન્યા હતા એ વખતે અમેરિકાએ ભારતને મેજર ડિફેન્સ પાર્ટનર જાહેર કર્યું હતું. ૭૭મા પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ભાજપે યુરોપિયન યુનિયનના ટોચના બે નેતાઓને ચીફ ગેસ્ટ બનાવ્યા હતા. યુરોપિયન યુનિયન કોઈ એક દેશ માટે નહીં પરંતુ ૨૭ દેશોના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. ભારતે બે ટોચના નેતાઓને બોલાવીને યુરોપ સાથે સંબંધ વધારવાનો પ્રયત્ન કર્યો છે. આ નેતાઓને મુખ્ય મહેમાન તરીકે બોલાવવાના ભારતના કેટલાક હેતુ હોઈ શકે છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ૧૮ વર્ષની ચર્ચા પછી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બનશે. આ એગ્રીમેન્ટને 'મધર ઓફ ઓલ ડીલ્સ' ગણાવાય છે.
રામ મંદિર પરિસરમાં હવે ઉપમંદિરો પણ બનશે
અયોધ્યામાં રામ મંદિર બન્યા પછી શ્રદ્ધાળુઓનો પ્રવાહ ખૂબ વધ્યો છે. ભાજપે પણ મંદિર નિર્માણની કામગીરીમાંથી પૂરતો રાજકીય લાભ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. હવે રામ મંદિરમાં ૫૦ નવા પૂજારીઓની ભરતી કરવામાં આવશે. રામ મંદિરના પરિસરમાં કેટલાક ઉપમંદિરો બની રહ્યા છે એમાં દર્શન વ્યવસ્થા શરૂ કરતા પહેલા પૂજારીઓની ભરતી થવી જરૂરી છે. રામ મંદિરમાં સમય જતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે અને પૂજા-અર્ચના કરનારાઓ પહોંચી વળી શકતા નથી. એમ કહેવાય છે કે જે પૂજારીઓ વૈદીક પરંપરાઓમાં નિષ્ણાત હશે એમની નિમણૂક કરવામાં આવશે અને રામ મંદિરની ધાર્મિક મર્યાદાઓ અને પરંપાર અનુસાર એમને કામગીરી સોંપવામાં આવશે. રામ મંદિરમાં હમણા ૨૦ પૂજારીઓ કામ કરી રહ્યા છે. આ પૂજારીઓ પાસે રામલલ્લા તેમજ રામ દરબાર ઉપરાંત શેષાવતાર, પરકોટેના છ મંદિરો અને યજ્ઞામંડપ, સપ્તમંડપમ, કુબેરેશ્વર મહાદેવ મંદિરની જવાબદારી છે. બીજા મંદિરોમાં દર્શનની શરૂઆત કરાતા પહેલા મંદિરોમાં પૂજારીઓ ત્રણ શીફ્ટમાં કામ કરે એની તૈયારી થઈ રહી છે.
કેરળ સરકાર કેન્દ્રના નવા લેબર કોડનો વિરોધ કરશે
કેરળના શ્રમમંત્રી વિ. શિવનકુટ્ટીએ કેન્દ્ર સરકારની નિતિઓને મજૂર વિરોધી ગણાવી છે. કેન્દ્ર સરકારે બનાવેલા નવા લેબર કોડ રદ કરવા માટે કેરળ વિધાનસભામાં માંગણી કરવામાં આવી હતી. કેરળ વિધાનસભામાં આ બાબતે સીપીઆઇએમના ધારાસભ્ય પી નંદકુમારએ સવાલ કર્યો હતો. એમણે કહ્યું હતું કે નવા નિયમો નોકરીની સુરક્ષા પૂરી કરશે નહીં અને આ નવા નિયમો વળતરની શરતોનો ભંગ કરે છે. શિવનકુટ્ટીએ ધારાસભ્યના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે કેરળ સરકાર મજૂરો વિરુદ્ધના કોઈપણ પગલાનો સ્વિકાર કરશે નહીં. કેરળ સરકાર આ મામલે અભ્યાસ કરવા માટે એક કમિટિ પણ બનાવશે. ૨૭ મુખ્ય શ્રમકાયદાઓને ભેગા કરીને બનાવવામાં આવેલા ૪ શ્રમ કોડ શ્રમિકોને બદલે કોર્પોરેટના હીતની રક્ષા કરે છે.


