નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે ગયા ત્યારે એમના સત્કારથી માંડીને તેઓ પરત ફર્યા ત્યા સુધી ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સતત એમની સાથે અતિ પ્રેમાળ વ્યવહાર કર્યો હતો. બંને નેતાઓના ટયુનીંગની નોંધ વિશ્વ આખામાં લેવાઈ છે. નેતન્યાહુએ વડાપ્રધાન મોદીને મિત્ર કરતા વધારે ભાઈ ગણાવ્યા હતા. વિશ્લેષકોનું માનવું છે કે નેતન્યાહુ જ્યારે સંસદમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે એવું બતાવવાની કોશિષ કરતા હતા કે, ભારત સાથે એમનો સંબંધ ફક્ત આપ-લેનો નથી. જ્યારે આજે વિશ્વના જીઓપોલીટીક્સમાં અનિશ્ચિત્તા છે ત્યારે નેતન્યાહુએ એવો મેસેજ આપવાની કોશિષ કરી હતી કે, ભારત સાથે ઇઝરાયલનો સંબંધ લાગણીનો પણ છે. એવો સંદેશો પણ આપવામાં આવ્યો હતો કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભલે બદલાવ આવતો રહે, પરંતુ ભારત અને ઇઝરાયલ એકબીજાને પડખે ઉભા રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં ઇઝરાયલમાં ચૂંટણી થવાની છે. નેતન્યાહુ એવું બતાવવા માંગતા હતા કે એમના નેતૃત્વમાં ઇઝરાયલ વિશ્વના બીજા દેશોથી અલગ નથી પડી ગયું.
કેજરીવાલને કોર્ટે નિર્દોષ જાહેર કરતા વિરોધ પક્ષોએ શું કહ્યું
લીકર સ્કેમ બાબતે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓ સામે કેસ દાખલ થયા હતા. દિલ્હીની કોર્ટે હવે સીબીઆઇને ઠપકો આપીને તમામને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટની આ જાહેરાત પછી વિરોધપક્ષના નેતાઓએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તામીલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીનએ કહ્યું હતું કે, 'કેન્દ્રની ભાજપ સરકારે રાજકારણ માટે તપાસ એજન્સીઓની શાખ દાવ પર લગાડવી જોઈએ નહીં. થોડી તો શરમ રાખો' બિહારના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવએ આરોપ મૂક્યો હતો કે કેન્દ્ર સરકાર એજન્સીઓનો દુરઉપયોગ કરે છે. એમણે કહ્યું હતું કે, 'રાજકીય બદલો લેવા માટે વિરોધ પક્ષના નેતાઓ સામે ખોટા કેસ દાખલ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે તપાસ એજન્સીઓનો દુરઉપયોગ કરે છે.' તૃણમુલ કોંગ્રેસના સાંસદ મોહવા મૌઇત્રાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે સત્યમેવ જયતે. ભાજપએ હવે સુધરવું જોઈએ.
સુનેત્રા પવાર એનસીપી (અજીત પવાર)ના રાષ્ટ્રીય પ્રમુખ
એનસીપી (અજીત પવાર)ના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અજીત પવારના અકાળે થયેલા અવસાન પછી એવી શંકા હતી કે એનસીપી (અજીત પવાર) વેરવિખેર થઈ જશે. જોકે પ્રફુલ પટેલ સહિત એનસીપીના સિનિયર નેતાઓએ પરિવારવાદની ટીકાનો સામનો કરીને પણ અજીત પવારના પત્ની સુનેત્રા પવારને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે સુનેત્રા પવારને જ એનસીપી (અજીત પવાર)ના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવ્યા છે. મુંબઈના વરલી ડોમમાં મળેલી હાઇપ્રોફાઇલ મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રફુલ પટેલએ એમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને કહ્યું હતું કે, હમણાના વાતાવરણમાં પક્ષને એક રાખવા સંવેદનશીલ નેતૃત્વની આવશ્યકતા છે કે જેનાથી કાર્યકર્તાઓ એક રહી શકે. અજીત પવારના પુત્ર પાર્થ પવારને એનસીપી રાજ્ય સભામાં મોકલશે એ પણ નક્કી થઈ ગયું છે.
સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રીની તપાસ થશે
કોઈપણ કોર્ટમાં રજીસ્ટ્રી ખુબ મહત્વની ગણાય છે. કેસના નંબર ઉપરાંત કેસ કઈ બેન્ચ સમક્ષ મુકવો એ સત્તા પણ રજીસ્ટાર પાસે હોય છે. હવે સુપ્રિમ કોર્ટમાં એક કિસ્સામાં બહાર આવેલી વિગતો પછી સીજેઆઇ સૂર્યકાંત નારાજ થઈ ગયા છે. એમણે કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટે રજીસ્ટ્રીના કામકાજની તપાસ કરવામાં આવે. રજીસ્ટ્રીના કેટલાક અધિકારીઓ પોતાની મરજી મુજબ કામ કરી રહ્યા છે. સીજેઆઇએ કહ્યું હતું કે એમને જાણીને આશ્ચર્ય થયું કે, ત્રણ જજોની બેન્ચે ફગાવી દીધેલી એક અરજી પાછળથી બીજી બેન્ચ સમક્ષ મૂકવામાં આવી હતી. સીજેઆઇએ કહ્યું હતું કે, 'રજીસ્ટ્રીમાં કેટલાક અધિકારીઓ એવા છે કે જે છેલ્લા ૨૦-૩૦ વર્ષોથી એક જ જગ્યાએ છે. તેઓ માને છે કે અમે (જજો) કામચલાઉ છીએ જ્યારે તેઓ સ્થાયી છે. તેઓ એમ માને છે કે બધુ એમની મરજી પ્રમાણે થવું જોઈએ. જો હું આ પદ્ધતિ સુધારીશ નહીં તો મે મારી ફરજ યોગ્ય રીતે નિભાવી નથી એમ કહેવાશે.'
ઓડીશા રાજ્યસભા ચૂંટણીના પરિણામો પર બધાની નજર
રાજ્યસભાની ચાર બેઠકો માટે ઓડીશામાં ચૂંટણી થવાની છે. ચૂંટણીની જાહેરાત થતા જ રાજકીય ગરમી વધી ગઈ છે. બીજુ જનતા દળ (બીજેડી)ના સાંસદ સસ્મિત પાત્રાએ એક સાથે છ નામાંકન પત્ર મેળવવાથી ઘણાને આશ્ચર્ય થયું છે. પક્ષની રણનીતિ બાબતે પણ ચર્ચા થઈ રહી છે. ૧૪૭ ધારાસભ્યોવાળી વિધાનસભા ના આંકડાની ગણતરી કરીએ તો બીજેડી એક બેઠક ચોક્કસ જીતશે. ભાજપની જીત બે બેઠકો પર નક્કી છે. ચોથી બેઠક માટે કોઈ પણ પક્ષ પાસે જરૂરી ૩૦ પસંદગીના મત નથી. ભાજપ પાસે ૭૯ ધારાસભ્ય છે અને એમને ૩ અપક્ષ ધારાસભ્યનો ટેકો છે. આમ કુલ ૮૨ ધારાસભ્યો ગણીએ તો ત્રીજી બેઠક જીતવા માટે જરૂરી આંકડા કરતા ૮ ઓછા છે.
રાજબોગશી મતબેંક પર પ્રભાવ ધરાવતા સ્વપ્ના બર્મન ટીએમસીમાં
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરનાર હેપ્ટાથલોન એથ્લેટ સ્વપના બર્મન તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા છે. તોએ પક્ષના મુખ્ય કાર્યાલયમાં મંત્રી બ્રાત્ય બશુ અને ચંદ્રીમા ભટ્ટાચાર્યની હાજરીમાં તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા હતા. બર્મનએ ૨૦૧૮ની એશિયાઇ રમતોત્સવમાં હેપ્ટાથલોન સુવર્ણચંદ્રક જીત્યો હતો. ૨૦૧૪ના એશિયાઇ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં પણ એમણે હેપ્ટાથલોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેઓ ઉત્તર બંગાળના રાજબોગશી સંપ્રદાયના છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે તૃણમુલ કોંગ્રેસ માટે આ પગલું ફાયદાકારક રહેશે. રાજબોગશી સંપ્રદાયનું ખુબ મહત્વ છે. ઉત્તર બંગાળમાં એ મહત્ત્વની વોટબેંક ગણાય છે. ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ બંને ઉત્તર બંગાળમાં રાજબોગશી સંપ્રદાયને પોતાની તરફ કરવાની કોશિષ કરે છે. કુચ બિહાર, જલપાઇ ગુડી, દાર્જીલીંગ, માલદા અને મુર્શીદાબાદ જિલ્લામાં આ સંપ્રદાયની વસ્તિ ઘણી છે.
'કેરાલા સ્ટોરી-૨' ફિલ્મનો વિવાદ, ફિલ્મ રીલીઝ થશે ખરી?
કેરાલા સ્ટોરીની સફળતા પછી એના નિર્માતાઓએ કેરાલા સ્ટોરી-૨ બનાવી છે. ફિલ્મમાં લવજેહાદની વાત છે. ફિલ્મને કારણે સમાજમાં અશાંતિ ઉભી થવાના ડરનું કારણ આગળ કરીને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની અરજી કેરળ હાઈકોર્ટમાં થઈ હતી. કેરળ હાઇકોર્ટના સિગલ જજએ ફિલ્મ પર ૧૫ દિવસનો પ્રતિબંધ મૂક્યો હતો. હવે આ હુકમ સામે ફિલ્મના નિર્માતાઓએ કેરળ હાઇકોર્ટની બેન્ચ સામે અપીલ કરી છે. જસ્ટીસ સુશ્રૃત અરવિંદ ધર્માધિકારી અને જસ્ટીસ પીબી બાલકૃષ્ણનની બેન્ચે કહ્યું હતું કે, ફિલ્મના સર્ટિફિકેશનને ચેલેન્જ કરનારી અરજી જાહેર હીતની અરજી હોય એવી લાગે છે. એમણે સવાલ કર્યો હતો કે સિગલ જજએ કયા આધારે એનો સ્વિકાર કર્યો હતો. નિર્માતાઓએ સ્ટે ઓર્ડર મળ્યા પછીના થોડા કલાકોમાં જ અપીલ દાખલ કરી હતી. બેન્ચે રાત્રે ૮ વાગે સુનાવણી શરૂ કરી હતી. તત્કાળ રાહતની માંગણી કરતા નિર્માતાઓના વકીલે દલીલ કરી હતી કે, જો ફિલ્મની રિલિઝ સમયસર નહીં કરવામાં આવે તો પાયરસી રોકવી મુશ્કેલ થશે. ફિલ્મના પહેલા ભાગમાં સામાજીક ખામી બતાવવામાં આવી હતી એની જ આ સિક્વલ છે.


