નવીદિલ્હી : થોડા દિવસો પહેલા દેશની અગ્રીમ વિમાન સેવા કંપની ઇન્ડીગોની એક સાથે કેન્સલ થયેલી ફલાઇટોને કારણે દેશમાં અફરાતફરી થઈ ગઈ હતી. સરકારના માથે માછલા ધોવાયા હતા. સરકાર અંધારામાં જ રહી હતી. સંકટ પરથી લોકોનું ધ્યાન હટાવવા સરકારે વિવાદની તપાસ ડીજીસીએને સોંપી દીધી હતી. હવે ડીજીસીએના ચાર સભ્યોની કમીટીએ તપાસ રીપોર્ટ સંબંધી અધિકારીઓને આપી દીધો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ રીપોર્ટ દિલ્હી હાઇકોર્ટને સીલ બંધ કવરમાં આપી દેવામાં આવ્યો છે. આ કમીટીનું નેતૃત્વ જનરલ સંજય કે બ્રહ્માણએ કર્યું હતું. આ તપાસ અહેવાલ ૧૫ દિવસોમાં સોંપી દેવાનો હતો, પરંતુ કિસ્સાની ગંભીરતા જોતા તપાસની અવધી ચાર દિવસ લંબાવવામાં આવી હતી. કમીટીએ ફલાઇટો કેન્સલ થવાના કારણો તેમજ કર્મચારીઓની અછત બાબતે તપાસ કરી હતી. આ રીપોર્ટ હજી સુધી સામાન્ય જનતા અને મીડિયાથી ગુપ્ત રાખવામાં આવ્યો છે.
પૂર્વ આઇપીએસ અમિતાભ જજને જવાબો આપી શક્યા નહીં
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ આઇપીએસ અમિતાભ ઠાકુર સામે લગભગ દરેક પક્ષના નેતાઓને વાંધો છે. ચીટીંગના કેસમાં હમણા તેઓ જેલમાં છે. જામીન માટે એમણે કોઈ વકીલ રોકવાને બદલે કોર્ટમાં પોતે જ દલીલો કરી હતી. કોર્ટમાં દલીલ દરમિયાન જજે પૂછેલા કેટલાક અગત્યના સવાલના જવાબો તેઓ આપી શક્યા નહોતા. તેઓ જેલમાં હતા ત્યારે વિડિયો કોન્ફરસીંગ દ્વારા એમણે જિલ્લા મેજીસ્ટ્રેટને વિનંતી કરી હતી કે, તેઓ જામીન માટે પોતે જ રજુઆત કરવા માંગે છે. આ વિનંતીને માન્ય રાખીને કોર્ટે જિલ્લા જેલના અધિકારીને એમને હાજર રાખવા કહ્યું હતું. કોર્ટ સમક્ષ અમિતાભ ઠાકુરે રજૂઆત કરી હતી કે, એક જ ગુના બાબતે એમની સામે બે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી જે પોલીસની માનસીકતા બતાવે છે. એમણે કહ્યું હતું કે, થયેલી છેતરપીંડીથી એમને કોઈ લાભ મળ્યો નથી. જે જમીન બાબતે વિવાદ થયો છે એ જમીન ખરીદનારને કોઈ વાંધો નથી.
શેખ હસીનાનો વિરોધ કરવા બનેલી એનસીપીમાંથી સામુહીક રાજીનામા
બાંગ્લાદેશમાં આવતા વર્ષે ૧૨મી ફેબુ્રઆરીએ સામાન્ય ચૂંટણી થવાની છે. આ ચૂંટણી માટે નેશનલ સીટીઝન પાર્ટી (એનસીપી) જમાત-એ-ઇસ્લામી સાથે બેઠકોની વહેંચણી બાબતે ચર્ચા કરી રહી છે. પક્ષના કેટલાક નેતાઓએ પક્ષના ખોટા નિર્ણયોનો આરોપ મુકીને પક્ષમાંથી સામૂહિક રાજીનામા આપ્યા છે. જમાત સાથે ચૂંટણી માટે ગઠબંધન કરવાને કારણે પક્ષમાંથી વધુ નેતાઓ રાજીનામા આપી શકે એમ છે. રાજકીય વિશ્લેશકોનું માનવું છે કે, એનસીપીએ પહેલા ૩૦૦ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવાની વાત કરીને તેમ જ ચૂંટણીમાં જીત મેળવી સરકાર બનાવવાનો દાવો કરીને પોતાનો આત્મવિશ્વાસ બતાવ્યો હતો. જોકે ત્યાર પછી એકાએક જૂની રાજકીય શક્તિ સાથે ગઠબંધન કરીને પોતાની ઇમેજ ખરાબ કરી છે. એનસીપીના કેટલાક નેતાઓનું જોકે કહેવું છે કે, ચૂંટણીમાં ગઠબંધન વિશે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
બ્રિટીશ એમ્બેસેડરને પાકિસ્તાનનું તેડુ
પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદમાં બ્રિટનના એમ્બેસેડરને વિદેશ મંત્રાલયની ઓફિસે બોલાવ્યા હતા. બ્રિટનના બ્રેડફોર્ડમાં પાકિસ્તાનની એમ્બેસી સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું ત્યારે પાકિસ્તાની નાગરીક અને સૈન્યના નેતૃત્વ વિરુદ્ધ નારાઓ બોલવામાં આવ્યા હતા. આ ઘટના પાકિસ્તાન સરકારને પસંદ આવી નહોતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહીર અંદ્રાબીએ બ્રિટીશ એમ્બેસેડરને વિરોધપત્ર આપ્યો હતો. આ પત્રમાં પાકિસ્તાને બ્રિટનને વિનંતી કરી હતી કે, બ્રિટન એમના દેશની જમીનનો ઉપયોગ પાકિસ્તાનના વિરોધ માટે નહીં કરવા દે. પાકિસ્તાનની આ માગણીને કારણે ઘણાને આશ્ચર્ય થયું છે. પાકિસ્તાનસ્થિત આતંકવાદીઓ પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ બીજા દેશમાં આતંક ફેલાવવા કરે છે. ઓસામા બીન લાદેનને પણ પાકિસ્તાને જ આશ્રય આપ્યો હતો. હવે પાકિસ્તાનના પગ નીચે રેલો આવ્યો છે ત્યારે પવિત્ર ગાય હોવાનો દેખાડો કરે છે.
60 વર્ષ જૂના નહેરુ સ્ટેડિયમને તોડવાની મંજૂરીથી વિવાદ
આસામના રમત-ગમત ઇતિહાસના સૌથી જૂનું નહેરૂ સ્ટેડિયમ હવે ઇતિહાસ બનવાની તૈયારીમાં છે. ૬૦ વર્ષ સુધી આ સ્ટેડિયમમાં રાજ્યની મુખ્ય રમત-ગમતોનું આયોજન થતું હતું. હવે રી-ડેવલપમેન્ટ માટે નહેરૂ સ્ટેડિયમને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવશે. આસામ કેબીનેટે ગૌહટ્ટીના નહેરૂ સ્ટેડિયમને ફીફા અને ઓલોમ્પિક સ્ટાન્ડર્ડ ફૂટબોલ સ્ટેડિયમ બનાવવાની મંજૂરી આપી દીધી છે. સરકારના કહેવા પ્રમાણે આ સ્ટેડિયમ એટલા માટે તોડી પાડવામાં આવશે કે નવું આધુનિક વિશ્વ કક્ષાનું સ્ટેડિયમ બનાવી શકાય. રી-ડેવલપમેન્ટ માટે ૭૬૫ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. એવી પણ વાત છે કે સ્ટેડિયમનું નામ હવે નહેરૂ સ્ટેડિયમ નહીં રખાય. વિરોધ પક્ષો માની રહ્યા છે કે, ભાજપ સરકાર નહેરૂનું નામ ભૂલાવવા માંગતી હોવાથી સ્ટેડિયમનું રી-ડેવલપમેન્ટ કરી રહી છે.
ખાપ પંચાયતનું વિચિત્ર ફરમાન, સ્માર્ટ ફોન, ટુંકી ચડ્ડી પર પ્રતિબંધ
ઉત્તર પ્રદેશ અને હરિયાણાની કેટલીક ખાપ પંચાયતો વારંવાર ફતવા બહાર પાડતી રહે છે. આ ખાપ પંચાયતોના કેટલાક નિર્ણયોને કારણે હંમેશા વિવાદ થયો છે. સરકારો પણ આ ખાપ પંચાયતોને નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ ગઈ છે. ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાની ખાપ પંચાયતે કિશોરો માટે સ્માર્ટ ફોન અને છોકરા-છોકરી બંને માટે હાફ પેન્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પગલાને પંચાયતે પશ્ચિમ દેશોના પ્રભાવ અને સાંસ્કૃતિક મૂલ્યોની રક્ષા માટે જરૂરી બતાવ્યો હતો. ખાપ પંચાયતે લગ્નો માટે પણ નવી ગાઇડલાઇન બહાર પાડી છે. પંચાયતની ગાઇડલાઇન પ્રમાણે વિવાહ સમારોહ હવે ફક્ત ગામ અથવા ઘરમાં આયોજીત કરવા પડશે. એટલે કે મેરેજ હોલમાં આ સમારોહ રાખી શકાશે નહીં. ખર્ચ ઓછો કરવા માટે મર્યાદિત સંખ્યામાં મહેમાનોને બોલાવી શકાશે.
સોમાલિયામાં સોમાલિલેન્ડને ઇઝરાયેલી માન્યતાથી બબાલ
સોમાલિયાથી અલગ થનાર સોમાલિલેન્ડને અલગ દેશ તરીકે માન્યતા આપનાર ઇઝરાઇલ પહેલો દેશ બન્યો છે. ઇઝરાઇલના વડાપ્રધાન નેતન્યાહુએ આ બાબતે સોશ્યલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં કહ્યું છે કે, ઇઝરાઇલ ખેતી, આરોગ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં સોમાલિલેન્ડ સાથે સહકારની આપ લે કરશે. સોમાલિલેન્ડના રાષ્ટ્રપતિ અબ્દુલ રહેમાન મોહમદ અબ્દુલ્લાહીએ આ ઘટનાને એક ઐતિહાસીક ક્ષણ ગણાવી છે. સોમાલિલેન્ડની ઇચ્છા અબ્રાહમ એકોર્ડમાં દાખલ થવાની છે. આ બાબતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જણાવવામાં આવશે. ઇઝરાઇલ સાથે જે મુસ્લિમ દેશો કાયમી સંબંધો રાખે છે એને અબ્રાહમ એકોર્ડ કહેવામાં આવે છે. જોકે ઇઝરાઇલના આ પગલાથી તૂર્કી, સાઉદી અરેબિયા સહીત ઘણા મુસ્લિમ દેશો નારાજ થયા છે. એમનું માનવું છે કે ઇઝરાઇલ પોતાના સ્વાર્થ માટે મુસ્લિમ દેશો વચ્ચે તડ પડાવવાનું કામ કરે છે.


