Get The App

દિલ્હીની વાત : 'અમે બાંગ્લાદેશ નથી બનાવ્યો...'

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : 'અમે બાંગ્લાદેશ નથી બનાવ્યો...' 1 - image

નવીદિલ્હી : બાંગ્લાદેશી ઘૂસણખોરીને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ સહન કરી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વળતો જવાબ આપ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે, 'અમે બાંગ્લાદેશ નથી બનાવ્યો. તમે બનાવ્યો છે. જો અમારી ભાષા એક સરખી છે તો એમા અમે શું કરી શકીએ. બંગાળી આંતરરાષ્ટ્રીય ભાષા છે.' મમતાએ ભાજપ પર દર ચૂંટણી પહેલા એનઆરસીનો મુદ્દો ઉઠાવવાનો આરોપ મૂક્યો છે. મમતાના કહેવા પ્રમાણે ૧૯૭૧ અને તે પહેલા દેશમાં આવેલા ભારતીય નાગરીકોને બાંગ્લાદેશી બતાવવાનું કાવતરૂ થઈ રહ્યું છે. આ માટે ચૂંટણી કમિશનનો ઉપયોગ થાય છે. મમતાએ કહ્યું હતું કે, 'હું ચૂંટણી કમિશનરને આગ્રહ કરૂ છું કે, ભાજપની દરેક માંગ સ્વિકારીને ભાજપની લોલીપોપ નહીં બને. દરેક બાંગ્લા ભાષી નાગરીકને બાંગ્લાદેશી કહીને હેરાન કરવાની પરવાનગી નહીં મળે.'

આરએસએસ જેટલો વિરોધ બીજા કોઈ સંગઠનનો નથી થયો : ભાગવત

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂરા થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમો થવાના છે. શરૂઆત દિલ્હીથી થઈ છે. દેશના જુદા જુદા વિસ્તારોના લોકો તેમજ વિદેશી પ્રતિનિધિઓ સાથે સંઘ પ્રમુખ મોહન ભાગવત વિચારોની આપલે કરશે. દિલ્હીમાં યોજાયેલા સંમેલનમાં મોહન ભાગવતે આરએસએસની સ્થાપનાથી માંડીને સંપૂર્ણ યાત્રાની માહિતી આપી હતી. ભાગવતના કહેવા પ્રમાણે કેટલાક દશક પહેલા સુધી આરએસએસનો ભારે વિરોધ થતો હતો. આમ છતાં વિરોધનો સામનો કરીને લોકો આજે અમારી સાથે બેઠા છે. કોઈપણ સેવાભાવી સંગઠનનો આટલો વિરોધ નથી થયો. વિરોધ છતાં અમે સમાજ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. મોહન ભાગવતએ આરએસએસના બીજા સરસંઘચાલક ગુરુજીને યાદ કરતા કહ્યું હતું કે, 'એક વખત એમના રહેઠાણ પર હુમલો થયો ત્યારે કેટલાક સ્વંય સેવકો એમને બચાવવા માટે ગયા. તેઓ પ્રતિ જવાબ આપવા માંગતા હતા. ગુરુજીએ જોકે એમને સમજાવીને પાછા મોકલી આપ્યા. ગુરુજીનું કહેવું હતું કે જે સમાજે આપણને માન આપ્યું છે એજ સમાજ ક્યારેક આવી પ્રતિક્રિયા આપે તો આપણે સ્વિકારી લેવી જોઈએ.'

રાષ્ટ્રપતિ - ગવર્નર બિલ લટકતા રાખે તો સુપ્રિમ કોર્ટ શું કરે

બંધારણ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રિમ કોર્ટે ચિંતા જાહેર કરી છે કે, જો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ અનિશ્ચિત મુદત સુધી કોઈ બિલને મંજૂરી આપવાનો ઇન્કાર કરે તો કોર્ટ શક્તિહીન થઈને જોઈ શકે નહીં. સુનાવણી વખતે સુપ્રિમ કોર્ટે પૂછયું હતું કે, જો વિધાનસભામાં પસાર થયેલા બીલો પર વર્ષો સુધી કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો કોર્ટ કોઈ સમયમર્યાદા નક્કી કરે કે નહીં? સીજેઆઇ બી આર ગવઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે આ મુદ્દાને ગંભીરતાથી લેતા કહ્યું હતું કે, 'જ્યારે ધારાસભ્યોએ બંને ગૃહોમાં બિલને મંજૂરી આપી દીધી હોય તો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ એના ઉપર શા માટે બેસી રહે છે? બેન્ચે કહ્યું હતું કે, કોર્ટ કોઈ સમયમર્યાદા નક્કી કરવા માંગતી નથી, પરંતુ જો લાંબા સમય સુધી બિલ બાબતે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો કોર્ટ વિવશ બનીને બેસી શકે નહીં.'

રાહુલ ગાંધીની ઇચ્છા પ્રમાણે 450 કિ.મી. દુરથી બુલેટ મંગાવવામાં આવી

બિહારના પુર્ણીયા ખાતે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવએ 'વોટર અધિકાર યાત્રા' કાઢી હતી. આ યાત્રામાં બંને નેતાઓ અલગ અલગ મોટરસાઇકલ પર બેઠા હતા. રાહુલ ગાંધીએ બિહાર કોંગ્રેસના પ્રમુખ રાજેશકુમાર સાથે બુલેટ ચલાવ્યું હતું. એમની બાજુમાં તેજસ્વી યાદવ બીજુ બુલેટ ચલાવતા હતા. એમ કહેવાય છે કે, બુલેટ પર યાત્રા કાઢવાનો વિચાર એમનું બ્રાન્ડીંગ કરતી કંપનીએ આપ્યો હતો. બંનેએ ૨૨ કિ.મી. સુધી બુલેટ સવારી કરી હતી. રાહુલ ગાંધીની ઇચ્છા બુલેટ પર સવારી કરવાની હતી જે માટે પશ્ચિમ ચંપારણથી નૌશીન નામની વ્યક્તિ પાસેથી બુલેટ ખરીદવામાં આવ્યું હતું. તેજસ્વી યાદવ જે બુલેટ પર બેઠા હતા એ મહોમદ ઝુલફાકરના નામે હતું. પુર્ણીમા અને પશ્ચિમ ચંપારણ વચ્ચે ૪૫૦ કિ.મી.નું અંતર છે.

દિલ્હીના એસએચઓની ઓફિસમાં મોટા ફેરફાર થશે

દિલ્હી પોલીસના ઇન્સ્પેક્ટરો ત્રણ વર્ષ સુધી સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ)ના પદ પર રહી શકે છે. ભૂતપૂર્વ પોલીસ કમિશનરે બનાવેલા આ નિયમ દુર કરવાનું નવા પોલીસ કમિશનર સતિષ ગોલચા વિચારી રહ્યા છે. લગભગ ત્રણ વર્ષ પહેલા તત્કાલીન પોલીસ કમિશનરે એસએચઓના ત્રણ વર્ષના કાર્યકાળ સંદર્ભે એડવાઇઝરી બહાર પાડી હતી. ત્યારથી એજ રીતે એસએચઓની નિમણૂક થાય છે. જોકે હવે આ ત્રણ વર્ષની સમયમર્યાદાનો નિયમ બદલાશે. દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ વ્યવસ્થા સામે વાંધો લેવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર આ નિયમથી ખુશ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવતા અઠવાડિયામાં આ નિયમમાં ફેરફાર થશે. આ પહેલા ૨૦૨૧ના વર્ષમાં તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ દિલ્હી પોલીસની પીસીઆર યુનિટનું વિસર્જન કરીને જિલ્લા પોલીસ સાથે સમાવેશ કરી દીધો હતો. આ નિર્ણય પણ યોગ્ય પૂરવાર થયો નહોતો.

આરએસએસની પ્રાર્થના સંભળાવીને ડી કે શિવકુમાર ફસાયા

કર્ણાટક કોંગ્રેસમાં છેલ્લા ઘણા મહિનાઓથી સત્તા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારના ટેકેદારો રાજકીય ખેંચતાણ કરી રહ્યા છે. હવે આરએસએસની પ્રાર્થનાને લઈને ફરીથી પક્ષમાં વિવાદ થયો છે. ઉપમુખ્યમંત્રી શિવકુમારે ભારે શ્રદ્ધાથી આરએસએસની પ્રાર્થનાની કેટલીક લીટીઓનું પઠન વિધાનસભામાં કર્યું હતું. આ કારણે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો નારાજ થઈ ગયા છે. કેટલાક ધારાસભ્યોએ તો ડી કે શિવકુમાર પાસે માફી માંગવવાની વાત પણ કરી છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ દિલ્હી હાઇકમાન્ડને જાણ કરીને શિવકુમાર સામે પગલાં લેવાની વાત પણ કરી છે. ડી કે શિવકુમારે વિરોધપક્ષના નેતા આર અશોક સાથે વાત કરતા આરએસએસના વખાણ કર્યા હતા. જોકે હવે આ કારણે પક્ષમાંથી જ એમની સામે વિરોધ થઈ રહ્યો છે.

સીએસડીએસના વડા સંજય કુમારને સુપ્રિમ કોર્ટે રાહત આપી

મહારાષ્ટ્ર વિધાનસભાની બે બેઠકોની મતદાર યાદીના આંકડા ખોટા બતાવવાને કારણે સીએસડીએસના કો-ડાયરેક્ટર સંજય કુમાર તકલીફમાં મૂકાઈ ગયા હતા. સંજય કુમારએ જાહેર કરેલા આંકડાને આધારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી ચૂટણી કમિશનર સામે પ્રહાર કર્યા હતા. સીએસડીએસનું કામ દેશ આખાના મતદારોનું વિશ્લેષણ કરવાનું તેમજ ચૂંટણી સમયે સર્વે કરવાનું છે. મહારાષ્ટ્રની મતદાર યાદીના ખોટા આંકડા સંદર્ભે સંજય કુમારએ માફી માંગીને ડીલીટ પણ કર્યા હતા. જોકે આમ છતાં સંજય કુમાર સામે મહારાષ્ટ્રમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ધરપકડ નહી થાય એ માટે સંજય કુમારએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે સંજય કુમાર સામે કોઈ કાર્યવાહી નહી કરવા માટે કહ્યું છે.

એમપીની મહિલાઓ દેશમાં સૌથી વધુ દારુ પીવે છે : જીતુ પટવારી

મધ્યપ્રદેશની મહિલાઓ દેશના બીજા કોઈપણ રાજ્ય કરતાં વધારે દારૂ પીવે છે તેવો દાવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીએ કરતાં સનસનાટી મચી ગઈ છે. આના પગલે રાજ્યના સીએમ મોહન યાદવે કોંગ્રેસ પક્ષપ્રમુખ ખડગે પાસે પટવારીના રાજીનામાની માંગ કરી છે. પટવારીએ જણાવ્યું હતું કે એમપીની આવી સ્થિતિ માટે ભાજપ જવાબદાર છે.

ટીડીપી માટે મુશ્કેલી સર્જતા તેના જ ધારાસભ્ય

ટીડીપીના ધારાસભ્યો તેજી જ સરકાર માટે મુશ્કેલી સર્જી રહ્યા છે. તેમણે સરકારી સ્ટાફ પર ભ્રષ્ટાચારના અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવાના આરોપ લગાવ્યા છે. આના પગલે આંધ્રના સીએમ ચંદ્રાબાબુ નાયડુ અઠવાડિયામાં બે વખત તેમના પર રોષે ભરાયા છે, જ્યારે વિપક્ષ વાયએસઆરપી ગેલમાં આવી ગયો છે. તેમને આના બહાને એનડીએ પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે. 

કર્ણાટકમાં દશેરાએ મુસ્લિમ લેખિકાને આમંત્રણથી વિવાદ

કર્ણાટકમાં કોંગ્રેસની સિદ્ધારામૈયાની સરકારે દશેરાના દિવસે બુકર પ્રાઇઝ વિજેતા કન્નડ લેખિકા બાનુ મુશ્તાકને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપતા વિવાદ છેડાયો છે. ભાજપના કેટલાક નેતાઓએ તેની સામે ભારે વિરોધ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે દશેરા ફક્ત સાંસ્કૃતિક કાર્યક્રમ જ નથી, તે હિંદુ ધાર્મિક ઉત્સવ છે. લેખિકાએ અગાઉ ભુવનેશ્વરી દેવીને લઈને ટિપ્પણી કરી હતી, તે સમયે પણ તેનો વિરોધ થયો હતો. તેથી લેખિકા આ આમંત્રણમાં ભાગ લેતા પહેલા તેની અગાઉની ટિપ્પણી અંગે સ્પષ્ટતા કરે તે જરૂરી છે. 

માલ તો યહાં સે ગયા હૈ, સંઘના વડાની ટિપ્પણી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા ભાગવતે જણાવ્યું હતું કે સંઘ ક્યારેય તેના કાર્યકરોના કામની ક્રેડિટ લેતુ નથી, પરંતુ તેઓના કામની ડિસ્ક્રેડિટ તેની પાછળ સંઘનો હાથ તેવી બદનામી તેને ઝડપથી મળી જાય છે. સંઘમાં કામ કરી ચૂકેલા કેટલાય લોકો સરકારથી લઈને કેટલાય સ્થળોએ કામ કરે છે. તેઓ પહેલા સંઘમાં હોય છે, પછી તેમનો સંઘ સાથે સંબંધ હોતો નથી. પણ તેમના કોઈપણ કામ માટે સંઘને જવાબદાર ઠેરવાય છે. સંઘનું માનવું છે કે બધું જ સરકાર પર ન છોડી શકાય. બધાએ તેના ભાગે આવતી જવાબદારી નીભાવવી પડે. સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષ નિમિત્તે કરેલા ભાષણમાં તેમણે જણાવ્યું હતું.

- ઇન્દર સાહની