નવીદિલ્હી : લોકપાલએ પોતાના સભ્યો માટે ૭ બીએમ ડબલ્યુ કાર ખરીદવાનું ટેન્ડર બહાર પાડયું છે. આ ટેન્ડરની માહિતી બહાર આવતા જ મોટો વિવાદ થયો છે. આટલી મોઘી કાર ખરીદવા બાબતે લોકપાલની આકરી ટીકા થઈ રહી છે. વધતા વિવાદ વચ્ચે નીતી આયોગના ભૂતપૂર્વ સીઈઓ અમિતાભ કાંતે ઘોષણા કરી છે કે, એમણે ઇલેક્ટ્રીક ગાડી લઈ લીધી છે. એમણે કહ્યું છે કે જેઓ બીએમ ડબલ્યુ ખરીદવા માંગે છે એમણે એકવાર ભારત બનાવટની ઇવી કારનો અનુભવ કરવો જોઈએ. અમિતાભ કાંતે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, 'મે હમણા હમણા જ ખાસ મોંઘી નહીં એવી ભારતીય બનાવટની ઇલેક્ટ્રીક કાર ખરીદી છે. આ કારની ડિઝાઇન ખુબ સુંદર છે અને એડવાન્સ ઇવી ટેક્નોલોજી ઉપરાંત ડ્રાયવીંગનો સુખદ અનુભવ આપે છે. ભવિષ્યના ગ્રીન ભારત તરફ જવાની મુસાફરીમાં મેં યોગદાન આપ્યું એનો આનંદ છે.'
'અખિલેશ યાદવ પોતાની જગ્યાએ, મારી પોતાની બ્રાન્ડ છે'
આરજેડીમાંથી તેમજ કુટુંબમાંથી બરખાસ્ત થયેલા લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવએ પોતાનો પક્ષ બનાવ્યો છે અને બિહાર વિધાનસભાની દરેક બેઠક પર ચૂંટણી લડવાના છે. એમની પાર્ટી જનશક્તિ જનતાદળે બીજા પાંચ પક્ષો સાથે ગઠબંધન કર્યું છે. તેઓ પોતે મહુઆ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેજપ્રતાપ યાદવ જ્યારે મહુઆ પહોંચ્યા ત્યારે એમના ટેકેદારોની ભીડ ભેગી થઈ ગઈ હતી. એમણે રોડ શો પણ કર્યા હતો. એ વખતે એમની સાથે ખાસ મહેમાન હાજર હતા. ખુલ્લી જીપમાં એમની સાથે એક એવી વ્યક્તિ હતી કે જેણે ગાંધીજીનો મેકઅપ કર્યો હતો. લોકોને તેજપ્રતાપનો આ પ્રચાર ખૂબ ગમ્યો હતો. તેજપ્રતાપનું કહેવું છે કે તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત છે. એમણે એમ પણ કહ્યું હતું કે તેઓ પોતે જ એક બ્રાન્ડ છે. અખિલેશ યાદવનું નામ સાંભળીને તેઓ ચોંકી ગયા હતા. એમણે કહ્યું હતું કે 'અખિલેશ યાદવ પોતાની જગ્યાએ હશે, પરંતુ એમના કરતા હું મોટી બ્રાન્ડ છું.'
ટ્રમ્પને ટેકો આપીને નીકી હેલીના પુત્ર ફસાયા
અમેરિકાની રીપબ્લીકન પાર્ટીના નેતા નીકી હેલીના પુત્ર મલીન હેલી અને બ્ર્રિટિશ - અમેરિકન પત્રકાર મહેદી હસન વચ્ચે માઇગ્રેશન બાબતે વિવાદ થયો છે. મલીને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મુકી હતી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની માઇગ્રેશન પોલીસી અને વિઝા નિયમો બાબતની કડકાઈને ટેકો આપ્યો હતો. એમનું કહેવું હતું કે અમેરિકાની જ વસ્તી ઘણી છે. એઆઇને કારણે નોકરીઓ પણ મુશ્કેલ બની રહી છે. આવા સંજોગોમાં બીજા દેશોમાંથી કોઈએ અમેરિકા આવવાની જરૂર નથી. આ પોસ્ટનો જવાબ આપતા મહેદી હસનએ કહ્યું હતું કે ૧૯૬૯માં તમારા દાદા પણ ભારતમાં પંજાબથી અમેરિકા આવ્યા હતા. નલીન કોહલીનું કહેવું હતું કે, વિદેશીઓને એક્સ-વન-બી વિઝા આપવા નહીં જોઈએ. એમનું માનવું છે કે, અમેરિકામાં વસવા માંગતા લોકો કોઈપણ દેશના હોય એનાથી ફરક પડતો નથી, પરંતુ અમેરિકામાં એમને સ્થાન નથી.
'હું જ્યા જાઉ છું ત્યાં જાસૂસી એજન્સીના અધિકારીઓ પીછો કરે છે'
લદ્દાખના સામાજીક કાર્યકર સોનમ વાંગચૂક હમણા જેલમાં છે. સોનમ વાંગચૂકના પત્ની ગીતાંજલી આંગમોએ સુપ્રિમ કોર્ટમાં રજુ કરેલી એફીડેવીટમાં કહ્યું છે કે, એમની પાછળ સતત આઇબીના અધિકારીઓ લાગ્યા છે. આ કારણે એમની વ્યક્તિગત સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે. ગીતાંજલીનું કહેવું છે કે તેઓ જોધપુરની જેલમાં જ્યારે એમના પતિને મળવા ગયા ત્યારે પણ રાજસ્થાન પોલીસ અને આઇબીની ટીમે એમનો પીછો કર્યો હતો. જોધપુરમાં એમનો પ્રવાસ અને પતિ સાથેની મુલાકાત પણ અધિકારીઓની હાજરીમાં થઈ હતી. ગીતાંજલીનું કહેવું છે કે એમણે જ્યારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે પણ આઇબીના માણસો હાજર હતા. તેઓ જ્યારે જોધપુર એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે એમને સીધા પોલીસ વાહનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. તેઓ જ્યારે વાંગચૂકને મળ્યા હતા ત્યારે ડીસીબી મંગલેશ અને એક મહિલા કોન્સ્ટેબલ ત્યાં હાજર હતા.
'માયાવતીની હવે ઉંમર થઈ ગઈ છે, ચૂંટણીની ઝંઝટમાં પડવું જોઈએ નહીં'
ભારતીય કિસાન યુનિયન (ભાકીયુ)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતએ કહ્યું છે કે, બીએસપીમાં પ્રમુખ માયાવતીએ હવે ચૂંટણી લડવાની ઝંઝટમાં પડવું જોઈએ નહીં. ટિકૈતએ એમની ટીકા પણ કરી હતી. મુખ્યમંત્રી યોગીના હલાલ સર્ટિફીકેટ બાબતે ટિકૈતએ કહ્યું હતું કે, કોઈ લાલ છે તો કોઈ લીલુ એટલે કે વેજ અથવા નોનવેજ. જો ઓરગેનીક હોય તો એના પર લીલુ અને નોનવેજ હોય તો લાલ નિશાન હોવું જોઈએ. હોટલોએ પણ મેન્યુમાં વાનગીઓની યાદી આગળ આ ચિહ્ન મુકવા જોઈએ. એમના કહેવા પ્રમાણે માયાવતીની ઉંમર થઈ ગઈ છે. હવે એમણે આરામ કરવો જોઈએ. સાંસદ ઇકરાહસનપુર પર કરવામાં આવેલી બીભત્સ ટીપ્પણીનો એમણે વિરોધ કર્યો હતો. જોકે રાજકીય નિરીક્ષકોના કહેવા પ્રમાણે રાકેશ ટિકૈતનું રાજકીય વજન ઘટી રહ્યું છે અને કોઈ એમને ગંભીરતાથી લેતું નથી એટલે આવી ટીકડમબાજી કરે છે.
જાવેદ અખ્તરે મુસલમાનો વિશે ટીપ્પણી કરી તો લકી અલી ભડકી ગયા
ગાયક લકી અલીએ લેખક જાવેદ અખ્તર પર નિશાન તાંક્યું છે. લકીનું કહેવું છે કે, જાવેદ ઓરીજીનલ નથી. એમણે લોકોને જાવેદ જેવા નહીં બનવાની અપીલ કરી છે. વાત એમ છે કે, સોશ્યલ મીડિયા એક્સ પર જાવેદ અખ્તરનો એક જૂનો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં જાવેદ હિન્દુઓને મુસલમાન જેવા નહીં બનવાની અપીલ કરે છે. લકી અલીએ એક્સ પર આ વિડિયો શેર કરીને કોમેન્ટ કરી છે કે, 'જાવેદ અખ્તર જેવા નહીં બનતા. તેઓ કદી ઓરીજીનલ રહ્યા નથી. તેઓ અતિશય ગંદા છે.' ત્યાર પછી લકી અલીએ ફરીથી ટ્વીટ કર્યું હતું એમા કટાક્ષ કરતા લખ્યું હતું કે, 'મારો કહેવાનો મતલબ એમ છે કે અહમ ગંદો છે. સમજાવવામાં મારી ભૂલ થઈ. રાક્ષસોને પણ લાગણી હોઈ શકે છે. મે કોઈના રાક્ષસપણાને દુખ પહોંચાડયું હોય તો હું માફી માંગું છું.'
રામ મંદિરનું લાઇવ ટેલિકાસ્ટ જોવું ગુનો નથી
કોઇમ્બતુરમાં રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું સીધુ પ્રસારણ એક સાર્વજનીક ઉપદ્રવનો ગુનો બનતો હોવાની એફઆઇઆર મદ્રાસ હાઇકોર્ટે રદ કરી છે. જસ્ટીસ એન સતીષકુમારની બેન્ચે કહ્યું છે કે, ધાર્મિક આયોજન માટે ભેગા થવું ગેરકાયદેસર કહી શકાય નહીં. જ્યાં સુધી કોઈ પ્રકારની હિંસા કે ગુનો નહીં થાય ત્યા સુધી એમાં કંઈ ખોટુ નથી. જસ્ટીસએ કહ્યું હતું કે, ફરિયાદી પક્ષના દસ્તાવેજોથી સાબિત નથી થતું કે, આરોપીઓએ બળપ્રયોગ કર્યો છે. આરોપીઓએ કોઈ ગુનો કર્યો હોય કે બીજા કોઈના અધિકારોમાં વિક્ષેપ પાડયો હોય એવા પણ કોઈ પુરાવા નથી. કોર્ટે કહ્યું હતું કે, 'ફક્ત કેટલાક લોકોને વાંધો પડે એ કારણે કોઈ ધાર્મિક સભાની પ્રવૃત્તિને ગેરકાયદેસર કહી શકાય નહીં.' ૨૦૨૪ના જાન્યુઆરી મહિનામાં અયોધ્યા મંદિરમાં થયેલી રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ કોઇમ્બતુરના એક મંદિરએ એલઇડી સ્ક્રીન પર લાઇવ બતાવ્યો હતો. પોલીસનો દાવો હતો કે આ કારણે ભીડ ભેગી થઈ હતી અને ટ્રાફીક જામ થયો હતો.


