નવીદિલ્હી : દિલ્હીમાં હમણા ગજબ ઘટના બની ગઈ. પર્યાવરણ અને પ્રદુષણ બાબતે દિલ્હીમાં નિકળેલી રેલીમાં નક્સલવાદીઓની તરફેણ કરતા સૂત્રોચ્ચાર થયા હતા. થોડા દિવસો પહેલા પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા માઓવાદી કમાન્ડર માધવી હીડમાની તરફેણમાં સૂત્રો બોલાયા હતા. આ હીડમાએ ૫૦થી વધુ નિર્દોષ લોકોની હત્યા કરી હતી અને એના માથા પર એક કરોડ રૂપિયાનું ઇનામ હતું. એમ કહેવાય છે કે, આ રેલીમાં ભાગ લેનારાઓ હાર્ડકોર સામ્યવાદીઓ અને ડાબેરીઓ હતા. રેલીમાં ભાગ લેનારાઓએ દિલ્હી પોલીસ પર મરચાની ભૂકી પણ ફેંકી હતી અને એમના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી દિલ્હીના ઇતિહાસમાં કદાચ પહેલી વખત પોલીસના ટેકેદારોએ કાઉન્ટર રેલી કાઢી હતી. ઇન્ડિયા ગેટ ખાતે નિકળેલી આ રેલીમાં 'અમે પોલીસને ટેકો આપીએ છીએ.' તેમ જ 'ઇન્ડિયા અગેઇનસ્ટ હીડમા' જેવા પ્લે કાર્ડ બતાવવામાં આવ્યા હતા.
મુઝમ્મીલને લઈને એનઆઇએ અલ-ફલાહ પહોંચી
એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી)ની ટીમ ડો. મુઝમ્મીલ અહમદને લઈને સ્થળ નિરિક્ષણ કરવા પહોંચી હતી. ડો. મુઝમ્મીલ દિલ્હી બ્લાસ્ટનો આરોપી છે. મુઝમ્મીલને અલ-ફલાહ યુનિવર્સિટી તેમજ સ્ફોટક પ્રદાર્થોનો જથ્થો સંગ્રહ કર્યો હતો એ સ્થળે લઈ જવામાં આવ્યો હતો. મુઝમ્મીલને ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે ફેરવવામાં આવ્યો હતો. એનઆઇએની ટીમ એને સૌથી પહેલા અલ-ફલાહ યુનિવર્સિટી લઈ ગઈ હતી. મુઝમ્મીલને ફલેટ, ઇમરજન્સી વોર્ડ, ડો. ઉમર અને શાહીન સઇદના ફલેટ પર પણ લઈ જવામાં આવ્યો હતો. ફલેટમાં રાખવામાં આવેલો સામાન અને બીજી ચીજવસ્તુઓની પણ ઝીણવટ ભરી તપાસ થઈ હતી. એની સાથે ફરનારા વિદ્યાર્થીઓ અને ડોક્ટરોની જાણકારી પણ ભેગી કરવામાં આવી હતી. કેટલાક મિત્રો સાથે મુઝમ્મીલને સામ-સામે પણ કરવામાં આવ્યો હતો.
હારેલા પ્રશાંત કિશોરને દેવેન્દ્ર ફડણવીસની વણમાંગી સલાહ
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બહુ ગાજેલા પ્રશાંત કિશોરના પક્ષને કારમી હાર મળી છે. નવાઇની વાત એ છે કે પ્રશાંત કિશોરને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ સલાહ આપી છે. ફડણવીસનું કહેવું છે કે રાજકારણમાં હંમેશા વિચારધારાથી વધારે સંખ્યાને મહત્વ આપવું જોઈએ. લોકશાહીને ચલાવવા માટે બે જ માર્ગ છે. વિચારધારા અને નંબર. જોકે તમે સંખ્યાબળ વગર વિચારધારાને આગળ વધારી શકો નહીં. પ્રશાંત કિશોરએ વિચારધારા બાબતે ખૂબ વાત કરી હતી, પરંતુ એને એક પણ બેઠક મળી નહીં. રાજકારણમાં વ્યવહારીક બનવું જરૂરી છે. જેને માટે તમારી પાસે સંખ્યાબળ હોવું જોઈએ. અહીં સંખ્યાબળ શબ્દનો ઉપયોગ ધારાસભ્યો, સાંસદો કે બીજા જનપ્રતિનિધિઓ માટે કરવામાં આવ્યો છે. કેટલીક બાબતોમાં વિચારધારા મેળ નહીં ખાતી હોવા છતાં ગઠબંધન કરવું જોઈએ.
બાંગ્લાદેશની બહાર રહેવા છતાં યુનુસ સામે શેખ હસીનાનું હલ્લાબોલ
બાંગ્લાદેશમાં ન્યાયાલય દ્વારા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે. આ સજાની જાહેરાત પછી સમગ્ર બાંગ્લાદેશમાં ફરીથી કટોકટી જેવી સ્થિતિ છે. ફાંસીના ચૂકાદા વિરુદ્ધ શેખ હસીનાના પક્ષ બાંગ્લાદેશ અવામી લિગએ કામચલાઉ સરકારના મુખ્ય સલાહકાર મહોમદ યુનુસના રાજીનામાની માંગણી કરી છે. હસીનાની પાર્ટીએ ફાંસીનો ચૂકાદો ગેરકાયદેસર અને બદલો લેવા માટેની કાર્યવાહી ગણાવ્યો છે. સમગ્ર બાંગ્લાદેશમાં ૩૦ નવેમ્બર સુધી મોટા પાયે વિરોધ પ્રદર્શન અને માર્ચનું આયોજન પણ કરવામા આવ્યું છે. અવામી લિગએ યુનુસને ગેરકાયદેસર સત્તા ઝૂટવી લેનાર તેમજ હત્યારો અને ફાસીવાદી ગણાવ્યા છે. બાંગ્લાદેશના સામાન્ય લોકોનો પણ હવે ધીમે ધીમે અવામી લિગ માટે ટેકો વધી રહ્યો છે. અવામી લિગના નેતાઓ પણ સમજી ગયા છે કે, આ સમય આંદોલન કરવા માટે યોગ્ય છે.
બીએલઓ લોકતંત્રની સેવા કરવાની કિંમત ચૂકવી રહ્યા છે?
સમગ્ર દેશમાં મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે એસઆઇઆરને કારણે ચૂંટણીઓ વધુ પારદર્શક બનશે. વિરોધ પક્ષે તો એસઆઇઆર બાબતે વિરોધ નોંધાવ્યો જ છે, પરંતુ એસઆઇઆરને કારણે સામાન્ય જનતાને પણ ઘણી તકલીફ થઈ રહી છે. ખાસ કરીને બુથ લેવલ ઓફિસર (બીએલઓ)ની ફરજ બજાવનારાઓનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. આ અભિયાનમાં સૌથી સક્રિય ભૂમિકા બીએલઓની છે. બીએલઓ ઘરે-ઘરે જઈને દસ્તાવેજો ભેગા કરે છે અને મતદાર યાદી સુધારણાનું કામ કરી રહ્યા છે. લગભગ દરેક બીએલઓ દબાણ હેઠળ છે અને ડર હેઠળ જીવી રહ્યા છે કે કયાંક પોતાનો જીવ ગુમાવવો નહીં પડે. કેટલાક મીડિયાએ બીએલઓનો સર્વે કર્યો ત્યારે ખબર પડી છે કે સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા બીએલઓની હાલત સૌથી કફોડી છે. એમને સતત સજાનો ડર સતાવી રહ્યો છે.
સદીઓથી ભારતમાં રહેનાર યહુદીઓને હવે ઇઝરાઇલ બોલાવી લેવાશે
ભારતમાં સદીઓથી રહેનાર યહુદીઓને ઇઝરાઇલ બોલાવી લેવા માટે બેન્જામીન નેતન્યાહુની સરકારે મંજૂરી આપી દીધી છે. ૨૦૩૦ના વર્ષ સુધીમાં બેની મેનાશે સંપ્રદાયના લગભગ ૫૮૦૦ સભ્યોને આ પ્લાન હેઠળ ઇઝરાઇલ સ્થાયી કરવામાં આવશે. ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યો મીઝોરમ અને મણીપુરમાં વસેલા યહુદી સમૂદાયના આ લોકો સેંકડો વર્ષોથી ભારતમાં રહે છે. નેતન્યાહુની સરકારે એમને ધીરે ધીરે ઉત્તર ઇઝરાઇલમાં આવેલા ગૈયલીલી વિસ્તારમાં વસવાટની મંજૂરી આપી છે. આ વિસ્તાર જોકે સંવેદનશીલ ગણાય છે. આ વિસ્તારમાં સતત લેબેનોનના હિસબુલ્લાહ ગ્રુપ સાથે ઇઝરાઇલના દળો યુદ્ધ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી ચાલતા યુદ્ધને કારણે આ વિસ્તારમાં રહેતા હજારો લોકો પોતાનું ઘર છોડી ગયા છે. નેતન્યાહુએ આ નિર્ણયને જરૂરી અને યોગ્ય બતાવ્યો હતો.


