Get The App

દિલ્હીની વાત : બિહારમાં ભાજપના 40 ધારાસભ્યો તોડવાની વાત

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : બિહારમાં ભાજપના 40 ધારાસભ્યો તોડવાની વાત 1 - image

નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ત્રણ મહિના બાકી રહ્યા છે. બિહારમાં આજકાલ રાજકીય વાતાવરણ ગરમ છે. વિકાસશીલ ઇન્સાન પાર્ટીના સ્થાપક મુકેશ સહનીએ મોટો દાવો કરતા કહ્યું છે કે ભાજપએ અમારા પક્ષના ૪ ધારાસભ્યો તોડયા હતા. હવે અમે એમના ૪૦ ધારાસભ્યો તોડીશું. આ સન્માનની લડાઈ છે. જે સભામાં સહનીએ આ કહ્યું એ વખતે વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવ પણ ત્યાં હાજર હતા. ફુલન દેવીની મૃત્યુ તિથીએ વીઆઇપી પક્ષે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એ વખતે સહનીએ કહ્યું હતું કે વીઆઇપીનો દરેક કાર્યકર ફુલન દેવીને ન્યાય અપાવવા માટે લડી રહ્યો છે. સાંસદ બન્યા પછી ફુલન દેવીએ દલીતો, પછાતો અને મહિલાઓ માટે ઘણુ કામ કર્યું હતું.

તેજસ્વી સામે આરજેડીમાં કોઈની હેસિયત નથી : તેજપ્રતાપને ટોણો

બિહારના જમુઈ ખાતે અતિ પછાત સંમેલનના સમારંભમાં હાજરી આપ્યા પછી આરજેડીના પ્રદેશ પ્રમુખ મંગનીલાલ મંડલએ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ સંદર્ભે નિવેદન આપ્યું હતું. એમણે કહ્યું હતું કે લાલુએ તેજપ્રતાપને છ વર્ષ માટે પક્ષ ખારીજ કર્યા છે. તેજસ્વી યાદવ સામે આરજેડીમાં કોઈની હેસિયત નથી, કોઈનું અસ્તિત્વ નથી. જે અમારા પક્ષમાં નથી એમને માટે શું કહીએ. તેઓ ટોપી આરજેડીની પહેરી રાખે છે, પરંતુ એ બાબતે અમારાથી કઈ કહી શકાય નહીં. તેજપ્રતાપની છ વર્ષ માટે પક્ષમાંથી હકાલપટ્ટી થઈ હોવાથી એમને ટિકિટ આપવાનો પ્રશ્ન જ નથી. છેલ્લા કેટલાક દિવસોથી તેજપ્રતાપ યાદવ એવું નિવેદન આપી રહ્યા છે કે ચૂંટણીમાં એમને આરજેડી તરફથી ટિકિટ મળી શકે છે. આ બાબતે લાલુ પ્રસાદ યાદવ કે તેજસ્વી કોઈ પ્રતિભાવ આપતા નથી, પરંતુ આરજેડીના કેટલાક નેતાઓ તેજપ્રતાપની વાતનું ખંડન કરે છે.

કર્ણાટક હાઇકોર્ટના નિર્ણયથી સુપ્રીમ કોર્ટ દુ:ખી

સુપ્રિમ કોર્ટે રેણુકા સ્વામી હત્યા કેસમાં એક્ટર દર્શનને કર્ણાટક હાઇકોર્ટે આપેલા જામીન રદ કરવા બાબતની કર્ણાટક સરકારની અરજી પર પોતાનો નિર્ણય સ્થગીત રાખ્યો છે. જસ્ટીસ જે બી પારડીવાલા અને જસ્ટીસ આર મહાદેવનની બેન્ચે બંને પક્ષની દલીલો સાંભળીને પોતાનો નિર્ણય સ્થગીત રાખ્યો છે. કેસની સુનાવણી ચાલતી હતી એ વખતે સુપ્રિમ કોર્ટ નારાજ થઈ ગઈ હતી. સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટના હુકમની ટીકા કરતા કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કે વિવેક અધિકારનો વિકૃત પ્રયોગ કરવામાં આવ્યો છે. અમે એ જાણવાની કોશિષ કરી રહ્યા છીએ કે હાઇકોર્ટે અધિકારનો ઉપયોગ કરતા પહેલા પોતાના મગજનો ઉપયોગ કર્યો છે કે નહીં, આ ચિંતાનો વિષય છે.

આપના નેતા આતિશીને મોટી જવાબદારી મળી

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધપક્ષના નેતા આતિશી મારલેનાને આમ આદમી પાર્ટીએ મોટી જવાબદારી આપી છે. આતિશીની ગણના કેજરીવાલના વફાદારોમાં થાય છે. પક્ષે એમને ગોવાના પ્રભારી બનાવ્યા છે. ગોવામાં ૨૦૨૭ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણી છે. ચૂંટણી પહેલા આપ ગોવામાં સંગઠનને મજબૂત કરવા માંગે છે. ૨૦૨૨ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ગોવામાં ફક્ત બે બેઠકો મળી હતી. આ પહેલા ગોવામાં પ્રભારી તરીકે પંકજ ગુપ્તા હતા. બિમારીને કારણે પંકજ ગુપ્તા એમની જવાબદારી નિભાવી શકતા નથી. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં આપએ પહેલી વખત ગોવામાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક સમયથી વિવિધ રાજ્યોમાં પક્ષના સંગઠનને મજબૂત બનાવવાની કોશિષ કરી રહ્યા છે.

ભાજપ પ્રમુખ અને ઉપરાષ્ટ્રપતિની જાહેરાત સાથે થવાની શક્યતા

અચાનક ખાલી થયેલા ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની સાથે ભાજપ રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી બાબતે એક સાથે નિર્ણય  લઈ શકે છે. આ બંને પદો માટે યોગ્ય ઉમેદવારો પસંદ કરવાની જવાબદારી કેટલાક સિનિયર નેતાઓને આપવામાં આવી છે. ઘણા બધા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને પસંદગી થશે એ નક્કી છે. વડાપ્રધાન દેશ પરત ફરશે પછી એજન્ડા પર સૌથી અગત્યનું કામ આજ રહેશે. ભાજપ રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી બાબતે ઘણા સમયથી વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી અને આરએસએસના ટોચના નેતાઓ મળીને અંતિમ નિર્ણય લેશે. એમ મનાય છે કે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મંત્રીઓ કે લોકસભાના સાંસદમાંથી કોઈ નહીં હોય. આ બંને પદોની પસંદગી વખતે ક્ષેત્રિય અને જાતિગત સમીકરણો પણ ધ્યાનમાં લેવાશે.

ધનખડની વિદાય પાછળ એપ્રિલમાં લેવામાં આવેલો નિર્ણય પણ કારણભૂત

ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડએ આપેલું આરોગ્યનું કારણ દિલ્હીમાં કોઈના ગળે ઉતરતું નથી. જેટલા મોઢા એટલી વાત. દિલ્હીના દરેક રાજકીય વિશ્લેષકો ધનખડની વિદાય માટે અલગ અલગ કારણો આપી રહ્યા છે. એક કારણ એવું પણ ચર્ચાય રહ્યું છે કે, એપ્રિલ મહિનામાં ધનખડએ સંસદ ટીવીમાં એક નિમણૂક બાબતે દખલ કરી હતી. ધનખડ પોતે નક્કી કરેલી વ્યક્તિને સંસદ ટીવીના ચીફ બનાવવા માંગતા હતા. પરંતુ આ અધિકાર સરકાર પાસે હોવાથી એમનું ચાલ્યું નહોતું. ધનખડ જે વ્યક્તિને ઇન્ચાર્જ બનાવવા માંગતા હતા તેઓ ઘણા જૂનિયર છે. વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસે હોવાથી અધિકારીઓએ આ નિમણૂક અટકાવી દીધી હતી. એમ મનાય છે કે ધનખડની નારાજગી આ કિસ્સા પછી વધી ગઈ હતી.

કોર્ટની ઇમેજ ખરાબ કરીને જજોને ધમકાવવા બદલ મહિલા વકીલને નોટિસ

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક મહિલા વકીલને કોર્ટના અનાદરની નોટીસ ફટકારી છે. આરોપ છે કે એમણે એમની અરજીની સુનાવણીની તારીખ વહેલી કરવાની માંગણી કરતી વખતે કોર્ટની પ્રતિષ્ઠા પર આપત્તિજનક ટીપ્પણી કરી હતી. સુનાવણી જલદી નહી થવા માટે જવાબદાર ન્યાયાધિશો સામે સુપ્રિમ કોર્ટમાં ફરિયાદ કરવાની ધમકી પણ એમણે આપી હતી. ન્યાયાધીશ હરપ્રિતસિંહ બ્રારએ કહ્યું હતું કે 'ફરિયાદીનો આ વ્યવહાર ન્યાયીક પ્રક્રિયાને ડરાવવાનો છે. પ્રથમ દ્રષ્ટિએ આ પ્રયાસ ન્યાય તંત્રની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા સમાન છે. આ પ્રકારનો વ્યવહાર કાયદાના શાસનની ગરીમાને નબળી પાડે છે.' મહિલા વકીલએ અરજીની તારીખ પર સુનાવણી ૩૧મી ઓક્ટોબર પહેલા કરવાનો આગ્રહ રાખ્યો હતો. વકીલનું કહેવું હતું કે, જાણી જોઈને તેમ જ ખરાબ ઇરાદાથી એમને ન્યાયથી વંચીત રાખવામાં આવે છે.

ઉ.પ્ર.ની મંત્રીએ ફરી તેની જ સરકારનો વિરોધ કર્યો

આંગણવાડી નિયુક્તિમાં ગેરરીતિની ફરિયાદ કર્યાના થોડા મહિનામાં જ ઉત્તર પ્રદેશની મંત્રી પ્રતિભા શુક્લા આ વખતે રાજ્યની પોલીસ સામે વિરોધ વ્યક્ત કરી રહી છે. તેનો પતિ અનિલ શુક્લા વારસી પણ ધરણામાં હાજર હતો. તેમનો દાવો છે કે વર્તમાન સરકાર બ્રાહ્મણોને ગેરવાજબી રીતે લક્ષ્યાંક બનાવી રહી છે. પ્રતિભા શુક્લાએ ૨૪ અને ૨૫ જુલાઈએ અકબરપુર પોલીસ સ્ટેશન સામે ધરણા કર્યા અને પોલીસ પર પોતાના મદદનીશોને ટારગેટ કરવાનો આરોપ લગાવ્યો. તેણે સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટરને હટાવી દેવાની માગણી કરી. અહેવાલો મુજબ સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે વિધાયકના ફંડથી બદલાપુર વિસ્તારમાં રસ્તો બની રહ્યો હતો. શમશાદ નામના સ્થાનિક નગરસેવકે રસ્તાના બાંધકામનો વિરોધ કરીને કામ અટકાવી દીધું. પ્રતિભા શુક્લાને જાણ થતા તે ઘટના સ્થળે પહોંચી ગઈ જ્યાં તેના સમર્થકો અને નગરસેવક વચ્ચે બોલાચાલી થઈ હતી. પછી તે સાંજે કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે શમસાદ પર સરકારી કામ અટકાવવા અને ખંડણી માગવાના આરોપસર કેસ દાખલ કરાયો. મંત્રીના પતિ અનિલ શુક્લાએ  પોતાની જ પાર્ટીના સાંસદ ભોલે સિંઘ પર હુમલો કરીને વિવાદ વકરાવ્યો. તેનો દાવો હતો કે ભાજપે તેની પત્નીને મંત્રી ન બનાવી હોત તો તેણે ૨૦૨૪ની ચૂંટણી લડીને ભોલે સિંઘને હરાવ્યો હોત. તેણે ભોલે સિંઘ પર પોલીસ પર નિયંત્રણ મેળવવાનો અને સમસ્યા સર્જવાનો આરોપ લગાવ્યો.

ચિરાગ પાસવાને 'સર'નો બચાવ કર્યો

બિહારમાં મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમ 'સર' બાબતે સંસદમાં રાજકીય તોફાન ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્રિય મંત્રી ચિરાગ પાસવાને આ સમગ્ર કવાયતનો બચાવ કરતા ટીકાકારોને યાદ અપાવ્યું કે આ પ્રક્રિયા દેશમાં પ્રથમ વાર નથી થઈ રહી. અગાઉ તે ચાર વાર થઈ ચુકી છે. પાસવાને સુધારણા પ્રક્રિયાને સમર્થન આપતા કહ્યું કે એનાથી કોઈને નુકસાન નહિ થાય, પણ કોઈ ઘૂસણખોર હોય તેને મતાધિકાર નહિ જ મળે. પાસવાનના નિવેદનો એવા સમયે આવ્યા જ્યારે રબરી દેવી, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢરા સહિત ઈન્ડી ગઠબંધનના નેતાઓ સંસદમાં સૂત્રોચ્ચાર કરીને આરોપ લગાવી રહ્યા હતા કે બિહારમાં 'સર' દ્વારા મોટાપાયે મતદારોના નામની બાદબાકી થઈ રહી છે.

જાટ ખાપનું ધનકરને સમર્થન

માર્ચમાં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર જેઓ પોતે રાજસ્થાનના જાટ નેતા છે, તેમણે સદ્ગત ચૌધરી દેવી લાલના પોતાના મેન્ટર તરીકે ગુણગાન ગાયા હતા. અગાઉ વકાલત કરી રહેલા ધનકરને દેવીલાલે પ્લીડરમાંથી લીડર બનવાની નસીહત આપતા ધનકર રાજકરણમાં આવ્યા હતા. આથી જ હવે ધનકરના અચાનક રાજીનામા પછી દેવી લાલના જૂથ તેમજ વિવિધ જાટ ખાપ પંચાયતો તેમના સમર્થનમાં આવ્યા છે. દેવીલાલના પૌત્ર અભય સિંઘે ધનકરના રાજીનામાને ષડયંત્ર ગણાવ્યું. તેમણે દાવો કર્યો કે ધનકર સરકારને ખેડૂતોના પ્રશ્નો વિશે સવાલ કરી રહ્યા હોવાથી તેમને રાજીનામુ આપવાની ફરજ પડી હતી.

- ઈન્દર સાહની