નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પ્રવાસ દરમિયાન ઇઝરાયલની સંસદને સંબોધન કર્યું હતું. પહેલી વખત ભારતના કોઈ વડાપ્રધાને ઇઝરાયલના નેસેટ (સંસદ)માં ભાષણ આપ્યું હતું. મોદીએ પોતાના ભાષણમાં આતંકવાદની ઝાટકણી કાઢી હતી તેમજ ભારત - ઇઝરાયલના જૂના સાંસ્કૃતિક સંબંધો અને ભવિષ્યમાં ટેક્નીકલ અને આર્થિક ક્ષેત્રે સહયોગ વિશે પણ વાત કરી હતી. મોદીએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુની હાજરીમાં અબ્રાહમ એકોર્ડના વખાણ કર્યા હતા. ઇઝરાયલના વિદેશ બાબતના નિષ્ણાંત લોરેન ડેગનએ કહ્યું હતું કે, મોદીએ આપેલો સંદેશો ખાસ કરીને અમેરિકા, ખાડીના દેશો અને વૈશ્વિકસ્તરે આર્થિક તેમજ ટેક્નીકલ વિશ્વને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો હતો. જોકે મુસ્લિમ દેશોના મિડિયાએ મોદીના આ સંબોધનની ટીકા કરી હતી. તૂર્કીના મિડિયા ટીઆરટી વર્લ્ડએ લખ્યું હતું કે, મોદીએ જે સંબોધન કર્યું હતું એને કારણે નેતન્યાહુની રાજનીતિને સફળ માનવામાં આવી. ટીઆરટીએ હેડલાઇન મારી હતી કે મોદી ભાગેડુ નેતન્યાહુને ભેટયા હતા, હમાસની નીંદા કરી હતી, પરંતુ ગાઝાનો ઉલ્લેખ સુદ્ધા કર્યો નહોતો. અલ જઝીરાએ પણ લખ્યું હતું કે ગાઝાના માનવીય સંકટ ઉપર ધ્યાન આપવામાં આવ્યું નહોતું.
રાહુલએ સરકારને અમેરિકા ટ્રેડ ડીલ બાબતે ઘેરી
રાહુલ ગાંધી આજકાલ અલગ અલગ રાજ્યોમાં ફરીને સરકારની આંખો ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાહુલ હમણા કેરળના પ્રવાસે ગયા હતા ત્યારે એમણે ભારત - અમેરિકા વેપાર સમજૂતી મુદ્દે કેન્દ્ર સરકારને બરાબર ઠપકારી હતી. કન્નુરમાં એક કાર્યક્રમ દરમિયાન એમણે કહ્યું હતું કે, ભારત તો જ સફળ થઈ શકશે જ્યારે આપણા ખેડૂતોને સન્માન અને સુરક્ષા મળશે. રાહુલ ગાંધીએ આક્ષેપ મૂક્યો હતો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એપસ્ટીન ફાઇલનો ઉપયોગ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકાવ્યા છે. ટ્રમ્પએ મોદીને ધમકાવીને વેપાર સમજૂતી પર સહી કરાવી લીધી છે. આ સમજૂતીને કારણે ખેડૂતો બલીના બકરા બની ગયા છે. આઇટી અને બીજા ક્ષેત્રો માટે લાંબા લાંબા ભાષણો કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોના રક્ષણ માટે કોઈ યોજના બનાવવામાં આવતી નથી.
દિલ્હીમાં રોડ અકસ્માતમાં ભારે વધારો, કેન્દ્રએ રીપોર્ટ માગ્યો
દિલ્હીમાં ગંભીર રોડ અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો થયો છે. જે રીતે દિલ્હીમાં ગંભીર રોડ અકસ્માતોમાં મૃત્યુની સંખ્યા વધી રહી છે એને કારણે કેન્દ્ર સરકારે ચિંતીત થઈ ગઈ છે. ૨૦૨૪ની સરખામણીમાં ૨૦૨૫ના વર્ષમાં ફેટલ એક્સિડન્ટમાં ૪.૨૬ ટકાનો વધારો થયો છે. ઉંઘમાંથી જાગેલી કેન્દ્ર સરકારે દિલ્હી ટ્રાફિક પોલીસને આ માટેના કારણો શોધવાનો હુકમ કર્યો છે. હવે દિલ્હી પોલીસ વધતા અકસ્માતોનું કારણ જાણવા સેવ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામના એનજીઓ પાસે સર્વે કરાવશે. દિલ્હીમાં ગંભીર રોડ અકસ્માતો કેમ વધી રહ્યા છે એ જાણવાની કોશિષ આ સર્વેમાં થશે. ખરાબ રસ્તાઓ કે બેદરકારીપૂર્વકનું ડ્રાયવીંગ આ માટે જવાબદાર છે કે નહીં એની તપાસ પણ થશે. દિલ્હી પોલીસે અકસ્માતના ૬૨ ડાર્ક સ્પોટ્સ શોધી કાઢયા છે. આ સ્થળે એવી કઈ ખામી છે કે જેને કારણે અકસ્માતો વધી રહ્યા છે એનો અભ્યાસ પણ કરવામાં આવશે.
બીએસપીના ધારાસભ્યના ઘરે આઇટીના દરોડા, 10 કરોડ મળ્યા
ઉત્તર પ્રદેશની વિધાનસભામાં બીએસપીના એક માત્ર ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે. લખનૌમાં આ ધારાસભ્ય ઉમાશંકર સિંહ તેમજ એમની નજીકની વ્યક્તિઓના ઘરે આઇટીએ દરોડા પાડયા હતા. એમના ઘરેથી ૧૦ કરોડની રોકડ રકમ મળી આવી હતી. ઉમાશંકર સિંહ બલિયાની રસડા વિધાનસભાની બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. ઉમાશંકર સિંહની લખનૌ, બલિયા, સોનભદ્ર, કૌસાંબી, મીરઝાપુર અને પ્રયાગરાજની ૩૦ થી વધુ મિલકતો પર રેડ કરવામાં આવી હતી. આ દરોડામાં પહેલી વખત ૫૦ થી વધારે અધિકારીઓ જોડાયા હતા. ઉમાશંકર સિંહના વ્યવસાયીક સ્થળોએ પણ અધિકારીઓ પહોંચી ગયા હતા. ઉમાશંકર સિંહની કંપની છાત્રશક્તિ કન્સ્ટ્રક્શન રસ્તાઓ બનાવવા ઉપરાંત ખાણકામ પણ કરે છે. બલિયામાં આવેલા ઉમાશંકરના નિવસ્થાને દરોડો પાડવો સહેલો નહોતો. અધિકારીઓ સરકારી ગાડીઓને બદલે જાનૈયાઓના કપડા પહેરીને ત્યાં પહોંચ્યા હતા.
સીબીઆઇ ભાગેડુ અનિલકુમારને ભારત લાવી
ગુનો કરીને વિદેશ ભાગી જતા ગુનેગારોને પરત દેશ લાવવામાં લાંબો સમય વિતી જતો હોય છે. ભારતની એજન્સીઓ શોધી તો નાખે છે કે ગુનેગાર કયા દેશમાં છૂપાયેલો છે, પરંતુ પ્રત્યાર્પણના આકરા નિયમોને કારણે કેટલાક ગુનેગારોને તાત્કાલીક ભારત લાવી શકાતા નથી. સીબીઆઇને ઇન્ટરપોલની મદદથી યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)માં સંતાયેલા ભાગેડુ અનિલકુમાર રેડ્ડીને ભારત પરત લાવવામાં સફળતા મળી છે. આ ગુનેગાર આંધ્રપ્રદેશમાં કેટલાક ગંભીર ગુનામાં વોન્ટેડ હતો. અનિલકુમાર રેડ્ડી પર છેતરપીંડી, ખંડણીની ધમકી જેવા ગંભીર આક્ષેપો છે. આંધ્રપ્રદેશ પોલીસને એની લાંબા સમયથી શોધ હતી. આંધ્રપ્રદેશ પોલીસના કહેવાથી સીબીઆઇએ ૨૦૨૨ની પાંચમી સપ્ટેમ્બરે અનિલ રેડ્ડી વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ નોટીસ બહાર પાડી હતી. સીબીઆઇના ખાસ યુનિટએ વિદેશ મંત્રાલય અને અબુધાબીના અધિકારીઓ સાથે મળીને કામગીરી કરી હતી.
સરકાર અજીત પવારના વિમાન અકસ્માતનો કેસ દબાવે છે : રાઉત
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવારનું મૃત્યુ વિમાન અકસ્માતને કારણે થયું હતું. ત્યાર પછી અજીત પવારના કુટુંબીઓ તેમજ મહારાષ્ટ્રના કેટલાક રાજકીય નેતાઓએ પણ આ અકસ્માત શંકાસ્પદ હોવાની વાત કરી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતએ આ બાબતે મહારાષ્ટ્ર સરકારની કડક ટીકા કરી છે. એમનો આક્ષેપ છે કે અધિકારીઓ ડીજીસીએ અને વીએસઆઇ વેન્ચર્સને બચાવી રહ્યા છે. એનસીપીના ધારાસભ્ય રોહિત પવારએ માંગણી કરી છે કે એફઆઇઆર દાખલ કરવામાં આવે, પરંતુ મુંબઈ પોલીસ શા માટે એફઆઇઆર દાખલ નથી કરતી? કેટલીક શક્તિશાળી વ્યક્તિઓના પ્રભાવમાં આવેલા અધિકારીઓ ઢાંકપીછોડો કરી રહ્યા છે. સચીવાલયમાંથી ડીસીપીને ફોન આવ્યા પછી કમિશનરની વર્તણૂક બદલાઈ ગઈ છે. ઘણા રાજકીય નેતાઓએ વીએસઆર વેન્ચર્સમાં રોકાણ કર્યું છે.
પોલીસ સ્ટેશનોમાં બગડેલા સીસીટીવી બાબતે સુપ્રીમ નારાજ
આપણા દેશના મોટા ભાગના પોલીસ સ્ટેશનોમાં કયાંતો સીસીટીવી કેમેરા નથી ક્યાં તો કેમેરા હોય તો ચાલુ અવસ્થામાં નથી. પોલીસ સ્ટેશનોમાં થતા અત્યાચાર કે લાંચની ઘટનાના પુરાવા મળતા નથી. હવે સુપ્રિમ કોર્ટે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરાઓની અછત બાબતે પગલા લેવા માટે કેન્દ્ર સરકાર તેમજ બીજા પક્ષોને હુકમ કર્યો છે. જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેન્ચે સિનિયર વકીલ સિદ્ધાર્થ દવેએ કરેલી દલીલ પછી આ હુકમ કર્યો હતો. એમીકસ ક્યુરી (કોર્ટના મિત્ર) સિદ્ધાર્થ દવેએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર તેમજ કેટલાક રાજ્યો અગત્યની મીટિંગમાં હાજર રહ્યા નહોતા. આ કારણસર રિપોર્ટ જાહેર થઈ શક્યો નથી. ભારત સરકારના વકીલે પહેલેથી જ માફી માંગી લીધી હતી કે, કોમ્યુનિકેશનમાં થયેલી ગરબડને કારણે તેઓ મીટીંગમાં હાજર રહી શક્યા નહોતા. હવે ૧૪મી માર્ચે જ્યારે મીટીંગ મળશે ત્યારે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવીની અનિવાર્યતા સંદર્ભે હુકમ કરવામાં આવશે.


