નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજો કાર્યકાળ જૂન મહિનામાં શરૂ થયો હતો અને જુલાઈ મહિનામાં જ બાંગ્લાદેશમાં શેખ હસીના સામે બળવો થયો હતો. શેખ હસીના જીવ બચાવવા ભારત આવી ગયા અને બાંગ્લાદેશમાં તોફાનો ફાટી નિકળ્યા. બાંગ્લાદેશનું મીડિયા કહે છે કે, ભારતે બાંગ્લાદેશને હંમેશા શેખ હસીનાના પરિવારની નજરે જોયું છે અને બીજી રીતે જોવાનો પ્રયત્ન કર્યો નથી. બ્રસેલ્સની એક સંસ્થાએ ભારત -બાંગ્લાદેશ સંબંધો વિશે 'આફટર ધ ગોલ્ડન ચેલેન્જ : રીસેટીંગ ભારત - બાંગ્લાદેશ રીલેશન્સ' નામનો ૫૩ પાનાનો રીપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શેખ હસીના સત્તાની બહાર થયા એ ભારત માટે એક મોટો ફટકો હતો. બાંગ્લાદેશને સ્વતંત્રતા અપાવવા માટે ભારતે પુરતી મદદ કરી હોવા છતાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો હંમેશા તણાવવાળા રહ્યા છે. બાંગ્લાદેશના કટ્ટરવાદી તત્વોને ઓળખવામાં ભારતે માર ખાધો છે. જે રીતે પાકિસ્તાનની આઇએસઆઇ જેવી સંસ્થાઓથી ભારત સાવચેત રહે છે એ રીતે બાંગ્લાદેશના કટ્ટરવાદીઓને ઓળખવા માટે કોઈ ડોઝીયર બનાવ્યું નથી.
ભાજપના નેતાને પ્રિયંકા ચતુર્વેદીનો સણસણતો જવાબ
ભાજપના નેતા નવનીત રાણા એમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ભૂતકાળમાં પણ એમની સામે એમના નિવેદનોને કારણે કેસ દાખલ થયા છે. થોડા દિવસો પહેલા એમણે એમ કહ્યું હતું કે હિન્દુઓએ ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો પેદા કરવા જોઈએ. આમ જોવા જઈએ તો આ નિવેદનમાં કંઈ વાધાજનક નથી, પરંતુ એમના ઉદ્દેશ બાબતે શંકા ગઈ છે. નવનીત રાણાને સણસણતો જવાબ આપતા શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે, નવનીત રાણાએ વધુ સંતાનો બાબતે પહેલા તો એમના પતિ સાથે વાત કરવી જોઇએ. નવનીત રાણા શા માટે બાળકો વધારતા નથી. ત્યાર પછી એમણે પોતાના પડોશીઓને આ બાબતે સમજાવવા જોઇએ. જે વ્યક્તિ પોતાના પતિ અને પડોશીઓને આ બાબતે કન્વીન્સ નહીં કરી શકતી હોય એણે દેશની બીજી મહિલાઓને સલાહ આપવાનું બંધ કરવું જોઇએ.
સંજય કપુરની 30 હજાર કરોડની સંપત્તિના વિવાદમાં નવો ફણગો
કરિશ્મા કપુરના બાળકોએ એમના પિતા સંજય કપુરની સંપત્તિમાં માગેલા હિસ્સાની અરજી પર દિલ્હી હાઇકોર્ટે ચૂકાદો અનામત રાખ્યો છે. દિલ્હી હાઇકોર્ટમાં સંજય કપુરની કૌટુંબિક સંપત્તિ વિવાદનો કેસ ચાલી રહ્યો છે. કરિશ્મા કપુરના બાળકોએ કેટલાક મોટા આરોપો મૂક્યા છે. એમનું કહેવું છે કે એમના પિતા સંજય કપુરનું વિલ બનાવટી છે. તેઓ જ્યારે જીવતા હતા ત્યારે જ આ વિલમાં છેડછાડ કરીને બદલવામાં આવ્યું હતું. કરિશ્મા કપુરના બાળકો તરફથી વકીલ મહેશ જેઠમલાણીએ કોર્ટમાં દલીલ કરતી વખતે આ આરોપ રીપીટ કર્યો હતો. વિલમાં ગરબડ ત્યારે કરવામાં આવી જ્યારે સંજય પોતાના સંતાનો સાથે રજા પર હતા. વિલમાં ગરબડ કરનાર વ્યક્તિને સંજય કપુરના મૃત્યુના બીજા જ દિવસે કંપનીના ડીરેક્ટર બનાવી દેવામાં આવ્યા હતા. કરિશ્મા કપુરના સંતાનોએ એમની સાવકી મા રીયા કપુર પર પણ વિલમાં ગરબડ કરવાનો આક્ષેપ કર્યો છે.
ભારતનો પાસપોર્ટ હવે મારી જિંદગીમાં કોઈ કામનો રહ્યો નથી
મૂળ ભારતના રહેવાસી એવા સોફ્ટવેર ડેવલપરે ભારતના પાસપોર્ટ સંબંધે નિરાશા વ્યક્ત કરી છે. એમણે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે એમને ઘણા બધા કાગળોની જરૂર પડે છે. કુણાલ કુશવાહા નામના ટેક્નોક્રેટએ લખ્યું છે કે, એમની જિંદગીમાં હવે ભારતના પાસપોર્ટનું કોઈ મહત્ત્વ નથી. કુણાલના કહેવા પ્રમાણે પાસપોર્ટ હોવા છતાં પ્રવાસ દરમિયાન ઘણી બધી મુશ્કેલી થાય છે જેને કારણે પ્રવાસ નહીં કરવો વધુ સારો વિકલ્પ છે. કુણાલએ કહ્યું છે કે, પોતાના મિત્રનો જન્મદિવસ મનાવવા માટે તેઓ આઇરલેન્ડ જવા માંગતા હતા, પરંતુ જઈ શક્યા નહોતા. કુણાલે કહ્યું હતું કે, 'સામાન્ય રીતે હું ટિકિટ બુક કરાવીને મારા મિત્રને ર્પ્રાઇઝ આપવા માગતો હતો એને બદલે મે વિઝા માટે વેબસાઇટ ખોલી. જોકે હું થોડા દિવસો પહેલા બર્લીન ગયો હોવાથી ક્રિસમસ વખતે મિત્રો સાથે ડબલીન જઈ શક્યો નહીં. આ માટે પૈસા કારણભુત નહોતા કે સમય કારણભુત નહોતો. વિઝા મેળવવા માટે નક્કી કરવામાં આવેલા દિવસોને કારણે તકલીફ ઉભી થાય છે. આ ફક્ત મારી સાથે નથી થતું પરંતુ હજારો ભારતીય પાસપોર્ટ ધારકો સાથે થાય છે.'
બાંગ્લાદેશના કટ્ટરવાદીઓ હવે પત્રકાર નાઝનીનને ટાર્ગેટ કરે છે
બાંગ્લાદેશના કટ્ટરવાદીઓ હવે ત્યાના પત્રકાર નાઝનીન મુન્નીને ટાર્ગેટ કરી રહ્યા છે. નાઝનીન બાંગ્લાદેશની ટીવી ચેલન ગ્લોબલ ટીવીના ન્યુઝ હેડ છે. કટ્ટરપંથીઓ એમની ચેનલ જો બંધ નહીં કરે તો એને ફુકી મારવાની ધમકી આપે છે. આ કટ્ટરપંથીઓનું કહેવું છે કે ચેનલે ઉસ્માન હાદીના મૃત્યુને યોગ્ય કવરેજ આપ્યું નથી. નાઝનીન બાંગ્લાદેશના સિનિયર પત્રકાર છે. નાઝનીને સોશ્યલ મીડિયાની પોસ્ટમાં લખ્યું છે કે, 'સાતથી આઠ લોકો મારી ઓફિસે આવ્યા અને મને ધમકી આપી કે જો હું નોકરી નહી છોડુ તો તેઓ 'ધ ડેઇલી સ્ટાર'ની ઓફિસની જેમ આગ લગાડી દેશે. કટ્ટરવાદીઓ પહેલા ચેનલના એમડીને મળવા ગયા હતા અને એવું કહ્યું હતું કે, ઇન્કલાબ મંચના પ્રવક્તા શહીદ ઉસ્માન હાદીના મૃત્યુનું કવરેજ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. આ કટ્ટરવાદીઓએ એમડીને કહ્યું હતું કે તમે નાઝનીન મુન્નીને કેમ રાખ્યા છે. તે આવામી લીગની સમર્થક છે. તેને નોકરી પરથી દુર કરો.'
પાકિસ્તાનનો બેવડો ચહેરો, દારૂ હરામ હોવા છતાં હવે નિકાસને લીલી ઝંડી
ઇસ્લામમાં દારૂ પીવો, રાખવો કે વેચવો હરામ ગણાય છે. જોકે હવે કેટલાક કટ્ટર ઇસ્લામી દેશો પણ દારૂ બાબતે હળવું વલણ અપનાવતા થયા છે. સાઉદી અરબીયાએ બીન મુસ્લિમોને દારૂ પીવાની છૂટ આપી છે. સાઉદી અરેબિયાની એક માત્ર દારૂની દુકાન પર લાંબી લાઇનો લાગે છે. હવે પાકિસ્તાને પણ આ બાબતે મોટો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનની મૂર્રી બુ્રઅરીને લગભગ ૫૦ વર્ષ પછી આંતરરાષ્ટ્રીય બજારમાં દારૂના નિકાસની પરવાનગી આપવામાં આવી છે. દારૂના નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પાકિસ્તાનના દારૂ ઉદ્યોગ માટે એક ઐતિહાસીક નિર્ણય ગણાય છે. ૧૮૬૦ના બ્રીટીશ સાસન દરમિયાન મૂર્રી બુ્રઅરીની સ્થાપના થઈ હતી. પાકિસ્તાને હવે વિદેશી ભંડોળ મેળવવા માટે ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોને કોરાણે મુક્યા છે.
તેજસ્વી યાદવનો વિવાદાસ્પદ વિદેશ પ્રવાસ
વિદેશ પ્રવાસે ગયેલા આરજેડી નેતા તેજસ્વી યાદવ પર જેડીયુના પ્રવક્તા નીરજકુમારએ ગંભીર આક્ષેપ કર્યો છે. નીરજકુમારે તેજસ્વીની વિદેશ યાત્રા બાબતે પ્રશ્નો કર્યા છે. નીરજકુમારનો આરોપ છે કે તેજસ્વી યાદવ ગુનેગાર રમીઝ નેમત ખાન સાથે વિદેશ યાત્રાએ ગયા છે. રમીઝ નેમત ખાન પર ઉત્તર પ્રદેશમાં હત્યાનો આરોપ છે. તેજસ્વી યાદવની સાથે મોટીહારી સદરના આરજેડી ઉમેદવાર દેવ ગુપ્તા પણ ગયા છે. જેડીયુના નેતાના આરોપ પ્રમાણે દેવ ગુપ્તાનું નામ સો વોન્ટેડ ગુનેગારોની યાદીમાં છે. દેવ ગુપ્તા પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. તેજસ્વી યાદવ આ ગુનેગારો સાથે વિદેશમાં શું કરી રહ્યા છે? લાલુ પ્રસાદ યાદવના પુત્રી રોહિણી આચાર્યએ પણ ઘર છોડતી વખતે રમીઝનું નામ લીધું હતું. રોહિણીએ રમીઝ પર એમનું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો.


