નવીદિલ્હી : સુપ્રિમ કોર્ટ કોલેજિયમએ બે ન્યાયાધીશોની ભલામણ સુપ્રિમ કોર્ટના જજ તરીકે કરી છે. બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ આલોક અરાધે અને પટણા હાઇકોર્ટના મુખ્ય જસ્ટીસ વિપુલ મનુભાઈ પંચોલીના નામોની ભલામણ કરવામાં આવી છે. જોકે પાંચ જજોની કોલેજિયમોમાં સામેલ વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટીસ બી વી નાગરત્નાએ જસ્ટીસ પંચોલીના નામ બાબતે અસંતોષ દર્શાવ્યો છે. એમણે પોતાની નોટમાં લખ્યું છે કે, સુપ્રિમ કોર્ટમાં જસ્ટીસ પંચોલીની નિમણૂક ન્યાયતંત્ર માટે ઉપયોગી નહીં નીવડે. આ ઉપરાંત કોલેજિયમ પ્રણાલીની વિશ્વસનીયતા પણ દાવ પર લાગશે. નોટમાં નાગરત્નાએ જે સંજોગોમાં જસ્ટીસ પંચોલીની નિમણૂક ગુજરાત હાઇકોર્ટમાંથી પટણા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી એ વિશે પણ લખ્યું છે. કોલેજિયમમાં પાંચ ન્યાયાધીશો હતા. સીજેઆઇ બી આર ગવઈ, જસ્ટીસ સૂર્ય કાંત, જસ્ટીસ વિક્રમ નાથ, જસ્ટીસ જે કે મહેશ્વરી અને નાગરત્ના. નાગરત્ના સિવાયના ચાર ન્યાયાધીશોએ પંચોલીની તરફેણમાં નિર્ણય લીધો હતો.
મને બીજો લાલુ અમસ્તો નથી કહેતા
લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને નિતિશકુમારની સરકારમાં મંત્રી રહેલા તેજપ્રતાપ યાદવ આજકાલ સમાચારમાં રહે છે. બેગુસરાઇ ખાતે એક સભાને સંબોધન કરતા એમણે કહ્યું હતું કે, લોકો મને અમસ્તો જ લાલુ પ્રસાદ યાદવ નથી કહેતા. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની વોટર અધિકાર યાત્રા પર એમણે નિવેદન આપ્યું હતું. નાના ભાઈ તેજસ્વી યાદવ પર આડકતરૂ નિશાન તાકીને એમણે કહ્યું હતુ કે કેટલાક લોકો એસી ગાડીમાં ફરે છે. આવા લોકો ગામની પગદંડી પર કેવી રીતે ચાલી શકશે. આ સંમેલનમાં તેજપ્રતાપએ અસ્સલ લાલુની સ્ટાઇલમાં જ ભાષણ આપ્યું હતું. એમણે કહ્યું હતું કે, 'તેજસ્વીજી અને રાહુલજી પોતાની યાત્રા કાઢે છે એ ઠીક છે. હું તો ગામમાં ફરવામાં માનું છું. મારે જમીની નેતા બનવું છે. એમને જે કરવું હોય એ કરે.'
બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસ ટેન્શનમાં
પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ જો ૩૦ દિવસ સુધી જેલમાં રહે તો એમને પદ પરથી હટાવવાનું બીલ જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટી (જેપીસી) સમક્ષ મૂકવામાં આવ્યું છે. જેપીસીમાં સભ્ય બનવા બાબતે ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ કોંગ્રેસ પર દબાણ વધાર્યું છે. સમાજવાદી પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ, શીવસેના (ઉદ્ધવ ઠાકરે) જેવા સાથી પક્ષો આ કમિટિનો બહિષ્કાર કરવા માંગે છે, પરંતુ કોંગ્રેસને સમીતીમાં દાખલ થવું છે. સાથી પક્ષોના નિર્ણયને કારણે હવે કોંગ્રેસના નેતાઓ દબાણમાં આવી ગયા છે. સાથી પક્ષોએ કોંગ્રેસને સાફ કહ્યું છે કે આ બાબતે એમનો વિરોધ પાકો છે. જેપીસીથી કોઈ ફેરફાર નહીં થાય. બિહારમાં વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે કોંગ્રેસ સાથી પક્ષોને નારાજ કરવા માંગતો નથી. બિહારમાં કોંગ્રેસનો સોથી મોટો જોડીદાર પક્ષ આરજેડી પણ જેપીસીનો બહિષ્કાર કરવાના મૂડમાં છે.
અભિષેક બેનર્જીનું સાંસદપદ જોખમમાં
તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ અભિષેક બેનર્જી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ડાયમંડ હાર્બર લોકસભા બેઠક પરથી જીત્યા હતા. અભિષેક બેનર્જીએ ભાજપના ઉમેદવાર અભિજીત દાસને ૭ લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. ત્યાર પછી અભિજીત દાસએ ચૂંટણીમાં ગરબડ કરવા બાબતે કોલકત્તા હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. અભિજીતની અરજી પર જવાબ દાખલ કરવા માટે અભિષેક બેનર્જી કોર્ટ પહોંચ્યા હતા. આ કેસમાં ૧૯મી ઓગસ્ટે પણ સૂનાવણી થઈ હતી. કોર્ટે ચેતવણી આપી હતી કે, જો અભિષેક બેનર્જી સમયસર એમનો જવાબ નહીં રજૂ કરે તો કોર્ટ એક પક્ષીય ચૂકાદો આપશે. તાણમાં આવેલી ગયેલા અભિષેક બેનર્જી એફીડેવીટ તેમજ બીજા કેટલાક દસ્તાવેજો પર સહી કરવા માટે સમયસર કોર્ટ પહોંચી ગયા હતા.
હુમલા પછી રેખા ગુપ્તાની સુરક્ષા દિલ્હી પોલીસ જ કરશે
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સુરક્ષા હવે દિલ્હી પોલીસ જ કરશે. સુરક્ષાની જવાબદારી સંભાળતા સીઆરપીએફ પાસેથી જવાબદારી લઈ લેવામાં આવી છે. કેટલાક ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે રેખા ગુપ્તાને દિલ્હીના પોલીસો જ વધુ સારી સુરક્ષા આપી શકશે. હુમલા પછી રેખા ગુપ્તાની સુરક્ષા માટે ૨૪ કલાક વ્યવસ્થા કરવામાં આવી છે. એમની સુરક્ષા માટે વધારાના દળો પણ ફાળવવામાં આવ્યા છે. એમ મનાય છે કે રેખા ગુપ્તા પર થયેલો હુમલો પૂર્વ આયોજીત હતો. ગુપ્તા પર હુમલો કરનારની સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે જેમને ઝેડ સીક્યુરીટી આપી હોય છે એમની સલામતીમાં સીઆરપીએફના જવાનો હોય છે, પરંતુ રેખા ગુપ્તાના કેસમાં જુદો નિર્ણય લેવામાં આવ્યો છે.
સપાએ તમામ જિલ્લા અને વિધાનસભાના પ્રભારીઓને દુર કર્યા
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હજી સમય છે, પરંતુ સમાજવાદી પક્ષે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવએ મોટો નિર્ણય લઈને સંગઠનમાં ફેરફાર કર્યા છે. એમની સૂચના પ્રમાણે સપાના પ્રદેશ પ્રમુખ શ્યામલાલ પાલએ તમામ જિલ્લા તેમજ વિધાનસભા ક્ષેત્રના પ્રભારીઓને તત્કાલીક અસરથી દુર કર્યા છે. હવે પંચાયતની ચૂંટણી તેમજ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા પ્રભારીઓની નિમણૂક થશે. નવા નિમાયેલા પ્રભારીઓને વધુ જવાબદારી સોંપવામાં આવશે. સંગઠનને મજબૂત કરવા માટે અખિલેશ યાદવએ આ નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશનું રાજકારણ ખૂબ જટીલ છે. દુર થયેલા પ્રભારીઓની નારાજગી નડે નહી એ માટે પણ અખિલેશ યાદવએ સાવચેતી રાખવી પડે એમ છે.
માફિયા અતીકની ટીકાને કારણે મને પક્ષમાંથી હાંકી કઢાઈ
ઉત્તર પ્રદેશના ચાયલની ધારાસભ્ય પૂજા પાલએ સપા પ્રમુખ અખિલેશ યાદવના આરોપોનો ઇન્કાર કર્યો છે. એમણે કહ્યું છે કે, ભાજપથી મને કોઈ ચિંતા નથી. ભાજપએ મને કોઈ વચન આપ્યું નથી. પક્ષે મને પહેલા શા માટે નહીં કાઢી. જ્યારે વિધાનસભા ગૃહમા મે માફિયા અતીક અહમદની ટીકા કરી તો તરત જ સપાએ મને પક્ષમાંથી કાઢી મૂકી. પૂજા પાલએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, 'અગાઉની ત્રણ ચૂંટણીઓમાં મારા પતિ અને મારા વિરુદ્ધ માફિયા અતિક અહમદના ભાઈ અસરફને ઉભો કરવામાં આવ્યો હતો. એ વખતે સમાજવાદી પાર્ટીએ વિરોધ નહોતો કર્યો. હું મંત્રી બનવા નથી માંગતી. મારા જાનને ખતરો છે. દેશના ગૃહમંત્રીને મારી અપીલ છે કે મને ધમકી આપનારાઓ કોણ છે એની તપાસ કરે.'
કોંગ્રેસમાં જેપીસીના બહિષ્કારની વધતી માગ
કોંગ્રેસનું એક જૂથ પોતાના નેતૃત્વને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)નો બહિષ્કાર કરવાનો આગ્રહ કરી રહ્યું છે, જે બંધારણ (૧૩૦મું સંશોધન) વિધેયક, ૨૦૨૫ની સમીક્ષા કરશે. ટીએમસી, સમાજવાદી પક્ષ, આમ આદમી પાર્ટી અને શિવસેના (યુબીટી) પહેલેથી જ સમિતિમાં સામેલ ન થવાની જાહેરાત કરી ચુક્યા છે. આરજેડી પણ તેમાંથી બહાર નીકળી શકે છે. બિહારમાં સમન્વય કરી રહેલા કોંગ્રેસ અને આરજેડીએ હજી સુધી પોતાના નિર્ણયની ઔપચારિક જાહેરાત નથી કરી. વિપક્ષી દળો દ્વારા જેપીસીથી પોતાને અલગ કર્યા પછી, કોંગ્રેસ હવે પોતાના વલણ પર પુનર્વિચાર કરી રહી છે. પાર્ટીનું પ્રારંભિક વલણ, જે તેના મુખ્ય ઈન્ડી બ્લોકથી અલગ હતું, તેણે ગઠબંધનમાં તિરાડની ચર્ચા જગાવી હતી. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે મુખ્ય વિપક્ષી દળ ૩૧ સભ્યોની જેપીસીમાં સામેલ થવાના પક્ષમાં નથી, જે ગંભીર આપરાધિક આરોપોમાં ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી ધરપકડ કરાયેલા અથવા અટકમાં લેવાયેલા વડા પ્રધાન, મુખ્ય મંત્રીઓ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓને હટાવવા સંબંધિત વિધેયકની સમીક્ષા કરશે.
મઝદૂર સંઘની બે લેબર કોડનો તાત્કાલિક અમલ કરવાની અપીલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સહયોગી ભારતીય મજૂર સંઘ (બીએમએસ)એ મોદી સરકારને વેતન સંહિતા અને સામાજિક સુરક્ષા સંહિતા તાત્કાલિક લાગુ કરવા હાકલ કરી છે. ચારમાંથી બે લેબર કોડ સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયાના ચાર વર્ષથી વધુ સમય પછી પણ સૂચિત નથી કરાયા. બીએમએસની કેન્દ્રીય કાર્ય સમિતિએ પણ માંગ કરી છે કે કેન્દ્ર સરકાર શ્રમ મંત્રાલયની સર્વોચ્ચ સલાહકાર સંસ્થા, ભારતીય શ્રમ પરિષદની વહેલી તકે બેઠક બોલાવે. ૨૦૧૯ અને ૨૦૨૦ની વચ્ચે સંસદ દ્વારા પસાર કરાયેલા ચાર શ્રમ સંહિતા, જે ૪૪ શ્રમ કાયદાઓને સંહિતાબદ્ધ કરે છે, તેનો હેતુ શ્રમ બજારમાં સુધારો કરવા, રોજગાર સર્જનને સરળ બનાવવા, આથક સુધારાઓને વેગ આપવા અને અસંગઠિત ક્ષેત્રના કામદારોના કલ્યાણને સુનિશ્ચિત કરવાનો હતો. બીએમએસએ ઔદ્યોગિક સંબંધ સંહિતા અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ સંહિતાની કેટલીક જોગવાઈઓની ટીકા કરીને તેમને 'કામદાર વિરોધી' ગણાવ્યા છે. તેણે એવી પણ દલીલ કરી છે કે આ સંહિતા કામદારોના હિતોનું રક્ષણ કરવાને બદલે માલિકોને ફાયદો કરશે. ઉદાહરણ તરીકે, બીએમએસ ઔદ્યોગિક વિવાદો, ટ્રેડ યુનિયનો અને છટણી સામે રક્ષણ સંબંધિત કોડ વિશે શંકાસ્પદ છે, કારણ કે તે ૩૦૦ જેટલા કામદારો ધરાવતી કંપનીઓને સરકારની પૂર્વ મંજૂરી વિના કર્મચારીઓને કાઢી મૂકવા અને એકમો બંધ કરવાની મંજૂરી આપે છે.
દિલ્હીના વકીલો હડતાળ પર ઉતરવાના મૂડમાં
દિલ્હીમાં છ જિલ્લામાં પ્રેક્ટીસ કરતા વકીલોએ એલજીના ૧૩ ઓગસ્ટના નોટિફિકેશનના વિરોધમાં તેમની હડતાળ પાછી ખેંચવાનો ઈન્કાર કર્યો છે. આ નોટિફિકેશન હેઠળ પોલીસ સ્ટેશનોમાં વીડિયો કોન્ફરન્સ સુવિધા ઊભી કરવાની તેમજ પોલીસ અધિકારીઓના નિવેદનો ઓનલાઈન રેકોર્ડ કરવાની જોગવાઈ છે. આથી તેમણે ટ્રાયલ દરમ્યાન કોર્ટમાં પ્રત્યક્ષ હાજર થવાની જરૂર નહિ પડે. દિલ્હી સીએમ રેખા ગુપ્તા સાથેની બેઠકનું કોઈ પરિણામ ન આવતા બાર કાઉન્સિલના પ્રતિનિધિઓએ હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. બાર કાઉન્સિલે જણાવ્યું કે ઈડી અને સીબીઆઈ જેવી સરકારી એજન્સીઓ માટે હાજર રહેતા વકીલો તેમજ કોર્ટ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓને પણ કોર્ટમાં હાજર નહિ થવા દેવાય. નોટિફિકેશનને જનતા વિરોધી ગણાવતા બાર કાઉન્સિલે લોકોને તેના વિશે માહિતગાર કરવા વિવિધ કોર્ટ સંકુલોની બહાર જાહેર પ્રદર્શન કરવાનો પણ નિર્ણય લીધો છે.
- ઈન્દર સાહની


