નવીદિલ્હી : પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે ફરીથી એક વખત પોતાની સત્તા વધારવાની રણનીતિ તૈયાર કરી છે. આમ આદમી પાર્ટીમાં થયેલા બળવા પછી ભાજપ વધુ આક્રમક બન્યો છે. પક્ષની નજર હવે કોંગ્રસ અને આપના નારાજ નેતાઓ પર હોવાથી વિરોધ પક્ષનું ટેન્શન વધ્યું છે. પંજાબમાં ૨૦૨૨ પહેલા ભાજપએ શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધનમાં રહીને ત્રણ વખત સરકાર સાથે ભાગીદારી કરી હતી. આજ ટ્રેન્ડનું પુનરાવર્તન ભાજપ ફરીથી કરવાની તૈયારીમાં છે. પંજાબમાં ફેબુ્રઆરી ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણી છે. વિરોધપક્ષના નારાજ થયેલા નેતાઓનો પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે અને એમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે છે. ભાજપના નેતાઓ એમ કહે છે કે તેઓ કોઈપણ નેતાઓને ભાજપમાં જોડાવા માટે દબાણ કરતા નથી. જોકે જે રીતે વિરોધી નેતાઓને ત્યાં ઇડીની તપાસ પછી તેઓ ભાજપમાં જોડાય જાય છે એ કંઈક અલગ જ સૂચવે છે.
'મહિલા વિરુદ્ધ અત્યાચારો ચરમસીમાએ'
ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક સગીર છોકરીની હત્યા પછી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકારની આકરી ટીકા કરી હતી. એમના કહેવા પ્રમાણે રાજ્યમાં મહિલાઓ પર થતા અત્યાચાર ચરમસીમાએ છે. પ્રિયંકા ગાંધીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, 'ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક છોકરીની હત્યાના કેસમાં પહેલા ફરિયાદ લેવામાં આનાકાની કરવામાં આવી હતી. ત્યાર પછી પીડિત કુટુંબોને ધમકાવવામાં આવ્યા હતા. ગુંડાઓ દ્વારા ફેલાવવામાં આવેલી અરાજકતા જોઈને લાગે છે કે પ્રદેશમાં મહિલાઓ પર અત્યાચાર ચરમસીમાએ છે. ભાજપના રાજમાં જ્યારે પણ કોઈ મહિલા પર અત્યાચાર થાય છે ત્યારે પીડિતને જ વધુ હેરાન કરવામાં આવે છે. મહિલાઓ માટે વડાપ્રધાન મોટી મોટી વાતો કરે છે જે ફક્ત દેખાડો છે.'
શબરીમાલામાં સુરક્ષા બાબતે પ્રશ્ન
કેરળના પ્રસિદ્ધ શબરીમાલા મંદરિ પાસે ભારતીય તટરક્ષક (આઇસીજી)નું હેલીકોપ્ટર ખુબ જ ઓછી ઉંચાઈએ ઉડયુ હતું. આ બાબતે તપાસ થઈ રહી છે. ઘટના સંદર્ભે એડીજીપી એસ શ્રીજીતએ શરૂઆતનો રીપોર્ટ ઉપરીને સોપ્યો છે. આઇસીજીનું હેલીકોપ્ટર મંદિરની ખુબ જ નજીકથી ઓછી ઉંચાઈએ ઉડતું જોવામાં આવ્યું હતું. ત્યાર પછી પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. આઇસીજીના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં વધુ વાદળો અને ખરાબ હવામાનને કારણે હેલીકોપ્ટર રસ્તો ભૂલી ગયું હતું અને પંબા પહાડીઓ પરથી પસાર થયું હતું. કેરળ હાઇકોર્ટે આ બાબતે રીપોર્ટ માગ્યો હતો. રીપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે હેલીકોપ્ટર કેટલાક મકાનોની વચ્ચેથી પસાર થયું હતું જેને કારણે અકસ્માત થવાની સંભાવના હતી.
ચૂંટણી કમિશને છ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા
ચૂંટણી કમિશને પશ્ચિમ વિધાનસભા ચૂંટણી દરમિયાન ગંભીર ગેરરીતિ તેમજ પક્ષપાત કરવા માટે છ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ તમામ અધિકારીઓ પર શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સસ્પેન્ડ થયેલા અધિકારીઓમાં આઇપીએસ સહિત એસડીપીઓનો સમાવેશ પણ થાય છે. ચૂંટણી કમિશનના આ નિર્ણયથી તૃણમુલ કોંગ્રેસના નેતાઓ નારાજ થઈ ગયા છે. સંદીપ સરકાર, સંદીપ ગરાઈ, સાજન મંડલ, મૌસમ ચક્રવર્તી, અજય બાગ અને શુભેચ્છા બાગ સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. સંદીપ ગરાઈ બાબતે ગૃહમંત્રાલય અને એમના કેડરને પણ એક રીપોર્ટ મોકલવામાં આવ્યો છે. ચૂંટણી કમિશનના આ નિર્ણયથી પશ્ચિમ બંગાળના પોલીસ અધિકારીઓમાં ડર જોવા મળી રહ્યો છે.
કે કવિતાએ પોતાનો રાજકીય પક્ષ લોંચ કર્યો
તેંલગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના પુત્રી અને બીઆરએસના ભૂતપૂર્વ નેતા કે કવિતાએ પોતાની પાર્ટી લોન્ચ કરી છે. કે કવિતાના પક્ષનું નામ તેંલગાણા રાષ્ટ્ર સેના છે. થોડા મહિના પહેલા કવિતાને એમના પિતાએ જ બીઆરએસ પક્ષમાંથી કાઢી મૂક્યા હતા. કે કવિતાના નવા પક્ષનું લોંચીગ હૈદ્રાબાદમાં થયું હતું. ખાસ વાત એ છે કે બીઆરએસનું જૂનુ નામ પણ ટીઆરએસ એટલે કે (તેંલગાણા રાષ્ટ્ર સમિતિ) હતું. જે પાછળથી બદલીને બીઆરએસ (ભારત રાષ્ટ્ર સમિતિ) કરવામાં આવ્યું હતું. નવા પક્ષની શરૂઆત પહેલા કે કવિતાએ તેંલગાણાને અલગ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ૧૯૬૯ના આંદોલન દરમિયાન મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલી આપી હતી. કે કવિતાએ તેંલગાણાની અસ્મિતા પર ધ્યાન આપીને પ્રચાર શરૂ કર્યો છે. જોકે તેંલગાણામાં કે કવિતાને કોઈ ઝાઝુ મહત્વ મળતું નથી.
'લોરેન્સ ઓફ પંજાબ' સિરિઝ પર કેમ પ્રતિબંધ મૂકાયો
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ પર બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટરી સિરિઝ 'લોરેન્સ ઓફ પંજાબ' પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. સરકાર તરફથી ઓટીટી પ્લેટફોર્મ ઝી-૫ને ઔપચારીક રૂપે સલાહ આપવામાં આવી છે કે આ ડોક્યુ-સિરિઝને અટકાવી દેવામાં આવે. સિરિઝની વાર્તા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને હીરો તરીકે ચીતરતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિરિઝના ટીઝર - ટ્રેલર રિલિઝ થયા પછી તરત જ વિવાદ થયો હતો. પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારીંગએ આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. પંજાબ પોલીસે પણ આ સિરિઝને અટકાવી દેવા માટે અપીલ કરી હતી. લોરેન્સ બિશ્નોઇના પિતરાઇ ભાઈએ તેમજ કુટુંબે પણ આ સિરિઝ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને ડાયરેક્ટરની ટીકા કરી હતી.
મહિલા લોકો પાયલટને સાત મહિના પછી ન્યાય મળશે
દક્ષિણ રેલવેના સલેમ ડિવિઝનમાં મહિલા સહાયક લોકો પાયલટએ શોષણનો આરોપ મૂક્યો હતો. એમણે મુખ્ય લોકો નીરિક્ષક પર કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ ઘટના ગયા વર્ષે ૧૩મી સપ્ટેમ્બરે એક પરીક્ષા દરમિયાન બની હતી. મહિલાની પ્રારંભિક ફરિયાદ પછી આંતરીક ફરિયાદ સમીતિએ આરોપી અધિકારીની ફક્ત બદલી કરીને ચેતવણી આપી હતી. આંતરીક શિકાયત કમિટીએ મહિલાનું નિવેદન નોંધીને કહ્યું હતું કે, 'મુખ્ય લોકો ઇન્સ્પેક્ટર ટીટી સેલવરાજએ એને માથે, ખભા પર જાંઘ, અને હોઠ પર અડયુ હતું.' જોકે મહિલાએ સલેમ મંડળ રેલવે પ્રબંધકને અપીલ કરતા કહ્યું હતું કે, 'આ ઘટના ફક્ત શરીરના સંપર્કની નહોતી. બીએનએસની કલમ ૭૪ અને ૭૫ હેઠળ ગંભીર ઉત્પીડન અને મારી મર્યાદા ભંગ કરવાના ઇરાદે કરવામાં આવેલો હુમલો હતો.' મહિલાની અપીલ માન્ય રાખીને છેવટે તપાસ ખાસ કમીટીને સોંપવામાં આવી હતી. મહિલાને હવે ખાતરી છે કે સાત મહિના પછી એને ન્યાય મળશે.


