નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી તમામ સ્ટાર પ્રચારકો બિહારમાં ઉતરી પડયા છે. વડાપ્રધાન મોદી પણ બિહાર પહોંચીને વિવિધ સભાઓ સંબોધીત કરી રહ્યા છે. બિહારમાં સૌથી પવિત્ર ગણાતા છઠ પૂજાના દિવસે મોદીએ સભા સંબોધી ત્યારે એમણે વિરોધીઓની ખાસ ટીકા કરી નહોતી, પરંતુ સોશ્યલ મીડિયા એક્સ પર કેટલાક ગીતોને લગતી પોસ્ટ મૂકી હતી. સોશ્યલ મીડિયા પર આરજેડી અને તેજસ્વી યાદવની સ્તુતિ કરતા તેમજ એક સમાજ વિશેષને લગતા ગીતો વગાડવામાં આવી રહ્યા છે એ બાબતે મોદીએ ચિંતા જાહેર કરી હતી. એક ગીત આ પ્રકારનું છે 'ભૈયા કે આબે દે સત્તા રે કટ્ટા સટાકે ઉઠા લે બાઉ ઘરા સેરે', 'જબ તેજસ્વી સરકાર બનતઉ, સબ યાદવ રંગદાર બનતઉ, ઘરે હથિયાર રખતઉ... ઘરે ઘરે સે ચલતઉ રાઇફલ કા દાના, યાદવ કે નામ સે ના કેસ લેતઉ થાના'
નવા સીજેઆઇની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ
કેન્દ્ર સરકારે દેશના હવે પછીના ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાની નિમણૂક કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કાયદા મંત્રાલયે હમણાના સીજેઆઇ ભૂષણ આર ગવઈના ઉત્તરાધિકારીનું નામ નક્કી કરવા વિનંતી કરી છે. સીજેઆઇ ગવઈ ૨૩ નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. સુપ્રિમ કોર્ટના સૌથી સિનિયર જસ્ટીસ સૂર્યકાંત ૫૩માં ચીફ જસ્ટીસ તરીકે પસંદ થશે. એ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જસ્ટીસ સૂર્યકાંત ૨૪ નવેમ્બરથી સીજેઆઇ તરીકે કામગીરી શરૂ કરશે અને એમનો કાર્યકાળ ૧૪ મહિનાનો હશે. ૨૦૨૭ની ૯મી ફેબુ્રઆરીએ તેઓ નિવૃત્ત થશે. ૧૯૯૩માં નક્કી થયું હતું કે કાયદામંત્રાલય ચાલુ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાની નિવૃત્તના ૧ મહિના પહેલા ઉત્તરાધિકારીના નામની ભલામણ માંગશે.
ચૂંટણી મેદાનમાં પવનસિંહના પત્ની જ્યોતિ એકલા પડી ગયા
ભોજપુરી પાવર સ્ટાર પવનસિંહના પત્ની જ્યોતિસિંહ બિહારમાં કારાકાટ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે. જોકે તેઓ એકલા પડી ગયા છે. એમની પાસે એમના પતિ જેવા કોઈ સમર્થકો નથી અને પ્રચાર માટે પૈસા કે સાધનો નથી. જ્યોતિએ એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ક્યુઆર કોડ શેર કરીને લોકોનો ટેકો માગવાની કોશિષ કરી છે. એમણે કહ્યું છે કે જેમની પાસે જેટલા પૈસા હોય એટલી મદદ કરે. આ સાથે જ્યોતિએ પોતાની વેદના પણ વ્યક્ત કરી છે. એમણે કહ્યું છે કે તેઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે અને પતિ સાથે સંબંધો કાપી નાખ્યા પછી સામાન્ય લોકો સિવાય એમની મદદ કોઈ કરતું નથી. જ્યોતિએ પોતાના બેન્ક એકાઉન્ટની માહિતી શેર કરીને લખ્યું છે કે, રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરુષોને પણ સમાજે ખૂબ અન્યાય કર્યો છે. હું તો એક સામાન્ય મહિલા છું.
જ્યારે સંઘનો સાથ છોડીને ગુરુ ગોલવલકર ચૂપચાપ ચાલ્યા ગયા હતા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપનાને ૧૦૦ વર્ષ થયા છે ત્યારે ગુરુ ગોલવલકર વિશે નહી જાણેલી વાતો બહાર આવી રહી છે. સમાજ સેવા સિવાય ગોલવલકર ધાર્મિક બાબતે પણ ખૂબ સક્રિય હતા. તેઓ સતત નાગપુરના રામકૃષ્ણ મિશનમાં જતા રહેતા હતા. ૧૯૩૬માં માધવ બિમાર સ્વામી અખંડઆનંદની દેખભાળ કરવા માટે તેઓ બંગાળમાં રામકૃષ્ણ મિશન ખાતે આવેલા સરગાતી આશ્રમમાં પહોંચી ગયા હતા. બે વર્ષ સુધી તેઓ ત્યાં જ રહ્યા હતા. સ્વામીજી પાસે એમણે સન્યાસ પણ લીધો હતો અને સ્વામીજીના મૃત્યુ પછી બે મહિના સુધી તેઓ ત્યાં જ રહ્યા હતા. ૧૯૩૮માં તેઓ ફરીથી નાગપુર પરત થયા હતા. ગોલવલકરને જ્યારે આ બાબતે એક વખત પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે, 'તમે અયોગ્ય સવાલ પૂછયો છે. આશ્રમ અને સંઘની ભૂમિકા એક સરખી જ છે. મને હંમેશા રાષ્ટ્ર નિર્માણ અને ધાર્મિકતા પસંદ આવ્યા છે.'
મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે તેજસ્વીનું નામ જાહેર થતા તેજપ્રતાપે શું કહ્યું
લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે કુટુંબ અને પક્ષમાંથી ખારીજ થયા પછી જનશક્તિ જનતાદળ પક્ષની સ્થાપના કરી છે. બીજા પક્ષોની જેમ તેજપ્રતાપ પણ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આક્રમકતાથી પ્રચાર કરી રહ્યા છે. મહાગઠબંધનએ આરજેડીના નેતા તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ બાબતે તેજપ્રતાપ યાદવને સવાલ પૂછવામાં આવ્યો હતો. જવાબમાં એમણે કહ્યું હતું કે તેજસ્વી એમના નાના ભાઈ છે અને તેઓ એમને ફક્ત આશીર્વાદ આપી શકે છે. એમણે કહ્યું હતું કે, 'જ્યાં સુધી હું કુટુંબની સાથે હતો ત્યા સુધી હું એને આશીર્વાદ આપતો હતો હવે પણ હું ફક્ત આશીર્વાદ જ આપી શકું એમ છું. એના માટે સુદર્શનચક્ર તો ચલાવી નહીં શકું ને. કોણ મુખ્યમંત્રી બનશે એ તો લોકોએ નક્કી કરવાનું છે. જો લોકો એમને પસંદ કરશે તો તેઓ મુખ્યમંત્રી બની જશે.
બિશ્નોઇ ગેંગના નામે ચેરમેન પાસે પાંચ કરોડની ખંડણી માગવામાં આવી
લોરેન્સ બિશ્નોઇ ગેંગના ગોલ્ડી બરાડએ ગાઝીયાબાદના પતલાકીનગર પંચાયતના ચેરમેન રીટા ચૌધરીના પતિ દેવેન્દ્ર ચૌધરી પાસે પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગી છે. વોટસઅપ પર આવેલા કોલ મારફતે દિવાળી પછી પાંચ કરોડ ચૂકવવા કહેવાયું હતું. જો ખંડણી નહીં આપે તો ગોળી મારવાની ધમકી પણ આપવામાં આવી છે. બે વખત અલગ અલગ નંબર પરથી ફોન આવ્યા હતા. ફોન કરનારે પોતાને ગોલ્ડી બરાડ હોવાનું કહ્યું હતું. દેવેન્દ્ર વેપારી છે એમના પિતા યોગેન્દ્રસિંહ રાલોદના નેતા છે. આ બાબતે નિવાડી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હરિયાણા અને પંજાબના પૈસાદારો પાસેથી લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવે છે. લોરેન્સ બિશ્નોઇ હમણા અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે, પરંતુ એનો ધાક હજી યથાવત છે.
ફ્રાન્સેસકા આરસીની કોણ છે જેને દિલ્હી એરપોર્ટ પરથી પાછી મોકલવામાં આવી
આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દી સાહિત્યના જાણીતા વિદુષી અને લંડન વિશ્વ વિદ્યાલયની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝના પ્રો. એમેરીટા ફ્રાન્સેસકા આરસીનીને ભારત આવતા રોકવામાં આવ્યા છે. તેઓ દિલ્હી એરપોર્ટ પર આવ્યા ત્યારે ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને એરપોર્ટ પરથી જ પરત મોકલી આપ્યા હતા. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લે ભારત આવ્યા હતા ત્યારે એમણે વિઝાની શરતોનો ભંગ કર્યો હતો જેને કારણે એમને ભારતમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. ગૃહમંત્રાલયના એક અધિકારીના કહેવા પ્રમાણે એમના ભૂતકાળના પ્રવાસ દરમિયાન એમણે વિઝાના નિયમોનો ઘણો ભંગ કર્યો હતો એટલે એમને દેશમાં દાખલ થવા દેવામાં આવ્યા નહોતા. જોકે આરસીનીનું કહેવું છે કે એમને કોઈ કારણ બતાવવામાં આવ્યું નહોતું. બસ એટલું જ કહેવામાં આવ્યું હતું કે તમે દેશમાં પ્રવેશી શકશો નહીં. એમના પતિ પિટર કોર્નિંગએ કહ્યું હતું કે પત્ની હોંગકોંગથી દિલ્હી પહોંચી ત્યારે એમને પરત મોકલવામાં આવી હતી. એમને કોઈ કારણ આપવામાં આવ્યું નહોતું.


