નવીદિલ્હી : ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા તરીકે નિવૃત્ત થયેલા જસ્ટીસ બીઆર ગવઈએ કેટલીક અગત્યની વાતો કરી છે. એમણે ન્યાયતંત્ર બાબતે સમાજની ધારણાઓ વિશે કહ્યું તો, જજોની કામગીરીની વ્યવહારીકતા વિશે પણ ખુલીને બોલ્યા. એમના કહેવા પ્રમાણે એમના કાર્યકાળ દરમિયાન એમને કદી સરકાર તરફથી દબાણનો અનુભવ નથી થયો. એમણે કહ્યું હતું કે કોર્ટમાં અમે દરેક કેસ એક સરખી રીતે જ જોઈએ છીએ. કેસની મેરીટ પર ચુકાદો અપાય છે. અમે જોતા નથી કે કયા પક્ષની તરફેણમાં ચુકાદો જઈ રહ્યો છે. સરકાર હોય કે કોઈ ખાનગી પાર્ટી, અમારા માટે બધા સરખા છે. આ ઉપરાંત એક નેરેટીવ બાબતે પણ એમણે ખુલાસો કર્યો હતો. ગવઈના કહેવા પ્રમાણે કેટલાક લોકો એમ માને છે કે જો તમારો ચુકાદો સરકાર વિરુદ્ધ નહીં હોય તો તમે સ્વતંત્ર જજ નથી. આ માન્યતા સાચી નથી.
વડાપ્રધાનના રોડ શો પર ફુલ વર્ષા કરવા સ્કૂલના બાળકોને ઉભા રખાયા
આપણે ત્યાં સામાન્ય રીતે રાજકીય નેતાઓ જ્યારે રોડ શો કે રેલી કરે છે ત્યારે સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકોની મરજી હોય કે નહીં એમણે ફરજીયાત આવા કાર્યક્રમોમાં હાજર રહેવું પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કર્યું એ પ્રસંગે તેઓ એરપોર્ટથી હેલીકોપ્ટરમાં સાકેત કોલેજ પહોંચ્યા હતા. સાકેત કોલેજથી રામ મંદિર સુધી દોઢ કિલોમીટરનો રોડ શો એમણે કર્યો હતો. રોડ શોમાં વડાપ્રધાન પર ફૂલ વર્ષા કરવા માટે સ્કૂલના બાળકોનો ઉપયોગ થયો હતો. લોકો જય જય શ્રી રામના સૂત્રો બોલતા હતા ત્યારે તડકામાં કલાકોથી ઉભા રહેલા સ્કૂલના વિદ્યાર્થીઓ કંટાળેલા લાગતા હતા. આખા અયોધ્યા શહેરને એક હજાર ક્વીન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.
ખંડણીના પૈસાનું રોકાણ અનમોલ બિશ્નોઇ કયાં કરતો હતો
દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક ડોઝિયરમાં કુખ્યાત બિશ્નોઇ ગેંગ વિશે અને એના વિદેશી નેટવર્ક વિશે ચોંકાવનારી વાતો બહાર આવી છે. રીપોર્ટ પ્રમાણે ગેંગએ ખંડણીના પૈસા ભારત બહારના કેટલાક ધંધાઓમાં રોક્યા છે. સ્પોર્ટ્સ કલબ અને રીયલ એસ્ટેટમાં પણ ગેંગે મોટા પાયે રોકાણ કર્યું છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનનો નાનો ભાઈ અનમોલ બિશ્નોઇ આ ઓપરેશનનો મુખ્ય સૂત્રધાર હતો. એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા તેમજ ફિલ્મસ્ટાર સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરાવવાનું કાવતરૂ પણ અનમોલ બિશ્નોઇએ ઘડયું હતું. ગેંગ વતી ખંડણી ઉઘરાવવાનું કામ પણ અમનોલ કરતો હતો અને વિદેશમાં રોકાણ કરવાનું આયોજન પણ એ જ કરતો હતો. કેટલાક પૈસાથી અનમોલએ યાચ (મોટી બોટો) ખરીદી હતી તેમ જ ફિલ્મો અને કેનેડિયન પ્રિમીયમ લીગમાં પણ રોકાણ કર્યું હતું. આ સિવાય બિશ્નોઇ ગેંગેએ થાઇલેન્ડની નાઇટ કલબોમાં પણ પૈસા રોક્યા છે.
અખિલેશ યાદવના ભાઈના લગ્ન પણ ધામધૂમથી થયા
મુલાયમસિંહ યાદવ જીવીત હતા ત્યારથી ઉત્તર પ્રદેશના સૈફઇ ખાતે યાદવ કુટુંબના કોઈપણ પારીવારીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કુટુંબમાંથી કોઈના પણ લગ્ન હોય ત્યારે સૈફઈ ખાતે બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી હિરો-હિરોઇનને બોલાવીને જલસા થાય છે. હવે સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના કુટુંબે ફરીથી સૈફઇમાં ધામધૂમથી એક લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હતું. અખિલેશ યાદવના પિતરાઈ ભાઈ આર્યન યાદવના લગ્ન પ્રસંગે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની ચર્ચા ફક્ત સમાજવાદી પક્ષમાં નહીં, પરંતુ આખા પ્રદેશમાં થઈ હતી. આર્યન યાદવના લગ્ન લદ્દાખના વકીલ સેરીંગ સાથે થયા છે. આર્યન અને સેરીંગની રીંગ સેરેમની ૨૦૧૪ના ડિસેમ્બર મહિનામાં દિલ્હી ખાતે થઈ હતી. આર્યનના પિતા રાજપાલ યાદવના મૃત્યુને કારણે લગ્ન વિધિ લંબાઈ ગઈ હતી.
કર્ણાટક કોંગ્રેસમાં ઉથલપાથલ, 'નવેમ્બર ક્રાંતી'ની તૈયારી
કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ઉથલપાથલ થઈ રહી છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાના મુદ્દે ખેંચતાણ ચાલુ છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારના ટેકેદારોએ એક બીજા સામે તલવાર તાણી છે. બંને કેમ્પના ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા છે. કોંગ્રેસના ટોચના નેતાઓને મળીને તેઓ રજૂઆત કરવા માંગે છે, પરંતુ હજી સુધી હાઇકમાન્ડે એમને મળવાની મંજૂરી આપી નથી. ડી કે શિવકુમાર કેમ્પના વધુ ધારાસભ્યો દિલ્હીમાં દેખાઈ રહ્યા છે. કર્ણાટક સરકારમાં મુખ્યમંત્રી બદલવાનું નક્કી ૨૦૨૩ના વર્ષમાં થયું હતું. એમ નક્કી થયું હતું કે સિદ્ધારમૈય અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે. ત્યારે પછી ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર આ પદ પર બેસશે. કોંગ્રેસમાં કેટલાક આને 'નવેમ્બર ક્રાંતી' કહી રહ્યા છે.
દિલ્હી બ્લાસ્ટને કારણે નેતન્યાહુનો ભારત પ્રવાસ રદ
ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ ભાગ્યે જ વિદેશ પ્રવાસ કરે છે. વિશ્વના ટોચના સુરક્ષીત નેતાઓમાં નેતન્યાહુ અગ્રક્રમે છે. નેતન્યાહુ આ વર્ષેના અંતમાં ભારતના પ્રવાસે આવવાના હતા. હવે એમણે આ પ્રવાસ ટાળી દીધો છે. એમ મનાય છે કે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પછી એમની સુરક્ષા સંભાળતી એજન્સીઓએ ભારત પ્રવાસ બાબતે નેગેટીવ રીપોર્ટ આપ્યો હતો. હવે ફરીથી સુરક્ષાની તપાસ કર્યા પછી ૨૦૨૬ના વર્ષમાં નેતન્યાહુનો પ્રવાસ રીશેડયુલ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેતન્યાહુ વચ્ચે આ વર્ષના અંતમાં એક મુલાકાત થવાની હતી. આ પહેલા નેતન્યાહુ નવમી સપ્ટેમ્બરે એક દિવસના ભારત પ્રવાસે આવવાના હતા. જોકે ઇઝરાઇલમાં ૧૯ સપ્ટેમ્બરે ચૂંટણી થવાની હોવાથી એમણે આ પ્રવાસ મોકુફ રાખ્યો હતો. છેલ્લે નેતન્યાહુ ૨૦૧૮ના વર્ષમાં ભારત આવ્યા હતા.
સોનમ વાંગચૂકના પત્નીની અરજી પર શું થયું
લદ્દાખના એક્ટીવીસ્ટ સોનમ વાંગચૂક કેટલાક ગંભીર આરોપ હેઠળ જેલમાં છે. સોનમ વાંગચૂકના પત્નીએ વાંગચૂકના જામીન માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રિમ કોર્ટે સુનાવણી ૮મી ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે. વાંગચૂકના પત્ની ગિતાંજલી અંગમોએ પોતાની અરજીમાં રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન (રાસુકા) લગાડીને એમના પતિની કરવામાં આવેલી ધરપકડ ગેરકાયદેસર ગણાવી છે. વાંગચૂકના મૂળભૂત અધિકારોનો ભંગ થયો હોવાનું પણ અરજીમાં કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર અને યુનિયન ટેરટરી લદ્દાખ તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વાંગચૂકના પત્નીની અરજીનો જવાબ રજૂ કરવા માટે મુદત માંગી હતી. જસ્ટીસ અરવિંદકુમાર અને જસ્ટીસ એન વી અંજારીયાની બેન્ચે વધુ સુનાવણી મુલતવી રાખી છે. અરજીમા જણાવ્યા પ્રમાણે વાંગચૂકની ધરપકડનો હુકમ અસ્પષ્ટ અને ખોટા અનુમાનો પર આધારીત છે. જે કલમો લગાડવામાં આવી છે એને ધરપકડ સાથે કોઈ સીધો સંબંધ નથી.


