નવીદિલ્હી : બસપાના સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પક્ષમાંથી દૂર કર્યા હતા. માયાવતીને આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થ સાથે બારમો ચંદ્રમાં છે. ત્યાર પછી આકાશ આનંદ સાથે માયાવતીને સમાધાન થઈ જવાથી એમને હોદ્દા પર ફરીથી લેવામાં આવ્યા છે. જોકે અશોક સિદ્ધાર્થ સામે માયાવતીનો ગુસ્સો હજી જેમનો તેમ છે. અશોક સિદ્ધાર્થ સાથે સંપર્કમાં રહેલા નેતાઓને માયાવતી એક પછી એક પક્ષની બહાર કરી રહ્યા છે. અશોક સિદ્ધાર્થને ત્યાં લગ્ન પ્રસંગે ગયેલા બસપા નેતાઓની યાદી માયાવતી પાસે છે. લગ્નમાં જનાર નેતાઓને પણ હવે પક્ષખારીજ કરવામાં આવશે. અગ્રા જિલ્લાના નેતાઓ પછી હવે મીર્ઝાપુર અને પ્રયાગરાજ જિલ્લાના નેતાઓનો વારો આવ્યો છે. માયાવતીએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓની સાથે સંબંધ રાખનારાઓને ચલાવી લેવામાં આવશે નહીં.
રાજ્યસભાની બેઠક બાબતે આપમાં શું ચાલી રહ્યું છે
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર પછી આમ આદમી પાર્ટીના ભવિષ્ય બાબતે ચર્ચા થઈ રહી છે. પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ પણ દિલ્હીની બેઠક બચાવી શક્યા નથી. સાડા ચાર મહિનાના દુકાળ પછી ૨૩મી જૂને આપના આત્માને ઠંડક પહોચે એવું બન્યું છે. પંજાબના લૂધિયાણા પશ્ચિમની પેટા ચૂંટણીમાં આપનો વિજય થયો છે. જોકે હવે ખાલી થયેલી રાજ્યસભાની બેઠક પર કોને મોકલવામાં આવશે એ વિશે આપમાં અસમંજસ છે. કેજરીવાલની સાફ ના છતા આપના કેટલાક નેતાઓ મનિષ સિસોદીયાને ઇચ્છી રહ્યા છે. બીજા કેટલાક માને છે કે રાજ્યસભાની બેઠક પંજાબની હોવાથી પંજાબી ઉમેદવારને એ માટે ઉભા કરવા જોઈએ. પેટા ચૂંટણીમાં સંજીવ અરોરા જીત્યા છે તેઓ રાજ્યસભાના સભ્ય હતા. રાજકીય નીરિક્ષકો એમ માની રહ્યા છે કે અરોરાને રાજ્યમાં મંત્રીપદ આપીને કેજરીવાલ પોતે જ રાજ્યસભામાં બીરાજશે.
બિહારની બે ચર્ચાસ્પદ બેઠકો પર રાજકીય ગરમી
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. એનડીએ અને મહાગઠબંધનની વચ્ચે કાંટાની ટક્કર છે. બેઠકોની ફાળવણીને મુદ્દે દિલ્હી અને પટણામાં બેઠકો થઈ રહી છે. દિલ્હીમાં થયેલી બેઠકમાં કોંગ્રેસએ ભાગલપુર જિલ્લાની ૭ બેઠકોમાંથી ૪ બેઠકો પર લડવાની તૈયારી બતાવી છે. કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પરવેઝ જમાલનું કહેવું છે કે, ભાગલપુર વિધાનસભાની બેઠક કોંગ્રેસને જ મળવી જોઈએ. ત્યાંથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હતા. આ સિવાય કોંગ્રેસએ સૂલતાનગંજ અને કહલગાવ વિધાનસભા બેઠકો પણ માંગી છે. પક્ષના નેતાઓનું કહેવું છે કે આ બેઠકો પર લઘુમતી મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસને આ બેઠકો મળવી જોઈએ.
અખિલેશ યાદવના નિર્ણયને કારણે ભાજપ ફસાયો
સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવએ ત્રણ ધારાસભ્ય અભયસિંહ, રાકેશ પ્રતાપસિંહ અને મનોજ પાંડેયને પક્ષમાંથી કાઢયા બાદ પહેલી વખત નિવેદન આપ્યું છે. અખિલેશનું કહેવું છે કે, હવે ટેક્નીકલ બાબત પૂરી થઈ ગઈ છે હવે તેઓ મંત્રી બને. ટેક્નીકલ મુશ્કેલીને કારણે તેઓ મંત્રી બની શકતા નહોતા. એમને એમ કહેવામાં આવતું હતું કે હજી સુધી તમે સપામાં છો. જો તમને મંત્રી બનાવવામાં આવશે તો તમારે પક્ષ છોડવો પડશે અને ફરીથી ચૂંટણી થશે. આ સિવાય બીજા પણ ઘણા છે જેમને મંત્રી બનવું છે અને ભાજપની જવાબદારી આ બધાને મંત્રી બનાવવાની છે. આ નિવેદન કરીને અખિલેશ યાદવએ ભાજપને ફસાવવાની કોશિષ કરી છે. અખિલેશના આ નિવેદન પછી ભાજપ પર દબાણ આવી શકે એમ છે.
કાલીગંજ પેટા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ હિન્દુ મત મળ્યા
પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મળેલી હાર છતા ભાજપએ દાવો કર્યો છે કે આ બેઠક પર અત્યાર સુધીના સૌથી વધુ હિન્દુ મત ભાજપને મળ્યા છે. પક્ષે રાજ્યોમાં વધતી હિન્દુત્વ ચેતના અને મુરશીદાબાદના તોફાનો સામે લોકોનો આક્રોશ જવાબદાર ગણાવ્યો છે. ભાજપના પ્રદેશ સહપ્રભારી અમિત માલવિયાએ સોશ્યલ મીડિયા એક્સ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદનને ફગાવી દીધું છે. મમતાએ કહ્યું હતું કે, તુણમૂલ કોંગ્રેસને દરેક ધર્મ અને જાતીના લોકોનું સમર્થન છે. માલવિયાએ લખ્યું છે કે, હકીકત એવી છે કે મમતા બેનર્જીનો પક્ષ ટીએમસી ફક્ત મુસ્લિમ વોટબેન્ક છે અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને આધારે ટકી રહ્યો છે. બંગાળમાં જે રીતે હિન્દુઓએ સામ્યવાદીઓને છોડયા હતા એ રીતે હવે મમતાને પણ છોડી દીધા છે.
આગથી લાગેલા ઘા રૂઝાઈ શકે છે, પરંતુ શબ્દોના નહીં
સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર શર્મિષ્ઠા પનોલી એ કહેવાતા બનાવેલા કોમવાદી વીડિયો બાબતે ફરિયાદ કરનાર વજાહત ખાનને સુપ્રિમ કોર્ટે ધરપકડ સામે રાહત આપી છે. કોર્ટે કહ્યું છે કે ૧૪મી જુલાઈ સુધી એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે નહીં. સુપ્રિમ કોર્ટના જસ્ટીસ કે વી વિશ્વનાથન અને જસ્ટીસ એન કોટીશ્વરની બેન્ચે ખાનની અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. જસ્ટીસ કે વી વિશ્વનાથનએ કહ્યું હતું કે, નફરતથી ભરેલા ભાષણો આપને ક્યાંય લઈ જતા નથી. હિંસા ફેલાવવા માટે શારીરિક હિંસાની જરૂર હોતી નથી. બોલાયેલા શબ્દો દ્વારા પણ હિંસા ફેલાઈ શકે છે. હુકમ લખ્યા પછી જસ્ટીસ વિશ્વનાથએ જાણીતી કહેવત ટાંકી હતી કે, આગથી લાગેલા ઘા રૂઝાઈ શકે છે, પરંતુ શબ્દોના નહીં.


