નવી દિલ્હી : બિહારના ખગડિયા જિલ્લામાં એલજેપીઆરમાં રાજકીય સંકટ ઉભુ થયુ છે. આ સંકટને કારણે એલજેપીઆરના પ્રમુખ ચિરાગ પાસવાન ચિંતામાં પડી ગયા છે. એલજેપીઆરના પ્રદેશ પ્રમુખ રાજુ તિવારી દ્વારા મનીષકુમાર ઉર્ફ નાતાસિંહને ખગડિયા જિલ્લાના પ્રમુખ બનાવતા પક્ષમાં ધરતીકંપ થયો છે. આ નિમણૂકની વિરોધમાં બલુઆહી ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક પછી એલજેપીઆરના ૩૮ નેતાઓએ સામૂહિક રાજીનામા આપી દીધા છે. રાજીનામુ આપનારાઓમાં જિલ્લા પ્રમુખ શિવરાજ યાદવ, પ્રદેશ મહામંત્રી રતન પાસવાન, યુવા જિલ્લા અધ્યક્ષ સૂચિત પાસવાન સહિત કેટલાક મોટા નેતાઓ છે. શિવરાજ યાદવના કહેવા પ્રમાણે ૭ જિલ્લા પ્રમુખોએ પણ રાજીનામા આપીને એકતા બતાવી છે. આ સંદર્ભનો એક ખુલ્લો પત્ર પણ વાયરલ કરવામાં આવ્યો છે.
જગદીપ ધનખડએ સરકારના આયોજન પર પાણી ફેરવ્યું
જગદીપ ધનખડએ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામુ આપ્યું એ પહેલા કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુ અને જગત પ્રકાશ નડ્ડાએ ધનખડનો સંપર્ક કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એ વખતે યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રાજ્ય સભામાં લાવવા બાબતે વાત થઈ હતી. એમ મનાય છે કે, વિપક્ષનો આ પ્રસ્તાવ ધનખડએ સ્વિકાર કર્યો હોવાથી સરકાર નારાજ હતી. મળતી જાણકારી પ્રમાણે રીજીજુએ ધનખડને કહ્યું હતું કે, લોકસભામાં મહાભિયોગ પર તમામ પક્ષોની સહમતી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ નોટીસ પર સહિ પણ કરી દીધી છે. ધનખડને એમ પણ કહેવામાં આવ્યું હતું કે જે ઘટના બની છે એનાથી વડાપ્રધાન ખૂબ નારાજ છે. ધનખડએ જોકે ઇશારો કર્યો હતો કે તેઓ નિયમ પ્રમાણે જ ગૃહ ચલાવશે. રીજીજુ અને કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલ તેમજ જેપી નડ્ડાએ ધનખડને રાહ જોવા કહ્યું હતું. ત્યાર પછી ફરીથી ફક્ત મેઘવાલ ધનખડને મળ્યા હતા. જોકે ધનખડે કોઈની વાત માની નહોતી.
ડિમ્પલ યાદવએ મસ્જિદનું અપમાન કર્યું
દિલ્હીની એક મસ્જિદમાં સમાજવાદી પાર્ટીના નેતાઓએ મીટીંગ કરી હતી. આ મીટીંગને કારણે વિવાદ થયો છે. રાજકીય રીતે તો વિવાદ થયો જ છે, પરંતુ સપાના નેતાઓ પર ઉલમાએ પણ શાબ્દિક હુમલો કર્યો છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના સાહબુદ્દીન રઝવી બરેલવીએ સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવની આકરી ટીકા કરી છે. એમણે કહ્યું છે કે ડિમ્પલ યાદવએ મસ્જિદનું અપમાન કર્યું છે. ડિમ્પલ યાદવ રાજકીય હિન્દુ મહિલા છે. એમણે એ બાબતનું ધ્યાન રાખવું જોઈતું હતું કે, તેઓ ઇસ્લામની સૌથી પવિત્ર જગ્યા મસ્જિદમાં જઈ રહ્યા છે. એમણે પહેરેલા કપડા અને વર્તણૂકથી મસ્જિદનું અપમાન થયું છે. એમણે સંપૂર્ણ મુસ્લિમ કોમની માફી માંગવી જોઈએ.
હું મારૂ હથિયાર આપી દઉ છું, સરકાર મારી હત્યા થવા દે
બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવએ કહ્યું છે કે સરકાર એમને મરેલા જોવા માંગે છે. એમણે એમ પણ કહ્યું હતું કે પોતાનું લાયસન્સવાળુ હથિયાર તેઓ પરત કરશે. સરકાર ઇચ્છે તો એમની હત્યા કરાવી શકે છે. બિહાર વિધાનસભામાં સત્તાપક્ષ અને વિરોધપક્ષના ધારાસભ્યો વચ્ચે મારપીટની ઘટના બની હતી. તેજસ્વી યાદવએ આરોપ મૂક્યો છે કે ધારાસભ્ય જનકસિંહએ તેમને મા-બહેનની ગાળો આપી હતી. પોતે કોઈ અપશબ્દ બોલ્યા નથી અને બોલ્યા હોય તો એની સાબિતી આપે. તેજસ્વીએ કહ્યું હતું કે, 'મારી રાજકીય જિંદગીમાં હું કદી અપશબ્દ બોલ્યો નથી. ગૃહમા મને ગાળો આપવામાં આવી હતી. ભાજપએ બધી મર્યાદા તોડી છે. ભાજપના ધારાસભ્યોએ મને જે રીતે ગાળો આપી છે એવું મારી સાથે અત્યાર સુધીમાં કદી નથી થયું.'
ચિંતાગ્રસ્ત કંગના રનૌત અમિત શાહને મળી
પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેલા સાંસદ અને ફિલ્મસ્ટાર કંગના રનૌત સંકટમાં છે. એકાએક તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. કંગના રનૌત મંડી લોકસભામાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. મંડી લોકસભા વિસ્તારમાં હમણા જ આવેલા પુર બાબતે એમણે અમિત શાહને જાણકારી આપી હતી. કંગનાએ ત્યાર પછી સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે 'આજે નવી દિલ્હીમાં હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળી હતી. મારા મંડી મતવિસ્તારમાં જે કુદરતી આફત આવી છે એ વિશેની જાણકારી મે મંત્રીને આપી હતી. મંત્રીએ મને આશ્વાસન આપ્યું છે કે, કુદરતી આફતને કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોમાં મદદ મોકલવામાં આવશે. કેન્દ્ર સરકાર આ વિકટ પરિસ્થિતિમાં હિમાચલ પ્રદેશની સાથે છે.'
સુપ્રિમ કોર્ટના જજ સામે મહિલા અકળાઈ ગઈ
સુપ્રિમ કોર્ટના ત્રણ જજની બેન્ચ સામે એક મહિલા અકળાઈ ગઈ હતી. સુપ્રિમ કોર્ટમાં એક કેસની વર્ચ્યુઅલ સુનાવણી ચાલી રહી હતી. એ વખતે કોર્ટે એક મહિલાને કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતું. મહિલાએ જજની વાત માનવાનો સાફ ઇન્કાર કરીને કહ્યું હતું કે, પોતે વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જ કોર્ટમાં દલીલ કરશે. સુપ્રિમ કોર્ટે ત્યાં સુધી કહ્યું હતું કે આવવા જવાનો તમામ ખર્ચ પણ એને આપવામાં આવશે. આમ છતાં મહિલાએ નન્નો ભણ્યો હતો. પોતાને અંગત કામ હોવાથી પોતે કોર્ટમાં હાજર નહીં રહી શકે એવો જવાબ પણ મહિલાએ આપ્યો હતો. જસ્ટીસ સૂર્યકાંત, જસ્ટીસ દિપાંકર દત્તા અને જસ્ટીસ ઉજ્વલ ભૂઇયાની બેન્ચ સમક્ષ મહિલાએ આપેલી એક અરજી પર સુનાવણી ચાલી રહી હતી. મહિલા પોતે જ દલીલ કરી રહી હતી.
ઈન્ડી ગઠબંધન ઉપ-રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે
વિપક્ષી ઈન્ડી ગઠબંધન ઉપ-રાષ્ટ્રપતિ પદ માટે સહિયારા ઉમેદવારની ઘોષણા કરી શકે છે. તેમના મતે એનડીએની બહુમતિ હોવા છતાં તેમની સંખ્યા ઓછી નથી. ઉપરાંત મજબૂત રાજકીય સંદેશ આપવા પરિણામની પરવા કર્યા વિના સ્પર્ધામાં ઉતરવાનો રાજકીય પક્ષોનો મત બની રહ્યો છે. અગાઉ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ ઉપ-રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી વિશે સંયુક્તપણે નિર્ણય લેવાની વાત કહી હતી.
ઓમર અબ્દુલ્લાનો મશીનથી બનેલા કારપેટનો વિરોધ
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ ગુરુવારે હાથથી બનાવેલા ઉત્પાદનોના લેબલ હેઠળ મશીનથી બનેલા ગાલીચા વેંચતા શોરૂમ અને રિટેલ દુકાનો સામે સખત કાર્યવાહીની માગણી કરી છે. કારપેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, ઈન્ડિયન સિલ્ક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, મીરાસ કારપેટ વીવર્સ સહકારી, કાશ્મીર કારપેટ ક્લસ્ટર ડેવેલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને કાશ્મીર કારપેટ મેન્યુ ફેક્ચરર્સ એસોસિયેશનના ડેલિગેશને સીએમ સાથે મુલાકાત કરી હતી. તેમણે હસ્તકલા તરીકે નોંધાયેલા શોરૂમમાં મશીનથી બનેલા કારપેટના વેચાણ પર પ્રતિબંધ મુકવાની માગણી કરી હતી. અબ્દુલ્લાએ આ બાબતની ગંભીર નોંધ લીધી અને જણાવ્યું કે આવા બોગસ ઉત્પાદનો વૈશ્વિક રીતે પ્રસિદ્ધ કાશ્મીરી હાથથી બનેલા કારપેટની વિશ્વસનીયતાને હાનિ પહોંચાડશે તેમજ હાથથી બનાવેલા કારપેટ પર નભતા પરિવારોને વિપરીત અસર કરશે.
- ઈન્દર સાહની


