Get The App

આતંકી ફંડિંગનો આરોપી હવે સંસદમાં બેસશે

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
આતંકી ફંડિંગનો આરોપી હવે સંસદમાં બેસશે 1 - image

નવીદિલ્હી: આતંકવાદીઓને ફંડિંગ કરવાના આરોપ હેઠળ તિહાર જેલમાં બંધ સાંસદ એન્જિનિયર રાશિદ હવે સંસદના બજેટ સત્રમાં ભાગ લઈ શકશે. દિલ્હીની પટયાલા હાઇકોર્ટે કાશ્મીરના બારામુલ્લાથી ચૂંટાયેલા સાંસદ રાશિદને સંસદમાં હાજર રહેવા માટે કસ્ટડી પેરોલ આપ્યા છે. સંસદનું બજેટ સત્ર ૨૮ ફેબુ્રઆરીથી ૨ એપ્રિલ સુધી ચાલશે. કોર્ટે પોતાના હુકમમાં કહ્યું છે કે, રાશિદ એન્જિનિયર ફક્ત એ દિવસે તિહાર જેલમાંથી બહાર જશે જ્યારે સંસદનું સત્ર ચાલતુ હશે. કસ્ટડી પેરોલ દરમિયાન રાશિદ એન્જિનિયરને જેલમાંથી લઈ જવા અને પરત લાવવાનો ખર્ચ દિલ્હી હાઇકોર્ટ નક્કી કરશે. રસીદ એન્જિનિયર જ્યારે લોકસભાની ચૂંટણીમાં જીત્યા હતા ત્યારે મોટો વિવાદ થયો હતો. સેંકડો લોકોના જીવ લેનાર આરોપી કાશ્મીરમાં એટલો લોકપ્રિય છે કે સંસદની ચૂંટણી પણ જીતી જાય છે.

જજની ટ્રાન્સફરમાં સરકારનો ચંચુપાત

ન્યાયતંત્રની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કેન્દ્ર સરકાર ચંચુપાતને કારણે એક હાઇકોર્ટના ન્યાયાધીશની બદલી બાબતે કોલેજિયમે ફેરફાર કર્યો હતો. આ બાબતે સુપ્રિમ કોર્ટના જજ ઉજ્જલ ભુઈયાએ પ્રશ્ન કર્યો છે. એમણે સ્પષ્ટ કહ્યું છે કે, જજોની નિમણૂક અને ટ્રાન્સફર બાબતે સરકારની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં. આ પ્રકારનો હસ્તક્ષેપ ન્યાયતંત્રની સ્વતંત્રતા પર સીધો હુમલો છે. જસ્ટિસ ભુઇયાએ કહ્યું હતું કે, કોલેજિયમે નક્કી કરવું જોઈએ કે, કયા ન્યાયાધીશની ટ્રાન્સફર સરકારની સૂચનાથી થઈ છે. એમણે ૨૦૨૩ના ઓક્ટોબર મહિનાનો દાખલો પણ આપ્યો હતો. એ વખતે મધ્યપ્રદેશ હાઇકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધરનની બદલી છત્તીસગઢ કરવા બાબતે કોલેજિયમે પુનવિચાર કર્યો હતો. ત્યાર પછી કોલેજિયમે એમને અલ્હાબાદ હાઇકોર્ટ ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી.

મધ્યપ્રદેશમાં સિનિયર સનદી અધિકારીઓનો નોકરીથી મોહભંગ

મધ્યપ્રદેશ કેડરના આઇપીએસ અધિકારી અભિષેક તિવારીના રાજીનામાના સમાચારે સરકાર અને પોલીસ બેડાને મોટો આંચકો આપ્યો છે. ૨૦૨૬માં એમણે વીઆરએસ લેવાની જાહેરાત કર્યા પછી ચર્ચાએ જોર પકડયું છે. આટલા બાહોશ અને એવોર્ડોથી સન્માનિત અધિકારી સાથે એવું તે શું થયું કે, એમણે નોકરી છોડવી પડી. ખાસ વાત એ છે કે એ પહેલાં એમની કેડરના જ આઇએએસ અધિકારી રોમન સૈનીએ પણ સરકારી નોકરી છોડી દીધી છે. મધ્યપ્રદેશ કેડરમાં પ્રથમ વખત નથી બન્યું કે કોઈ યુવાન અને ટેલેન્ટેડ સરકારી અધિકારીને મોહભંગ થયો હોય. રોમન સૈની જબલપુરમાં  સહાયક કલેક્ટર હતા એમણે નોકરી છોડી ત્યારે પણ બધાને આંચકો લાગ્યો હતો. આઇપીએસ અભિષેક તિવારી મધ્યપ્રદેશના સાગર, બાલાઘાટ અને રતલામ જિલ્લાના એસપી રહી ચૂક્યા છે.

બાંગ્લાદેશની જમાત-એ-ઇસ્લામી સાથે નજદીકી, ભારત માટે કેવું રહેશે

બાંગ્લાદેશની જમાત-એ-ઇસ્લામી પાર્ટી સાથે સંબંધો વધારવાનો પ્રયત્ન અમેરિકા કરી રહ્યું છે. અમેરિકાને આશા છે કે, બાંગ્લાદેશમાં ફેબુ્રઆરી મહિનામાં થનાર ચૂંટણીમાં જમાત-એ-ઇસ્લામી જીતી શકે છે. જમાત-એ-ઇસ્લામી કટ્ટરવાદી સંગઠન ગણાય છે. જમાત-એ-ઇસ્લામી પાકિસ્તાનની પણ ખૂબ નજીક હોવાનું મનાય છે. જમાત-એ-ઇસ્લામી પક્ષ પર ઘણી વખત બાંગ્લાદેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છેલ્લે શેખ હસીનાના સમયે જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નવાઇની વાત એ છે કે પોતાને દુનિયાના સૌથી શ્રે લોકશાહી દેશ ગણાવતા અમેરિકાને હંમેશા બીજા દેશના કટ્ટરવાદીઓ જ વધુ ગમ્યા છે. જમાત-એ-ઇસ્લામી પાર્ટી રુઢીચુસ્ત શરિયા કાયદા હેઠળ શાસન કરવા માંગે છે. મહિલાઓ સંબંધીત કડક કાયદાઓ બનાવવા માંગે છે. છેલ્લા કેટલાક સમયથી જોકે એણે મવાળ બનવાનો પ્રયત્ન કર્યો છે. અમેરિકા અને જમાત-એ-ઇસ્લામી વચ્ચે સુધરી રહેલા સંબંધથી ભારતે ચેતવા જેવું છે. જમાત-એ-ઇસ્લામીને ભારત માટે ભારોભાર નફરત છે.

'અમે જે ચા અને કોફી આપીએ છીએ એ પીવા જોઈએ નહીં'

સામાન્ય રીતે આપણે ત્યાં એવી માન્યતા છે કે, પ્લેનમાં મુસાફરી કરતી વખતે આપવામાં આવતું ખાવાનું અને બીજા ડ્રીંક ખૂબ જ હાઇજીન હોય છે. જોકે એક પૂર્વ એરહોસ્ટેસે એવું નિવેદન આપ્યું છે કે વિમાનમાં પાણી, કોફી કે ચા પીતી વખતે યાત્રીઓએ વધારાની સાવધાની રાખવી જોઈએ. એરહોસ્ટેસે આ માટે જે કારણ આપ્યું છે એ ચિંતાજનક છે. વારંવાર હવાઇ યાત્રા કરતા લોકો એરહોસ્ટેસનું આ નિવેદન સાંભળીને ચોંકી જશે. લાંબી ઉડાનો વખતે હાઇડ્રેટેડ રહેવા માટે ગરમાગરમ ચા કે ઠંડુ પાણી કે બીજા પીણાં પીવા સ્વાભાવીક છે. જોકે ભૂતપૂર્વ કેબિન ક્રૂ એ ચેતવણી આપી છે કે, આ બધા પીણાં સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. ભૂતપૂર્વ એરહોસ્ટેસ કેઇટ કમલાનીએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે. આ વિડિયો પાંચ લાખથી વધુ લોકોએ જોયો છે. એણે કહ્યું છે કે અમે એરહોસ્ટેસો જે પાણી, ચા કે કોફી આપીએ છીએ એ કદી પીવા જોઈએ નહીં. એમણે કહ્યું હતું કે કોઈ પણ એવા પ્રવાહી પદાર્થનું સેવન નહી કરતા જે ડબ્બા કે બોટલમાં બંધ નહીં હોય. આનું કારણ એ છે કે, જે પાણીમાંથી આ બનાવવામાં આવે છે એની ટાંકીઓની સફાઈ કદી થતી નથી. એ ખુબ જ ગંદુ હોય છે.

ઉત્તર પ્રદેશમાં સપા - ભાજપના જંગ વચ્ચે ત્રીજા મોરચાનું આગમન

૨૦૨૭માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે આ માટેની તૈયારી પણ શરૂ થઈ ચૂકી છે. રાજકીય ગતિવિધીમાં ગરમાટો આવ્યો છે. નફા-નુકશાનનો હિસાબ કિતાબ માંડવામાં આવી રહ્યો છે. હવે ઉત્તર પ્રદેશમાં દલિતો, પછાતો અને લઘુમતિઓનું મહાગઠબંધન તૈયાર થઈ રહ્યું છે. બસપામાંથી ભાજપમાં જઈને સપામાંથી રાજીનામું આપનાર ભૂતપૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ હવે નવો પક્ષ બનાવ્યો છે. તેઓ અપની જનતા પાર્ટી માટે જુના બીએસપીના નેતાઓને ભેગા કરી રહ્યા છે. આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ સાંસદ ચંદ્રશેખર પોતે કાંશીરામના વારસદાર સાબિત કરવા માટે મઠામણ કરી રહ્યા છે. તેઓ મહારેલી કાઢીને બીએસપીને બદલે પોતાની સાથે જોડાવા દલિતોને અપીલ કરી રહ્યા છે. નસિમુદ્દીન સિદ્દીકીએ કોંગ્રેસનો સાથ છોડીને નવા ગઠબંધનમાં જોડાવાની તૈયારી કરી છે.

જજ સામે એલફેલ બોલનાર વકીલને સીજેઆઇએ આડે હાથે લીધા

સુપ્રિમ કોર્ટે એક વકીલની બરાબર ઝાટકણી કાઢી હતી. જજ સામે ખોટી દલીલો કરીને એલફેલ બોલનાર વકીલ સામે કોર્ટની અવમાનનાની નોટીસ આપવામાં આવી છે. વકીલ મહેશ તિવારીએ ગયા વર્ષે ૧૬મી ઓક્ટોબરે એક કેસની સુનાવણી વખતે ઝારખંડ હાઇકોર્ટના જજ રાજેશકુમાર સાથે ઉદ્ધતાઇથી દલીલો કરી હતી. એમણે ન્યાયાધીશને કહ્યું હતું કે, વકીલોને દબાવવાની કોશિષ નહીં કરે. તમારી મર્યાદામાં રહો. ત્યાર પછી ઝારખંડ હાઇકોર્ટે વકીલ સામે અવમાનનાનો કેસ કર્યો હતો. મહેશ તિવારીએ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. સીજેઆઇ તિવારીએ વકીલને બરાબર ઠપકો આપ્યો હતો. એમણે કહ્યું હતું કે 'અવમાનની અપીલ કરીને એમ પુરવાર કરવા માગે છે કે એમનું કોઈએ શું બગાડી લીધું. જો તેઓ માફી માગવા માગતા હોય તો એમણે માફી માગી લેવી જોઈએ. જો તેઓ જજોને આંખ બતાવવા માંગતા હોય તો એમની મરજી. પણ અમે અહીં બેઠા છીએ અને અમે પણ જોઈ લેશું.'