Get The App

દિલ્હીની વાત : રાહુલ પછી હવે પ્રિયંકા પણ મોદી પર ભડક્યા

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : રાહુલ પછી હવે પ્રિયંકા પણ મોદી પર ભડક્યા 1 - image

નવીદિલ્હી : યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ધરપકડ થયા પછી રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા. અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મામલે વડાપ્રધાન પર એમણે ગંભીર આક્ષેપો કર્યા હતા. હવે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા વાડ્રા ગાંધી પણ મોદી પર ભડક્યા છે. નરેન્દ્ર મોદી ઇઝરાયલના પ્રવાસે ગયા છે ત્યારે મોદીના ઇઝરાયલ પ્રવાસ વિશે પ્રિયંકા ગાંધીએ ટીપ્પણી કરી છે. એમણે કહ્યું છે કે, 'અમને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન ક્નેસેટ (ઇઝરાયલની સાંસદ)ને સંબોધીત કરતી વખતે ગાઝામાં હજારો નિર્દોષ પુરુષો, મહિલાઓ અને બાળકોના નરસંહારનો ઉલ્લેખ પણ કરશે. ગાઝાના નિર્દોષો માટે ન્યાયની માંગણી પણ કરશે. ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે હંમેશા બધા સાથે ઉભું રહ્યું છે. આપણે દુનિયાને સત્ય, શાંતિ અને ન્યાયનો રસ્તો બતાવવાનું ચાલુ રાખવું જોઈએ.'

82 કીલોમીટરના રેલ્વે માર્ગનું ત્રણ વર્ષમાં ચાર વખત ઉદ્ધાટન

ચીનની કંપનીની સહાયતાથી બનેલી દિલ્હી - મેરઠ રેપીડ રેલ યોજનાનું વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં ચાર વખત ઉદ્ધાટન કરી ચૂક્યા છે. ૨૦૨૩ની ૨૦મી ઓક્ટોબરે શાહીદાબાદથી લઈને દુહૈય સુધી ૧૭ કીલોમીટરના માર્ગનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. બીજી વખત ૨૦૨૪ની ૬થી માર્ચે દુહૈય ડેપોથી માંડીને મોદી નગર સુધી બીજા ૧૭ કીલોમીટર રેલ્વે માર્ગનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ૨૦૨૫ની પાંચમી જાન્યુઆરીએ ત્રીજી વખત મોદીએ શાહીદાબાદથી ન્યુ અશોકનગરના ૧૩ કીલોમીટર રેલ્વે માર્ગનું ઉદ્ધાટન કર્યું હતું. હવે થોડા દિવસો પહેલા એમણે કાલકાથી મેરઠ સુધીના રેલ્વે માર્ગનું ચોથી વખત ઉદ્ધાટન કર્યું છે. કોઈ એક જ યોજનાનું ઉદ્ધાટન સૌથી વધુ વખત કરવાનો આ વિશ્વવિક્રમ હોય શકે. આ બાબતે વડાપ્રધાને વિશ્વના બીજા વડાપ્રધાનોને પાછળ રાખી દીધા છે.

ઓસ્ટ્રેલિયામાં ભારત વિરોધીઓ શા માટે સક્રિય થઈ રહ્યા છે

ઓસ્ટ્રેલિયામાં કેટલાક કટ્ટરવાદીઓએ ભારત વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો છે. ખાસ કરીને શીખો વિરુદ્ધનો ધિક્કાર ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના જાતીવાદી નેતા થોમસ સેવેલએ ભારતીઓને દેશ છોડવાની ધમકી આપી છે. સેવેલે કહ્યું હતું કે, અમે નથી ઇચ્છતા કે ઓસ્ટ્રેલિયા ભારત અને સુદાન જેવું બને. ઓસ્ટ્રેલિયા ફક્ત ગોરાઓ માટે છે. ભારતીઓએ દેશ છોડી દેવો જોઈએ ક્યાં તો એમને હાંકી કાઢવા જોઈએ. ઓસ્ટ્રેલિયામાં બે લાખથી વધુ શીખો અને દસ લાખ જેટલા બીજા ભારતીઓ રહે છે. જોકે ઓસ્ટ્રેલિયન સરકારે સેવેલના નિવેદનને ટેકો આપ્યો નથી. ગૃહમંત્રી ટોમી બર્કએ વચન આપ્યું છે કે ભારતીઓ વિરુદ્ધ નફરત ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સેવેલના સંગઠન નેશનલ સોશિયાલિસ્ટ નેટવર્ક પર ઓસ્ટ્રેલિયાની સરકારે પ્રતિબંધ મૂક્યો છે.

ભૂતપૂર્વ સીબીઆઇ ચીફ ખાનગીમાં અવિમુક્તેશ્વરાનંદને કેમ મળ્યા

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બાબતે અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો ખૂબ નારાજ છે. વિવાદ વચ્ચે સીબીઆઇના ભૂતપૂર્વ ડિરેક્ટર એમ નાગેશ્વર રાવ વારાણસી સ્થિત શ્રી વિદ્યામઠ ખાતે પહોંચીને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને બંધ બારણે મળ્યા હતા. શરૂઆતમાં તો આ મુલાકાતને શિષ્ય - ગુરુની પરંપરાગત મુલાકાત બતાવવામાં આવી હતી. જોકે પાછળથી સાચુ કારણ બહાર આવ્યું. સુત્રોના જણાવ્યા પ્રમાણે નિવૃત્તી પછી એમ નાગેશ્વર રાવ બીજા કેટલાક નિવૃત્ત અધિકારીઓ અને પત્રકારો સાથે મળીને એક સિવિલ સોસાયટી સંસ્થામાં જોડાયા છે. આ સંસ્થા પ્રયાગરાજના મેળામાં મૌની અમાવસ્યાના દિવસે થયેલા વિવાદ સાથે સંકળાયેલી વિગતોની તપાસ કરે છે. આ તપાસના સંદર્ભમાં એમ નાગેશ્વર રાવએ અવિમુક્તેશ્વરાનંદ સાથે વાતચીત કરી હતી. શંકરાચાર્યની પાલખી યાત્રા શા માટે રોકવામાં આવી હતી તેમજ પોલીસ અને પ્રશાસનની ભૂમિકા કેવી હતી એ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

એનસીઇઆરટીના પુસ્તકમાં થયેલા છબરડા સુધારવામાં આવ્યા

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઇઆરટી) એ પ્રકાશિત કરેલા ૮માં ધોરણમાં પ્રકાશિત કરેલા પુસ્તકમાં ઘણા છબરડા જોવા મળ્યા હતા. આ છબરડા સોશ્યલ સાયન્સના પુસ્તકના બીજા ભાગમાં કરવામાં આવ્યા હતા. આ પુસ્તકમાં સ્વામી વિવેકાનંદ, બીરશા મુંડા જેવી મહાન વ્યક્તિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવાનો ઉદ્દેશ હતો. કાળા પાણીની સજા, કુકા આંદોલન, પાયકા આંદોલનનો પણ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એનસીઇઆરટીના ડાયરેક્ટરના કહેવા પ્રમાણે પુસ્તકના છબરડા હવે સુધારી લેવામાં આવ્યા છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામના લડવૈયાઓને આતંકવાદી ગણાવવામાં આવ્યા હતા. હવે નવા પુસ્તકમાં સ્વામી વિવેકાનંદના જીવન વિશે વર્ણન કરવામાં આવ્યું છે. કુકા આંદોલનનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે આ આંદોલન ૧૮૬૦ના દશકમાં પંજાબથી શરૂ કરવામાં આવ્યું હતું.

લખનૌ યુનિવર્સિટી બિલ્ડીંગમાં ધર્મ ઝનૂનનું ભૂત ફરી ધૂણ્યું

આજકાલ લખનૌ યુનિવર્સિટીમાં હોબાળો ચાલુ છે. યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં મુસ્લિમ વિદ્યાર્થીઓએ નમાઝ પઢતા બીજા ધર્મના વિદ્યાર્થીઓ હનુમાન ચાલીસા કરવા પહોંચી ગયા હતા. હનુમાન ચાલીસા કરતા વિદ્યાર્થીઓને પોલીસે પકડીને બહાર કર્યા હતા. હનુમાન ચાલીસાનો પાઠ કરવા ગયેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યારે કમ્પાઉન્ડમાં નમાઝ પઢવામાં આવી કે ઇફતાર પાર્ટી કરવામાં આવી ત્યારે પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી. યુનિવર્સિટી કમ્પાઉન્ડની અંદર એક લાલ બારાદરી બિલ્ડીંગ છે આ બિલ્ડીંગમાં મસ્જિદ હોવાનો દાવો થઈ રહ્યો છે. જોકે કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે બિલ્ડીંગની અંદર એક નાનુ મંદિર પણ છે. હવે આ બિલ્ડીંગનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ખોદકામ શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા.

હરિયાણાના પલવલ જિલ્લામાં અનેક ભેદી મોત છતાં સરકાર નિષ્ક્રિય

હરિયાણાના પલવલ જિલ્લાના છાયસા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ભેદી મૃત્યુ થઈ રહ્યા છે. ખાસ કરીને યુવાનો અચાનક બિમાર પડે છે એમની તબિયત ઝડપથી બગડે છે અને એમના મૃત્યુ થાય છે. ૨૦ દિવસમાં જ લગભગ ૧૫ વ્યક્તિઓના મૃત્યુ થયા છે એમાં ચાર બાળકો છે. વહીવટી તંત્રએ એવું બહાનુ કાઢયું છે કે, ૭ જેટલા મૃત્યુ કમળા અને હીપેટાઇટીસ ઋબીને કારણે થયા છે. આ નાનકડા ગામમાં આજે ભયનું વાતાવરણ છે. આ ગામ ભારતની રાજધાની દિલ્હીથી ફક્ત ૯૦ કીલોમીટર દુર આવ્યું છે. ગામની વસ્તી માંડ છ હજારની છે. બાળકો અને યુવાનોના થતા મૃત્યુને કારણે ગામવાસીઓ ચિંતીત છે. મૃત્યુનું સાચુ કારણ વહીવટી તંત્ર જાહેર કરી રહી નથી. રાજ્યની સરકાર પણ ચૂપચાપ તમાશો જોયા કરે છે.