નવીદિલ્હી : એક જમાનામાં સીબીઆઇનો ડર વ્યાપક હતો. છેલ્લા કેટલાક વર્ષોથી હવે સીબીઆઇનું સ્થાન ઇડીએ લીધું છે. આર્થિક ગોટાળા સિવાયના કેસોમાં પણ ઇડી દખલ કરતી હોવાનો આક્ષેપ થાય છે. સામાન્ય લોકો હવે સીબીઆઇ કરતા ઇડીથી વધારે ડરે છે. જોકે ઇડીના કેટલાક અધિકારીઓ પણ પવિત્ર ગાય નથી. દોઢ કરોડ રૂપિયાના ગોટાળામાં ફસાયેલા ઇડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર વિશાલ દિપ અને એમના ભાઇ વિકાસ દિપ સામે સીબીઆઇએ આવકથી વધુ સંપત્તીનો કેસ દાખલ કર્યો છે. સીબીઆઇએ આ બંને સામે પ્રાથમીક તપાસ શરૂ કરી દીધી છે. બંને ભાઈઓની ૧ માર્ચ ૨૦૨૪થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીની આવક અને ખર્ચનો હિસાબ મેળવવામાં આવ્યો છે. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, આ મહિનાઓમાં એમણે આવક કરતા ૨૩૧.૪૮ ટકા વધુ સંપત્તી મેળવી હતી.
આદિત્ય ધર વિ. ધ્રુવ રાઠીની ચર્ચા સોશ્યલ મીડિયા પર વાયરલ
આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. ફિલ્મને ૧૯ દિવસમાં જ ગ્લોબલ બોક્સ ઓફિસ પર ૯૦૦ કરોડ રૂપિયાનો વકરો થયો છે. ફિલ્મના દિગ્દર્શક - લેખક આદિત્ય ધર ફિલ્મની સફળતા વિશે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરે છે. આ સ્ટોરી મારફતે એમણે યુ-ટયુબર ધ્રુવ રાઠીને સણસણતો જવાબ આપ્યો છે. ધ્રુવ રાઠીએ ધુરંધરને સરકારનો પ્રોપેગેન્ડા ગણાવી હતી. આદિત્યએ ધ્રુવ રાઠીના નિવેદનો વિશે સીધુ કઈ કહ્યું નહોતું, પરંતુ એક ઇન્સ્ટા પોસ્ટ કરીને યુ-ટયુબરને વળતો જવાબ આપ્યો હતો. ધરે લખ્યું હતું કે, 'ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટીમાં ઇતિહાસ રચાઈ રહ્યો છે. જે પુરુષો અને સ્ત્રીઓ પોતાના દિલમાં જોશ અને દેશભક્તિ રાખે છે તેઓ પોતાની જનતાને એક વાત કહેવા માંગે છે. ધુરંધરની બોક્સ ઓફિસ સફળતા વિશે સૌથી અગત્યની વાત એ છે કે આ સફળતા ઓર્ગેનિક છે. રિલિઝના પહેલા અઠવાડિયામાં જ કોર્પોરેટ બુકિંગ્સની બુમાબુમ કરનારા એકાએક ચૂપ થઈ ગયા છે. હમણા જ એક વિડિયો ક્રિએટરે ફિલ્મની ટીકા કરવાની કોશિષ કરી હતી જે ફિલ્મની સફળતામાં તણાઈ ગયો છે.'
અશાંતિને કારણે બાંગ્લાદેશમાં જુટ મીલો બંધ, પાંચ હજાર શ્રમિકો બેકાર
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને કારણે કાચા જુટની આવક ઘટી રહી છે. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાની જગદલ જુટ મીલ બંધ થઈ ગઈ છે. આને કારણે લગભગ પાંચ હજાર શ્રમીકો કામવગરના થઈ ગયા છે. કારીગરો જ્યારે કામ માટે હાજર થવા મીલ પર આવ્યા ત્યારે એમને નોકરીમાંથી હાંકી કાઢવાની નોટિસ બતાવી દેવામાં આવી હતી. નોટિસમાં લખવામાં આવ્યું હતું કે કાચા જુટની કિંમત વધારે થઈ ગઈ હોવાથી જગદલ જુટ એન્ડ ઇન્ડિસ્ટ્રીઝ લિમિટેડ મીલ અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવામાં આવી છે. મીલ બંધ રહેવાને કારણે અસ્થાયી મજૂરોને મજૂરી મળશે નહીં. આ નોટીસ જોઈને કામદારો ગુસ્સે થઈ ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે એમનું યુનિયન મોટા આંદોલનની તૈયારી કરી રહ્યું છે. આવી જ હાલત બાંગ્લાદેશમાં બીજા ધંધા-ઉદ્યોગની છે.
'યુપી 77'ને અટકાવવાની માંગણી
ગેંગસ્ટર વિકાસ દુબેની પત્નીએ કરેલી અરજીના મામલે દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને વેબસીરીઝના નિર્માતાઓ પાસે જવાબ માંગ્યો છે. વિકાસ દુબેની જિંદગી પરથી બનેલી વેબસીરીઝ 'યુપી ૭૭'નું પ્રસારણ અટકાવવાની માંગણી પણ થઈ છે. આ સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થવાની છે. અરજી કરનારે સીરીઝને તાત્કાલીક અસરથી અટકાવી દેવાની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે કહ્યું હતું કે તમામ પક્ષોને સાંભળ્યા વગર કોઈ નિર્ણય લેવાશે નહીં. ચર્ચાસ્પદ ગેંગસ્ટર વિકાસ દુબેને ૨૦૨૦માં ઉત્તર પ્રદેશ પોલીસે એન્કાઉન્ટરમાં મારી નાખ્યો હતો. કાનપુરમાં આઠ પોલીસ કર્મચારીની હત્યાનો આરોપ દુબે પર હતો. દુબેએ ઉજ્જૈનમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. દુબેને ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એનું વાહન પલટી ગયું હતું અને એણે ભાગવાની કોશિષ કરી હતી એ વખતે એનું એન્કાઉન્ટર થયું હતું. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સીરીઝને કારણે કુટુંબીઓને આઘાત લાગ્યો છે.
સુપ્રીમ બાર એસોસીએશને શા માટે બિહારના મુખ્યમંત્રીની ટીકા કરી
બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે થોડા દિવસ પહેલા એક જાહેર કાર્યક્રમમાં હિજાબ પહેરેલી યુવતીનો હિજાબ ઉપર કરવાની કોશિષ કરી હતી. સુપ્રિમ કોર્ટ બાર એસોસીએશનએ આ બાબતે નિતિશકુમારની આકરી ટીકા કરી છે. બાર એસોસીએશનએ આ ઘટનાને મહિલાની ગરીમા, સ્વતંત્રતા અને બંધારણીય હકો પર હુમલો ગણાવ્યો છે. એસસીબીએના પ્રમુખ અને કાર્યકારી સમિતિએ એક પ્રસ્તાવ પસાર કર્યો છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, એક ઉચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિ સાર્વજનીક મંચ પર એક મહિલાની ગરીમાને ઠેશ પહોંચાડે એવું વર્તન કરે એ અત્યંત ચિંતાજનક છે. એસસીબીએએ કહ્યું હતું કે કોઈપણ મહિલાનો હિજાબ કે માથા પર ઠાંકેલું વસ્ત્ર જબરજસ્તીથી હટાવવાની કોશિષ કરવી એ ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો છે.
બીએસપીનું અસ્તિત્વ સંકટમાં
બહુજન સમાજવાદી પક્ષનો એક જમાનામાં ડંકો વાગતો હતો. બીએસપીના વડા માયાવતીએ ઉત્તર પ્રદેશમાં એકલે હાથે અને ગઠબંધનની સરકારો ચલાવી હતી. એક જમાનામાં માયાવતીનો પ્રભાવ દલીત અને મુસ્લિમ મતો પર ઘણો હતો. માયાવતીના ગોડફાધર કાંશીરામે બીએસપીની સ્થાપના કરીને માયાવતીને લીડરશીપ માટે ટ્રેઇન કર્યા હતા. થોડા વર્ષો સુધી માયાવતીની પક્ષ પર પકડ બરાબર રહી હતી. માયાવતી સામે બેફામ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા અને ધીરે ધીરે દલીત વોટબેન્ક એમનાથી દુર થઈ ગઈ હતી. વિધાનસભાથી માંડીને સંસદમાં બીએસપીની હાલત નબળી થઈ રહી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બીએસપીના ફક્ત એક ધારાસભ્ય છે જ્યારે વિધાન પરીસદમાં એક પણ સભ્ય નથી. સંસદમાં લોકસભા પછી હવે ૨૦૨૬માં રાજ્યસભામાં પણ બીએસપીનો કોઈ સાંસદ નહીં હોય. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તમામ પ્રયત્નો છતાં બીએસપીનો એક પણ સાંસદ ચૂંટાયો નહોતો. સંસદમાં બીએસપીના એક માત્ર સાંસદ રામજી ગૌતમ રાજ્યસભામાં છે. રામજી ગૌતમનો કાર્યકાળ ૨૦૨૬માં પુરો થાય છે.
ખાલિદાના પુત્રના બાંગ્લાદેશ આગમનથી સમીકરણો બદલાશે
બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના કાર્યકારી પ્રમુખ તારીક રહેમાન ૧૭ વર્ષ પછી ઢાકા પરત ફર્યા છે. તારીક રહેમાનના સ્વાગતમાં બીએનપીના હજારો કાર્યકરો રસ્તા પર ભેગા થઈ ગયા હતા. બાંગ્લાદેશમાં ૧૨મી ફેબુ્રઆરીએ સામાન્ય ચૂંટણી છે. ચૂંટણી પહેલા તારીક રહેમાનની ઘરવાપસીની અગત્યતા વધી જાય છે. આ ચૂંટણીમાં બાંગ્લાદેશ આવામી લીગને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં જો બીએનપી ચૂંટણીમાં જીત મેળવે તો તારીક રહેમાન બાંગ્લાદેશના વડાપ્રધાન બની શકે છે. એમની માતા ખાલીદા ઝીયાની તબિયત સારી રહેતી નથી અને બીએનપીની સંપૂર્ણ જવાબદારી તારીક સંભાળે છે. ખાલીદા ઝીયા ચાર દાયકાથી બાંગ્લાદેશના રાજકારણમાં સક્રીય છે. પતિના મૃત્યુ પછી ખાલીદા ઝીયાએ બીએનપીની કમાન સંભાળી હતી. ૧૯૮૧માં ઝીયા ઉર રહેમાન બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હતા ત્યારે જ એમની હત્યા કરવામાં આવી હતી.


