Get The App

દિલ્હીની વાત : આરએસએસની બેઠકમાં ભાજપના નવા પ્રમુખ જાહેર થઈ શકે

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : આરએસએસની બેઠકમાં ભાજપના નવા પ્રમુખ જાહેર થઈ શકે 1 - image

ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનશે એની ચર્ચા દિલ્હીમાં થઈ રહી છે. લોકો પૂછી રહ્યા છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત કરશે કે નહીં. આ ચર્ચા વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ ૫ થી ૭ સપ્ટેમ્બર સુધી જોધપુરમાં ત્રણ દિવસની સમન્વય બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં ભાજપના નવા પ્રમુખના નામ પર ચર્ચા થઈ શકે છે. આ હાઇપ્રોફાઇલ મીટીંગમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, મહામંત્રી દત્તાત્રેય હોસબોલે, સહ સરકાર્યવાહક અને બીજા સિનિયર નેતાઓ સહીત આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારીણીની સમીતીના સભ્યો પણ હાજર રહેશે. બેઠકમાં આરએસએસના પ્રમુખો તેમજ આરએસએસના મંત્રીઓ પણ હાજર રહેવાના છે. આ ઉપરાંત બેઠકમાં ભાજપ, એબીવીપી, ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ, સ્વદેશી જાગરણ મંચ, વનવાસી કલ્યાણ અને સેવા સમિતિ સહિત ૩૨ સંગઠનોના પ્રતિનિધિઓ પણ હાજરી આપશે.

ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિરોધ પક્ષના ઉમેદવારે ટેકો માંગ્યો

ઇન્ડિયા ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જજ વિ સુદર્શન રેડ્ડી ચેન્નઇ ગયા હતા. એમણે તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીનની સાથે ડીએમકેના સહિયોગી પક્ષોના સાંસદોનો ટેકો માંગ્યો હતો. રેડ્ડીએ કહ્યું હતું કે, 'હું બંધારણની રક્ષા કરતો હતો. જો મને મોકો આપવામાં આવશે તો હું ભારતના બંધારણને બચાવવા માટે પુરતો પ્રયત્ન કરીશ.' એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણન સામે સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ તામિલનાડુના વતની છે. તેઓ જ્યારે ચેન્નઇ પહોચ્યા ત્યારે એરપોર્ટ પર ડીએમકેના સાંસદો, દયાનીધી મારન, એ રાજા તેમજ અન્ય લોકોએ એમનું સ્વાગત કર્યું હતું. એમને આવકારવામાં તામિલનાડુ કોંગ્રેસના પ્રમુખ સેલવાપેરુન્થગઈ પણ હતા. રેડ્ડી કોંગ્રેસ, એમડી એમકે, વીસીકે, માકપા, ભાકપા અને કમાલ હાસનની મક્કન નીધી મૈયમ સહિત ડીએમકેના તમામ ટેકેદાર નેતાઓને મળ્યા હતા.

અનામત વિશે આપેલા ચૂકાદાથી ગવઇની પોતાની જ્ઞાતિના લોકો ગુસ્સે થયા હતા

ભારતના ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડી આર ગવઇએ કહ્યું હતું કે, અનુસૂચિત જાતિઓની અનામતમાં ઉપવર્ગીકરણ પર આપેલા ઐતિહાસીક ચૂકાદા માટે એમણે ઘણી ટીકા સહન કરવી પડી હતી. ત્યા સુધી કે એમની જ્ઞાતિના લોકો જ એમની સામે થઈ ગયા હતા. ગોવા હાઇકોર્ટ બાર એસોસીએશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં સીજેઆઇ ગવઇએ કહ્યું હતું કે, 'મારી જ્ઞાતિના લોકોએ જ મારા ચૂકાદાની ટીકા કરી હતી. જોકે હું માનું છુ કે, મારે મારા ચૂકાદા લોકોની અપેક્ષા મુજબ નહીં, પરંતુ કાયદાને ધ્યાનમાં રાખીને મારા અંતર આત્મા પ્રમાણે આપવા જોઈએ.' ૨૦૨૪ના ઓગસ્ટ મહિનામાં સુપ્રિમ કોર્ટની ૭ જજોની બેન્ચે ૬-૧ની બહુમતીથી ચૂકાદો આપ્યો હતો કે, અનુસૂચિત જાતિઓ સામાજીક રીતે એક સરખા વર્ગમાં નથી. રાજ્યોને એમાં ઉપવર્ગીકરણ કરવાનો હક છે. સૌથી વંચીત લોકોને અનામતનો લાભ મળે એ જરૂરી છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવા ઠગે 22 સાંસદોની ખોટી સહી કરી

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના નામાંકનની પ્રક્રિયા પુરી થયા પછી એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. કેરળની એક વ્યક્તિએ ૨૨ સાંસદોની નકલી સહી કરીને નામાંકન ભર્યું હતું. પાછળથી સત્ય બહાર આવતા એનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. જેકબ જોસેફ નામની વ્યક્તિએ ૨૨ લોકસભાના સાંસદોનો ટેકો હોવાનો દાવો કર્યો હતો. પછીથી ખબર પડી કે જે સાંસદોના નામ એણે ટાંક્યા હતા એમને જેકબ વિશે કોઈ ખબર નહોતી. સાંસદોએ કહ્યું છે કે જેકબના કોઈ નામાંકન પર એમણે સહી કરી નથી. નામાંકનપત્રોની સ્ક્રુટીની પછી ફક્ત બે ઉમેદવારો જ મેદાનમાં રહી ગયા છે. શંકા ત્યારે આવી હતી કે, જ્યારે નામાંકનપત્રમાં વાયએસઆરસીપીના સાંસદ મીથુન રેડ્ડીની સહી પણ જોવામાં આવી. રેડ્ડી ઘણા સમયથી જેલમાં છે.

કર્ણાટકમાં કોંગ્રસના નેતાઓને આરએસએસનું ગીત ગમી ગયું

કર્ણાટકના રાજકારણમાં આજકાલ નવાઇ લાગે એવી ઘટના બની રહી છે. થોડા દિવસો પહેલા કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી કે શિવકુમારએ વિધાનસભામાં આરએસએસની પ્રાર્થના ગાઈ હતી. યાદ રહે કે કર્ણાટકમાં કોંગ્રેસ સત્તા પર છે. રાહુલ ગાંધીને આરએસએસની ભારે એલર્જી છે. શિવકુમારએ આરએસએસની પ્રાર્થના ગાઇને વિધાનસભા ગજવી એનાથી ભાજપને કટાક્ષ કરવાનો મોકો મળી ગયો છે. હવે કોંગ્રેસના ધારાસભ્ય એચડી રંગનાથએ પણ આરએસએસની પ્રાર્થનાની કેટલીક લાઇનો ગાઈ હતી. રંગનાથે પ્રાર્થનાની પંક્તિઓ ગાઇને એના વખાણ પણ કર્યા હતા. હવે કર્ણાટકના રાજકારણમાં નવો વિવાદ ઉભો થયો છે. તુમકુરુ જિલ્લાના કુનીગલમાં પત્રકારો સાથે વાત કરતા એચડી રંગનાથે 'નમસ્તે સદા વત્સલે'ની શરૂઆતની પંક્તિઓ ગાઈ હતી.

બિહારમાં ભાજપને ફટકો

બિહાર ભાજપના કદાવર નેતા અને ભૂતપૂર્વ સહકાર મંત્રી રામાધાર સિંહએ ભાજપને રામ રામ કર્યા છે. એમણે ભાજપ છોડવાનો પત્ર પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલને પહોંચાડયો છે. રામાધાર સિંહના આ નિર્ણયને કારણે ભાજપ ચોંકી ગયો છે. લોકો કહી રહ્યા છે કે રામાધાર સિંહને પક્ષે બધુ જ આપ્યું હોવા છતાં એમણે પક્ષને બાયબાય શું કામ કહ્યું. રામાધાર સિંહે પણ પક્ષ માટે લોહી-પાણી એક કરી નાખ્યું હતું. રામાધાર સિંહને ભાજપના ભૂતપૂર્વ સાંસદ સુશીલ સિંહ સાથે બનતું નથી. બંને વચ્ચે જૂની દુશ્મનાવટ છે. રામાધાર સિંહ એટલા માટે નારાજ છે કે વિધાનસભાની ચૂંટણીમાં સુશિલ સિંહે જ એમને હરાવ્યા હતા. સુશિલ સિંહે કોંગ્રેસના આનંદ શંકરને જીતાડયા હતા. રામાધાર સિંહનું માનવું છે કે બિહારમાં ભાજપ રાજપુતોને માન આપતો નથી.

મુસલમાનોને ઓળખ છૂપાવવા કોંગ્રેસના નેતાએ આપી સલાહ

કોંગ્રેસના એક મોટા નેતાએ મુસલમાનોને ઓળખ છૂપાવવા માટે એક સલાહ આપી છે. કોંગ્રેસના દલિત નેતા અને ભૂતપૂર્વ સાંસદ ઉદીત રાજએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં મુસલમાનોએ ઓળખાણ છૂપાવીને કામ કરવું પડે છે. દલિતોની સાથે પણ આવું જ થઈ રહ્યું છે. ભૂતપૂર્વ સાંસદનું કહેવું છે કે, મુસલમાનોએ જો મજબૂરીને કારણે પોતાની ઓળખ છૂપાવવી પડતી હોય તો તેમણે દલિતો સાથે વાત કરીને એમની જાતી અને નામનો ઉપયોગ કરવો જોઈએ. પોતાના નિવેદનો માટે ઉદીત રાજ વારંવાર વિવાદમાં આવ્યા છે. એમણે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'મુરાદાબાદમાં મુસ્લિમ બેન્ડવાળાઓ માટે હિન્દુ નામ રાખવું જરૂરી થઈ ગયું છે. જો તેઓ આમ નહીં કરે તો એમનો બહિષ્કાર કરવામાં આવે છે.'