નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે એવી ટીપ્પણી કરી છે કે જે વ્યક્તિ રાજકારણમાં હોય છે એમણે ટીકાઓ સહન કરીને 'જાડી ચામડી'ના બનવું જરૂરી છે. જોકે વ્યંગ અને બદનામી વચ્ચેનો તફાવત પણ ધ્યાનમાં રાખવો જોઈએ. જસ્ટીસ અમિત બંસલે ભાજપના નેતા અને પ્રવક્તા ગૌરવ ભાટીયાની એક અરજી પર સુનાવણી કરતી વખતે આ પ્રકારની ટીપ્પણી કરી હતી. થોડા દિવસો પહેલા એક ન્યૂઝ ટીવી ચેનલ પર કાર્યક્રમ દરમિયાન ભાટીયાએ પહેરેલા પહેરવેશ બાબતે સોશ્યલ મીડિયા પર ઘણી 'અપમાનજનક' ટીપ્પણીઓ થઈ હતી. કાર્યક્રમમાં એમને પેન્ટ કે પાયજામા વગર ફક્ત કુર્તા પહેરેલા બતાવવામાં આવ્યા હતા. આ ટીપ્પણીઓ હટાવવા માટે ભાટીયાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ભાટીયાના વકીલએ કોર્ટને કહ્યું હતું કે, એમણે શોટર્સ પહેરી હતી, પરંતુ કેમેરામેનની ભૂલને કારણે એમના શરીરનો નીચલો હિસ્સો બતાવવામાં આવ્યો હતો.
આઝમ ખાન કોઈ પક્ષ સાથે નહીં જોડાય
સમાજવાદી પક્ષના નેતા અને પક્ષ પ્રમુખ અખિલેશ યાદવના કાકા શિવપાલ સિંહ યાદવએ કહ્યું છે કે, સપાના મહામંત્રી આઝમ ખાન કોઈ પક્ષ સાથે નહીં જોડાય. બે વર્ષ જેલમાં રહ્યા પછી આઝમ ખાન જામીન પર છૂટયા છે. આઝમ ખાન જ્યારે જેલમાંથી છૂટયા ત્યારે એમને લેવા માટે એમના પુત્ર અબ્દુલ્લા આઝમ સહિત પક્ષના કેટલાક સિનિયર નેતાઓ પહોંચી ગયા હતા. આઠ હજાર રૂપિયાનો દંડ ભરવામાં મોડું થતા એમને જેલમાંથી નિકળતા સમય લાગ્યો હતો. શિવપાલએ આક્ષેપ મૂક્યો છે કે આઝમ ખાનને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. સમાજવાદી પક્ષે આઝમ ખાનને ખૂબ મદદ કરી છે અને આગળ પણ કરતી રહેશે. આઝમ ખાન જેલમાંથી છૂટયા ત્યારે ઉત્તર પ્રદેશના રાજકારણમાં એવી વાત ચાલી હતી કે તેઓ માયાવતીના બસપા કયાં તો ચંદ્રશેખર આઝાદના આઝાદ સમાજ પાર્ટી સાથે જોડાઈ શકે છે. જોકે શિવપાલ યાદવએ આ વાતને અફવા ગણાવી હતી.
'મોરિશિયસ જઈને છુપાઈ જાવ કે કેનેડા... બચી નહીં શકશો' જ્ઞાનેશ કુમારને ચીમકી
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસ ઉપરાંત હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મેદાને પડયા છે. આપના નેતા સૌરભ ભારદ્વાજએ જ્ઞાનેશ કુમારને ચેતવણી આપી છે કે, કેન્દ્રમાં આજે ભાજપની સરકાર છે. ભાજપની સરકાર હશે ત્યાં સુધી તમે બચી જશો. જે દિવસે સરકાર બદલાશે એ દિવસે બચી નહીં શકો. મોરિશિયસ જઇને સંતાઈ જાવ કે કેનેડા. એમ લાગે છે કે, અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી ભલે અલગ થઈ ગયા હોય, પરંતુ વોટ ચોરી મામલે આમ આદમી પાર્ટી કોંગ્રેસને ટેકો આપી રહી છે. રાહુલ ગાંધીને ટેકો આપતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં એટલે જ આવ્યા છે કે, તેઓ વોટ ચોરી બાબતે આંખ આડા કાન કરી શકે.
109 વર્ષ જૂના મહેલ પર ઝંડો ફરકાવવા માટે વિવાદ
રાજસ્થાનના ભરતપુરમાં ૧૦૯ વર્ષ જૂનો શાહી મહેલ છે. આ મહેલને લોકો મોતી મહલ પેલેસ તરીકે ઓળખે છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી આ મહેલ પર ઝંડો ફરકાવવા માટે વિવાદ ચાલી રહ્યો છે. ઝઘડો બે ઝંડાને લઈને છે. આ બંને ઝંડા રાજ પરિવારના છે. એક ઝંડો લીલો, નારંગી, જાંબલી, પીળો અને લાલ રંગનો મીશ્રીત પંચરંગી છે. બીજા ઝંડામાં લાલ અને ભૂરા રંગની નિશાની અને હનુમાનજીનો ફોટો છે. લાંબા સમય સુધી હનુમાનજીના ફોટાવાળો ઝંડો મહેલ પર ફરકતો રહ્યો હતો. એક મહિના પહેલા મૂળ ઝંડાને બદલીને પંચરંગી રંગનો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. હકીકત એવી છે કે, વિવાદનું કારણ રાજા વિશ્વેન્દ્ર સિંહ અને રાજકુમાર અનિરૂદ્ધ સિંહ વચ્ચે છે. પ્રોપર્ટી બાબતે બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વિશ્વેન્દ્ર સિંહનો આક્ષેપ છે કે એમના પુત્રએ એમને ગેરકાયદેસર રીતે મહેલમાંથી કાઢી મૂક્યા છે.
યુપીએસસી પાસ કરવા પિતાએ 'કમિશનર'ને 60 લાખ રૂપિયા આપ્યા
દેશમાં ઘણા લોકો એવા છે કે જેઓ સનદી અધિકારી બનવા માંગે છે. દરેક યુપીએસસીની પરીક્ષા પાસ કરી શકતા નથી. પોતાના પુત્રને યુપીએસસી પરીક્ષામાં સફળતા મળે એ માટે મુંબઈના એક પિતાએ એક ઠગને ૬૦ લાખ રૂપિયા આપ્યા હતા. આ ઠગે પોતાને દિલ્હીના કમિશનર અને યુપીએસસીના મુખ્ય અધિકારી તરીકેની ઓળખ આપી હતી. પીડિત ઇરશાદ ખાનની માલવણીમાં એક હોટલ છે. એમનો પુત્ર સદામ ખાન કોમર્સમાં ગ્રેજ્યુએટ થયો ત્યાર પછી ચાર વખત યુપીએસસીની પરીક્ષા આપી, પરંતુ નિષ્ફળ રહ્યો. સદામ ખાન પાંચમી વખત પરીક્ષા આપવાની તૈયારી કરતો હતો ત્યારે ઇરશાદ ખાનની ઓળખાણ યાકુબ શેખ સાથે થઈ. યાકુબ પોતે સીઆઇડી અધિકારી તરીકે હોવાની ઓળખ આપતો હતો. ત્યાર પછી યાકુબએ ઇરશાદની ઓળખાણ વિજય ચૌધરી નામની વ્યક્તિ સાથે કરાવી હતી જે પોતે દિલ્હીનો કમિશનર હોવાનું કહેતો હતો. ઇરશાદે ૬૦ લાખ રૂપિયા વિજય ચૌધરીના ખાતામાં જમા કર્યા હતા છતાં પણ એમનો પુત્ર પરીક્ષામાં પાસ થઈ શક્યો નહીં. છેવટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કર્ણાટકમાં વિવાદ પછી બ્રાહ્મણ, વોક્કાલિગા અને લિંગાયત સંગઠનો હાઈકોર્ટ પહોંચ્યા
કર્ણાટકમાં જ્ઞાતિ આધારીત સામાજીક - આર્થિક સર્વે શરૂ થઈ ગયા પછી મોટો વિવાદ થયો છે. હવે લિંગાયત, વોક્કાલિગા અને બ્રાહ્મણ જેવી જ્ઞાતિના સંગઠનો રાજ્ય સરકાર વિરુદ્ધ કોર્ટમાં ગયા છે. અખિલ કર્ણાટક બ્રાહ્મણ મહાસભા, કર્ણાટક વોક્કાલિગા સંઘ અને વિર સિવાય લિંગાયત મહાસભા અને બીજા કેટલાક સંગઠનોએ સર્વે પર સ્ટે મૂકવાની માંગણી કરી છે. અરજી કરનારાઓનું કહેવું છે કે, સરકારનું આ પગલું બંધારણના આર્ટીકલ ૩૪૨ (એ)નો ભંગ છે. અરજી કરતાઓનો આક્ષેપ છે કે સરકાર ડેટા ભેગો કરવા માટે જીઓ ટેગીંગ અને આધારકાર્ડને લિંક કરવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એ આધાર એક્ટના નિયમોનો ભંગ છે. કર્ણાટકમાં ઘણી પેટા જ્ઞાતિઓએ આ સર્વે સામે વાંધો લીધો છે.
વિધાનસભા ચૂંટણી પહેલા બીજા પક્ષોથી જેડીયુ આગળ
બિહારમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા દરેક રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. કોઈક સંમેલનની તૈયારી કરી રહ્યું છે તો કોઈક પદયાત્રા કાઢવાનું આયોજન કરે છે. જોકે ચૂંટણીની તૈયારી માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતું કામ બુથ લેવલે એજન્ટની પસંદગીનું હોય છે. નવાઇની વાત એ છે કે, આ બાબતે રાજકીય પક્ષો ગંભીર નથી. જોકે આ બાબતે જેડીયુ બીજા પક્ષો કરતા આગળ છે. બીજા નંબર પર ભાજપ છે. કોંગ્રેસ અને આરજેડી ત્રીજા અને ચોથા નંબરે છે. કેટલાક રાજકીય પક્ષોએ તો જિલ્લાઓમાં એક પણ બુથ એજન્ટની પસંદગી કરી નથી. બહુજન સમાજ પાર્ટી, સામ્યવાદી પક્ષ, નેશનલ પીપલ્સ પાર્ટી, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય લોક ક્ષમતા પાર્ટી આ બાબતે પાછળ છે.


