Get The App

દિલ્હીની વાત : ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વ મુદ્દે બબાલ

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વ મુદ્દે બબાલ 1 - image

નવીદિલ્હી : ૨૦૨૪માં એનડીએને હરાવવા માટે વિવિધ પક્ષોએ ભેગા મળીને ઇન્ડિયા ગઠબંધનની સ્થાપના કરી હતી. ત્યાર પછી વિવિધ રાજ્યોની ચૂંટણી દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના પક્ષો એકબીજા સામે લડયા હતા. મહારાષ્ટ્રમાં તો મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પણ ઇન્ડિયા ગઠબંધનના પક્ષો પોતાની રીતે ચૂંઠણી લડયા હતા. ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વ મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. મમતા બેનર્જી રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વિકારવા તૈયાર નથી. અરવિંદ કેજરીવાલ મગનું નામ મરી પાડતા નથી. કોંગ્રેસના નેતા મણીશંકર ઐયરએ ગઠબંધનના સંયોજક તરીકે તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીનને યોગ્ય ગણાવ્યા છે. બીજી તરફ ઓમર અબ્દુલ્લા એવું માને છે કે હમણાના તબક્કે રાહુલ ગાંધી જ નેતા તરીકે યોગ્ય છે. જોકે અત્યાર સુધી ઇન્ડિયા ગઠબંધનની જેટલી બેઠકો થઈ છે એમા નેતૃત્વ મુદ્દે કોઈ વાતચીત થઈ નથી.

બાંગ્લાદેશના લશ્કરમાં મોટા પાયે ફેરફાર, કારણ શું?

બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા પછી તારીક રહેમાનએ સૌથી પહેલા સૈન્યમાં મોટાપાયે ફેરફાર કર્યા છે. ઓપરેશનલ અને ઇન્ટેલિજન્સના હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે. ભારતસ્થિત રક્ષાસલાહકાર બ્રિગેડિયર જનરલ એમ ડી હાફીજુર રહેમાનને મેજર જનરલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. એમને બાંગ્લાદેશ પાછા બોલાવીને ૫૫મી ઇન્ફૈન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડીંગ બનાવવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ મોહમદ મેનુર રહેમાનને સૈન્યના ચીફ ઓફ જનરલ સ્ટાફ બનાવાવમાં આવ્યા છે. આ પહેલા તેઓ આર્મી ટ્રેનિંગ એન્ડ ડોક્ટ્રીન કમાન્ડના પ્રમુખ હતા. તેઓ લેફ્ટનન્ટ જનરલ મીઝાનુર રહેમાન સમીમની જગ્યાએ આવ્યા છે. મીઝાનુરને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. નિરિક્ષકો એમ માની રહ્યા છે કે અગાઉ લશ્કરમાં જે ટોચના હોદ્દાઓ ઉપર હતા એમાંથી કેટલાક નવી સરકારને વફાદાર નહીં રહે. પાકિસ્તાનની માફક બાંગ્લાદેશમાં પણ હવે રાજકારણમાં લશ્કરની ચંચુપાત વધી ગઈ છે એટલે નવા વડાપ્રધાન કોઈ જોખમ લેવા માંગતા નહોતા.

મહારાષ્ટ્ર ભાજપમાં મોટા ફેરફાર

મહારાષ્ટ્ર ભાજપના દેખાવથી હાઇકમાન્ડ ખુશ છે એમાં શંકા નથી. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે બધી સત્તા છે. આમ છતાં મહારાષ્ટ્ર ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર થયા છે. પહેલીવાર બીએમસીના કોર્પોરેટર બનેલા નવનાથ બાનને પક્ષે મુખ્ય પ્રવકતા બનાવ્યા છે. નવનાથ બાન આ પહેલા પક્ષના પ્રદેશ મીડિયા પ્રમુખ હતા. હવે તેઓ કેશવ ઉપાધ્યાયની જગ્યા લેશે. પ્રદેશ પ્રમુખએ મુખ્ય પ્રવક્તા, મહામંત્રી, મંત્રી, ઉપાધ્યક્ષ, કોષાધ્યક્ષ અને યુવા મોરચાના પ્રમુખના નામો જાહેર કર્યા હતા. પ્રદેશ પ્રમુખના જણાવ્યા પ્રમાણે થોડા મહિના પહેલા ભાજપ હાઇકમાન્ડે એમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. જોકે ત્યાર પછી આચાર સંહિતા અને સ્થાનિક ચૂંટણીઓને કારણે સંગઠનમાં ફેરફાર થઈ શક્યા નહોતા. આ તમામ નિર્ણય ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીન, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, બી એલ સંતોષ, શીવપ્રકાશ, દેવેન્દ્ર ફડણવીસને વિશ્વાસમાં લઈને કરવામાં આવ્યા છે.

તામિલનાડુની ચૂંટણી આવતા મોદી અને શશીકલાને જયલલીતા યાદ આવ્યા

તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી નજીક છે એટલે તામિલનાડુના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. એઆઇએડીએમકેમાંથી હાંકી કઢાયેલા વી કે શશીકલાએ કહ્યું છે કે અમ્મા એટલે જયલલીતાના જન્મ દિવસે ખુશખબર આપશે. આનો રાજકીય મતલબ એમ થાય કે હવે શશીકલા નવો પક્ષ બનાવશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલીતાની જન્મજયંતી પરના કાર્યક્રમ સાથે આ જાહેરાત જોડવાથી એવા સંકેતો જશે કે જયલલીતા પણ આ નિર્ણયથી ખુશ થાત. શશીકલાએ પહેલા એઆઇએડીએમકેના સ્થાપક એમ જી રામચંદ્રન અને જયલલીતાને પુષ્પાંજલી અર્પિત કરી હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શશીકલા ૨૦૨૬ની વિધાનસભાની ચૂંટણી પહેલા નવી પાર્ટીનું ગઠન કરશે. એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જયલલીતાની ૭૮મી જન્મજયંતી પર એમને શ્રદ્ધાંજલી આપી હતી. મોદીએ જયલલીતાના ભરપેટ વખાણ કર્યા હતા અને એમને શ્રે શાસક ગણાવ્યા હતા.

રાહુલ ગાંધી યુથ કોંગ્રેસ પ્રમુખને પડખે, ધરપકડથી નારાજ

એઆઇ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કર્યા હતા એને કારણે ભાજપ સિવાય કેટલાક સાથી પક્ષોએ પણ જે રીતે ટીકા કરી હતી એનાથી એમ લાગતું હતું કે, યુથ કોંગ્રેસના નેતાઓએ પોતાની રીતે જ આ દેખાવોનું આયોજન કર્યું હશે. યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચીબની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી શાંત રહેલા રાહુલ ગાંધી આ ધરપકડથી અકળાયા છે. એમણે કહ્યું છે કે, ઉદય ભાનુની ધરપકડ સરકારની સરમુખત્યારશાહી અને કાયરતાનો પુરાવો છે. રાહુલ ગાંધીએ એક્સ હેન્ડલ પર લખ્યું છે કે, 'અમે હંમેશા શાંતિપૂર્ણ વિરોધ કર્યો છે. એ અમારા લોહીમાં છે. વિરોધ કરવાનો હક દરેક ભારતીયને છે. મને યુવા કોંગ્રેસના મારા બબ્બરશેર સાથીદારો માટે ગૌરવ છે. એમણે ડર્યા વગર દેશહીતમાં અવાજ ઉઠાવ્યો છે. અમેરિકા સાથે થયેલા ટ્રેડ ડીલમાં દેશનું હીત જોવામાં આવ્યું નથી.'

નેટીવીટી કાર્ડ બીલ પસાર કરવા પાછળ કેરળ સરકારનો ઉદ્દેશ શું છે

કેરળ વિધાનસભામાં નેટીવીટી કાર્ડ બીલ ૨૦૨૬ પસાર કરવામાં આવ્યું છે. વિરોધપક્ષોના ભારે વિરોધ વચ્ચે અને બહિષ્કાર છતા સામ્યવાદી સરકારે આ બીલ પસાર કર્યું છે. સરકારે આ કાયદાને કેરળવાસીઓની ઓળખ અને હકોની સુરક્ષા માટે લેવાયેલું ઐતિહાસીક પગલુ ગણાવ્યું છે. જોકે કોંગ્રેસ અને યુડીએફની ગેરહાજરીમાં બીલ ચર્ચા વગર પસાર કરવામાં આવ્યું હતું. સ્પીકર એ એન શમસીરએ કહ્યું હતું કે, ગૃહની કાર્યવાહી નક્કી થયા પ્રમાણે ચલાવવી શક્ય નહોતી. કોંગ્રેસ તેમજ યુડીએફએ શબરીમાલા મંદિરના સોના પ્રકરણને લઈને ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. નેટીવીટી કાર્ડ બીલ ૨૦૨૬નો ઉદ્દેશ રાજ્યના લોકોને સ્થાયી અને ફોટોગ્રાફ સાથેની ઓળખ આપવાનો છે. સરકારનું કહેવું છે કે નેટીવીટી કાર્ડને કારણે કેરળ રાજ્યની કોઈપણ વ્યક્તિને પોતાની ઓળખ સાબિત કરવામાં તકલીફ પડશે નહીં.

દારૂ પીને લાઈવ રીપોર્ટીંગ કરતા મહિલા પત્રકાર બદનામ થયા

ઇટાલીમાં આજકાલ વિંટર ઓલ્મપિકનું આયોજન થયું છે. ઓલ્મપિકનું લાઇવ રીપોર્ટીંગ કરતી વખતે એક મહિલા પત્રકારની જીભ થોથવાતી હતી અને તેઓ લથડિયા ખાતા હતા એવો વિડિયો વાયરલ થયો છે. આ મહિલા પત્રકાર ઓસ્ટ્રેલિયાના છે. મહિલા પત્રકારે જોકે પોતે દારૂ પીધો હોવાનું કબુલ કરીને માફી માંગી લીધી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પણ ઝાઝી લપ્પનછપ્પન કરવાને બદલે એવી ટીપ્પણી કરી હતી કે મહિલા પત્રકારે કઈ ખોટુ નથી કર્યું, બની શકે કે જેટલેગને કારણે એમની તબિયત બગડી હોય. મહિલા પત્રકાર ડેનિકાએ આખો દિવસ રીપોર્ટીંગ કર્યા પછી કોફીની કિંમત વિશે ચર્ચા કરી હતી. મહિલા પત્રકારે વિવાદ પછી કહ્યું હતું કે, આગલા દિવસે મે કંઈ ખાધુ નહોતું અને ભુખા પેટે મે થોડો દારૂ પીધો હતો એ મારી ભૂલ હતી. જોકે સોશ્યલ મીડિયા પર આ મહિલા પત્રકારની ટીકા કરવાને બદલે યુરોપમાં એને ટેકો આપનાર વધારે છે.