Get The App

દિલ્હીની વાત : દિલ્હી સરકારે પ્રદુષણનો ગુસ્સો ગરીબ ઇ-રીક્ષાવાળા ઉપર કાઢયો

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : દિલ્હી સરકારે પ્રદુષણનો ગુસ્સો ગરીબ ઇ-રીક્ષાવાળા ઉપર કાઢયો 1 - image

નવીદિલ્હી : દિલ્હીમાં વકરી ગયેલા પ્રદુષણને કારણે ભાજપ સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે. દિલ્હીની સરકાર હવે પોતાની બીન કાર્યક્ષમતાની સજા ગરીબ ઇ-રીક્ષાવાળાઓને આપશે. આખા ડિસેમ્બર મહિના દરમિયાન દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ રહી હતી. હવે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ અધિકારીઓ સાથે મિટિંગ કરીને દિલ્હીના રસ્તા પરથી લાખો ઇ-રીક્ષાઓને આ પ્રદુષણ માટે જવાબદાર ગણાવી છે. મિટિંગમાં નક્કી થયું હતું કે, ઇ-રીક્ષાઓ બાબતે સરકારે ટૂક સમયમાં ગાઇડલાઇન જાહેર કરવી જોઈએ. નવાઇની વાત એ છે કે ત્રણ પેંડાવાળી ઇ-રીક્ષા બેટરીથી ચાલે છે અને કોઈપણ પ્રકારનો ધૂમાડો નિકળતો નથી. ડીઝલ ઓટો રીક્ષા કરતા આ ઇ-રીક્ષા ઓછુ પ્રદુષણ ફેલાવે છે. દિલ્હીના લોકોને નવાઈ લાગી રહી છે કે ધુમાડો નહીં ઓકતી ઇ-રીક્ષા સરકારની નજરમાં શા માટે અને કંઈ રીતે વિલન બની ગઈ.

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં નિમેલા ત્રણ એએસજી કોણ?

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે ત્રણ એડીશનલ સોલીસીટર જનરલ (એએસજી)ની નિમણૂક કરી છે. સિનિયર એડવોકેટ દેવિંન્દર પાલ સિંહ, અનિલ કૌશીક અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ કનક મેદાલા રવિન્દ્રકુમાર નવા એએસજી બન્યા છે. સરકારે તેલુગુ દેશમ પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ કનક મેદાલા રવિન્દ્રકુમારને એએસજી બનાવીને ચંદ્રાબાબુ નાયડુની માંગણી સંતોષી છે. રવિન્દ્રકુમાર ૨૦૧૮ થી ૨૦૨૪ સુધી રાજ્યસભાના સાંસદ હતા. ભૂતકાળમાં તેઓ સુપ્રિમ કોર્ટમાં આંધ્રપ્રદેશ વતી કેસ લડતા હતા. દેવિંન્દર પાલ સિંહને ૩૫ વર્ષનો વકીલાતનો અનુભવ છે. તેઓ બંધારણીય, ફોજદારી અને કોમર્શિયલ કાયદા સાથે સંબંધીત લગભગ ૨૦ હજાર કેસો ચલાવી ચૂક્યા છે. ભૂતકાળમાં એમણે કેન્દ્ર સરકાર ઉપરાંત તપાસ એજન્સીઓ અને રાજ્ય સરકારો વતી પણ કેસ લડયા છે.

તણાવ છતાં ભારત, બાંગ્લાદેશને 50 હજાર ટન ચોખા વેચશે

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ ભારતમાં ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે. બીજી તરફ કહેવાતી હિન્દુવાદી સરકાર બાંગ્લાદેશ સાથે આર્થિક વ્યવહાર ચાલુ જ રાખશે. બાંગ્લાદેશની કામચલાઉ સરકારના નાણાકીય સલાહકાર સાલેહુદ્દીન અહમદએ કહ્યું હતું કે મોહમદ યુનુસ ભારત સાથેની તણાવ ભરેલી પરિસ્થિતિ હળવી કરવા માંગે છે. એમના કહેવા પ્રમાણે બાંગ્લાદેશની સરકાર આથક હિતોને રાજકીય નિવેદનોથી અલગ રાખવા માંગે છે. હકીકત એ છે કે બાંગ્લાદેશને ભારત સાથે આર્થિક વ્યવહાર ચાલુ રાખવા સિવાય છૂટકો નથી. યુનુસ ભારત સાથે સીધી વાત કરી રહ્યા નથી છતાં તંગડી ઉચી રાખી રહ્યા છે. બાંગ્લાદેશના આર્થિક સલાહકારો એવો દેખાડો કરે છે કે, બાંગ્લાદેશની આર્થિક નિતિ રાજકારણથી અલગ છે. બાંગ્લાદેશને ભારતથી ચોખા આયાત કરવાનું વિયેતનામ કે બીજા દેશો કરતા સસ્તુ પડે છે. બાંગ્લાદેશ સરકારે ભારત પાસેથી ૫૦ હજાર ટન ચોખા ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે જોવાનું રહે છે કે ભારત કયો નિર્ણય લે છે.

કાશ્મીર મૂળના અમેરિકા રહેતા ડો. ફઇની સંપત્તી જપ્ત કરવા આદેશ

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સી (એનઆઇએ)ની એક સ્પેશિયલ કોર્ટે અમેરિકામાં રહેતા કાશ્મીરી લોબિસ્ટ અને પાકિસ્તાનની આઇએસઆઇ સાથે સંબંધ ધરાવતા ગુલામનબી શાહ ઉર્ફ ડો. ફઇની વિશાળ પ્રોપર્ટી જપ્ત કરવાનો હુકમ કર્યો છે. એનઆઇએના સ્પેશિયલ જજ યાહા ફીરદોસએ બડગામ જિલ્લાના બે ગામો વાડવાન અને ચટ્ટાબુધમાં આવેલી વિશાળ જમીન જપ્ત કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે બડગામ જિલ્લા કલેક્ટર અને રેવન્યુ તેમજ પોલીસ અધિકારીઓની મદદથી આ સંપત્તિ પોતાના કબજામાં લેવાનો હુકમ કર્યો છે. કોર્ટમાં કરેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, કોર્ટે૨૦૨૦માં ગેરકાયદેસર કાર્યવાહી  કરવા માટેની કેટલીક કલમો લગાડીને એક કેસમાં ડો. ફઇને ભાગુડે જાહેર કર્યા હતા. ડો. ફઇ પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામીના ટેકેદાર છે જે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહુદ્દીનની નજીક છે.

એક જ ગુના માટે બે વખત સજા થઈ શકે નહીં

અલ્હાબાદ હાઇકોર્ટે એક અગત્યના ચૂકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે કોઈપણ કર્મચારીને એક જ ગુના માટે એકથી વધુવાર દંડીત કરી શકાય નહીં. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કોર્ટે સીઆઇએસએફના એક કોન્સ્ટેબલને રાહત આપી હતી. આ કોન્સ્ટેબલને અગાઉ પણ એ જ ગુના માટે દંડ કરવામાં આવ્યો હતો. એમને ફરીથી એજ ગુના માટે સજા કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે, અરજી કરનારને પહેલા વાર્ષિક પગારમાં વધારો રોકવો તેમજ પગારમા કાપ મુકવા જેવી સજા થઈ ચૂકી હતી. આ કારણે એને પગાર પર અને પેન્શન પર અસર પડવાની છે. અરજી કરનારની નિમણૂક ૧૯૭૮માં સીઆઇએસએફના કોન્સ્ટેબલ તરીકે થઈ હતી. નોકરી દરમિયાન એમની બે વાર્ષિક વેતનવૃદ્ધિ રોકવામાં આવી હતી. ત્યાર પછી ૧૯૯૧માં જ્યારે કાર્યક્ષમતાનો પ્રશ્ન ઉઠાવીને એમને ફરીથી સજા કરવામાં આવી ત્યારે એ બાબતને કોર્ટમાં પડકારવામાં આવી હતી.

'ધૂરંધર'ના અભિનેતાએ દરોડા પછી નાઇટ કલબ બંધ કરી હતી

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ અભિનયની સાથે સાઇડ બિઝનેસ પણ કરે છે. શીલ્પા શેટ્ટી, ગૌરી ખાન, કપીલ શર્મા સહિત ઘણા સ્ટાર એવા છે કે જેમણે રેસ્ટોરન્ટ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. 'ધૂરંધર' ફિલ્મના પણ એક એક્ટરે આ ધંધામાં ઝંપલાવ્યું હતું, પરંતુ એમનું નસીબ બે ડગલા આગળ રહ્યું હતું. આ એક્ટરે હાઇપ્રોફાઇલ નાઇટ કલબ શરૂ કરી હતી. જોકે કડક નિયમો અને પોલીસની રેઇડ પછી એણે આ નાઇટ કલબ બંધ કરવી પડી હતી. અર્જૂન રામપાલએ આ દુ:સાહસ કર્યું હતું. બીજી કલબોની જેમ અર્જૂનની કલબમાં પણ કોઈ સહેલાઈથી અંદર જઈ શકતું નહોતું. ફક્ત સભ્યો અને એમના મહેમાનોને જ કલબમાં એન્ટ્રી મળતી હતી. આ કલબ ૧૭ હજાર સ્ક્વેરફીટ જેવી વિશાળ જગ્યામાં ફેલાયેલી હતી અને એનું ઇન્ટીરિયર અલ્ટ્રા લકઝરી હતું. દિલ્હીની જાણીતી વ્યક્તિઓ અહીં નિયમતી આવતી હતી.

આજે બાંગ્લાદેશમાં શું થશે, ઢાકા એરપોર્ટ - જર્મનએમ્બેસી બંધ

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાખોરી વચ્ચે રાજધાની ઢાકાનું હજરત શાહ જલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ૨૪ કલાક માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ સિવાય બાંગ્લાદેશમાં જર્મન એમ્બેસીને કહેવામાં આવ્યું છે કે, એમ્બેસી બે દિવસ બંધ રાખે. બાંગ્લાદેશની અમેરિકન એમ્બેસીએ પણ આજના દિવસ માટે એક એડવાઇઝરી બહાર પાડીને પોતાના નાગરીકોને કોઈ કારણવગર ઢાકા એરપોર્ટ તરફ જતા રસ્તાથી દુર રહેવા કહ્યું છે. એમ્બેસીએ અમેરિકન નાગરીકોને પોતાની ફલાઇટ ટીકીટ અને પાસપોર્ટ પણ પોલીસને બતાવવા માટે તૈયાર રાખવા માટે કહ્યું છે. બાંગ્લાદેશ સરકારના પ્રવક્તા કોશર મહેમુદએ એરપોર્ટ બંધ રાખવાની વાતને સાચી ગણાવી છે. એમણે લોકોને સુરક્ષા બાબતે સહકાર આપવા વિનંતી કરી છે. આ નિર્ણય બીએનપીના એક્ટીંગ ચેરમેન તારીક રહેમાન લંડનથી પરત આવે એ પહેલા લેવામાં આવ્યો છે.