Get The App

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી લંબાવા માટેનું કારણ

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી લંબાવા માટેનું કારણ 1 - image

નવીદિલ્હી: છેલ્લા ઘણા મહિનાઓથી ભાજપના રાષ્ટ્ર્રીય પ્રમુખની પસંદગી બાબતે વારંવાર ચર્ચા થાય છે. હાલના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. પહેલા એમ મનાતું હતું કે ૧૫મી ઓગસ્ટ સુધીમાં ભાજપને નવા રાષ્ટ્રીય પ્રમુખ મળી જશે. જોકે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખડે અચાનક આપેલા રાજીનામાને કારણે હવે રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત લંબાઈ ગઈ છે. ભાજપના આંતરીક વર્તુળોમાં થતી ચર્ચા પ્રમાણે બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થઈ જશે. બિહારની ચૂંટણી ભાજપ નવા રાષ્ટ્રીય પ્રમુખના માર્ગદર્શન હેઠળ લડશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના પ્રમુખ માટે પક્ષના સિનિયર નેતાઓ સતત વાતચીત કરી રહ્યા છે. આરએસએસ અને ભાજપના સિનિયર નેતાઓ વચ્ચે પણ આ બાબતે સતત ચર્ચા થાય છે. બીજી બાજુ પાર્ટીની એકતા જળવાઈ રહે તે માટે  અંતિમ નિર્ણય આરએસએસની સંમતિ પછી જ લેવાશે તેવી પ્રબળ શક્યતા છે. દરમ્યાન અગાઉ મુખ્ય મંત્રીના પદે રહી ચુકેલા એક કેન્દ્રીય મંત્રીએ સર્વાનુમત હોય તો પાર્ટી પ્રમુખ બનવાની તૈયારી દાખવી છે. હાલ ભુપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજ સિંઘ ચૌહાણ તેમજ બી.ડી.શર્માના નામો ચર્ચાઈ રહ્યા છે.

પંજાબના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનો પગપેસારો, આપ ટેન્શનમાં

છેલ્લા ઘણા વર્ષોથી ભાજપએ પંજાબ, બંગાળ અને કેરળમાં પક્ષનો પ્રભાવ વધારવાનું પ્લાનિંગ કર્યું છે. આરએસએસની મદદથી ભાજપના નેતાઓ પંજાબના ગ્રામ્ય વિસ્તારોમાં પક્ષ મજબૂત કરી રહ્યા છે. પંજાબના આંતરીક ગ્રામ્ય વિસ્તારોમાં પણ 'ભાજપા દે સેવાદાર, આ ગયે ત્વાડે દ્વાર' નારો ગુંજી રહ્યો છે. આઇબી મારફતે સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીને સમાચાર મળ્યા છે કે, ભાજપના પ્રચારનો સકારાત્મક પ્રભાવ મળી રહ્યો છે. ભાજપનો આક્ષેપ છે કે, પંજાબની પોલીસ ભાજપના નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરી રહી છે. રાજ્યની ૩૯ જેટલી જગ્યાઓ પર ભાજપની શીબીરોમાં ચાલી રહેલા કાર્યક્રમોને અટકાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦૨૦ પછી જે ગામોમાં ભાજપના કાર્યકર્તાઓ પ્રવેશી શકતા નહોતા ત્યાં હવે એમને પ્રવેશ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓ હવે ભાજપને કઈ રીતે કાઉન્ટર કરવો એનું આયોજન કરી રહ્યા છે.

મહિલા વકીલો શા માટે માર્કંડેય કાટ્જુ પર ભડકી

હંમેશા વિવાદમાં રહેતા સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ માર્કંડેય કાટ્જૂએ સોશ્યલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટ લખી હતી. કાટ્જૂએ એક મહિલા વકીલને સલાહ આપતા લખ્યું હતું કે, તેઓ જજને આંખ મારીને પોતાને અનુકૂળ હોય એવો ચૂકાદો મેળવી શકે છે. સૂપ્રિમ કોર્ટ વૂમન લોયર્સ એસોસીએશનએ જસ્ટીસ કાટ્જુની વાધાજનક પોસ્ટને મહિલા વિરોધી કહીને આકરી ટીકા કરી હતી. વિવાદ વધતા જસ્ટીસ કાટ્જૂએ પોતાની ભૂલ સ્વિકારીને માફી માંગી લીધી છે. કાટ્જુનું કહેવું છે કે એમણે આંખ મારવાની વાત મજાકમાં કહી હતી. લાગે છે કે મહિલા વકીલોએ મારી વાત ગંભીરતાથી લીધી છે એટલે મે પોસ્ટ ડિલિટ પણ કરી નાંખી છે. કેટલાક ટીકાકારો કહી રહ્યા છે કે આ માણસે સુપ્રિમ કોર્ટમાં કઈ રીતે ચૂકાદાઓ આપ્યા હશે.

રેખા ગુપ્તાએ અરવિંદસિંહ લવલીને યમુના પારના મુખ્યમંત્રી ગણાવ્યા

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયા પછી પહેલી વખત ગાંધીનગરના એક કાર્યક્રમમાં દેખાયા હતા. આ કાર્યક્રમમાં એમણે યમુના પાર વિસ્તાર માટેની યોજનાઓની જાહેરાત કરી હતી. યમુના પાર વિસ્તારના વિકાસને એમણે અગત્યનો ગણાવ્યો હતો અને ગાંધીનગરના ધારાસભ્ય અરવિંદસિંહ લવલીને યમુના પારના 'મુખ્યમંત્રી' ગણાવ્યા હતા. રેખા ગુપ્તાએ કહ્યું હતું કે, અમે અમારી કામગીરી વહેંચી લેવાની છે. ગુપ્તાએ કહ્યું હતું કે, 'હું આજે ગાંધીનગરના રહેવાસીઓને બે ભેટ આપવા માંગુ છું. એક તો મારા ભાઈ અરવિંદસિંહ લવલીને સમગ્ર યમુના પારના વિકાસ બોર્ડના પ્રમુખ બનાવ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારના સાંસદ કેન્દ્રના મંત્રી પણ છે.' જોકે ભાજપના જ કેટલાક કાર્યકર્તાઓ મજાકમાં ટીપ્પણી કરતા હતા કે, જો યમુના પારનો વિકાસ નહીં થયો તો હવે અરવિંદસિંહ લવલી જવાબદાર ગણાશે.

સુપ્રિમ કોર્ટે કોંગ્રેસના ધારાસભ્યને રાહત આપી

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના મધ્ય વિધાનસભા ક્ષેત્રથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય આરીફ મસૂદને સુપ્રિમ કોર્ટે રાહત આપી છે. મધ્યપ્રદેશ હાઇકોર્ટે હુકમ કર્યો હતો કે ભોપાલના ઇન્દિરા પ્રિય દર્શની કોલેજના કિસ્સામાં ત્રણ દિવસની અંદર એફઆઇઆર દાખલ થાય અને એની તપાસ એસઆઇટીને આપવામાં આવે. હાઇકોર્ટના આ હુકમ પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રિમ કોર્ટના જસ્ટીસ જે કે મહેશ્વરીની બેન્ચે હાઇકોર્ટના હુકમ પર સ્ટે આપ્યો છે. ધારાસભ્ય તરફથી ત્રણ સિનિયર વકીલો હાજર રહ્યા હતા. હાઇકોર્ટના હુકમ પછી મસૂદની સામે કોહે ફીઝા પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજો બનાવવા બાબતે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. એમની સામે તપાસ માટે ડીજીપીએ ત્રણ સભ્યોની કમિટિ પણ બનાવી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનરના પુત્રી થયા ટ્રોલ, આઇએએસ એસોસીએશન થયું નારાજ

દેશ આખામાં વોટ ચોરી બાબતે અફરાતફરી મચી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશકુમારની ટીકા પણ થઈ રહી છે. સમગ્ર વિવાદ વચ્ચે હવે દેશનું આઇએએસ એસોસીએશન પણ વચમા આવ્યું છે. સોશ્યલ મીડિયા પર કેટલાક ટ્રોલરો જ્ઞાાનેશકુમારના કુટુંબને ટાર્ગેટ કરતા હતા. ખાસ કરીને જ્ઞાાનેશકુમારની પુત્રીની અંગત બાબતો જાહેર માધ્યમોમાં લખવામાં આવતી હતી. આ જાણીને આઇએએસ એસોસીએશનએ નારાજગી જાહેર કરી છે. આઇએએસ એસોસીએશનએ કહ્યું છે કે અધિકારીઓ પર આ રીતે અંગત હુમલા સાંખી નહીં લેવાય. એસોસીએશનએ સોશ્યલ મીડિયા એક્સ પર મુકેલી પોસ્ટમાં કહ્યું છે કે, 'અમને ચિંતા છે કે, મુખ્ય ચૂંટણી કમિશનરના પરિવારના સભ્ય જે પોતે પણ સિવિલ સેવક છે એને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે. આવી વ્યક્તિઓ સામે પગલા લેવાવા જોઈએ.'

કોંગ્રેસની સ્ક્રિનીંગ કમિટિ ટીકીટ વાંચ્છુકોની યાદી ચેક કરશે

બિહાર કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. એક તરફ રાહુલ ગાંધી મહાગઠબંધનના નેતાઓ સાથે મળીને વોટર અભિયાન યાત્રા કાઢી રહ્યા છે ત્યારે બીજી તરફ ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે કેન્દ્રીય સ્ક્રિનીંગ કમિટિના સભ્ય સાંસદ પ્રણિતી શિંદે અને પ્રભારી મંત્રી દવેન્દ્ર યાદવ પટણા જઈ રહ્યા છે. ઉમેદવારોની પસંદગી માટે આ બંને નેતાઓ શરૂઆતની યાદી ચેક કરશે. શરૂઆતમાં આ બંને નેતાઓ શાશારામ જશે અને અહીંના સરકીટ હાઉસમાં વિવિધ ટીકીટ વાંચ્છુકોને મળશે. અહીં પાંચ જિલ્લાના સંભવીત ઉમેદવારોને બોલાવવામાં આવશે. બક્ષ, ભોજપુર, કેયમુર, રોહતાશ અને ઔરંગાબાદ વિસ્તારના સંભવીત ઉમેદવારો સાથે મીટીંગ થશે.

તેજસ્વી સામે વધુ એક ફરિયાદ દાખલ

ભાજપ નેતા કેએસ દુગ્ગલએ આરજેડી નેતા તેજસ્વી યાદવ સામે સોશિયલ મીડિયા પર વડા પ્રધાનનો મતના ચોર તરીકે ઉલ્લેખ કરવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. તેમણે જણાવ્યું કે આરજેડીએ જનતાનું સમર્થન ગુમાવી દીધું હોવાથી હતાશ થઈ ગઈ છે અને આવી ભાષાનો પ્રયોગ કરી રહી છે. આ પોસ્ટને કાયરતા અને કમનસીબ ગણાવીને દુગ્ગલે કહ્યું કે આ અપમાન માત્ર વડા પ્રધાનનું નહિ પણ બિહારની જનતાનું છે.

મમતા વધુ મતોથી જીતશે તેવી ટીએમસી નેતાની આગાહી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કોલકતા મુલાકાત તેમજ નવી મેટ્રો લાઈનના ઉદ્ઘાટનના પ્રતિસાદમાં ટીએમસીએ આગામી ચૂંટણીમાં ભાજપની જીતની સંભાવના ફગાવી દીધી હતી. પીએમ મોદી દ્વારા બંગાળમાં પોતાની પાર્ટીની સંભાવનાઓને વધારવાના પ્રયાસો પર આકરા પ્રહારો કરતા ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે મમતા બેનર્જી ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં વધુ બેઠકો સાથે વિજય હાંસલ કરશે. તેમણે કહ્યું કે મોદી જેટલી વાર બંગાળ આવશે તેટલું ભાજપને વધુ નુકસાન થશે અને ટીએમસીને એટલી બેઠકો વધુ મળશે. તેમણે જણાવ્યું કે મમતાએ શહેરમાં મેટ્રો રેલવેના વિસ્તરણની મંજૂરી આપીને પછી તેના માટે જમીનની જોગવાઈ કરી આપી હોવા છતાં રેલવે મંત્રાલયે તેમના નામનો ઉલ્લેખ કરવાનો વિવેક પણ ન દર્શાવ્યો. તેમણે ચૂંટણી પંચના સર કાર્યક્રમનો અપ્રત્યક્ષ રીતે ઉલ્લેખ કરીને કહ્યું કે વડા પ્રધાને ઘૂસણખોરીની ફરિયાદ કરી પણ સરહદ પર ચોકી કરતી બીએસએફ કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ આવતી હોવાથી એક રીતે વડા પ્રધાન પોતાના જ મંત્રાલયની ટીકા કરી રહ્યા હતા.

- ઈન્દર સાહની