નવી દિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાને થોડા દિવસો બાકી છે. બિહારમાં મહાગઠબંધનના પક્ષો બેઠકોની ગૂંચવણ ઉકેલવા માટે સક્રીય છે. મહાગઠબંધનની કોશિષ છે કે દશેરા સુધીમાં કયો પક્ષ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે એ નક્કી થઈ જાય. આ વખતે મહાગઠબંધનએ નક્કી કર્યું છે કે, બેઠકો નક્કી કરવાની સાથે ઉમેદવારોના નામ પણ એક સાથે જ નક્કી થઈ જાય. ગઠબંધનના સૌથી મોટા પક્ષ આરજેડીએ પોતાના સાથી પક્ષોને કહ્યું છે કે તેઓ બેઠકોની સાથે જ ઉમેદવારોના નામની યાદી પણ નક્કી કરી નાખે. આરજેડીના આ નિર્ણય પછી સાથી પક્ષોએ એનો અમલ પણ શરૂ કરી દીધો છે. મળતી જાણકારી પ્રમાણે કોંગ્રેસે ૭૬ બેઠકો માટે દાવેદારી કરી છે. કોંગ્રેસે બેઠકોની સાથે ઉમેદવારના નામ પણ આરજેડીને આપી દીધા છે. બીજી તરફ વીઆઇપીએ ૬૦ બેઠકો પર દાવો કર્યો છે જોકે તેમણે હજી સુધી આ બેઠકો પર ઉમેદવારોના નામ આપ્યા નથી.
નિવૃત્તિના 10 મહિના પછી ભૂતપૂર્વ સીજેઆઇ ચંદ્રચુડને કામ મળ્યું
ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડને નિવૃત્તીના ૧૦ મહિના પછી સુપ્રિમ કોર્ટે એક અગત્યના કેસમાં મધ્યસ્થી તરીકે નિમ્યાં છે. દેશની બે મોટી કંપનીઓના આર્થિક વિવાદમાં તેઓ મધ્યસ્થી કરશે. આ બે મોટી કંપનીઓ છે યુરો પ્રતિક ઇસ્પાત (ઇન્ડિયા) પ્રાઇવેટ લીમીટેડ અને જીયોમીન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ આ બંને કંપનીઓ વચ્ચે ૧.૭ લાખ મેટ્રીક ટન લોખંડની આયાત બાબતે વિવાદ ચાલી રહ્યો છે. જસ્ટીસ જે બી પારડીવાલા અને જસ્ટીસ કે વી વિશ્વનાથનની બેન્ચે કહ્યું છે કે, બંને પક્ષ વચ્ચેનો કેસ દરેક સુનાવણી પછી વધુને વધુ ગૂચવાતો હતો અને એટલે જ બંને પક્ષોને ભૂતપૂર્વ સીજેઆઇની મધ્યસ્થતા માટે સૂચન કરવામાં આવ્યું હતું. બંને પક્ષોને આ સૂચન માન્ય હતું. યુરો પ્રતિક તરફથી સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવી ઉભા રહ્યા છે જ્યારે જીયોમીન કંપની તરફથી સિનિયર વકીલ ગોપાલ સુબ્રહ્મણ્યમ છે.
લોરેન્સ બિશ્નોઇનું વ્રત દેખાડો છે : રોહિત ગોદારા
ગેંગસ્ટર રોહિત ગોદારાએ ફરીથી એક વખત સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને ચર્ચા જગાડી છે. આ વખતે નિશાન પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ છે. ગોદારાએ લોરેન્સ બિશ્નોઇને ગદ્દાર ગણાવ્યો છે. અમેરિકન એજન્સી સાથે મીલીભગત તેમજ દેશની ખાનગી માહિતી લીક કરવાનો ગંભીર આક્ષેપ પણ ગોદારાએ કર્યો છે. પોસ્ટમાં ગોદારાએ લખ્યું છે કે, લોરેન્સને સનાતન ધર્મનું કોઈ જ્ઞાાન નથી. ૯ દિવસનું વ્રત રાખતા પહેલા મીડિયામાં પ્રસિદ્ધિ માટે ધાર્મિક હોવાનો દેખાડો કરે છે. લોરેન્સે પોતાના ભાઇ અનમોલનને બચાવવા માટે અમેરિકાની એજન્સી સાથે હાથ મેળવ્યા છે. લોરેન્સ હવે દેશની ખાનગી માહિતી અમેરિકાને પહોંચાડે છે. લોરેન્સનો ધ્યેય સલમાન ખાનને મારીને પ્રસિદ્ધિ મેળવવાનો છે. જોકે લોરેન્સ બિશ્નોઇ ગેંગ પણ રોહિત ગોદારાને બનાવટી સનાતની ગણાવે છે.
કર્ણાટકમાં જાતી આધારીત વસ્તી ગણતરીને લઈને વિવાદ
કર્ણાટકમાં જાતી આધારીત વસ્તી ગણતરીને લઈને રાજકારણ ગરમાયું છે. કર્ણાટકમાં કોંગ્રેસ ભાજપ સામે કોમવાદી હોવાનો આક્ષેપ કરે છે. બીજી તરફ કર્ણાટક ભાજપનો આક્ષેપ છે કે કોંગ્રેસ સરકાર હિન્દુ સમાજને તોડવાની કોશિષ કરે છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીના કહેવા પ્રમાણે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો ઉદ્દેશ હિન્દુ સમાજને તોડવાનો છે. જાતી આધારીત વસ્તી ગણતરીના ફોર્મમાં લિંગાતયત ખ્રીસ્તી, બ્રાહ્મણ ખ્રીસ્તી, કુરબા ખ્રીસ્તી જેવું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ભાજપનો આક્ષેપ છે કે કોંગ્રેસ હંમેશા હિન્દુ વિરોધી રહી છે. શું તમે આવા વિવિધ ખ્રીસ્તીઓ વિશે સાંભળ્યું છે? ભાજપના કહેવા પ્રમાણે રાજ્ય પાસે જાતી આધારીત વસ્તી ગણતરી કરવાની સત્તા નથી. કર્ણાટક કોંગ્રેસએ ૪૭ નવી જ્ઞાાતી બનાવી છે.
તિહાર જેલમાંથી અફઝલ ગુરુ અને મકબુલ ભટ્ટની કબરો હટાવવા માંગણી
તિહાર જેલમાંથી આતંકવાદી મોહમ્મદ અફઝલ ગુરુ અને મોહમ્મદ મકબુલ ભટ્ટની કબરો હટાવવાની માંગણી કરતી એક અરજી દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તિહાર જેલના કેમ્પસમાં ૧૯૮૪ના ફેબ્રુઆરી મહિનામાં મોહમ્મદ મકબુલ ભટ્ટને તેમજ ૨૦૧૩ના ફેબ્રુઆરી મહિનામાં અફઝલ ગુરુને ફાસીની સજા આપવામાં આવી હતી. જાહેર હીતની અરજીમાં સંબંધીત અધિકારીઓને સૂચના આપવાની માંગ કરવામાં આવી છે. કોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવી છે કે જો જરૂરી હોય તો બંનેના શબ કોઈક ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવે જેથી આતંકવાદની પ્રસિદ્ધિ થાય નહીં અને જેલ કમ્પાઉન્ડનો દુરઉપયોગ થતો પણ અટકે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બંને આતંકવાદીઓની કબર ફક્ત રાષ્ટ્રીય સુરક્ષાને નબળી નથી પાડતી, પરંતુ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનો પણ ભંગ થાય છે.
મહાભિયોગ કેસમાં લોકસભા સ્પિકરએ નિમેલા સલાહકારો કોણ છે
નવી દિલ્હી સ્થિત પોતાના રહેઠાણમાં મોટી માત્રામાં ચલણી નોટો પકડાવાને કારણે વિવાદમાં આવેલા અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ યશવંત વર્મા સામે મહાભિયોગનો મામલો લોકસભામાં મૂકાશે. સમગ્ર કિસ્સાની તપાસ કરવા માટે લોકસભાના સ્પિકરએ ત્રણ સભ્યોની કમીટી બનાવી છે. આ કમીટીને મદદ કરવા માટે સ્પીકર ઓમ બિરલાએ બે વકીલોની સલાહકાર સમીતી બનાવી છે. વકીલ રોહનસિંહ અને સમીક્ષા દુઆ સમીતીના સલાહકાર તરીકે કામ કરશે. જસ્ટીસ વર્મા સામે કયા આરોપો છે અને એમને કયા આધારે એમના પદ પરથી હટાવવા પડે એમ છે એની વિચારણા થશે. ૧૨મી ઓગસ્ટએ લોકસભાના સ્પિકરએ જસ્ટીસ વર્મા સામેના મહાભિયોગ પ્રસ્તાવનો સ્વિકાર કર્યો હતો. સ્પિકરએ નીમેલી સમિતિમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીસ અરવિંદકુમાર, મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ મનીન્દ્ર મોહન શ્રીવાસ્વ અને સિનિયર વકીલ બી વાસુદેવ આચાર્ય છે.
આઝમ ખાન જેલ બહાર આવવાથી ઉત્તર પ્રદેશનું રાજકારણ બદલાશે?
ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ રાજકારણનો ચહેરો મનાતા સમાજવાદી પાર્ટીના મહામંત્રી આઝમ ખાન ૨૩ મહિના પછી જેલ બહાર આવ્યા છે. કોર્ટે એમને જામીન પર મુક્ત કરવા કહ્યું છે. તેઓ સીતાપુર જેલમાં બંધ હતા. આ સમાચાર જેવા ફેલાયા કે તરત જ રામપુરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કેટલાક લોકો માટે આ રાહતના સમાચાર છે અને નવા રાજકારણની શરૂઆત છે. મુખ્ય સવાલ એ છે કે, આઝમ ખાનના જેલ બહાર આવવાથી ઉત્તર પ્રદેશના રાજકીય સમીકરણો બદલાશે કે નહીં. આઝમના જેલમાં ગયા પછી રામપુરનું રાજકારણ લગભગ સમાપ્ત થઈ ગયું હતું. રામપુરમાં સમાજવાદી પાર્ટીનો કબજો જરૂર છે, પરંતુ આઝમ ખાનનું વજન પહેલા જેવું રહ્યું નથી. જેલમાંથી બહાર આવ્યા પછી આઝમ ખાન શું નિર્ણય લે છે એના પર બધાની દ્રષ્ટી છે.


