Get The App

એલસીડી પેટા ચૂંટણી પહેલા મુસ્લિમ નેતાઓની અદલાબદલી

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
એલસીડી પેટા ચૂંટણી પહેલા મુસ્લિમ નેતાઓની અદલાબદલી 1 - image

નવીદિલ્હી: દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી આસિફ અહમદ ખાન કોંગ્રેસ છોડીને ફરીથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આપના નેતાઓએ એવો દાવો કર્યો છે કે, ખાનની  ઘર વાપસીને કારણે  દિલ્હી નગર નિગમ (એલસીડી)ના ચાંદનીમહલ વોર્ડ પેટા ચૂંટણીમાં પક્ષ મજબુત બનશે. આપના કહેવા પ્રમાણે અરવિંદ કેજરીવાલની સરકારમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી રહેલા ખાનને ૨૦૨૫માં ભ્રષ્ટાચારને કારણે સીબીઆઇની તપાસ પછી ભલામણથી મંત્રી મંડળમાંથી હટાવવામાં આવ્યા હતા. આપના કહેવા પ્રમાણે પછી સીબીઆઇએ એમને ક્લીનચીટ આપી દીધી છે. ખાન ગયા વર્ષે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને ૨૦૨૫ વિધાનસભાની ચૂંટણીમાં મતિયા મહેલ બેઠક પરથી ચૂંટણી લડયા હતા. બીજી તરફ ભૂતપૂર્વ ધારાસભ્ય સોએબ ઇકબાલે આપ છોડી દીધી છે. એલસીડી પેટા ચૂંટણીમાં પોતાને ગમતા ઉમેદવારને ટિકિટ નહી આપવાથી સોએબ ઇકબાલ નારાજ હતા.

અલ-ફલાહ યુનિ.ને એનએએસીએ નોટિસ મોકલી

દિલ્હીના બ્લાસ્ટ પછી બદનામ થઈ ગયેલી અલ-ફલાહ યુનિવર્સિટીએ પોતાની વેબસાઇટ પર ખોટા અને જુના એક્રેડિટેશન ક્લેઇમ બતાવવા માટે નેશનલ એટેચમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (એનએએસી)એ નોટીસ મોકલી હતી. યુનિવર્સિટીએ પોતાના એન્જિનિયરીંગ અને બીજી કોલેજો માટે ૨૦૧૩થી એ ગ્રેડ એક્રેડિટેશન હોવાનો દાવો કર્યો હતો. 

જોકે આ એક્રેડિટેશન પહેલા જ એક્સપાયર્ડ થઈ ચૂક્યા હતા. યુનિવર્સિટીએ બહાનુ કાઢયું હતું કે વેબસાઇટની ડિઝાઇનમાં ભૂલ હોવાથી આ ભૂલ થઈ હતી. એનએએસીએ આ બાબતને ગંભીરતાથી લીધી છે. અલ-ફલાહ યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરોના નામ બોમ્બ બ્લાસ્ટમાં ખુલ્યા છે હવે જ્યારે એમની સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે ઘણા વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓના વકીલો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મળવા પહોંચ્યા છે.

ભાઈ, બનેવી, પત્ની, ભાભી... બધાને ટિકિટ ભાજપએ આપી

ભાજપએ એક જ કુટુંબના ઘણા લોકોને ચૂંટણીની ટિકિટ આપવાથી વિવાદ થયો છે. કિસ્સો સ્થાનિક ચૂંટણી સાથે જોડાયેલો છે અને ભાજપની ટીકા થઈ રહી છે. શિવસેના (એકનાથ શિંદે) અને ભાજપના ગઠબંધનએ એક જ પરિવારના છ લોકોને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ બીજા પક્ષો પર પરિવારવાદનો આરોપ મુકે છે, પરંતુ પોતે પણ એનાથી બાકાત નથી. ભાજપના નેતા કિરણ પાટીલનું કહેવું છે કે, આ સ્થાનિક ચૂંટણી છે અને નિર્ણય સ્થાનિક લેવલે લેવાય છે. આ નિર્ણયમાં રાજ્યના નેતાઓનો કોઈ ભાગ નથી. લોહાનગર પરિષદ ચૂંટણીમાં ગઠબંધનએ એક જ પરિવારના છ લોકોને ઉમેદવાર બનાવ્યા છે. ગજાનનક સુર્યવંશીને પ્રમુખ, પત્ની ગોદાવરી સુર્યવંશી, ભાઈ સચીન સુર્યવંશી, બનેવી યુવરાજ વાઘમારે, ભત્રીજાની પત્ની રીના અમોલ વ્યવહારે અને ભાભી સુપ્રિયા સચીન સુર્યવંશી ઉમેદવાર તરીકે છે.

ધારાસભ્ય આવતા ઉભા ન થનારા ડોક્ટર પર તવાઈ, હાઇકોર્ટે ચૂકાદો આપ્યો

પંજાબ - હરિયાણા હાઇકોર્ટે કોવીડ સમયએ ડયુટી પર હાજર સરકારી ડોકટર સામે લેવાયેલા પગલા બાબતે ચૂકાદો આપ્યો છે. ડોક્ટર સામે એટલે પગલાં લેવાયા હતા કે ઇમરજન્સી વોર્ડમાં જ્યારે ધારાસભ્ય આવ્યા ત્યારે તેઓ ઉભા થયા નહોતા. આપણા દેશના ધારાસભ્યો કે સાંસદોના અહમ એટલા મોટા હોય છે કે, એમને નાની વાતમાં પણ ખોટુ લાગી જાય છે. કોર્ટે કહ્યું હતું કે, સરકારનો આ નિર્ણય ખૂબ જ અસંવેદનશીલ અને ચિંતાજનક છે. જજ અશ્વિની કુમાર મિશ્રા અને જજ રોહિત કપૂરની બેન્ચે કહ્યું હતું કે, ડોક્ટરના વ્યવસાય સાથે આ પ્રકારની કાર્યવાહી અટકાવવી જોઈએ. કોર્ટે હરિયાણાના અધિકારીઓને સૂચના આપી છે કે, ડોક્ટરને જરૂરી પ્રમાણપત્ર પરત આપવામાં આવે. કોર્ટે રાજ્ય સરકારને ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે.

શિવસેના (એકનાથ શિંદે)એ રિપબ્લિકન સેના સાથે ગઠબંધન કર્યું

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે દલિત સંગઠન રિપબ્લિકન સેના સાથે ગઠબંધનની ઘોષણા કરી છે. એમના કહેવા પ્રમાણે ભીમ શક્તિ અને શિવ શક્તિ ભેગા થવાથી વધુ શક્તિશાળી બનશે. ભીમ શક્તિ - શિવ શક્તિ શબ્દનો ઉપયોગ ભૂતકાળમાં અવિભાજીત શિવસેના અને ડોકટર બી આર આંબેડકરના ટેકેદારો એક સાથે આવ્યા હતા ત્યારે કરવામાં આવ્યો હતો. 

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ જાહેરાત કરવામાં આવી છે. શિંદેના કહેવા પ્રમાણે આ ગઠબંધન ખુરશી માટે નહીં, પરંતુ ન્યાય માટે કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રિપબ્લિકન સેનાના પ્રમુખ આનંદરાજ આંબેડકર હાજર રહ્યા હતા. રાજકીય નીરિક્ષકો માને છે કે શિવસેના (એકનાથ શિંદે) આ જોડાણ નહીં કરતે તો પણ એમને રાજકીય રીતે ખાસ ગેરલાભ નહોતો, પરંતુ મહારાષ્ટ્રમાં હવે જ્યારે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે શિવસેના (એકનાથ શિંદે) તરફી દલીત મતદારોને ખુશ કરવાનો પ્રયત્ન છે.

મંત્રી બનતા જ દિપક પ્રકાશએ તોર બતાવ્યો

બિહારની નવી સરકારમાં રાલોમના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર દિપક પ્રકાશ કુશવાહા મંત્રી બન્યા છે. મંત્રી બન્યા પછી તરત દિપક કુશવાહાએ પોતાનો તોર બતાવ્યો છે. તેઓ પંચાયતી રાજ મંત્રાલયની જવાબદારી સંભાળવા માટે કાર્યાલયે પહોંચ્યા હતા. એ વખતે કેટલાક લોકો સાથે વાતચીત કરતા તેઓ એકાએક અકળાઈ ગયા હતા. 

મંત્રીની ઓફિસમાં આવેલા લોકોને એમણે કહ્યું હતું કે, તમે લોકો મારો સમય બરબાદ કરો છો. ત્યાર પછી એમણે તમામને ઓફિસમાંથી બહાર નીકળી જવા હુકમ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. કુર્તા પાયજામાને બદલે પેન્ટ શર્ટમાં ઓફિસ પહોચેલા દિપક કુશવાહા પહેલા દિવસથી જ વિવાદમાં સપડાઈ ગયા છે. એમ મનાય છે કે દિપક કુશવાહા સાથે જેઓ વાત કરી રહ્યા હતા તેઓ કયા તો પત્રકારો હતા કયાં તો એમના સમર્થક.

ચંદીગઢ માટે કેન્દ્ર સરકાર બીલ લાવે છે, કોંગ્રેસ-આપએ કર્યો વિરોધ

કેન્દ્ર સરકાર ચંદીગઢને બંધારણની કલમ ૨૪૦ હેઠળ લાવવાની તૈયારી કરી રહી છે. લોકસભા અને રાજ્યસભાના બુલેટીન પ્રમાણે આવતા શિયાળુસત્રમાં આ સંદર્ભે કેન્દ્ર સરકાર ૧૩૧મું બંધારણ સુધારણા બીલ રજુ કરશે. શિયાળુસત્ર ડિસેમ્બર ૨૦૨૫થી શરૂ થવાનું છે. 

આ બીલ પાસ થયા પછી ચંદીગઢમાં શાસન માટે એલજીની નિમણૂક થઈ શકશે. પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર તેમજ વિરોધપક્ષ કોંગ્રેસે આ બીલનો સખત વિરોધ કર્યો છે. બંને પક્ષોનું કહેવું છે કે, એનડીએ સરકાર ચંદીગઢ પર પંજાબનું શાસન નબળુ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ચંદીગઢ, પંજાબ ઉપરાંત હરિયાણાની પણ રાજધાની છે. બીલમાં એવો પ્રસ્તાવ છે કે, બંધારણની કલમ ૧૪૦માં ચંદીગઢનો સમાવેશ કરવામાં આવે તો એને દેશમાં બીજા કેન્દ્રશાસીત જેવો બનાવી શકાય.