નવીદિલ્હી : દિલ્હીની હમણાની કૃષિ ભવન અને શાસ્ત્રી ભવનના મકાનોનું ડિમોલિશન થશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ કોમન સેન્ટ્રલ સેક્રેટેરિયટ બિલ્ડીંગ બનાવવામાં આવશે. ૩૦૦૬ કરોડ રૂપિયાના ખર્ચે આ નવા બિલ્ડીંગ માટે કેન્દ્ર સરકારે ટેન્ડર પણ બહાર પાડયા છે. ટેન્ડરના લખાણ પ્રમાણે ૭ વારના કૃષિ ભવન અને શાસ્ત્રી ભવન માટે જુના મકાનો સંપૂર્ણપણે તોડી નાખવામાં આવશે. હમણા આ બિલ્ડીંગમાંથી ઘણા કેન્દ્રીય મંત્રાલયનું સંચાલન થઈ રહ્યું છે. હવે સરકાર જે નવા મકાનો બનાવી રહી છે એ વધુ ભવ્ય હોવાનું મનાઈ રહ્યું છે. જે રીતે નવા સંસદ ભવન બનાવવામાં આવ્યા છે એ જ રીતે હવે ધીમે ધીમે કેન્દ્રીય મંત્રાલયોનું શિફ્ટિંગ ત્રણ નવા મકાનોમાં થશે. વિરોધ પક્ષો ટીકા કરી રહ્યા છે કે, જ્યારે જુની ઓફિસો ઠીકઠાક હતી ત્યારે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરીને નવા મકાનો બનાવવાની જરૂર શું છે.
અવિમુક્તેશ્વરાનંદ અને વિવાદને જુનો સંબંધ છે
પ્રયાગરાજમાં અમાસના મેળા વખતે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને એમના શિષ્યોને સ્થાનીક તંત્ર સાથે ટક્કર થઈ ગઈ હતી. હવે આ વિવાદ વધી ગયો છે. તંત્રએ હવે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને એક નોટીસ મોકલી છે. નોટીસમાં એમને કહેવામાં આવ્યું છે કે, તેઓ કયા આધારે પોતાને શંકરાચાર્ય કહે છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ૨૦૨૨થી પોતાને જ્યોતિમઠના શંકરાચાર્ય તરીકે ઓળખાવે છે. જોકે આ બાબતે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ગણના પહેલેથી જ ભાજપ વિરોધી તરીકેની છે. અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્ય ગણવામાં આવે છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદના વકીલે જોકે સુપ્રિમ કોર્ટમાં એમનો પક્ષ રજુ કર્યો છે. બીજી તરફ યોગી આદિત્યનાથ અને ભાજપની નેતાગીરી અવિમુક્તેશ્વરાનંદની વિરુદ્ધના પુરાવા રજુ કરી રહ્યા છે. મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં અવિમુક્તેશ્વરાનંદ હાજર હતા તે વખતે વડાપ્રધાન નરેન્દ્રેે મોદીએ એમને વંદન કર્યા હતા. ત્યાર પછી એવું મનાતું હતું કે, કદાચ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ઢીલા પડશે, પરંતુ તેઓ હવે વધુ આક્રમક થયા છે.
સંભલના જજ વિભાંશુ સુધીરની 12 વર્ષમાં 8મી ટ્રાન્સફર
ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલી હિંસા પછી તત્કાલીન એસએસપી અનુજ ચૌધરી સહિત પોલીસ કર્મચારીઓ સામે એફઆઇઆરનો હુકમ કરનાર સીજેએમ વિભાંશુ સુધીરની થયેલી બદલી ચર્ચામાં છે. ૧૨ વર્ષમાં અનુજ ચૌધરીની ટ્રાન્સફર ૮મી વખત થઈ છે. એમને હોદ્દા પરથી એક પદ ઉતારવામાં પણ આવ્યા છે. વિરોધ પક્ષોએ આને ન્યાયતંત્ર પર દબાણ ગણાવ્યું છે. વકીલોએ પણ આ ટ્રાન્સફર સામે દેખાવો કર્યા છે. આ બદલીને કારણે અધિકારીઓ સહિત ન્યાતંત્રમાં પણ ઉહાપોહ થયો છે. જજની બદલી પર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકીને સરકારને કેટલાક અઘરા સવાલો પૂછયા છે. એમણે જેમની સામે એફઆઇઆર દાખલ કરવાનો હુકમ કર્યો હતો એ તમામ પોલીસ અધિકારીઓ સરકારના ખાસ ગણાય છે. આ પહેલા ગયા વર્ષે ૨૪મી ડિસેમ્બરે એમણે ત્રણ વર્ષ પહેલા થયેલા એક એનકાઉન્ટરને બનાવટી જાહેર કરીને ૧૩ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો.
કેટના હુકમ પછી સમીર વાનખેડે સામેનો મેમો રદ કરવો પડયો
કેન્દ્રીય પ્રશાસનિક ન્યાયાધીકરણ (કેટ)એ એક અત્યંત મહત્વપૂર્ણ હુકમમાં આઇઆરએસ અધિકારી સમીર વાનખેડે વિરુદ્ધ જાહેર થયેલા મેમોને રદ કરી દીધો છે. કેટએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આખી પ્રક્રિયા કાયદા વિરુદ્ધની છે. યાદ રહે કે સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ ડ્રગ્સ કેસમાં કરી હતી. ત્યાર પછી સમીર વાનખેડે સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી હતી. હવે કેટએ સમીર વાનખેડે સામે થઈ રહેલી કાર્યવાહીને બદલા અને અંગત દુશ્મનાવટ ગણાવી છે. કેટએ ટીપ્પણી કરી હતી કે, વાનખેડે સામે થયેલી કાર્યવાહી હાસ્યાસ્પદ છે. ભવિષ્યમાં એમને વધુ અપમાનીત નહી કરવામાં આવે એ માટે આ હુકમ કરવામાં આવ્યો છે. કેટએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)ના વ્યવહાર વિશે પણ નારાજગી બતાવી છે.
ઝારખંડના આઇએએસ અધિકારીએ સાળી, સસરા, ભાભીને માલામાલ કર્યા
ઝારખંડના સીનીયર આઇએએસ ઓફિસર વિનયકુમાર ચોબેની તકલીફો ફરીથી વધવાની છે. ચોબે પંચાયતી રાજ વિભાગના ચીફ સેક્રેટરી રહ્યા છે અને શરાબ ગોટાળામાં એમની ધરપકડ પણ થઈ ચૂકી છે. ચોબે પર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોનો સિંકજો વધી રહ્યો છે. ચોબેની ભાભીના ક્લિનક પર પણ દરોડો પડયો છે. એક જમાનામાં ચોબે ઝારખંડના સૌથી શક્તિશાળી આઇએએસ અધિકારી ગણાતા હતા. હવે એમના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત શોરેનનું કોઈ કામ હોય તો લોકોએ ચોબે પાસે આવવું પડતું હતું. ૨૦૨૨ના વર્ષમાં લિકર સિન્ડીકેટને લાભ કરી આપ્યા બદલ એમની સામે કેસ દાખલ થયો હતો. એક જમાનામાં એમની ગણના ઝારખંડના ત્રણ સૌથી શક્તિશાળી આઇએએસ અધિકારી તરીકે થતી હતી. હવે એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે એમના વિવિધ રહેઠાણો પર દરોડા પાડયા છે. એમના સાળી અને સસરા સામે પણ આવક કરતા વધુ મિલકતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ટ્રમ્પના ટ્રેપની શંકા મોદીને આવી ગઈ હતી
અમેરિકાના સાથીદારો અને એમના સાથીદારો બનવાની મહેચ્છા રાખનારાઓ માટે એક ચેતવણી છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ તમારાથી નારાજ થઈ જાય છે ત્યારે એમના મિત્રોને પણ માફ નથી કરતા. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મૈક અને નાટોના પ્રમુખ માર્ક રૂફનો આ વાત જ્યારે ખબર પડી જ્યારે ટ્રમ્પે ગ્રીનલેન્ડ બાબતે વધતા તણાવ વચ્ચે કોઈ નારાજ પ્રેમીની જેમ એમની અંગત વાતચીત જાહેર કરી દીધી. ત્યાં સુધી કે ઇગ્લેન્ડના વડાપ્રધાન કેઇર સ્ટારમર ટ્રમ્પ સાથે પોતાની મિત્રતાનો ઢોલ પીટયા પછી થોડા કલાકોમાં જ ચાગોસ ટાપુની ડીલ બદલ એમની મુર્ખતા માટે ઉઘાડા પડી ગયા. વિશ્વના તમામ નેતાઓ સમજી ગયા છે કે, ટ્રમ્પની વફાદારીની કોઈ ગેરંટી હોતી નથી. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાલબાલ બચી ગયા છે. નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ બાબતે કોઈ નિવેદન નહીં કરીને ભારતને 'ટ્રમ્પ ટ્રેપ'થી બચાવ્યું છે.
19 વર્ષ પછી ચાર શંકરાચાર્યો એક મંચ પર આવશે
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના વિવાદ પછી પહેલી વખત ચારે પીઠના શંકરાચાર્યો ૧૯ વર્ષ પછી એક સાથે એક મંચ પર આવવાના છે. ૧૦મી માર્ચે દિલ્હીમાં ગૌરક્ષાને લઈને મોટુ આયોજન થયું છે. ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન માટે ચારે શંકરાચાર્યો એક મંચ પર આવશે. અવિમુક્તેશ્વરાનંદને બે પીઠનું સમર્થન પહેલેથી છે. ત્રીજી પીઠનું સમર્થન જો એમને મળે તો અસલી નકલીનો વિવાદ શાંત થઈ જશે. પુરી પીઠના શંકરાચાર્ય નિશ્ચલાનંદ અવિમુક્તેશ્વરાનંદને જાહેરમાં સમર્થન આપતા નથી, પરંતુ એક વક્તવ્યમાં એમણે એમને માનીતા ગણાવ્યા હતા. ગૌરક્ષા આંદોલન બાબતે પુરી પીઠના શંકરાચાર્ય પહેલેથી આક્રમક છે. ગાયની સુરક્ષા માટે પુરી પીઠના શંકરાચાર્યએ વ્રત રાખ્યું છે અને સિંહાસન તેમજ છત્રનો ત્યાગ કર્યો છે. બહુમતી શંકરાચાર્યો હમણાની કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે.


