નવીદિલ્હી : ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ ભારત અને આરબ દેશો સાથે મળીને નવુ હેક્સાગન ગઠબંધન બનાવવાની જાહેરાત કરી છે. ઇઝરાયલએ કહ્યું છે કે આ ગઠબંધન કટ્ટરવાદીઓ વિરુદ્ધ લડત આપશે. ઇઝરાયલનો ઇશારો વિશ્વ આખામાં વધી રહેલા ઇસ્લામીક કટ્ટરપંથ તરફ છે. નેતન્યાહુએ વડાપ્રધાન મોદીને નજીકના મિત્ર ગણાવીને તેઓ ફોન પર વારંવાર વાત કરતા રહે છે એમ પણ કહ્યું હતું. નેતન્યાહુએ કહ્યું હતું કે, 'ઇઝરાયલ અને ભારત તાકાતવર છે. નરેન્દ્ર મોદી અને મારી વચ્ચે ખાસ સંબંધ છે. અમે અંગત મિત્રો છીએ. હું ભારત જઈ આવ્યો છું અને મોદી પણ અહીં આવી ગયા છે. અમે મેડિટેરેનિયનમાં સાથે કેટલાક દિવસો પસાર કર્યા હતા ત્યાર પછી મેડિટેરેનિયન અને ગંગા નદીમાં ઘણા પાણી વહી ચૂક્યા છે. બંને દેશો વચ્ચે કોઓપરેશન, ઇકોનોમિક કોઓપરેશન, પોલીટીકલ કોઓપરેશન અને સિક્યુરીટી કોઓપરેશન મજબૂત કરીશું.
જેએનયુમાં ડાબેરી જૂથ અને એબીવીપી કાર્યકરો વચ્ચે ટનાટની
દિલ્હીની જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલયમાં રાત્રે ૧.૩૦ વાગ્યે એબીવીપી અને ડાબેરી છાત્રો વચ્ચે મારામારી થઈ હતી. બંને જૂથો એક બીજા પર મારપીટનો આક્ષેપ કરી રહ્યા છે. જેએનયુમાં રાત્રે જેએનયુના વાઇસ ચાન્સેલરનું રાજીનામું માંગવા માટે સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેએનયુ વિદ્યાર્થી સંગઠનના હોદ્દેદારો પણ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં ધરણા કરી રહ્યા હતા. વિદ્યાર્થી સંગઠનના હોદ્દેદારો પર પથ્થરબાજી અને લાઠીથી માર મારવાનો આક્ષેપ પણ થયો છે. વિદ્યાર્થી યુનિયનના સહમંત્રી વૈભવ મીણાના કહેવા પ્રમાણે ડાબેરી છાત્રોની હડતાળ છેલ્લા સાત-આઠ દિવસોથી ચાલી રહી છે. ૩૦૦ - ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓની ભીડએ બીજા વિદ્યાર્થીઓને સ્ટડી રૂમમાંથી હાંકી કાઢયા હતા. આ બાબતે દિલ્હી પોલીસે કોઈ પગલા લીધા નથી. બીજી તરફ એબીવીપી મીડિયા કન્વીનર વિજય જાયસ્વાલએ ડાબેરી વિદ્યાર્થી સંઘ ગુંડાગીરી કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસએ એઆઇ સમીટમાં કરેલા દેખાવો બાબતે માયાવતી અને અખિલેશે વિરોધ કર્યો
દિલ્હીમાં આયોજીત એઆઇ સમીટ વખતે યુથ કોંગ્રેસના કાર્યકરોએ ટીશર્ટ ઉતારીને જે પ્રદર્શન કર્યું હતું એનો બચાવ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસ સોશ્યલ મીડિયા સેલના પ્રમુખ સુપ્રિયા શ્રીનેતએ કહ્યું હતું કે, 'યુથ કોંગ્રેસે શું ખોટું કામ કર્યું છે? યુથ કોંગ્રેસ દેશના યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે.' બીજી તરફ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરેલા દેખાવોને અશોભનીય કહ્યા હતા. એમણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે, 'દિલ્હીમાં આયોજીત એઆઇ સમીટમાં દેશ તેમજ વિદેશના ઘણા પ્રમુખો આવ્યા હતા. એ વખતે જે લોકોએ અર્ધનગ્ન થઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે એની નિંદા કરવી જોઈએ. જો આ સંમેલન આંતરરાષ્ટ્રીય સ્તરનું નહીં હોતે તો વાત અલગ હતી. આપણા દેશની ગરીમા અને ઇમેજને બગાડવામાં આવે એ યોગ્ય નથી.' સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ કહ્યું હતું કે, 'આ સરકાર જૂઠુ બોલે છે. દગો આપે છે. આ આંતરીક બાબત છે અને અમે લડતા રહીશું. પરંતુ જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એ દેશનું અપમાન કહેવાય.' વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ પણ આ પ્રદર્શનને દેશનું અપમાન ગણાવ્યું છે.
સૈન્યના અધિકારી નિવૃત્તી પછી 20 વર્ષ સુધી પુસ્તક નહીં લખી શકે?
દિલ્હી પોલીસએ રીટાયર્ડ જનરલ નરવણેનું અપ્રકાશિત પુસ્તક કઈ રીતે બજારમાં ફરી રહ્યું છે એની તપાસ કરવા એફઆઇઆર દાખલ કરી છે. દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે કે હજી સુધી પ્રકાશિત નહીં થયેલા પુસ્તકના કેટલાક અંશ કઈ રીતે સાર્વજનિક થયા. એ માટે કોણ જવાબદાર છે. દિલ્હીમાં એવી વાત ચાલી રહી છે કે, સરકાર કદાચ એવો નિયમ લાગુ કરશે કે સૈન્યના રીટાયર્ડ અધિકારી ૨૦ વર્ષ સુધી પુસ્તક પ્રકાશિત કરી શકશે નહીં. એટલે કે ૨૦ વર્ષ સુધી 'કુલીંગ ઓફ' પીરિયડ લાગુ કરવામાં આવશે. જોકે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે આ વાતનો રદીયો આપ્યો છે. રાજનાથ સિંહના કહેવા પ્રમાણે આ સંબંધનો કોઈ પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ આવ્યો નથી. પહેલાથી જ એવો નિયમ છે કે સૈન્યના વરિષ્ઠ અધિકારીઓ નિવૃત્તિ પછી દેશની સુરક્ષાને નુકસાન થાય એવી ખાનગી વાત જાહેર કરી શકતા નથી.
દિલ્હીમાં ભારત વિરોધી પોસ્ટર લગાડનાર બાંગ્લાદેશી નિકળ્યા
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તામિલનાડુના તિરૂપુર ખાતેથી ૬ બાંગ્લાદેશીઓને પકડીને દિલ્હી લઈ આવી છે. આ લોકો પર દિલ્હીમાં પાકિસ્તાનનું સમર્થન કરતા પોસ્ટરો ચોટાડવાનો આરોપ છે. વિરોધ પક્ષ એઆઇએડીએમકેના મહામંત્રી એડપ્પાદી કે. પલાની સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે, દિલ્હી પોલીસએ કાર્યવાહી કરી એ પહેલા રાજ્ય પોલીસનું આતંકવાદ વિરોધી દળ શું કરતું હતું? આ તમામ બાંગ્લાદેશીઓ બનાવટી ઓળખપત્ર સાથે પકડાયા હતા. એમની પાસેથી કુલ ૧૨ મોબાઇલ ફોન અને બોગસ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના એડિશનલ સીપી પ્રમોદકુમાર કુસ્વાહાના કહેવા પ્રમાણે સ્પેશિયલ સેલની એક ટીમએ એક મોડયુલ પકડયું છે. આ મોડયુલને બાંગ્લાદેશમાં બેઠેલા લશ્કરનો એક આતંકવાદી હેન્ડલ કરતો હતો. થોડા દિવસો પહેલા દિલ્હીના જનપથ મેટ્રો રેલવે સ્ટેશન અને સુપ્રિમ કોર્ટ સહીત ઘણી જગ્યાએ પોસ્ટરો ચોટાડવામાં આવ્યા હતા જેમાં કાશ્મીર બાબતે પણ ટીપ્પણી કરવામાં આવી હતી.
'મારી કોર્ટમાં ઉદ્ધતાઈ નહીં ચાલે, સીજેઆઇ ભડક્યા'
ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા સુર્યકાંત એક કેસની સુનાવણી દરમિયાન વકીલની વાત સાંભળીને ગુસ્સે થઈ ગયા હતા. એમણે વકીલને ઠપકો આપીને ચેતવણી આપી હતી કે, એમની કોર્ટમાં આ પ્રકારની ઉદ્ધતાઈ નહીં ચાલે. સિનિયર વકીલ મેથ્યુઝ નેડુમ્પારાએ સીજેઆઇની બેન્ચ સમક્ષ અરજી દાખલ કરી હતી. ન્યાયતંત્રની કોલેજિયમ સિસ્ટમ વિરુદ્ધ અરજીમાં ચેલેન્જ કરવામાં આવી હતી. ન્યાયાધીશોની નિમણૂક કરવા માટે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન લાગુ કરવાની માંગણી કરવામાં આવી હતી. આ બાબતે સીજેઆઇએ કહ્યું હતું કે આવી કોઈ અરજી રજીસ્ટર થઈ નથી. આ બાબતે વકીલ નેડુમ્પારાએ નારાજ થઈને કહ્યું હતું કે, 'કેટલાક ઉદ્યોગગૃહો માટે બંધારણીય બેન્ચ નક્કી કરવામાં આવે છે, પરંતુ સામાન્ય લોકો સાથે સંકળાયેલા પ્રશ્નોની સુનાવણી માટે બેન્ચ બનતી નથી. આ સાંભળીને સીજેઆઇએ કહ્યું હતું કે, 'મિસ્ટર નેડુમ્પારા, તમે મારી કોર્ટમાં જે બોલી રહ્યા છો એ સમજી વિચારીને બોલો. તમે મને ચંડીગઢમાં પણ જોયો છે અને દિલ્હીમાં પણ. તમે એમ નહીં વિચારતા કે તમે બીજી કોર્ટોમાં ઉદ્ધતાઈ કરી રહ્યા છો તો મારી કોર્ટમાં પણ કરી શકશો. હું આપને ચેતવણી આપું છું.'
લોકો પાયલટો શા માટે રેલવે મંત્રાલયથી નારાજ
સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં કામ કરતા લોકો પાયલટો રેલ્વે મંત્રાલયથી ખુબ નારાજ છે. ૭૨ જેટલા લોકો પાયલટોએ રેલ્વે મંત્રાલયને એક પત્ર લખ્યો છે. લોકો પાયલટોના કહેવા પ્રમાણે 'મુસાફરોને સલામત રીતે પહોંચાડવાની અમારી જવાબદારી છે, પરંતુ અમે જ અસલામત છીએ.' શારીરિક તથા માનસિક તાણ, અનિયમીત ડયુટીના કલાકો અને બીજા દબાણોને કારણે પાયલટોએ વિરોધ નોંધાવ્યો છે. ેટ્રેન સમયસર અને સલામત રીતે પહોંચે એની જવાબદારી લોકો પાયલટોની હોય છે. આ ૭૨ પાયલટોએ સ્વૈચ્છીક નિવૃત્તીની માંગણી પણ કરી છે. આ પાયલટોનું કહેવું છે કે, 'ડિપાર્ટમેન્ટમાં ઘણી જગ્યાઓ ખાલી છે. જો સિગ્નલ આપવામાં ભૂલ થાય તો અમારી સામે કાર્યવાહી થાય છે. પગાર કાપી લેવામાં આવે છે. અમે સતત ભય અને તાણમાં જીવીએ છીએ. પાયલટોનું કહેવું છે કે તેઓ કોઈ વધારાની સુવિધા નથી માંગી રહ્યા, પરંતુ જે જરૂરી હોય તેવી સગવડોની માંગણી કરે છે.


