Get The App

કોંગ્રેસ હવે રાહુલને બદલે પ્રિયંકા ગાંધીને આગળ કરશે ?

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
કોંગ્રેસ હવે રાહુલને બદલે પ્રિયંકા ગાંધીને આગળ કરશે ? 1 - image

નવીદિલ્હી: વિવિધ ચૂંટણીઓમાં મળતી નિષ્ફળતા પછી હવે કોંગ્રેસનું એક જૂથ માની રહ્યું છે કે, કોંગ્રેસને જીત અપાવી શકે એવું નેતૃત્વ રાહુલ ગાંધી પાસે નથી. રાહુલ ગાંધીને બદલે હવે પ્રિયંકા ગાંધીને આગળ કરવા જોઈએ. પ્રિયંકા ગાંધી રાજકીય રીતે વધુ પરીપક્વ છે અને લોકસભામાં એમણે જે રીતે વડાપ્રધાન મોદીના વક્તવ્યનો જવાબ આપ્યો હતો એના ભરપૂર વખાણ થયા છે. પ્રિયંકા ગાંધીની સરખામણી ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે હંમેશા થાય છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન મસુદ પણ ખુલ્લે આમ કહે છે કે, પ્રિયંકા ગાંધીમાં ભાવી વડાપ્રધાન બનવાની પુરેપુરી ક્ષમતા છે. ભાજપે પ્રિયંકા ગાંધીની એવી ટીકા કરી હતી કે પહેલા પ્રિયંકાએ ટીસીએનો વિરોધ કર્યો હતો અને હવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર વિશે બોલી રહ્યા છે. મસુદે વળતો જવાબ આપતા કહ્યું હતું કે, 'પ્રિયંકા ગાંધી શા માટે નહીં બોલે? એમા ખોટુ શું છે? આ બાબતે જવાબ તો વડાપ્રધાને આપવો જોઈએ. જો પ્રિયંકા વડાપ્રધાન હોતે તો આ બધા સવાલોનો જવાબ આપતે.'

દિલ્હીની આ ફેક્ટરીઓ પર તાળા લાગશે

દિલ્હીમાં પ્રદુષણની પરિસ્થિતિ દિવસે દિવસે વકરી રહી છે. પ્રદુષણ બાબતે વિરોધ પક્ષ આક્રમક છે. ભાજપ બચાવની પરિસ્થિતિમાં છે. જોકે પ્રદુષણ રોકવામાં નિષ્ફળ ગયેલો ભાજપ જાતભાતના બહાના બનાવે છે. હવે દિલ્હીની સરકાર કેટલાક કડક પ્રતિબંધો મૂકીને નિષ્ફળતા છૂપાવવાની કોશિષ કરે છે. સરકારનું કહેવું છે કે પ્રદુષણ ફેલાવનારાઓ સામે પગલા લેવામાં આવી રહ્યા છે. દિલ્હીના મંત્રી મંજિન્દરસિંહ સિરસાના કહેવા પ્રમાણે દિલ્હીમાં લાગુ કરાયેલી નવી પોલીસી પછી પરિસ્થિતિ કાબુ હેઠળ છે. જે ફેક્ટરીઓ પ્રદૂષણ ફેલાવે છે તેમને સીલ કરવામાં આવે છે. મંત્રીના કહેવા પ્રમાણે આવી ફેક્ટરીઓને નોટીસ આપીને સીલ કરવામાં આવે છે. વાહન પ્રદુષણ બાબતે પણ સરકાર જે પગલા લે છે એનાથી લોકોની હેરાનગતિ વધે છે. છેલ્લા ત્રણ દિવસમાં ૨,૧૨,૩૩૨ વાહનોના પીયુસીની તપાસ કરવામાં આવી છે. જે વાહનો પરિક્ષણમાં નિષ્ફળ ગયા છે એમને જપ્ત કરવામાં આવ્યા છે.

ગેરકાયદે નિર્માણ અને દેવુ નહી ચૂકવવાના મામલે સુપ્રીમ કડક

સુપ્રિમ કોર્ટે દેવાની ચૂકવણી અને ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કડક વલણ અખત્યાર કર્યું છે. કોર્ટે સાફ કહ્યું છે કે, નિયમ તોડનારાઓને કોઈ રાહત આપવામાં આવશે નહીં. દેવુ ચૂકવવામાં આનાકાની કરતા એક આરોપીને રાહત આપવા કોર્ટે ઇન્કાર કર્યો હતો. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ સુનાવણી વખતે કહ્યું હતું કે, કોર્ટમાં આ પ્રકારના ઘણા કેસો આવી રહ્યા છે. જ્યાં બેઇમાન લોકો છેલ્લી તારીખ સુધી રાહ જોવે છે અને પછી કોર્ટમાં અરજી કરીને રાહત માંગે છે. સીજેઆઇએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, તમે કોઈના પૈસા પચાવી પાડો છો અને પાછા નથી આપતા. ઘણા કિસ્સાઓમાં કોઈને રાહત આપવામાં આવશે નહીં. બીજા એક કિસ્સામાં સુપ્રિમ કોર્ટે કેન્ટોનમેન્ટ વિસ્તારમાં વગર પરવાનગીએ બનાવવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાના હુકમ બાબતે દખલ કરવાની ના પાડી દીધી હતી. આ બાબતે પણ સીજેઆઇએ કડક ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું લોકો ગાંડા થઈ ગયા છે. બીજી રીતે કહીએ તો કોર્ટનું કહેવું હતું લોકો હવે હદ વધુ ચાલાક થઈ ગયા છે.

બાંગ્લાદેશ ગભરાયું, ભારત માટેની વિઝા સર્વિસ સસ્પેન્ડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધી રહેલા તણાવ પછી બાંગ્લાદેશ હાઇકમિશને વિઝા સર્વિસ અસ્થાયી રીતે કેન્સલ કરી દીધી છે. બાંગ્લાદેશના કટ્ટરવાદી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી બંને દેશો વચ્ચે વધેલા તણાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઇકમિશને આ નિર્ણય લીધો છે. આ પહેલા ભારતે પણ બાંગ્લાદેશના લોકોને વિઝા આપતી સર્વિસ અટકાવી દીધી હતી. બાંગ્લાદેશના ચટગાંવ શહેરમાં આવેલી ભારતની એમ્બેસીએ આ નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશના હાઇકમિશને નિવેદન આપતા કહ્યું છે કે, 'અનિવાર્ય પરિસ્થિતિને કારણે દિલ્હી સ્થિત એમ્બેસીની વિઝા સર્વિસ બંધ કરવામાં આવી છે.' બાંગ્લાદેશમાં દેખાવકારો ખુલ્લેઆમ ખૂનખરાબાની ચેતવણી આપી રહ્યા છે. એમ લાગે છે કે ભારતની વિદેશનીતી સાવ તળિયે ગઈ છે.

બાંગ્લાદેશના હિન્દુ યુવક દીપુ ચંદ્રદાસ સાથે શું થયું હતું

બાંગ્લાદેશના કટ્ટરવાદીઓએ જાહેરમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્રદાસની હત્યા કરીને એની લાશ સળગાવી દીધી હતી. આ ઘટનાનો વીડિયો બહાર આવ્યા પછી બાંગ્લાદેશમાં વધતી કટ્ટરતા વિશે આખા વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. ઘટનાની તપાસ કરી રહેલા એસપી મોહમદ હુસૈનએ કહ્યું હતું કે, એમને ઘટનાની જાણ એક એસઆઇએએ રાત્રે ૮ વાગ્યે કરી હતી. અમે તરત જ પહોંચી ગયા હતા, પરંતુ ખૂબ મોડુ થઈ ગયું હતું. જોકે હવે બહાર આવેલા એક વીડિયોમાં જોવા મળે છે કે દિપુ રડી રહ્યો છે અને પોલીસના જવાનો જ એને ટોળા વચ્ચે પહોંચાડે છે. પોલીસને ખબર જ હતી કે ટોળુ યુવકની ખરાબ રીતે હત્યા કરશે છતા પણ એને બચાવવાની જગ્યાએ લોહી ભૂખ્યા ટોળાને સોંપી દે છે. દીપુ પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો, પરંતુ દીપુએ ફક્ત એટલું જ કહ્યું હતું કે, દરેક ધર્મ સરખા છે. દીપુ જે ફેક્ટરીમાં નોકરી કરતો હતો ત્યાંના સાથીદારોએ જ એને મારવાનું શરૂ કર્યું હતું.

મહારાષ્ટ્ર - ગોવામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને સફળતા

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને સફળતા મળી હતી અને શીવસેના (ઉદ્ધવ ઠાકરે)નો સફાયો થઈ ગયો હતો. હવે ગોવા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપને સફળતા મળી છે. ભાજપની મોટી જીત થઈ છે. કોંગ્રેસ ફરીથી ખરાબ રીતે હારી છે. ભાજપે ૫૦માંથી ૩૦ બેઠકો કબજે કરી છે. છેલ્લા થોડાક સમયથી ગોવામાં ભ્રષ્ટાચારના ઘણા કેસો બહાર આવ્યા હતા. આ ઉપરાંત ઘટતા ટુરિઝમ બાબતે પણ સરકાર ભીસમાં મૂકાઈ હતી. જોકે વિરોધપક્ષોની નિષ્ફળતાને કારણે ભાજપને ફાયદો થયો છે. કોંગ્રેસને ફક્ત ૮ બેઠકો મળી છે જ્યારે અપક્ષોને ૫ બેઠકો અને મહારાષ્ટ્રવાદી ગોમાનતક પાર્ટીને ૨ બેઠકો મળી છે. ગોવા ફોરવર્ડ પાર્ટી, આમ આદમી પાર્ટી અને રિવોલ્યુસનરી ગોવંત પાર્ટીને ૧-૧ બેઠકો મળી છે.

રહેમાન ડકેતનો ભાઈ ઉઝૈર પણ એટલો જ ખતરનાક હતો

સુપરહીટ ગયેલી ફિલ્મ ધૂરંધરના વિવિધ પાત્રોની ચર્ચા થઈ રહી છે. ફિલ્મમાં રહેમાન ડકેતનું પાત્ર ખુબ ચર્ચાસ્પદ બન્યું છે. જોકે બહુ ઓછા લોકોને રહેમાન ડકેતના સૌથી નજીકના સાથી ઉઝૈર બલોચ વિશે ખબર છે. કરાંચીના લ્યારી વિસ્તારમાં વર્ષોથી ગેંગવોર ચાલી રહી છે. આ વિસ્તારમાં ઉઝૈર બલોચ સ્મૃદ્ધ જિંદગી જીવતો હતો. ઉઝૈરએ ખંડણી તેમજ ડ્રગ્સના ધંધામાંથી કમાણી કરીને લ્યારીમાં ચાર માળનું મકાન બનાવ્યું હતું. આ મકાનમાં સ્વિમીંગ પુલ જેવી સગવડ પણ હતી. આજુબાજુના લોકો પાણી વગર તડપી રહ્યા હતા ત્યારે ઉઝૈર એના સ્વિમીંગ પુલમાં નહાતો હતો. એક મુલાકાતમાં ઉઝૈરએ કહ્યું હતું કે, 'હું ટ્રાન્સપોર્ટર છું મારી પાસે ઘણી જમીન છે અને દુબઈમાં પણ મોટો ધંધો છે. અલ્લાહએ મને ભરપુર સમૃદ્ધિ આપી છે. હું મારા લોકોને મદદ કરું છું અને તેઓ મને પ્રેમ કરે છે.'