Get The App

દિલ્હીની વાત : એનડીએના સાથીઓની મીટીંગમાં ભાજપની ગેરહાજરી

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : એનડીએના સાથીઓની મીટીંગમાં ભાજપની ગેરહાજરી 1 - image

નવી દિલ્હી : પછાતવર્ગનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરનાર વિવિધ પક્ષોની બેઠક દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં ભાજપના અગત્યના નેતાઓ ગેરહાજર રહ્યા હતા. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં જાટ, રાજભર, નિષાદ અને પટેલ જ્ઞાાતિઓનું પ્રતિનિધિત્વ કરનાર ચાર પક્ષોએ ભાજપ અને વિપક્ષનું ધ્યાન ખેંચ્યું હતું. ભેગા થયેલા નેતાઓએ પોતાને સાચા પીડીએ (પછાત, દલિત, લઘુમતિ) ગણાવ્યા હતા. આ બેઠક ખૂબ જ ચર્ચાસ્પદ બની છે. બેઠકમાં ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ બીજા સિનિયર નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર રહ્યા નહોતા. આ આયોજન બાબતે પ્રતિક્રિયા આપતા અપનાદલ (એસ)ના આશિષ પટેલે કહ્યું હતું કે સત્તાની ચાવી મંચ પર હાજર રહેલી ચાર પાર્ટીઓ પાસે છે. મંચ પર આરએલડી, સુભાસપા, નિષાદ પાર્ટી અને અપનાદલ એસના નેતાઓ હાજર હતા.

મોદીના કાર્યક્રમ પહેલા મમતા બેનર્જી જૂની યાદોમાં ખોવાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકત્તા જઈ મેટ્રો ટ્રેનની ત્રણ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. મોદી આ કાર્યક્રમ માટે કોલકત્તા પહોચ્યા એ પહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશ્યલ મીડિયા એક્સ પર એક પોસ્ટ મૂકી હતી. મમતા બેનર્જી એમ કહેવા માંગતા હતા કે તેઓ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે એમણે મેટ્રોની આ તમામ યોજનાઓને લીલી ઝંડી આપી હતી. મમતાએ પોસ્ટનું શિર્ષક આપ્યું છે 'આજે મને થોડી યાદોમાં ખોવાઈ જવા દો' પોતે રેલવે મંત્રી હતા ત્યારે એમણે કોલકત્તાના વિકાસ માટે જે કામો કર્યા હતા એનો ઉલ્લેખ પોસ્ટમાં કર્યો છે. મમતાએ લખ્યું છે કે તેઓ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે કોલકત્તાની મેટ્રો રેલ કોરીડોર યોજના બનાવવા અને મંજૂરી આપવાનો લાભ મળ્યો હતો. સંપૂર્ણ શહેરને મેટ્રોથી જોડવા તેમજ એના માટે જરૂરી પૈસાનું આયોજન પણ કરી શક્યા હતા.

ફડણવીસએ લગાડયો ફોન, શરદ પવારએ આપ્યો સીધો જવાબ

એનસીપી (શરદ પવાર)ના નેતા શરદ પવારએ એનડીએના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને ટેકો આપવાનો ઇન્કાર કર્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ રાધાકૃષ્ણનને ટેકો આપવા માટે શરદ પવાર અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ચીફ ઉદ્ધવ ઠાકરેનો સંપર્ક કર્યો હતો. શરદ પવારએ એમને રોકડુ પરખાવ્યું હતું કે આ સંભવ નથી. પવારએ કહ્યું હતું કે, જ્યારે મુખ્યમંત્રી હેમંત સોરેનની રાંચીના રાજભવનમાંથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે રાધાકૃષ્ણન ઝારખંડના રાજ્યપાલ હતા. સોરેનએ વિનંતી કરી હતી કે, એમની ધરપકડ રાજભવનની અંદરથી નહીં કરવામાં આવે. એમની આ માંગણી સ્વિકારવામાં આવી નહોતી. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસની સાથે એનસીપી (શરદ પવાર) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) પણ જોડાયેલા છે. આ ત્રણે પક્ષો રાષ્ટ્રીયસ્તરે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે.

'સુપ્રિમ કોર્ટે લોકશાહી બચાવી: કોંગ્રેસ'

બિહારમાં મતદાર યાત્રી સુધારણા (એસઆઇઆર)ના વિવાદ વચ્ચે સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે, જેમની પાસે આધારકાર્ડ હોય એમનું નામ મતદાર યાદીમાંથી કાઢી શકાશે નહીં. કોંગ્રેસે સુપ્રિમ કોર્ટના આ હુકમનું સ્વાગત કર્યું છે. જયરામ રમેશ અને રાહુલ ગાંધીનું કહેવું છે કે સુપ્રિમ કોર્ટને કારણે ઇલેકશન કમિશનરના ક્રૂર હુમલાનો ભોગ બનતા લોકશાહી બચી ગઈ છે. કોંગ્રેસ અને સાથીપક્ષો એસઆઇઆર સામે બિહારમાં આંદોલન કરી રહ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, બિહારમાં મતદાર યાદીમાંથી હજારો લોકોના નામ કમિ કરવામાં આવ્યા છે આ એક મોટું કાવતરૂ છે. સુપ્રિમ કોર્ટે છેવટે લોકશાહીને બચાવી છે. હવે જોવાનું રહે છે કે સુપ્રિમ કોર્ટના આ નિર્ણય પછી બિહારમાં વિરોધ પક્ષો પોતાનું આંદોલન ચાલુ રાખે છે કે નહીં.

દરભંગામાં રાજકીય ગરમી, પુત્રો - પૌત્રો માટે ટીકીટની ડિમાન્ડ

બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક રાજકીય પક્ષે તૈયારી શરૂ કરી દીધી છે. દરેક પક્ષના નેતાઓ પોતાને અથવા તો પોતાના કુટુંબીને ચૂંટણીની ટીકીટ મળે એ માટે લોબિંગ કરી રહ્યા છે. દરભંગા જિલ્લાના ૧૦ વિધાનસભા ક્ષેત્રોના રાજકારણમાં ગરમી આવી છે. કુશેશ્વર વિસ્તારમાં સ્વ. રામસેવક હજારીના પૌત્ર અમન ભુષણ હજારી ટીકીટ મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે. આજ પરિવારના જેડીયુના મંત્રી મહેશ્વર હજારીના પુત્ર સન્ની હજારી કોંગ્રેસમાંથી ટીકીટ મેળવવા પ્રયત્ન કરે છે. સન્ની હજારી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી લડયા હતા. કોંગ્રેસમાંથી જેડીયુમાં આવેલા ડો. અશોક રામએ પોતાના પુત્ર અતિરેકકુમાર માટે જેડીયુમાંથી ટીકીટ મેળવવા લોબિંગ શરૂ કર્યું છે. સમાજકલ્યાણ મંત્રી મદન સહનીના પુત્ર અભિષેકકુમાર પણ ગૌડાબૌરામ ક્ષેત્રમાં આંટાફેરા મારી રહ્યા છે.

'જો મારી હત્યા થશે તો અખિલેશ યાદવ જવાબદાર હશે'

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કર્યા પછી સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય પૂજા પાલ મુખ્યમંત્રી યોગીને મળ્યા હતા. યોગીને મળ્યા પછી તેઓ ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યને પણ મળ્યા હતા. હવે એમણે અખિલેશ યાદવને એક સ્ફોટક પત્ર લખ્યો છે. બે પાના ભરીને લખેલા આ પત્રમાં પૂજા પાલએ અખિલેશ યાદવને કેટલાક અણીયાળા સવાલો પૂછયા છે. એમણે લખ્યું છે કે, સપાના કાર્યકરો એમને ધમકી આપી રહ્યા છે. તેઓ મોતથી ડરતા નથી. એમણે લખ્યું છે કે જો એમની હત્યા થશે તો જવાબદાર સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ હશે. પૂજા પાલએ કહ્યું છે કે એક નિર્દોષ, વિધવા, અનાથ અને અતિ પછાત વર્ગની બેટીની પાછળ સમાજવાદી પાર્ટી પડી ગઈ છે.

મુસ્લિમો બાબતે આરએસએસ ચીફ મોહન ભાગવતની બેઠકમાં મોટો નિર્ણય

રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના શતાબ્દિ વર્ષમાં હિન્દુ - મુસ્લિમના ધાર્મિક વિવાદો ઓછા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વિશ્વ આખામાં થયેલા યુદ્ધો અને આર્થિક નિર્ણયોની વચ્ચે દેશના વિકાસ માટે આ જરૂરી માનવામાં આવે છે. દેશની આર્થિક પ્રગતિ અને સ્થિરતા માટે આતંરીક મતભેદ દુર થવા જરૂરી છે. હિન્દુ - મુસ્લિમ સાથે મળીને આગળ વધે એ જરૂરી છે. એવું નક્કી થયું છે કે મુસ્લિમ સમાજ સાથેનો સંવાદ વધારવા માટે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (એમઆરએમ) તરફથી વધુ પ્રયત્નો કરવામાં આવશે. આવતા બે મહિનામાં દિલ્હીમાં એક મોટું મુસ્લિમ સંમેલન રાખવામાં આવશે અને દેશભરમાં જિલ્લાસ્તરે મુસ્લિમ બૌદ્ધીકોની બેઠકનું આયોજન પણ થશે. આ બેઠકોમાં સંઘના હોદ્દેદારો પણ હાજર રહેશે.