નવીદિલ્હી : સુપ્રિમ કોર્ટ બાર એસોસીએશન (એસસીબીએ)ના વિદાય સમારંભમાં ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડી આર ગવઈએ પોતે આપેલા ચૂકાદાઓ પર ટીપ્પણી કરી છે. આજે રીટાયર્ડ થઈ રહેલા સીજેઆઇ ગવઈએ 'બુલડોઝર ન્યાય' વિરુદ્ધ આપેલા ચુકાદાને સૌથી અગત્યનો ગણાવ્યો છે. ત્યાર પછી એમણે અનુસૂચિત જાતિઓ (એસસી) તેમજ અનુસૂચિત જનજાતિઓ (એસટી) સમુદાયને નોકરીમાં અનામત બાબતે વર્ગીકરણની સહમતી આપતા ચુકાદાને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. ગવઇએ એમની સમક્ષ રજુ થયેલા તમામ કેસના ચૂકાદા આપી દીધા છે. હવે એમની પાસે ન્યાયને લગતી કોઈ કામગીરી બાકી નથી. એમણે કહ્યું હતું કે, 'બુલડોઝર ન્યાયનો કાયદો શાસનના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે. કોઈપણ વ્યક્તિ ગુનેગાર નહીં ઠરે એ પહેલા એનું ઘર કેવી રીતે તોડી પડાય? એના પરિવાર અને માતા-પિતાનો શું વાંક? આશ્રયનો અધિકાર એક મૌલિક અધિકાર છે.'
ધનખડનું સ્વાગત કરવા ભાજપમાંથી કોઈ નહીં ગયું, કોંગ્રેસે કરી ટીપ્પણી
એક જમાનામાં ભાજપના નેતાઓના માનીતા ગણાતા અને ઉપરાષ્ટ્રપતિ રહી ચૂકેલા જગદીપ ધનખડ જાહેર જીવનથી દુર થઈ ગયા છે. ચાર મહિના પહેલા ધનખડે રાજીનામું આપ્યું હતું. ત્યાર પછી તેઓ પહેલી વખત જાહેર કાર્યક્રમમાં દેખાયા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના એક કાર્યક્રમમાં હાજરી આપવા તેઓ ભોપાલ ગયા હતા. ભોપાલ એરપોર્ટ પર એમનું સ્વાગત કરવા માટે ભાજપમાંથી કોઈ નાનો કાર્યકર્તા પણ પહોંચ્યો નહોતો. આ બાબતે હવે કોંગ્રેસને ટોણો મારવાનો મોકો મળી ગયો છે. કોંગ્રેસના નેતા દિગવિજય સિંહએ એવી ટીપ્પણી કરી છે કે 'ઉપયોગ કરો અને ફેંકી દો' ભાજપની નીતી રહી છે. આરએસએસના સિનિયર પદાધિકારી મનમોહન વૈદ્યએ લખેલા એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં ધનખડે દેખાયા હતા. દિગવિજય સિંહનું કહેવું છે કે ભાજપ એવી વ્યક્તિને જ અગત્યની ગણે છે કે જે કામની હોય. કામ પુરુ થયા પછી એમને રવાના કરી દેવામાં આવે છે.
અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેનના ઘર પર બુલડોઝર ફરશે
દિલ્હી બ્લાસ્ટ પછી ચર્ચામાં આવેલી અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન તેમજ મુખ્ય ટ્રસ્ટી જવાદ સિદ્દીકી અને એમના ભાઈ હમુદ સિદ્દીકીના ઇન્દોર ખાતે આવેલા ચાર માળનું મકાન તોડવા માટે મહુછાવણી પરિષદએ નોટીસ મોકલી છે. મુકેરી મહોલ્લા સ્થિત આવેલા એમના મકાનને ગેરકાયદેસર બતાવવામાં આવ્યું છે. ત્રણ દિવસમાં આ ગેરકાયદેસર મકાન તોડી પાડવાનું કહેવામાં આવ્યું છે. નહીં તો કેન્ટ બોર્ડ ખુદ મકાનને તોડી પાડી એનો ખર્ચ માલિકો પાસેથી વસુલશે. કેન્ટ બોર્ડએ મકાન પર નોટીસ લગાવી દીધી છે. યુનિવર્સિટીના માલિક જવાદ સિદ્દીકી સામે ગંભીર આક્ષેપો છે. એમની ધરપકડ થઈ ગઈ છે. એમના ભાઈ હમુદની પણ ૨૫ વર્ષ જૂના છેતરપિંડી અને કોમવાદી હુલ્લડના કેસમાં ધરપકડ થઈ છે. હમુદ મહુ શહેરનો કાઝી રહી ચૂક્યો છે.
ઉપેન્દ્રના પુત્રને કારણે આ સિનિયર નેતાને કેબિનેટમાં સ્થાન નહીં મળ્યું
બિહારમાં એનડીએની નવી સરકારમાં મંત્રી મંડળની પસંદગી બાબતે વૈશાલીના લોકોમાં એક જગ્યાએ ખુશી છે તો બીજી તરફ અચંબો પણ છે. બે નામ એવા છે કે નિતિશકુમારની આ નવી સરકારમાં મંત્રી તરીકે નક્કી હતા. આમાંથી એક નામ છે જેડીયુના પ્રદેશ પ્રમુખ ઉમેશસિંહ કુશવાહ અને બીજુ નામ છે હાજીપુરમાં સતત ચોથી વખત જીતેલા ધારાસભ્ય અવધેશસિંહ. આ બંનેને મંત્રીમંડળમાં સ્થાન નહી અપાતા લોકોને નવાઈ લાગી છે. ફક્ત રાજકીય વર્તુળમાં જ નહીં, સામાન્ય લોકો પણ અચંબામાં છે. ચૂંટણી પહેલા એમ કહેવામાં આવતું હતું કે, ઉમેશને મંત્રીમંડળમાં નક્કી સ્થાન મળશે. જો જેડીયુના ક્વોટામાંથી જગ્યા નહીં હોય તો એમને ભાજપના ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવશે. જોકે રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર દિપક પ્રકાશનું નસીબ એકાએક ચમકી ગયું અને ઉમેશ રહી ગયા. જાતીગત સમીકરણ સિનિયર નેતાને નડી ગયું.
હવે ચિરાગ પાસવાનને કાકાની ગાળ પણ આશિર્વાદ લાગે છે
કેન્દ્રીય મંત્રી તેમજ લોકજનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાનને બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન કાકા પશુપતિ પારસએ ઘણી સંભળાવી હતી. હવે એનડીએની જીત પછી પશુપતિ પારસએ અભિનંદન આપ્યા છે. આ સંદર્ભે ભત્રીજા ચિરાગએ કહ્યું છે કે, એમના કાકા પારસએ એને ગાળો આપી હતી અને ચાંડાલ પણ કહ્યા હતા. તે વખતે પણ મને એમની ગાળો આશિર્વાદ જેવી લાગી હતી, કારણ કે તેઓ મોટા છે. હવે તેઓ અભિનંદન આપે છે ત્યારે હું એમના અભિનંદન માથે ચઢાવુ છું. જોકે એમણે આડકતરી રીતે એમના કાકા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસ પર નિશાન પણ તાક્યું હતું. ચિરાગનો આક્ષેપ હતો કે પારસએ રામ વિલાસ પાસવાનનું એનજીઓ 'દલિત સેના' પડાવી લીધું હતું.
કેનેડા જઈ રહેલા સાંસદની માતા એરપોર્ટ પરથી જ ડિટેઇન
ખાલિસ્તાની સમર્થક અને ખદુર સાહિબથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયેલા અમૃતપાલસિંહના માતા બલવિંદર કૌર દિલ્હી એરપોર્ટથી કેનેડા જઈ રહ્યા હતા. બલવિંદર કૌર એમના પુત્રીને મળવા કેનેડા જતા હતા. જોકે દિલ્હી એરપોર્ટના ઇમીગ્રેશન અધિકારીઓએ બોર્ડીંગ પહેલા જ એમને રોકીને ફરીથી પંજાબ મોકલી આપ્યા હતા. દિલ્હી એરપોર્ટના ઇમીગ્રેશન અધિકારીઓએ અમૃતસરના એસએસપીના હુકમને કારણે આ કાર્યવાહી કરી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બલવિંદર કૌરનું નામ એ લિસ્ટમાં છે કે જેમાં વિદેશ યાત્રા પર જનાર વ્યક્તિ પર નજર રાખવાની હોય અને પરવાનગીની જરૂર હોય. સ્થાનિક પોલીસએ બલવિંદર કૌરની વિદેશ યાત્રા બાબતે વાંધો લીધો હતો. અમૃતપાલસિંહની રાષ્ટ્ર વિરોધી કાર્યવાહીને કારણે એમના સમર્થકો પણ આઇબીના રડારમાં છે.
હાર પછી આરજેડીના તેજસ્વી પર સતત વ્યંગ થઈ રહ્યો છે
બિહારમાં નિતિશકુમાર મુખ્યમંત્રી બન્યા અને સરકારની રચના થઈ એના પહેલા દિવસથી જ લાલુ યાદવ અને તેજસ્વી યાદવ તેમજ તેમનો પક્ષ આરજેડી વ્યંગબાણના નિશાન બની રહ્યા છે. તેજસ્વી યાદવ સોંગદવિધિમાં ગાંધી મેદાન ખાતે ગયા નહોતા. ત્યાર પછી સોશ્યલ મીડિયા પર એમણે નીતિશ અને બીજા મંત્રીઓને અભિનંદન આપ્યા હતા. જોકે ત્યાર પછી આરજેડીએ સોશ્યલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નિતિશકુમારનો એક વિડિયો મૂક્યો હતો. વિડિયોમાં સોંગદવિધિ માટે પટણા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી પરત જઈ રહ્યા હતા ત્યારે નિતિશકુમાર મોદીને પગે લાગીને આશિર્વાદ લેતા દેખાય છે. ત્યાર પછી તેજસ્વીના નેતાઓએ ચૂંટણી પરિણામોના કેટલાક આંકડા રજુ કર્યા હતા અને લખ્યું હતું કે, આરજેડીએ ચૂંટણીમાં છેતરપીંડિ કરી હતી. આરજેડીએ મુકેલી આ બધી પોસ્ટને કારણે ત્યાર પછી સોશ્યલ મીડિયા પર તેજસ્વી અને આરજેડી પર કટાક્ષ કરવામાં આવ્યા હતા.


