Get The App

દિલ્હીની વાત : કેન્દ્રના કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ રાજ્યોની એજન્સી કરી શકે

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : કેન્દ્રના કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ રાજ્યોની એજન્સી કરી શકે 1 - image

નવીદિલ્હી : સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ જો ભ્રષ્ટાચાર કરે તો ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ આવા ગુનાઓની તપાસ રાજ્યની પોલીસ તેમજ બીજી એજન્સીઓ કરી શકે છે. આ બાબતે ચાર્જશીટ પણ ફાઇલ થઈ શકે છે. કોર્ટે એ પણ કહ્યું કે, રાજ્યની પોલીસ કેન્દ્ર સરકારના કર્મચારી વિરુદ્ધ કેસ દાખલ કરે તો સીબીઆઇની પરવાનગીની જરૃર નથી. સીબીઆઇએ પરવાનગી નથી આપી એ જ કારણસર રાજ્યની એજન્સીએ દાખલ કરેલી ચાર્જશીટ ગેરલાયક ઠેરવી શકાય નહીં. જસ્ટીસ જેબી પારડીવાલા અને જસ્ટીસ સતિષચંદ્ર શર્માની બેન્ચે રાજસ્થાન હાઇકોર્ટના ચૂકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. કેન્દ્ર સરકારના એક કર્મચારી વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ રદ કરવાનો હાઇકોર્ટે ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે સ્વિકાર્યું હતું કે રાજસ્થાન રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ ૧૯૮૮ હેઠળ કેસ દાખલ કર્યો હતો અને તપાસ કરી હતી.

અમેરિકાનું દબાણ દિલ્હીને હલાવી શકશે નહીં, પરાગ ખન્નાની ડંફાસ

એઆઇ આધારીત જીઓ સ્પેશિયલ એનાલીટીકલ ફર્મ આલ્ફા જીઓના સ્થાપક અને સીઇઓ પરાગ ખન્ના એકાએક ભારતની વિદેશનીતિના વખાણ કરી રહ્યા છે. વાસ્તવમાં છેલ્લા થોડા સમયથી ભારતની વિદેશનીતિ તળીયે પહોંચી છે. ખન્નાના કહેવા પ્રમાણે ભારત પોતાનું હિત સાચવે છે. જે રીતે ભારતે રશિયા સાથે સંબંધો વિકસાવ્યા છે એ એક કેસ્ટડી છે. ટ્રમ્પના આવ્યા પહેલા પણ બાઇડેન સરકારે ભારત પર રશિયા વિરુદ્ધ પ્રતિબંધો નાખવા માટે દબાણ કર્યું હતું. જો તમે ભારત જેવા દેશ સાથે કામ લો છો તો દબાણની વિદેશનીતિ ચાલી શકે નહીં. ખન્નાએ સરકારને માખણ લવાવવા માટે કહ્યું હતું કે, ભારત વિદેશનીતિ બાબતે સ્વતંત્ર રીતે વિચારી શકે છે, કારણ કે ભારતનું અર્થતંત્ર એ પ્રમાણે કામ કરે છે. દરેક દેશના નુકશાનનો આધાર કોમોડિટી આયાતને કારણે નક્કી કરવામાં આવે છે. આ બાબતે ભારત નંબર ૧ છે. ભારતની વિદેશનીતિ સિદ્ધાંતને આધારે નક્કી થઈ શકતી નથી, કારણ કે આપણા દેશના બજેટમાં આંતરરાષ્ટ્રીય સસ્તી કોમોડિટી આયાત વિરુદ્ધ ઘરેલું સબસીડીનો પ્રશ્ન ઉભો થાય છે. જાપાન અને યુરોપ પણ રશિયાથી તેલ અને ગેસની આયાત કરે છે એટલે ભારત આ બાબતે સાચું છે.

હિન્દી ફિલ્મસ્ટારો એકાએક બોલવા માંડયા

સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા સ્ટાર્સ પ્રામાણીક અભિપ્રાય આપવાનું ટાળે છે. કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં જ્યારે બીન ભાજપી સરકાર હોય છે ત્યારે તેઓ એકાએક બિનસાંપ્રદાયિક બની જાય છે. હમણા દેશ અને મહારાષ્ટ્રમાં ભાજપ સત્તા પર છે. જે ફિલ્મસ્ટારો ભૂતકાળમાં ઠાકરે બંધુઓ સામે બોલતા પહેલા હજાર વખત વિચાર કરતા હતા તેઓ હવે ખચકાટ વગર બોલે છે. રાજ ઠાકરેએ થોડા સમય પહેલા મરાઠી નહી બોલી શકનારાઓને ટાર્ગેટ કર્યા હતા. આ બાબતે સુનિલ શેટ્ટી જેવા સ્ટાર્સ પણ હવે એકાએક બોલે છે. સુનિલ શેટ્ટીએ હમણા કહ્યું હતું કે, કોઈને જબરજસ્તી ભાષા બોલવા માટે મજબુર કરવા જોઈએ નહીં. જો કોઈ કહે કે મરાઠી બોલવું ફરજીયાત છે તો હું કહીશ કે મરાઠી પોતાની ઇચ્છાથી બોલીશ નહીં કે કોઈના દબાણમાં.

સુખવિંદરની કેબિનેટમાં નર્સો બાબતે મોટો નિર્ર્ણય

હિમાચલ પ્રદેશની કેબિનેટ બેઠકમાં વિવિધ બાબતો વિશે અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ડો. રાધાકૃષ્ણન રાજકીય ચિકિત્સા મહાવિદ્યાલય, હમીર કુરમા અત્યાધુનિક કેર સેન્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સેન્ટરમાં ૧૧ નવા વિભાગોની સ્થાપના તેમજ વિવિધ હોદ્દાઓ પર નિમણૂક કરવાનો નિર્ણય પણ મંત્રીમંડળે કર્યો હતો. ટેન્શન અને બીજી કેટલીક બાબતોએ ૨૦૧૦ના કાયદાઓને બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળી શકે. મંત્રીમંડળે સિનિયર રેસીડન્ટ ડોક્ટરના ખાલી હોદ્દાઓ ભરવાની મંજૂરી પણ આપી દીધી હતી. આ ઉપરાંત નર્સોની નિવૃત્તીની ઉંમર ૪૫ વર્ષ સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કેનેડાના વડાપ્રધાનનું ભાષણ શા માટે વાયરલ થયું

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ દાવોસ ખાતે ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં નવા વર્લ્ડ ઓર્ડર વિશે જે ભાષણ આપ્યું હતું એની નોંધ લેવાઈ છે. એમના કહેવા પ્રમાણે કેનેડા જેવા મીડલ પાવર દેશો એક બીજાના સહકારથી ફાયદો ઉઠાવી શકે છે. આ ભાષણ એવા સમયે આપવામાં આવ્યું હતું કે જ્યારે રશિયા, ચીન અને અમેરિકા જેવી મહાશક્તિઓ વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરીથી સહયોગી દેશો પણ કંટાળી ગયા છે. કેનેડાના વડાપ્રધાને પોતાના ભાષણમાં કહ્યું હતુ કે, 'અમને હંમેશા યાદ અપાવવામાં આવે છે કે અમે મહાશક્તિઓના સ્પર્ધાના સમયમાં જીવી રહ્યા છીએ. જે નિયમોને આધારે વ્યવસ્થા ચાલવી જોઈએ એ નબળી પડી રહી છે. શક્તિશાળી દેશો પોતાની મનમાની કરે છે અને નબળા દેશોએ સહન કરવું પડે છે.

દુનિયામાં એક માત્ર દેશ જે તમામ ખોરાકનું ઉત્પાદન જાતે કરે છે

ભારતના કેટલાક નેતાઓ વારેતહેવારે સ્વદેશી અને આત્મનિર્ભરતા ની વાતો કરે છે. જોકે આ વાતો ફક્ત કહેવા ખાતર કહેવાતી હોય એમ લાગે છે કારણ કે, ભારતે હજી પણ મોટા ભાગની બાબતો માટે વિદેશ પર આધાર રાખવો પડે છે. આની સામે દુનિયામાં એક માત્ર એક એવો દેશ જે પોતાના ભોજનની જરૃરિયાતની તમામ ખેત પેદાશો પોતે જ ઉત્પન્ન કરે છે. બીજા દેશોમાંથી આયાત કરવામાં આવતું નથી. દક્ષિણ અમેરિકાના ગુઆનાની ચર્ચા  વિશ્વમાં એટલા માટે થઈ રહી છે કે દુનિયાભરના કરોડો લોકો ખોરાક બાબતે અસલામતી અનુભવી રહ્યા છે ત્યારે ગુયાનાની વસ્તી ફક્ત આઠ લાખ હોવા છતા સ્વનિર્ભર છે. ગુયાનાની કુલ વસ્તીમાંથી મૂળ ભારતના લોકો સાડા ત્રણ લાખ જેટલા છે. ૧૯મી સદીમાં જ્યારે ભારત પર બ્રિટીશ રાજ હતું ત્યારે ભારતથી મોટા પ્રમાણમાં લોકો ગુઆનાના શેરડીના ખેતરોમાં કામ કરવા ગયા હતા. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને આસપાસના ક્ષેત્રોમાંથી મોટા પ્રમાણમાં લોકો ગુઆના ગયા હતા.

કોઈપણ તાકાત અનિયંત્રીત નહીં હોઈ શકે

છેલ્લા કેટલાક સમયથી મતદાતા યાદીના ફેરફાર માટે એસઆઇઆરનું અભિયાન ચાલી રહ્યું છે. આ આખો મામલો સુપ્રિમ કોર્ટમાં પણ ગયો છે. સુપ્રિમ કોર્ટે ૨છેલ્લી સુનાવણી પછી કહ્યું છે કે, એસઆઇઆર અભિયાનનું ગંભીર પરિણામ પણ આવી શકે છે. ખાસ કરીને એમના માટે કે જેમનું નામ મતદાર યાદીમાં સામેલ નથી. કોર્ટે ચૂંટણી કમિશન પર આડકતરો ઇશારો કરતા કહ્યું હતું કે, 'કોઈપણ શક્તિ અનિયંત્રીત હોઈ શકે નહીં.' ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચ બિહાર સહિત અન્ય રાજ્યમાં એસઆઇઆરના અભિયાનનો વિરુદ્ધ કરતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. જસ્ટીસ બાગચીએ દસ્તાવેજોની યાદીનું સૂચન કરતા કહ્યું હતું કે, જ્યાં ફોર્મ ૬માં ૭ દસ્તાવેજ નક્કી થયા છે ત્યાં એસઆઇઆરની પ્રક્રિયા દરમિયાન ૧૧ દસ્તાવેજ માંગવામાં આવે છે. કોર્ટે પૂછયું હતું કે શું ચૂંટણી કમિશન પોતાની ઇચ્છા થાય એ પ્રમાણેના દસ્તાવેજ વધારી કે ઘટાડી શકે છે? સીજેઆઇએ કહ્યું હતું કે, મતદાર યાદીમાંથી કોઈનું નામ દુર કરવામાં આવે છે તો એ ગંભીર બાબત ગણાય.