Get The App

વડાપ્રધાનના નિવાસસ્થાન નજીકની ત્રણ ઝુપડપટ્ટી દુર કરાશે

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
વડાપ્રધાનના નિવાસસ્થાન નજીકની ત્રણ ઝુપડપટ્ટી દુર કરાશે 1 - image

નવીદિલ્હી: દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સરકારી નિવાસસ્થાન નજીક આવેલી ઝુપડપટ્ટીઓને દુર કરવાનું કામ શરૂ થઈ ગયું છે. ઝુપડપટ્ટી હટાવવા માટે કેન્દ્ર સરકારે ઝુપડામા રહેનારાઓને નોટીસ આપવાની શરૂ કરી છે. આ નોટીસમાં એમણે માર્ચ મહિનાની ૬ તારીખ સુધીમાં એમના ઝુપડા ખાલી કરી દેવા માટે કહેવાયું છે. ઝુપડાવાસીઓને કહેવામાં આવ્યું છે કે, સવદાગેવર સ્થિત ડીયુએસઆઇબી કોલોનીમાં આવેલા ફલેટમાં તેઓ રહી શકે છે. રેસકોર્સ રોડ સ્થિત ભાઇરામ કેમ્પ, મસ્જિદ કેમ્પ અને ડીઆઇડી કેમ્પમાં રહેતા ઝુપડાવાસીઓને ક્યાં તો જગ્યા ખાલી કરવા ક્યાં તો કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવા કહેવાયું છે. આ ઝુપડપટ્ટીઓમાં કુલ ૭૧૭ કુટુંબો રહે છે. આમ તો વડાપ્રધાનનું નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ આ ઝુપડપટ્ટીથી થોડા કિલોમીટર દુર છે. જોકે કદાચ સત્તાધિશોને એવું લાગતું હશે કે થોડા કિલોમીટર દુર આવેલી ઝુપડપટ્ટીઓને કારણે વડાપ્રધાનના નિવસસ્થાનની સુંદરતા ઘટે છે.

ભૂપેન બોરા ભાજપમાં જોડાવાથી પ્રિયંકા ગાંધીનો ટોણો

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આસામ વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તેઓ આસામના પ્રવાસે હતા ત્યારે એમણે કહ્યું હતું કે, ચૂંટણી સમયએ રાજકીય નેતાઓ પક્ષ પલટો કરે એની નવાઈ નથી. પ્રિયંકા ગાંધીનું આ નિવેદન કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભૂપેન બોરાના રાજીનામા અને ત્યાર પછી તેઓ ભાજપમાં જોડાયા એ સંદર્ભ હતું. પ્રિયંકાએ જોકે બોરા વિશે બીજી લાંબી ટીપ્પણીઓ કરીને એમને મહત્ત્વ આપવાનું યોગ્ય ગણ્યું નહોતું. આસામની ૧૨૬ બેઠકોવાળી વિધાનસભાની ચૂંટણી માર્ચ - એપ્રિલમાં યોજાઈ શકે છે. આસામ જઈને પ્રિયંકા ગાંધીએ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી બાબતે સ્થાનીક નેતાઓ સાથે ચર્ચા કરી હતી. એમણે કહ્યું હતું કે, 'અમે એક સાથે મળીને પુરા જુસ્સાથી ચૂંટણી લડીશું. અમે આ ચૂંટણીને સંઘર્ષ માનીએ છીએ. અમારી પાસે સમર્પિત કાર્યકરો છે અને અમને વિશ્વાસ છે કે અમે વિજય મેળવીશું.'

જેએનયુના વિદ્યાર્થી યુનિયનએ કુલપતિનું રાજીનામું શા માટે માંગ્યુ

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના સ્ટૂડન્ટ યુનિયન (જેએનયુએસયુ)એ કુલપતિ શાંતિશ્રી ડી પંડીતએ કરેલા નિવેદનની ટીકા કરીને એમનું રાજીનામું માંગ્યુ છે. જેએનયુના કુલપતિએ એક પોડકાસ્ટમાં કહેવાતી જાતિવાદી ટીપ્પણી કરીને આરએસએસ સાથેના જોડાણને ગૌરવવાળુ જાહેર કર્યું હતું. જેએનયુના વિદ્યાર્થી યુનિયનના કહેવા પ્રમાણે કુલપતિના નિવેદનથી એમને આંચકો લાગ્યો છે. આ નિવેદનને એમણે શરમજનક ગણાવ્યું હતું. પોડકાસ્ટમાં કુલપતિએ કહ્યું હતું કે, યુજીસીના નિયમો ગેરજરૂરી હતા. એમણે કહ્યું હતું કે, 'પોતાની જાતને પીડિત તરીકે બતાવવાની ફેશન છે. તમે હંમેશા પીડિત બની રહીને વિક્ટીમ કાર્ડ રમીને આગળ નહીં વધી શકો. આ માનસિકતા અશ્વેતોની હતી. આ વસ્તુ હવે આપણે ત્યાં પણ દલીતો માટે લાવવામાં આવી છે. કોઈકને ખરાબ ગણાવીને આગળ વધવુ સહેલુ નથી. આ એક પ્રકારનું ડ્રગ છે.'

લીકર બાબતે હિમાચલ પ્રદેશની એક્સાઇઝ નીતિ બદલાઈ

ગુજરાત જેવા કહેવાતા દારૂબંધી સ્ટેટ સહિત દેશના બીજા રાજ્યોના લોકો પણ એવું માને છે કે જે રાજ્યોમાં દારૂબંધી નથી ત્યાં કોઈપણ વ્યક્તિ નિયમો વગર લીકરની બોટલની હેરફેર કરી શકે છે. જોકે એક વ્યક્તિ દારૂની કેટલી બોટલો લઈને પ્રવાસ કરી શકે એના પણ કાયદા હોય છે. હિમાચલ પ્રદેશની સુક્ખુ સરકારે હવે નવી એક્સાઇઝ નીતિ જાહેર કરી છે. રાજ્યમાં દારૂની કિંમતથી માંડીને એમા મળતા કમિશન સુધીના નિયમો બદલવામાં આવ્યા છે. પહેલા એક વ્યક્તિ પોતાની સાથે લીકરની ફક્ત બે બોટલો લઈ જઈ શકતો હતો. આ નિયમ બદલવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે હવે લીકરની છ બોટલો એક સાથે લઈ જઈ શકાશે. લીકરની બોટલો પર ક્યુઆર કોડ પણ લગાવવામાં આવશે જેને કારણે ગેરકાયદેસર વેચાણ અટકે.

પંજાબના વિવાદાસ્પદ રીટાયર્ડ આઇએએસ અધિકારી જજુઆ કોણ છે

પંજાબ કેડરના ૧૯૮૯ બેન્ચના રીટાયર્ડ આઇએએસ અધિકારી અને પંજાબના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી વિજયકુમાર જજુઆની મુશ્કેલી વધી ગઈ છે. એક જમાનામાં આ અધિકારીની ગણના પંજાબના સૌથી શક્તિશાળી આઇએએસ અધિકારી તરીકે થતી હતી. કેન્દ્ર સરકારે ૧૬ વર્ષ જૂના એક કહેવાતા ભ્રષ્ટાચારના કેસમાં એમની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. કિસ્સો ૨૦૦૯ના વર્ષનો છે. એ વખતે વી કે જજુઆ ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગમાં ડિરેક્ટર તેમજ સેક્રેટરીના પદ પર હતા. વીજીલન્સ બ્યુરોએ ૨૦૦૯માં ૯મી નવેમ્બરે ટ્રેપ ગોઠવીને એમને બે લાખની લાંચ લેતા પકડયા હતા. ફરિયાદ કરનાર તુલસીરામ મિશ્રાના જણાવ્યા પ્રમાણે એમના પ્લોટની બાજુમાં આવેલો ખાલી પ્લોટની ફાળવણી માટે એમણે અરજી કરી હતી. શરૂઆતમાં આ અરજી ટેક્નીકલ કારણસર ફગાવી દેવામાં આવી હતી. ત્યાર પછી અરજી મંજુર કરવા માટે જજુઆએ ૬ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ૨૦૧૫ના વર્ષમાં મોહાલીની ખાસ કોર્ટે તેમને ડિસ્ચાર્જ કર્યા હતા. ત્યાર પછી અરજી કરનાર હાઇકોર્ટમાં પણ ગયા હતા પરંતુ અધિકારીને પ્રમોશન પર પ્રમોશન મળતા ગયા હતા.

બિશ્નોઇ ગેંગની હિંમત વધી, ભાજપના શહેર પ્રમુખ પાસે ખંડણી માંગી

મહારાષ્ટ્રના અકોલા શહેરમાં આજે એક જ ચર્ચા થઈ રહી છે. અકોટ શહેરના ભાજપ પ્રમુખ હરીશ તાવરીને લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે બે કરોડ રૂપિયાની ખંડણી માંગીને ધમકી આપવામાં આવી છે. આ ધમકી સિગ્નલ એપ્લિકેશન મેસેજ દ્વારા કોલ મારફતે આપવામાં આવી હતી. ધમકી આપનાર વ્યક્તિ એ પોતાને બિશ્નોઇ ગેંગનો માણસ હોવાનું કહ્યું હતું. 

છ હજારની નોકરી કરતા ગરીબને બે કરોડની નોટીસ મળી

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં રહેતા એક ગરીબનો આ કિસ્સો છે. અહીં ડુમરિયાગંજ તાલુકામાં રહેતા યુવકને જીએસટી વિભાગે બે કરોડ રૂપિયાનો ટેક્સ તાત્કાલીક ભરવા નોટીસ ફટકારી દીધી છે. આ નોટીસને કારણે ઓમ પ્રકાશ વર્મા હેબતાઇ ગયો છે. યુવકનું કહેવું છે કે એ ગરીબ માણસ છે. છ હજાર રૂપિયાની નોકરી કરે છે. એને ફસાવી દેવામાં આવ્યો છે. જીએસટી વિભાગે એને ૧,૯૯,૪૨,૩૧૩ રૂપિયા ટેક્સ જમા કરવાની નોટીસ આપી છે.

 આ નોટીસ ટપાલ દ્વારા એને મળી હતી. નોટીસ વાંચતા જ ઓમ પ્રકાશને ચક્કર આવી ગયા હતા. જોકે મિત્રોની સલાહ પ્રમાણે ઓમ પ્રકાશએ ડુમરીયાગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. ત્યાર પછી યુવાને સેલટેક્સ ડિપાર્ટમેન્ટમાં તપાસ કરી તો ખબર પડી કે ઓમ પ્રકાશના પાનકાર્ડનો કોઈએ દુરઉપયોગ કર્યો હતો. આ પ્રકારના કિસ્સા દેશ આખામાં બનતા રહે છે, પરંતુ જીએસટી તંત્રની ઉંઘ ઉડતી નથી.