નવીદિલ્હી : બાંગ્લાદેશમાં થયેલી હિન્દુની હત્યા પછી દિલ્હી ખાતે આવેલી બાંગ્લાદેશની એમ્બેસી સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બાબતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જે પ્રતિક્રિયા આપી હતી એ બાબતે બાંગ્લાદેશને વાંધો પડયો છે. બાંગ્લાદેશનું કહેવું છે કે, એમ્બેસી સામે થયેલા દેખાવને ભ્રામક પ્રોપેગેન્ડા કહેવામાં આવે છે, પરંતુ અમને એ મંજૂર નથી. બાંગ્લાદેશના પ્રવક્તાએ કહ્યું હતું કે, 'દેખાવ કરનારાઓને એમ્બેસીની સામે એક ખાસ જગ્યાએ દેખાવો ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. આ ઘટનાને કારણે એમ્બેસીમાં હાજર સ્ટાફ ડરી ગયો હતો. એમ્બેસીના અધિકારીઓને આ બાબતે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. બાંગ્લાદેશમાં જે હિન્દુની હત્યા થઈ હતી એના હત્યારાઓને બાંગ્લાદેશ સરકારે તરત પકડી લીધા છે.' જોકે ભારતે બાંગ્લાદેશના પ્રવક્તાએ આપેલા જવાબને અયોગ્ય ગણાવ્યો છે અને કહ્યું છે કે, એમ્બેસી બહાર કોઈ ગંભીર દેખાવો થયા નહોતા.
ચૂંટણીઓમાં સતત હાર છતા કોંગ્રેસને મળેલું ફંડ ઓછું નહીં કહેવાય
ચૂંટણી ફંડ માટે ઈલેક્ટોરલ બોન્ડ બંધ થવાની કોઈ અસર દેખાતી નથી. ૨૦૨૪ - ૨૫માં ભાજપને ૬૮૮ કરોડ રૂપિયા મળ્યા હતા જે ૨૦૨૩-૨૪માં મળેલા ૩૯૭૬ કરોડ રૂપિયાની સરખામણીએ ૫૩ ગણા વધારે છે. જોકે બોન્ડ બંધ થવાની અસર બાકીના પક્ષો પર થોડેઘણે અંશે દેખાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેેસ સતત ચૂંટણીઓ હારી રહી હોવા છતાં ૨૦૨૪-૨૫માં કોંગ્રેસને ૫૨૨.૧૩ કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ મળ્યું હતું. બહુમતી રાજ્યો અને કેન્દ્રમાં ભાજપ સત્તા પર હોવાથી સ્વાભાવિક છે કે, કોંગ્રેસ કરતા ભાજપને ૧૨ ગણું વધારે ફંડ મળ્યું છે. ભાજપને મળેલા ૩૭૪૪ કરોડ રૂપિયા સેવા ટ્રસ્ટોએ આપ્યા હતા જ્યારે બાકીનું ફંડ ખાનગી વ્યક્તિઓ અને કોર્પોરેટ કંપનીઓએ આપ્યું હતું. સૌથી વધારે ફંડ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડએ આપ્યું હતું. ભૂતકાળમાં એવા આક્ષેપો થયા છે કે આ કંપનીને ભાજપે મોટો ફાયદો કરાવ્યો હતો. ત્યાર પછી રૃંગટા સન્સ પ્રાઇવેટ લિમિટેડએ લગભગ ૯૫ કરોડ રૂપિયા ભાજપને આપ્યા હતા. વેદાન્તા લિમિટેડએ ૬૭ કરોડ અને મેક્રોટેક ડેવલપર્સ લી.એ ૬૬ કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ આપ્યું હતું.
લેફ્ટનન્ટ કર્નલ પર ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ
રક્ષામંત્રાલયના ઉત્પાદન વિભાગમાં કામગીરી કરી રહેલા લેફ્ટનન્ટ કર્નલ દિપકકુમાર શર્માની લાંચ લેવાના આરોપ હેઠળ સીબીઆઇએ ધરપકડ કરી છે. સીબીઆઇનું કહેવું છે કે, લેફ્ટનન્ટ કર્નલ દિપકકુમાર શર્માએ બેંગ્લોરની એક ખાનગી કંપની પાસેથી રૃા. ૩ લાખની લાંચ લીધી હતી. આ બાબતે એમના પત્ની કર્નલ કાજલ બાલી સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન રાજસ્થાનના શ્રીગંગાનગર ખાતે આવેલા એમના રહેઠાણએથી લગભગ રૃા. ૧૦ લાખ જપ્ત કરવામાં આવ્યા છે. કર્નલ કાજલ બાલી હમણા ડિવિઝન ઓર્ડનન્સ યુનિટ (ડીઓયુ) શ્રીગંગાનગર ખાતે કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ નીભાવી રહ્યા છે. આઘાતજનક આ ઘટનામાં એક દલાલ વિનોદકુમારની ધરપકડ પણ કરવામાં આવી છે. સીબીઆઇના અધિકારીઓને મળેલી ખાનગી માહિતીને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
યોગી આદિત્યનાથની સુરક્ષામાં ચૂક બદલ એક્શન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષામાં ફરીથી ચૂક થઈ હતી. ગોરખપુરના ગોરખનાથ ક્ષેત્રમાં એક ઓવરબ્રીજના લોકાર્પણ વખતે એમના સુરક્ષા કાફલામાં એક ગૌવંશ ઘુસી ગઈ હતી. હાજર સુરક્ષા કર્મચારીઓએ તરત જ ગૌવંશને કાબુમાં કરી લીધી હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. મ્યુનીસીપલ કમિશનરે ત્યાર પછી સુપરવાઇઝરને સસ્પેન્ડ કરી દીધા છે. મુખ્યમંત્રીના કોન્વયમાં થયેલી આ ભૂલ માટે વીવીઆઇપી સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર લાપરવાહી ગણાય છે. ઘટના બની ત્યારે થોડી સેંકડ માટે સ્થાનીક પોલીસ અને અધિકારીઓએ દોડાદોડી કરી મૂકી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીની સુરક્ષામાં કોઈપણ લાપરવાહી સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા ચોથી ડિસેમ્બરે મુખ્યમંત્રી જ્યારે સ્પોર્ટ્સ કોલેજથી એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે એમના પાયલોટ વાહન સામે એક બસ આવી ગઈ હતી.
જો અરવલ્લી નહી રહે તો ઉત્તર ભારતમાં ઘણુ બદલાઈ જશે
ભારત માટે અરવલ્લી પર્વતમાળા ફક્ત પહાડ નથી, પરંતુ ઉત્તર ભારતનો શ્વાસ પણ છે. પર્યાવરણ ચળવળકારો ચેતવણી આપી રહ્યા છે કે, આ શ્વાસોશ્વાસ પર સંકટ આવી રહ્યું છે. અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા બહાર આવ્યા પછી મોટો વિવાદ થયો છે. નવી વ્યાખ્યામાં કહેવામાં આવ્યું છે કે, જે જમીન ઓછામાં ઓછી ૧૦૦ મીટર ઉંચી હશે એને જ અરવલ્લીની પર્વતમાળા ગણવામાં આવશે. આમ કરવાથી લગભગ ૯૦ ટકા પહાડીઓ સંરક્ષણના પરિધમાંથી બહાર થઈ જશે. અરવલ્લી પર્વતમાળા ગુજરાતથી શરૂ થઈને રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી છે. આ પર્વતમાળા ઉત્તર ભારતની કુદરતી ઢાલ, પાણી - જીવનનો આધાર અને પર્યાવરણીય સંતુલાની કરોડરજ્જુ છે. જો અરવલ્લીની પર્વતમાળા નહીં રહે તો અબજો જીવ-જંતુઓ, ઝાડો અને મનુષ્ય જીવન ખતરામાં આવી જશે.
ચલણી નોટ બનાવવાવાળી પેપર મીલમાં મોટો ગોટાળો
ભારતીય ચલણી નોટો માટે કાગળ બનાવનારી સંવેદનશીલ પેપર મીલમાં મોટા પાયે મેડિકલેઇમ કૌભાંડ થયું છે. સીબીઆઇએ દેશભરમાં લગભગ ૧ ડઝન સ્થળોએ દરોડા પાડયા છે. સીબીઆઇએ આ બાબતે પુરાવા ભેગા કરીને કૌભાંડમાં સંડોવાયેલા લોકોની પૂછપરછ શરૂ કરી છે. મધ્યપ્રદેશના ઇન્દોર અને દેવાસ તેમજ મહારાષ્ટ્રના નાસીક ઉપરાંત ભોપાલ અને નર્મદાપુરમમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમની ધરપકડ થઈ છે એમાં કેટલાક અધિકારીઓ સિવાય દવા સપ્લાયર અને મેડિક્લેઈમની સાથે જોડાયેલી વ્યક્તિઓ પણ છે. જાણવા મળ્યા પ્રમાણે આ કૌભાંડ ૨૦૨૨ - ૨૩ના વર્ષનું છે. એવો આરોપ છે કે મીલના કેટલાક અધિકારીઓએ કેમિસ્ટો સાથે મળીને બોગસ મેડિકલ બીલો રજૂ કર્યા હતા.
પુતીનની ભારત મુલાકાત પછી રશિયાની સડકો પર ભારતીય કામદારો દેખાય રહ્યા છે
રશિયા - ભારત વચ્ચે કામદારોને લઈને એક સમજૂતી કરવામાં આવી છે. પુતીન ભારત આવ્યા હતા ત્યારે આ સમજૂતી પર સહી-સિક્કા કરવામાં આવ્યા હતા. હવે ભારતથી કામદારો રશિયા જઈ રહ્યા છે અને રશિયાના મોટા શહેરોની સડકો પર આ કામદારો દેખાય રહ્યા છે. મોસ્કો પર નજર રાખનારા એક એક્સપર્ટના કહેવા પ્રમાણે સેન્ટ પીટર્સબર્ગમાં ભારતના સેંકડો કર્મચારીઓ આવ્યા છે. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં પણ કેટલાક શ્રમીકો રશિયા આવ્યા હતા. અહેવાલ પ્રમાણે આ કર્મચારીઓને મહિને લગભગ એક લાખ રૂબલ (૧,૨૪૦ અમેરીકી ડોલર) સુધીનો માસિક પગાર મળે છે. ભારતીય ચલણમાં ગણીએ તો આ રકમ લગભગ એક લાખ દસ હજાર થાય છે. રશિયામાં શ્રમીકોની તંગી હોવાથી રશિયા ભારતના અમર્યાદિત શ્રમીકોને આવકારવા તૈયાર છે.


