Get The App

દિલ્હીની વાત : માયાવતીને 'મમ્મી - મમ્મી' કહેનાર સામે એફઆઇઆર

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : માયાવતીને 'મમ્મી - મમ્મી' કહેનાર સામે એફઆઇઆર 1 - image

નવીદિલ્હી : વાત થોડી વિચિત્ર લાગે એમ છે. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બસપાના પ્રમુખ માયાવતીને 'મમ્મી - મમ્મી' કહેનાર સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. બસપા પ્રમુખનો વાયરલ થયેલો વિડિયો જોઈને એમના ટેકેદારો નારાજ થયા હતા. આરોપી ઇન્ફલુએન્સરએ હાથ જોડીને માફી પણ માંગી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવાનું વચન આપ્યું હતું. સોશ્યલ મીડિયા ઇન્ફલુએન્સર પ્રકાશકુમાર ઉર્ફે પુનિત સુપરસ્ટાર સામે બસપાના જિલ્લા અધ્યક્ષ નરેન્દ્ર મોહિતએ ફરિયાદ દાખલ કરી છે. પુનિતએ સોશ્યલ મીડિયા પર મુકેલા એક વિડિયોમાં માયાવતીનો ફોટો હતો અને પુનિત એમને 'મમ્મી - મમ્મી' કહીને સંબોધન કરતા હતા. માયાવતીને મમ્મી કહેતા કઈ રીતે કોઈની લાગણી દુભાઈ શકે એની સમજ કોઈને પડતી નથી.

મહાગઠબંધનના ગઢમાં લાલુને ફટકો

આરજેડીના જિલ્લા પ્રમુખ તેમજ ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમદ કમરૂલએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. પક્ષ પ્રમુખને મોકલેલા પત્રમાં એમણે અંગત કારણસર રાજીનામા આપવાની વાત કરી છે. એમણે એમ પણ લખ્યું છે કે, તેઓ તમામ પ્રકારની જવાબદારી છોડી રહ્યા છે. તેઓ એમ કહી રહ્યા છે કે, બીજા પક્ષમાં જોડાવાની એમની કોઈ યોજના નથી. જોકે બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. બિહારમાં આજકાલ કોઈપણ નેતા અચાનક પક્ષના હોદ્દા ઉપરથી રાજીનામુ આપે એટલે સ્વાભાવિક રીતે જ માની લેવાય છે કે બીજા પક્ષમાંથી એમને વધુ સારી ઓફર મળી હશે. મોહમદ કમરૂલ જે વિસ્તારના નેતા છે ત્યાં સાંસદ સહીત ચાર વિધાનસભા ક્ષેત્ર પર મહાગઠબંધનનો કબજો છે.

મુખ્તાર અંસારીના પુત્રને મળી રાહત

અલ્હાબાદ હાઇકોર્ટે માફિયા મુખ્તાર અંસારીના પુત્ર અને ભૂતપૂર્વ ધારાસભ્ય અબ્બાસ અંસારીને મોટી રાહત આપી છે. હાઇકોર્ટે અબ્બાસ અંસારીની અરજી સ્વિકારીને મઉની સ્પેશિયલ કોર્ટે ફરમાવેલી બે વર્ષની સજા રદ કરી દીધી છે. કોર્ટના આ હુકમ પછી હવે અબ્બાસ અંસારી ફરીથી ધારાસભ્ય બની જશે. મતલબ કે મઉ સદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી નહીં થાય. કોર્ટના ચુકાદાને યોગી સરકારના કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરએ આવકાર્યા છે એનાથી કેટલાકને નવાઈ લાગી છે. રાજભરએ કહ્યું છે કે અમારી જીત થઈ છે. હાઇકોર્ટમાં અમને જીત મળી છે. મેં તો પહેલા જ કહ્યું હતું કે નીચલી અદાલતના ચૂકાદા સામે અપીલ કરવામાં આવશે અને રાહત મળશે. રાજભરનું કહેવું છે કે બીજા કિસ્સાઓમાં પણ આ જ રીતે અપીલ કરવામાં આવશે અને રાહત મળશે. જો અંસારીને રાહત નહી મળતે તો પેટા ચૂંટણી થતે. અબ્બાસ અંસારીએ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી વખતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું એમણે કેટલાક અધિકારીઓને ધમકી આપી હતી.

ચંદ્રશેખર આઝાદએ સરખુ કામ, સરખો પગારનો મુદ્દો ઊઠાવ્યો

ઉત્તર પ્રદેશની નગીના લોકસભા બેઠકના સાંસદ ચંદ્રશેખર આઝાદએ સરખા પગારનો મુદ્દો ઊઠાવ્યો છે. એમણે કહ્યું છે કે, દેશમાં કામ કરનાર તમામના પગારનું ધારાધોરણ સરખું હોવું જોઈએ. એક કામ કરનાર સરકારી કર્મચારીને જો ૫૦ હજાર રૂપિયા મળતા હોય તો એ જ કામ કરનાર બીજા કર્મચારીને કે આઉટ સોર્સથી નિમાયેલા કર્મચારીઓને ફક્ત ૮ હજાર રૂપિયા જ મળે છે. સરકારે આ અન્યાય દુર કરવો જોઈએ. સંસદમાં પ્લેકાર્ડ લઈને પ્રદર્શન કરી રહેલા આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ)ના પ્રમુખ ચંદ્રશેખરએ કહ્યું હતું કે, 'દેશમાં સરકારી કર્મચારીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આશરે બે ટકા લોકો સરકારી નોકરી કરે છે. આ સિવાય પણ એક મોટુ સેક્ટર છે જેને આપણે પ્રાઇવેટ સેક્ટર કહીએ છીએ. આમા કોન્ટ્રાક્ટથી કે આઉટ સોર્સીંગથી ઘણા બધા કર્મચારીઓ કામ કરે છે. સરકારી કર્મચારીઓને ૮ કલાક કામ કરવાના ૫૦ હજાર રૂપિયા મળે છે જ્યારે એટલું જ કામ કરવાના અન્ય કર્મચારીઓને ફક્ત ૮ હજાર રૂપિયા મળે છે.'

અસદુદ્દીન ઓવૈસીનો સવાલ, મોદી સરકાર શેખ હસીનાને પાછી કેમ નથી મોકલતી

બાંગ્લાદેશમાં બળવો થયા પછી ભાગીને ભારત આવેલા ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારતે રાજ્યાશ્રેય આપ્યો છે. હવે એઆઇએમઆઇએમના પ્રમુખ અસદ્દુદીન ઓવૈસીએ પ્રશ્ન કર્યો છે કે, એક તરફ મોદી સરકાર ભારતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પરત મોકલવા માંગે છે તો બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાથી શરૂઆત શા માટે નથી થતી? ઓવૈસીએ કહ્યું હતું કે, 'આપણે એ નેતાને દેશમાં શા માટે રાખીએ છીએ, એમને પાછા મોકલી આપો, તેઓ પણ બાંગ્લાદેશી છે.' ઓવૈસીનું માનવું છે કે ભારતે ઢાકામાં થયેલી ક્રાંતિને સ્વિકારીને બાંગ્લાદેશ સરકાર સાથે સંબંધ સુધારવા જોઈએ. એમ લાગે છે કે, જે રીતે મોદી સરકાર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પાછા મોકલી રહી છે એનાથી ઓવૈસી ખુશ નથી.

કોંગ્રેસના મુખ્યમંત્રીએ શા માટે રાજનાથસિંહનો આભાર માન્યો

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહનો આભાર માન્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી આ વર્ષે દશેરાના તહેવારને દિવસે મૈસુરમાં ભારતીય વાયુસેનાનો એર શો કરવા માંગતા હતા. આ એર શો માટે રક્ષામંત્રીની મંજૂરી માંગવામાં આવી હતી. રાજનાથસિંહે આ મંજૂરી આપી દેતા સિદ્ધારમૈયા ખુશ થઈ ગયા છે. સિદ્ધારમૈયાએ રાજનાથસિંહને કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. સિદ્ધારમૈયાનું માનવું છે કે એર શોને કારણે મૈસુરમાં પર્યટનને વેગ મળશે. સિદ્ધારમૈયાનું માનવું છે કે જો રાજનાથસિંહ આ કાર્યક્રમમાં હાજર રહેશે તો કર્ણાટકના લોકો ખુશ થશે. દર વર્ષે દશેરાના દિવસે કર્ણાટકમાં અલગ અલગ કાર્યક્રમો થાય છે. સિદ્ધારમૈયાની ઇચ્છા હતી કે આ વર્ષે મોટા કાર્યક્રમનું આયોજન કરવું છે.

દિલ્હીના નવા પોલીસ કમિશનર સતિશ ગોલચા કોણ છે

દિલ્હીના પોલીસ કમિશનર તરીકે સતિશ ગોલચાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ હવે એસબીકે સિંહની જગ્યા લેશે. અત્યાર સુધી સિંહને દિલ્હી પોલીસ કમિશનરની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. સતિશ ગોલચાનો કાર્યકાળ ૨૦૨૭ સુધી રહેશે. તેઓ હમણા ડીજી (જેલ) હતા. ૧૯૯૨ની બેન્ચના અરૂણાચલ પ્રદેશ - ગોવા - મિઝોરમ અને કેન્દ્ર શાસિત પ્રદેશ કેડરના આઇપીએસ અધિકારી સતિશ ગોલચા તિહાર જેલના મુખ્ય અધિકારી પણ રહી ચૂક્યા છે. એમણે દિલ્હી પોલીસની ઇન્ટેલિજન્સ વીંગમાં પણ કામ કર્યું હતું. સતિશ ગોલચાની ઇમેજ નો નોનસેન્સ અધિકારીની છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના કેટલાક અધિકારીઓ સાથે પણ એમના ગાઢ સંબંધો હોવાનું કહેવાય છે.

કેરળ કોંગ્રેસના વિધાયક સામે ટ્રાન્સ મહિલાના આરોપ

મલાયલમ અભિનેત્રી અને લેખિકા દ્વારા ગેરવર્તનના આરોપો પછી કેરળ કોંગ્રેસના વિધાયક રાહુલ મામકૂટાથિલ સામે ટ્રાન્સ મહિલાએ જાતીય સતામણીના આરોપ લગાવ્યા છે. તેણે આરોપ લગાવ્યા છે કે રાહુલે તેના પર બળાત્કાર કરવાની ઈચ્છા વ્યક્ત કરતા મેસેજ મોકલ્યા છે. રાહુલે મલાયલમ અભિનેત્રીના આરોપો પછી યુથ કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામુ આપી દીધું હતું.

ઓટીટીના નિયમો વાણી સ્વતંત્રતાને હાનિ પહોંચાડશે : પ્રિયંકા

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા વાઢરાએ ઓટીટી અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ પર સસંદીય કમિટીની ભલામણોનો સખત વિરોધ કરતા ચેતવણી આપી કે તેનાથી વાણી સ્વાતંત્ર્ય જોખમાશે અને તે રાજકીય નિયંત્રણનું નવું હથિયાર બનશે. પ્રિયંકાએ સૂચન કર્યું કે ફિલ્મસર્જકો, કોમેડિયનો અને સંગીતકારો સાથે સમાચાર  પોર્ટલો, યુ ટયુબ ચેનલો, ઈન્ફ્લ્યુએન્સરોને કોઈપણ નિયંત્રણોથી સુરક્ષિત કરવાની જરૂર છે. ભાજપના સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલના નેતૃત્વ હેઠળ બનેલી ૩૦ સભ્યોની સંસદીય કમિટીમાં પ્રિયંકા પણ સભ્ય છે.

કર્ણાટક કોંગ્રેસની ગેરન્ટી સામે સીએજીની ચેતવણીથી વિવાદ

કંપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (સીએજી)એ ૨૦૨૩-૨૪માં ૬૩ હજાર કરોડ સુધી પહોંચેલા કર્ણાટકની ઉધારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી જે મોટાભાગે ગેરન્ટી યોજનાઓ માટે લેવામાં આવી હતી. કોંગ્રેસ સરકારે મે ૨૦૨૩થી ગૃહ લક્ષ્મી, યુવા નિધિ, અન્ન ભાગ્ય, શક્તિ અને ગૃહ જ્યોતિ યોજનાઓ પર ૯૬ હજાર કરોડ ખર્ચી નાખ્યા છે. ભાજપે સિદ્ધારામૈયા પર ગેરવહિવટનો આરોપ લગાવ્યો છે જ્યારે અર્થશાસ્ત્રીઓ તેને ટૂંકા ગાળા માટે તો યોગ્ય પણ લાંબા ગાળા પર તેના પ્રભાવ વિશે ચિંતા વ્યક્ત કરી છે. ગેરન્ટી યોજનાઓને કારણે કોંગ્રેસને રાજ્યમાં ચૂંટણીમાં વિજય તો મળ્યો પણ તેના કારણે પાર્ટીએ દેશના અન્ય રાજ્યોમાં પણ આવી યોજનાઓ લાગુ કરવી પડી તેમજ ભાજપને પણ પોતાના શાસિત રાજ્યોમાં આવા પગલા લેવાની ફરજ પડી. ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે આવી અવાસ્તવિક યોજનાઓએ કોંગ્રેસ શાસિત કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગણામાં વિકાસ કાર્યો પર નકારાત્મક અસર કરી છે.

ટીવીકે ચીફ વિજય મદુરાઈથી ચૂંટણી લડશે

તમિલનાડુ વિધાનસભાની આગામી ચૂંટણીમાં એક્ટર-રાજકરણી અને તમિલાગા વેતરી કઝગમ(ટીવીકે)ચીફ વિજયએ મદુરાઈ જિલ્લામાં તેની મેગા રેલી શરૂ કરી. વિજય તેની પાર્ટીને તમિલનાડુમાં ત્રીજા ફ્રન્ટ તરીકે રજૂ કરવા માગે છે અને ડીએમકે તેમજ એઆઈએડીએમકેનો વિકલ્પ બનવા માગે છે. તાજેતરમાં જ વિજયે ટીવીકે માટે સભ્યપદ અભિયાન શરૂ કર્યું. વિજયે આગાહી કરી કે આગામી ચૂંટણીમાં પણ અગાઉની જેમ નવોદિતો જીતી જશે.

- ઈન્દર સાહની