Get The App

ચૂંટણી સમયે આરજેડીમાં જોડાવા લાઇન લાગી

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
ચૂંટણી સમયે આરજેડીમાં જોડાવા લાઇન લાગી 1 - image

નવીદિલ્હી: બિહારની ચૂંટણી નજીક છે ત્યારે મોટા ભાગના બિહારીઓ રાજકીય રીતે સક્રીય થઈ ગયા છે. જેમને જે પક્ષ યોગ્ય લાગે છે એમની સાથે જોડાવા માટે પડાપડી થઈ રહી છે. આરજેડીએ પટણા ખાતેની ઓફિસમાં મિલન સમારોહનું આયોજન કર્યું હતું એ વખતે વિવિધ ક્ષેત્રોના લોકો ત્યાં પહોંચી ગયા હતા. બિહારના આરજેડીના પ્રમુખ મગનીલાલ મંડલ અલગ જ મૂડમાં હતા. એમના કહેવા પ્રમાણે લાલુ પ્રસાદ યાદવનો જાદુ લોકોને આરજેડી તરફ ખેંચી લાવે છે. એમના કહેવા પ્રમાણે તેજસ્વી યાદવએ ૬૫ ટકા અનામતની વ્યવસ્થા કરી હતી, પરંતુ એનડીએ સરકારે ૧૬ ટકા અનામતની ચોરી કરી છે. લોકશાહી અને મતદારોના હક નબળા પડી રહ્યા છે. ત્યાં હાજર અન્ય નેતાઓએ પણ એનડીએ સરકારને માથે માછલા ધોયા હતા. એનડીએના શાસનમાં બિહાર પાછળ રહી ગયું હોવાની વાતો પણ થઈ રહી હતી. પક્ષ સાથે જોડાયેલા કેટલાક યુવાનોનું કહેવું હતું કે તેઓ જાતિ - ધર્મ વગરની રાજનીતી કરવા માટે રાજકારણમાં આવ્યા છે.

સંઘ અને શંકરાચાર્યો સાથે થયેલી યાસીન મલિકની મુલાકાતનો વિવાદ

દિલ્હીની તિહાર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા જે કે એલએફના પ્રમુખ અને આતંકવાદી જાહેર થયેલા યાસીન મલિકએ કોર્ટમાં એફીડેવીટ દાખલ કરી છે. એફીડેવીટમાં એમણે કરેલી કેટલીક ચોંકાવનારી વાતો ધીમે ધીમે બહાર આવી રહી છે. યાસીન મલિકની એફીડેવીટમાં સત્ય કેટલું છે એની ખબર નથી, પરંતુ એણે દેશના ભૂતપૂર્વ પ્રધાન મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, વિદેશના રાજદૂતો અને જાસુસી એજન્સીના અધિકારીઓ સાથેના સંબંધની વાત કરી છે. યાસીન મલિકે ત્યા સુધી કહ્યું છે કે, અલગ અલગ મઠોના શંકરાચાર્યો ઘણી વખત એમના શ્રીનગરના ઘરે આવ્યા હતા અને એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરમાં દેખાયા હતા. આ ઉપરાંત યાસીન મલિકે એવો પણ દાવો કર્યો છે કે દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે એણે આરએસએસના નેતાઓ સાથે પાંચ કલાક સુધી મીટીંગ કરી હતી.

બિહારની ચૂંટણીમાં ઝંપલાવવા નવા પક્ષો પણ મેદાને

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ વ્યવસાયોની જેમ વકીલોએ પણ રાજકારણમાં ઝંપલાવ્યું છે. પટણા હાઇકોર્ટના સિનિયર વકીલ અને રાજ્ય બાર કાઉન્સિલના સભ્ય યોગેશચંદ્ર વર્માએ કહ્યું છે કે, રાજકીય પક્ષો જો વકીલોને યોગ્ય સ્થાન નહીં આપશે તો રાજ્યના વકીલો અલગ પક્ષ બનાવી તમામ ૨૪૩ વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડશે. એમના કહેવા પ્રમાણે રાજ્યના ૭ થી ૮ કરોડ મતદારોમાંથી લગભગ ૫૦ લાખ લોકો સીધી કે આડકતરી રીતે વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે. આમ છતાં ચૂંટણી વખતે દરેક પક્ષ ટિકિટ આપવાને સમયએ વકીલોની ઉપેક્ષા કરે છે. દરેક રાજકીય પક્ષે ઓછામાં ઓછી ૨૫ ટકા ટિકિટો વકીલોને આપવી જોઈએ કારણ કે વકીલો સમાજને સારી રીતે સમજી શકે છે.

અપર્ણા યાદવના માતા સહીત પાંચ સામે એફઆઇઆર

 ઉત્તર પ્રદેશમાં નવાઇ લાગે એવી ઘટના બની છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં મહિલા આયોગના ઉપપ્રમુખ અપર્ણા યાદવની માતા અંબી બિસ્ત સહિત પાંચ લોકો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ૨૦૧૬ના વર્ષમાં જાનકી પુરમની જમીનના કૌભાંડ સંદર્ભે આ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. નવાઇની વાત એ છે કે અપર્ણા યાદવ ભાજપ સાથે સંકળાયા છે. અંબી બિસ્તની સાથે સાથે એલડીએના તત્કાલીન અધિકારી વિરેન્દ્રસિંહ, ઉપસચીવ દેવેન્દ્રસિંહ રાઠોડ સહિત કેટલાક એકાઉન્ટન્ટના નામો પણ આ એફઆઇઆરમાં છે. રાજ્યની વિજિલન્સ બ્રાન્ચે કરેલી તપાસ પછી જવાબદારો સામે કેસ દાખલ થયો છે. આ ગરબડ થઈ એ વખતે અંબી બિસ્ત એલડીએમાં અધિકારી હતા. અપર્ણા યાદવ સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવના સાવકા ભાઈ પ્રતિક યાદવના પત્ની છે. તમામ આરોપીઓ સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ત્રણ ભૂતપૂર્વ ચૂંટણી કમિશનરોને કોણે રાજકીય પ્રમોશન આપ્યા હતા?

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજકાલ મુખ્ય ચૂંટણી કમિશનર સામે આંદોલન ચલાવી રહ્યા છે. રાહુલ ગાંધીનો મુખ્ય આક્ષેપ છે કે મુખ્ય ચૂંટણી કમિશનર ભાજપના કાબુમાં છે. નરેન્દ્ર મોદી અને ચૂંટણી કમિશનર વચ્ચે સાંઠગાઠ છે. હવે ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરએ રાહુલ ગાંધીના આક્ષેપો સામે વળતો આક્ષેપ કર્યો છે. એમણે કહ્યું છે કે, ભૂતપૂર્વ ત્રણ મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ પૂરો થયા પછી તેઓ રાજનીતીમાં આવ્યા હતા અને કોગ્રેેસે એમને ટેકો આપ્યો હતો. ઠાકુરએ કહ્યું હતું કે, 'રમા દેવી, એમએસ ગીલ, ટી એન શેસન કયા પક્ષ સાથે જોડાયા હતા અને એમને ચૂંટણી કમિશનર કોણે બનાવ્યા હતા એનો જવાબ આપો. કોંગ્રેસની તત્કાલીન સરકારે ચૂંટણી કમિશનનો દુરઉપયોગ કર્યો હતો અને ત્યાર પછી રીટાયર્ડ ચૂંટણી કમિશનરોને મોટા હોદ્દાઓ આપ્યા હતા. રમા દેવી ૧૯૯૦ની ૨૬મી નવેમ્બરે મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા. ૧૯૯૩માં એમને રાજ્યસભાના સેક્રેટરી બનાવવામાં આવ્યા અને ત્યાર પછી તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા હતા. એ જ રીતે ટી એન શેસન પણ નિવૃત્તી પછી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડયા હતા.'

ડી રાજા પછી હવે સીપીઆઇની લગામ કોના હાથમાં

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીઆઇ)માં આજકાલ નેતૃત્વ મામલે ધમાલ ચાલી રહી છે. આવતા અઠવાડિયે ચંદીગઢમાં પક્ષનું ૨૫મું અધિવેશન ભરાવાનું છે. પક્ષમાં સવાલ પૂછાઇ રહ્યો છે કે, હાલના મહામંત્રી ડી રાજા ૭૫ વર્ષના થઈ ગયા છે તો હવે નેતૃત્વ કોણ સંભાળશે. ડી રાજા ૨૦૧૯થી સીપીઆઇના મહામંત્રી છે. તેઓ પક્ષનો સૌથી વધુ જાણીતો ચહેરો છે. ડી રાજા પછી એમની જગ્યા કોણ લેશે એ માટે કેટલાક નામો ચર્ચાય રહ્યા છે. સીપીઆઇની ટ્રેડ યુનિયન શાખાના મહામંત્રી અને આક્રમક મહિલા નેતા અમરજીત કૌર ઉપરાંત બિનોય વિશ્વમનું નામ પણ ચર્ચાય રહ્યું છે. બિનોય વિશ્વમ કેરળ સીપીઆઇના રાજ્ય સચીવ તરીકે ફરીથી ચૂંટાયા છે. તેઓ હમણા કેરળ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આ ઉપરાંત કે નારાયણ, નાગેન્દ્રનાથ ઓઝા, અઝીઝ પાસાના નામ પણ ચર્ચામાં છે.

બિહાર ચૂંટણીમાં મુખ્ય રાજકીય સેન્ટર પૂર્ણિયા બની રહ્યું છે

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સિમાંચલ ક્ષેત્રનું પૂર્ણિયા રાજકારણનું અગત્યનું કેન્દ્ર બની રહ્યું છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરન્દ્ર મોદીએ પૂર્ણિયામાં જન સભા સંબોધી હતી એ વખતે મુખ્યમંત્રી નિતિશકુમાર સહિત એનડીએના કેટલાક મોટા નેતાઓ પણ સાથે હાજર રહ્યા હતા. હવે કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાન પણ અહીં રેલી કરવાના છે. ત્યાર પછી પ્રિયંકા ગાંધી પૂર્ણિયામાં જનસભા કરશે. ચિરાગ પાસવાન અહીં નવસંકલ્પ મહાસભા કરશે. આ પહેલા ચિરાગની આરા, નાલંદા, ગયા, સારણ, મુંગેર અને મુઝફફર નગરમાં સભા થઈ ચૂકી છે. ગયા મહિને રાહુલ ગાંધીએ પણ વોટર યાત્રા અધિકાર વખતે પૂર્ણિયા સહિત સિમાંચલ ક્ષેત્રની યાત્રા કરી હતી. પપ્પુ યાદવ પુર્ણિયાના સાંસદ છે.