નવી દિલ્હી : કેરળથી સાંસદ તરીકે ચૂંટાયેલા શશી થરૂર અને એમના કાર્યકરો વચ્ચે કડવાશ વધી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી શશી થરૂરએ નરેન્દ્રમોદીના વખાણ કરવાના શરૂ કર્યા ત્યારથી કોંગ્રેસ હાઇકમાન્ડને તેઓ ખૂંચી રહ્યા છે. કેરળ કોંગ્રેસના સિનિયર નેતા મુરલીધરનએ શશી થરૂરની કડક ટીકા કરી છે. એમણે થરૂર પર નિશાન તાંકીને કહ્યું છે કે, તીરૂવંતપુરમના સાંસદને રાજધાનીમાં આયોજીત કોઈપણ કાર્યક્રમમાં બોલાવવામાં નહીં આવે. તેઓ જ્યાં સુધી રાષ્ટ્રીય સુરક્ષા બાબતે એમના વિચારો નહીં બદલે ત્યાં સુધી એમની સામેનો વિરોધ ચાલું રહેશે. મુરલીધરનએ કહ્યું હતું કે થરૂર અમારામાંથી એક નથી. એમણે કહ્યું હતું કે, 'તેઓ જ્યાં સુધી પોતાની વિચારધારા નહીં બદલે ત્યાં સુધી તીરૂવંતપુરમમાં યોજાતા કોઈપણ પક્ષના કાર્યક્રમમાં એમને આમંત્રણ અપાશે નહીં.'
સંસદમાં ભાજપનું સંખ્યાબળ વધશે, 7 સાંસદો તૂટવાની તૈયારી
મહારાષ્ટ્રના જલસંસાધન મંત્રી ગીરીશ મહાજનએ દાવો કર્યો છે કે, વિરોધપક્ષોના કેટલાક સાંસદ ખાસ કરીને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ ભાજપના સંપર્કમાં છે. એમણે આડકતરો સંદેશો આપ્યો છે કે આવનાર દિવસોમાં સંસદમાં પક્ષની સંખ્યા વધશે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાકતા ભાજપના નેતાએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં 'ઠાકરે બ્રાન્ડ'નું અસ્તિત્વ રહ્યું નથી. શોલાપુરમાં પ્રસિદ્ધ પંઢરપુર મંદીરના દર્શન કર્યા પછી મહાજનએ કહ્યું હતું કે ભાજપના સાંસદોની સંખ્યા હવે વધશે. પહેલા ચાર સાંસદો અમારા સંપર્કમાં હતા હવે બીજા ત્રણ પણ અમારી સાથે જોડાવા તૈયાર છે. આ સાંસદો વિવિધ પક્ષોના છે, પરંતુ બહુમતિ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથના છે. આનો પ્રતિઉત્તર આપતા ઉદ્ધવ ઠાકરએ કહ્યું હતું કે, ઠાકરે ફક્ત બ્રાન્ડ નથી પરંતુ મહારાષ્ટ્રમાં મરાઠી માણસ અને હિન્દુના ગૌરવની ઓળખ છે.
લાલુપ્રસાદ યાદવની બાયોગ્રાફીમાં અવનવી વાતો
બિહારના એક પત્રકારએ લાલુપ્રસાદ યાદવની બાયોગ્રાફી લખી છે. આ બાયોગ્રાફીમાં લાલુપ્રસાદ યાદવની કેટલીક અલકમલક વાતો છે. લેખકના કહેવા પ્રમાણે લાલુએ એમને કહ્યું હતું કે, 'હું જ્યારે બાળક હતો ત્યારે મને વાળ ઓઢવાનું ખૂબ ગમતું હતું. મને ચોખ્ખા કપડા પહેરવાનો પણ શોખ હતો. હું જ્યારે ભેંસ ચરાવવા જતો હતો ત્યારે અમારા ગામને બાબુ સાહેબો મને ખુબ હેરાન કરતા હતા. એમનું માનવું હતું કે, હું સારી રીતે તૈયાર થવાનું સાહસ કેવી રીતે કરી શકતો હતો. હું નાનો હતો ત્યારે મેં કદી બે ટંકનું ખાવાનું ખાધુ નથી. મેં કદી સવર્ણોને ભૂખ્યા જોયા નથી.' પ્રવાસ દરમિયાન લાલુ આવી વાતો કરીને પછી ઉદાસ દેખાતા હતા, પરંતુ તરત જ હસીને કહેતા હતા કે, હવે જુઓ, મારા વાળ કેટલા સુંદર રીતે કપાયેલા છે. લોકો એને સાધના કટ કહે છે.
કેજરીવાલ સોરેન પછી જગદીપ ધનખડને કેમ મળ્યા
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્ય સભાના સાંસદ સંજયસિંહ મળ્યા હતા. આ પહેલા આપના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદ કેજરીવાલ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ મળ્યા હતા. આ બંને મુલાકાતોમાં એક સામ્યતા છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડે આ મુલાકાતની જાણકારી આપી છે. કેજરીવાલે પણ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ એક્સ પર ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યાની તસવીરો શેર કરી છે. કેજરીવાલએ લખ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિની તબિયત જાણવા માટે એમણે શુભેચ્છા મુલાકાત લીધી હતી. કેજરીવાલ અને સંજયસિંહ ઉપરાષ્ટ્રપતિને સ્વસ્થ જીવનની શુભકામના આપવા માટે મળ્યા હતા. હેમંત સોરેનના પિતા શીબુ સોરેન દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કેજરીવાલ એમને મળવા પણ ગયા હતા. હેમંત સોરેને મળીને પણ એમણે પિતાના ખબરઅંતર પૂછયા હતા.
અન્ના મલાઈને ભાજપની મોટી જવાબદારી મળશે
તામીલનાડુના ભૂતપૂર્વ પ્રમુખ અન્ના મલાઈને પક્ષમાં મોટી જવાબદારી મળી શકે છે. એમને ભાજપના મહામંત્રી તરીકે પ્રમોટ કરવામાં આવે એવી શક્યતા છે. ભાજપના સૂત્રોના કહેવા પ્રમાણે આવતા મહિને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી પછી અન્ના મલાઈને આપવાના પદની જાહેરાત થશે. એપ્રિલ મહિનામાં જ્યારે અન્ના મલાઈએ તામીલનાડુ ભાજપનું પ્રમુખપદ છોડયું હતું ત્યારે જ એમને વચન આપવામાં આવ્યું હતું કે પક્ષમાં એમને મોટો હોદ્દો આપવામાં આવશે. એમના પછી ધારાસભ્ય નૈનાર નાગેતરાનને રાજ્યમાં ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીમાં તામીલનાડુમાં ભાજપને ભલે એક પણ સીટ નહીં મળી હોય, પરંતુ એને મળેલા મતનો હિસ્સો ત્રણ ટકાથી વધીને અગિયાર ટકા થઈ ગયો છે. આ દેખાવની સંપૂર્ણ ક્રેડીટ અન્ના મલાઈને આપવામાં આવે છે.
બિહાર ભાજપમાં બળવો થઈ શકે છે
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપની ટીકીટ મેળવવાના સપના જોનારાઓની સંખ્યા પણ વધી રહી છે. જોકે ભાજપ હાઇકમાન્ડએ કેટલાક સિનિયર નેતાઓને જિલ્લાના પ્રભારી બનાવીને આંચકો આપ્યો છે. આ નેતાઓ પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મંત્રી અને અલગ અલગ મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે. જિલ્લા પ્રભારી બનાવવામાં આવેલા કેટલાક નેતાઓ દુ:ખી છે. હવે એમણે એક જમાનામાં કાર્યકર રહેલાઓની નીચે કામ કરવું પડશે. આ ધ્યાનમાં રાખીને કેટલાક નેતાઓએ પોતાના ઉપરીઓને સીધી રીતે કયાં બીજા માધ્યમોથી આ પદ નહીં સ્વિકારવાની જાણ કરી દીધી છે. કેટલાક નેતાઓની પીડા એવી છે કે ત્રણ - સાડા ત્રણ દસક મોટો સમય છે. લાંબા સમય સુધી પક્ષની સેવા કર્યા પછી પણ એમને ટિકિટ મળવાની સંભાવના નથી.
ઇકરા હસનને નિકાહનો પ્રસ્તાવ કરનાર યોગેન્દ્રસિંહ રાણા કોણ છે
કરણી સેનાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ઠાકુર યોગેન્દ્રસિંહ રાણા ફરી એકવાર એમના વિવાદીત નિવેદનોને કારણે સમાચારમાં ચમક્યા છે. સપા સાંસદ ઇકરા હસનને એમણે સોશ્યલ મીડિયા પર નિકાહ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. યોગેન્દ્ર સિંહ રાણાનું કહેવું છે કે તેઓ પોતાના નિવેદનને વળગી રહે છે ભલે પછી એમને જેલ જવું પડે કે ફાસી પર ચડવું પડે. રાણાએ કહ્યું હતું કે, 'મે જે કહ્યું છે એ સમજી વિચારીને કહ્યું છે. હું પાછો નહીં હટુ. ભલે ગમે તે થઈ જાય. હું ઇકરા હસન સાથે નિકાહ કરવા માંગુ છું અને એ માટેની અનુમતિ એમની પત્નીએ પણ આપી દીધી છે. ઇકરા હજી કુવારી છે અને હું પણ દેખાવમાં કમ નથી. મારી પાસે મિલકત પણ છે. ઇકરા જો ઇચ્છે તો હું એને નમાઝ પઢવાની પરવાનગી પણ આપીશ. જોકે મારી શરત એ છે કે અસદ્દુદીન ઓવૈસી અને અકબરૂદ્દીન ઓવૈસીએ મને 'જીજા' કહેવું પડશે.
ટીએમસીએ સમોસા અને જલેબી એડ્વાઈઝરી બાબતે કેન્દ્રની મજાક ઉડાવી
કેન્ટીન અને કાફેટેરીયામાં વાનગીઓમાં રહેલી ચરબી અને સાકરના પ્રમાણ વિશે માહિતી આપવાના આરોગ્ય મંત્રાલયના આદેશની ટીકા કરવામાં પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી સૌ પ્રથમ હતી. મમતાના મતે આ એડ્વાઈઝરી સમોસા અને જલેબી પર પ્રતિબંધ મુકવા સમાન છે. જો કે કેન્દ્રએ તેના અર્થઘટનને ભૂલભરેલું ગણાવ્યું હતું. છતાં ટીએમસીને એમાં રાજકીય તક દેખાઈ અને ગયા અઠવાડિયે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા કર્મીઓને સમોસા અને જલેબી જ પીરસ્યા. એટલું જ નહિ પણ ભાજપના કેટલાક નેતાઓને માંસાહાર સામે વાંધો હોવાથી પત્રકારો માટે ફિશ ફ્રાયની જોગવાઈ પણ કરવામાં આવી. કેટલાક મહિનાઓ અગાઉ એક હિન્દુ જૂથે દિલ્હીના બંગાળી વસતી ધરાવતા વિસ્તારમાં માછલી વેંચનારાઓને ચેતવણી આપી હતી ત્યારે ટીએમસીએ બંગાળી સંસ્કૃતિ અને આહારમાં માછલીનું વિશેષ સ્થાન હોવાનું જણાવીને ભારે હોબાળો મચાવ્યો હતો.
પીએમ સામે વાંધાજનક નિવેદનો બદલ સપા નેતા સામે ગુનો
સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે જેમાં સપાના નેતા રોહિત રાજપુત પીએમ મોદી અને યુપીના સીએમ યોગી સામે રાક્ષસ અને ઝેરીલા જેવા વાંધાજનક શબ્દ પ્રયોગ કરતા જણાય છે. તેમની સામે બરાદરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
બિહારના યુવાનોને નોકરી જોઈએ છે, ભાષણો નહિ : રાહુલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે મહારોજગાર મેળાનો ઉલ્લખ કરતા જણાવ્યું કે બિહારના યુવાનોને રાજકીય ભાષણબાજી નહિ પણ રોજગાર જોઈએ છે. સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં રાહુલ ગાંધીએ ભાજપ અને નિતિશ કુમારની સરકાર હેઠળ બિહારના યુવાનોના સંઘર્ષ પર પ્રકાશ પાડયો. તેમણે જણાવ્યું કે મોટા પાયે બેરોજગારીને કારણે યુવાનોએ પોતાના પરિવાર અને ગામ રાજ્ય છોડીને અન્યત્ર જવાની ફરજ પડી રહી છે. રાહુલે બિહારના યુવાનોને પરિશ્રમી, પ્રતિભાશાળી, સક્ષમ ગણાવતા જણાવ્યું કે તેમને સ્થાનિક અને આદરયુક્ત નોકરી મળવી જોઈએ. મહારોજગાર મેળા ખાતે ઉમટેલી ભીડનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે ભાજપ અને નિતિશે બિહારને બેરોજગારીની આગમાં ધકેલી દીધું છે.
- ઈન્દર સાહની


