નવીદિલ્હી : દિલ્હીમાં ૭૭મા પ્રજાસત્તાક દિવસની તૈયારી ચાલી રહી છે. પ્રજાસત્તાક દિવસ નજીક હોવાથી દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી છે. ખાસ કરીને કર્તવ્યપથ પર યોજાનારા ઐતિહાસિક કાર્યક્રમ માટે પોલીસે કેટલાક કડક નિયમો બનાવ્યા છે. દિલ્હી પોલીસે અર્ધસૈનિક દળોની ટીમ સાથે રહીને મલ્ટી લેયર સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરી છે. આખા વિસ્તારમાં સીસીટીવી કેમેરા મારફતે ૨૪ કલાક નજર રાખવામાં આવશે. આ કેમેરા એડવાન્સ્ડ ફેશિયલ રેકેગ્નાઇઝેશન સિસ્ટમ (એફઆરએસ) સાથે જોડાયેલા હશે. ઊંચા મકાનો પર એન્ટી ડ્રોન યુનિટ અને સ્નાઇપર ટીમો રાખવામાં આવશે જેથી આકાશ મારફતે કોઈ હુમલો થઈ શકે નહીં. હોટલો, ગેસ્ટહાઉસ અને ભાડુઆતોનું વેરીફિકેશન કરવામાં આવશે. કાર્યક્રમ માટે જેમને પાસ આપવામાં આવ્યા છે એમણે પાસ પર બતાવેલા રસ્તેથી જ કાર્યક્રમ સ્થળે પહોંચવાનું રહેશે.
હરિયાણા કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી હાર્યા પછી પણ કોંગ્રેસના નેતાઓ સુધરવાનું નામ લેતા નથી. હરિયાણા કોંગ્રેસમાં આંતરીક કલહ હવે ફક્ત અંદરની વાત નથી, પરંતુ જૂથબંધી જાહેર થઈ ગઈ છે. પાર્ટી હાઇકમાન્ડ એક તરફ સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કરે છે તો બીજી તરફ પક્ષમાં શિસ્તના લીરેલીરા ઉડી ગયા છે. પ્રદેશના સિનિયર નેતાઓ અલગ અલગ ચોકો કરીને બેઠા છે. રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને એક સાથે રહીને કામ કરવાની સલાહ આપે છે. જોકે આ જિલ્લા પ્રમુખો એકબીજાનું મોઢુ જોવા પણ તૈયાર નથી. પ્રદેશ કોંગ્રેસમાં સૌથી શક્તિશાળી ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્રસિંહ હુડાને મનાવામાં આવે છે. સંગઠન અને ધારાસભ્યો તેમજ ચૂંટણીની રણનીતિ પર એમનો પ્રભાવ છે. બીજી તરફ સીરસાના સાંસદ કુમારી શૈલજાનું જૂથ છે. જેની સાથે દલિત સમાજ હોવાનું મનાય છે.
મુલાયામ પરિવારમાંથી અપર્ણા યાદવ કેમ બહાર
ઉત્તર પ્રદેશના રાજકારણમાં આજકાલ એક ચર્ચા ચાલી રહી છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના ભાઈ પ્રતિક યાદવએ એમના પત્ની અને ભાજપના નેતા અપર્ણા યાદવ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. આ વાત એમણે સોશ્યલ મીડિયા પર પણ લખી છે. અપર્ણાના ભાઈએ જોકે એવું કહ્યું છે કે એમનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. એની ફરિયાદ પણ કરવામાં આવી છે. જોકે પ્રતિક યાદવના ઇન્સાગ્રામ એકાઉન્ટ પરથી કઈક અલગ જ કહેવામાં આવ્યું છે. લખવામાં આવ્યું છે કે, એણે એટલે કે અપર્ણાએ પ્રતિકના કુટુંબ સાથેના સંબંધો બગાડી નાખ્યા હતા. અપર્ણાને ફક્ત જાણીતા અને શક્તિશાળી બનવું હતું. હમણા મારી મેન્ટલ હેલ્થ ખુબ જ ખરાબ છે. એને કોઈ ફરક પડતો નથી. એ પોતાનામાં જ મસ્ત રહે છે. મે એની સાથે લગ્ન કર્યા એ મારૃં કમનસીબ.
યુવરાજના મૃત્યુ પછી ઉત્તર પ્રદેશના શાસન સામે પ્રશ્નો
ઉત્તર પ્રદેશના ગેટર નોઇડાના સેક્ટર ૧૫૦માં રોડ અકસ્માત થયો હતો. અકસ્માત પછી સ્થળ પર પહોંચેલી પોલીસ અને મેડિકલ ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. કાર લગભગ રસ્તાથી ૭૦ ફૂટ દુર પાણીમાં ડુબી ગઈ હતી. ક્રેઇન મંગાવવામાં આવી તો ૪૦ ફૂટથી આગળ પહોંચી શકી નહીં. રેસક્યુ ઓપરેશનને લીડ કરનાર કોઈ નહોતું. બચાવ માટે આધુનિક સાધનો પણ નહોતા. આખી રાત કારને બહાર કાઢવાની કોશિષ થઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવરાજ મહેતાના પિતાએ આક્ષેપ કર્યો છે કે, રસ્તાની બાજુમાં કોઈ બેરીકેડીંગ હતું નહીં. રીફલેક્ટર પણ હતા નહીં. લોકોનું કહેવું છે કે, ચેતવણીનું કોઈ બોર્ડ પણ હતું નહીં અને મદદ માટે બાર વાગ્યે મોકલેલો સંદેશો રાત્રે ત્રણ વાગ્યે ડીલીવર થયો હતો.
ઇરાન હિંસામાં અત્યાર સુધી શું થયું
ઇરાનમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી હિંસક પ્રદર્શન ચાલી રહ્યા છે. સત્ય હકીકત બહાર આવતી નથી, પરંતુ હિંસક તોફાનો હજી ચાલુ છે અને હજારોના મૃત્યુ થયા છે. સરકારી દમન અને પોલીસની કાર્યવાહીને કારણે ઓછામાં ઓછા ૭ હજાર યુવાનોના મૃત્યુ થયા હોવાની શંકા છે. હજારો લોકોને જેલમાં કેદ કરાયા છે. દેશમાં ઇન્ટરનેટ અને મિડયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં સુપ્રિમ લીડર આયાતુલ્લા અલી ખમનેઇ સામે દેખાવો ચાલુ છે. ઇરાનના શાસકો આ દેખાવો માટે અમેરિકાને જવાબદાર ગણાવે છે, પરંતુ સ્થાનિક ઇરાનીઓ આ વાત માનતા નથી. ઇરાને અમેરિકા ઉપરાંત ઇઝરાયને પણ તોફાનો માટે જવાબદાર ગણાવ્યું છે. ઇરાનનું સ્ટેટ ટીવી મથક દેખાવકારોએ કબજે કરી લીધું હતું અને થોડા સમય સુધી ટીવી પર સરકાર વિરોધી વાતો કરવામાં આવી હતી.
2030 સુધીમાં ભારત ઉચ્ચ મધ્યમ આવકવાળો દેશ બનવાના સપના
આપણા દેશમાં નવાઈની વાત એ છે કે, કોરોના જેવી બિમારીનો રીપોર્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પ્રકાશિત કરે છે. હવે આ જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રકાશિત કરેલા તાજા રીપોર્ટ પ્રમાણે આ દસકાના અંતમાં ભારતનો સમાવેશ ઉચ્ચ-મધ્યમ આવકવાળા વર્ગમાં થશે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૩૦ સુધીમાં ભારતની દરેક વ્યક્તિ દીઠ આવક લગભગ ૪ હજાર ડોલર એટલે કે ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા સુધીની થશે. જો આમ થાય તો ભારત, ચીન અને ઇન્ડોનેશિયાના વર્ગમાં આવી જશે. એસબીઆઇના કહેવા પ્રમાણે દેશને નિમ્ન આવકમાંથી નિમ્ન મધ્યમ આવકવાળી અર્થવ્યવસ્થાની કેટેગીરીમાં આવતા ૬૦ વર્ષ લાગ્યા હતા. ૧૯૬૨માં પ્રતિ વ્યક્તિ દિઠ આવક ૯૦ ડોલરથી વધીને ૨૦૦૭માં ૯૧૦ ડોલર થઈ હતી. ખાટલે મોટી ખોટ એ છે કે, કયા આધારે અને કયા આંકડાના હિસાબે એસબીઆઇએ આ સપનું બતાવ્યું છે એની ખબર કોઈને નથી.
પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશો હવે જાદુટોણાથી થતા ઉપચાર સામે પગલા લઈ શકશે
કેન્દ્ર સરકારે પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો અને પ્રશાસકોને છૂટ આપી છે કે તેઓ દેશી જડીબુટ્ટી કે જાદુટોણાથી થતા ઉપચારો અને જાહેરાતો સામે કાર્યવાહી કરી શકશે. હવે કેન્દ્ર શાસિત પ્રદેશો એવા અધિકારીઓની નિમણૂક કરી શકશે કે જે ઊંટવૈદો કેન્સર, ડાયાબીટીસ જેવી બિમારીઓની સારવાર બાબતે ગપ્પા ફેલાવતા હોય. ચમત્કારીક દવાઓ વિશેની જાહેરખબરો સામે પણ કાર્યવાહી થશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ સત્તા જમ્મુ-કાશ્મીર, લક્ષ્યદ્વીપ, ચંદિગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ તથા પોંડીચેરીના ઉપરાજ્યપાલોને આપી છે. સામાન્ય રીતે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં મેડિકલ સારવાર માટે કેટલાક લોકો ડોક્ટર પાસે જવાને બદલે ભૂવા પાસે જાય છે. કહેવાતી દવા બનાવતી કેટલીક કંપનીઓ પણ લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી જાહેરાતો કરતી હોય છે.


