Get The App

દિલ્હીની વાત : દિલ્હી પર હુમલા માટે લશ્કર- એ-તૈયબાનું કાવતરું

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : દિલ્હી પર હુમલા માટે લશ્કર- એ-તૈયબાનું કાવતરું 1 - image

નવીદિલ્હી : દેશની સુરક્ષા એજન્સીઓએ દિલ્હીને નિશાન બનાવીને આતંકવાદી હુમલો કરવાનું કાવતરૂ ખુલ્લુ કરીને હાઇ એલર્ટ જાહેર કર્યું છે. મળેલી જાણકારી પ્રમાણે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા દિલ્હીના લાલ કિલ્લાની આસપાસ અને ચાંદની ચોક સ્થિત એક જાણીતા મંદિરમાં બોમ્બ ધડાકા કરવાની તૈયારીમાં છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદની એક મસ્જિદમાં થયેલા બ્લાસ્ટનો બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવે એવી શક્યતા છે. લશ્કર-એ-તૈયબા આઇઇઇડી દ્વારા હુમલો કરવાનું કાવતરૂ કરી શકે છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ પ્રમાણે લશ્કર-એ-તૈયબા દેશભરના જાણીતા મંદિરોને પણ ટાર્ગેટ કરી શકે છે. આનો મતલબ એમ થાય કે દેશના અગત્યના ધાર્મિક સ્થળો આતંકવાદીઓની નજરમાં છે. સુત્રોના કહેવા પ્રમાણે દિલ્હીના લાલ કિલ્લાની સામે થયેલો બ્લાસ્ટ આ કાવતરાનો જ એક ભાગ હતો.

યુથ કોંગ્રેસના અરધો ડઝન કાર્યકરોએ કેન્દ્ર સરકારને ધ્રુજાવી 

ઇન્ડિયન યુથ કોંગ્રેસના ગણ્યાગાઠયા યુવાનોએ એઆઇ સમીટમાં વિરોધ પ્રદર્શન કરીને સરકારને ઊંઘતી ઝડપી હતી. એઆઇ સમીટ વખતે સરકારની અભેદ્ય સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ હતી. કાર્યકરો મંચ પર પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ગૃહમંત્રાલય ડઘાઈ ગયું હતું. પોતાની ઇમેજ બચાવવા ભાજપ સરકારે વળતો હુમલો કરીને દેશભરમાં ભાજપના કાર્યકરોને રસ્તા પર ઉતાર્યા હતા. દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસ સામે ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. પોલીસે ચાર કાર્યકરોની ધરપકડ કર્યા પછી એમને પટિયાલા હાઉસ કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે દેખાવકારોને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. પોલીસનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય નેતાઓ અને જાણીતી વ્યક્તિઓની હાજરીમાં સૂત્રો પોકારવામાં આવ્યા હતા. જોકે પોલીસ એ વાત છુપાવે છે કે કાર્યકરો મંચ સુધી કેવી રીતે પહોંચી શક્યા.

'મોદી સરકારનો અર્થ મેક્સિમમ ઓપ્ટીક્સ ડેમેજીંગ ઇન્ડિયા' : જયરામ

કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશએ મોદી સરકાર વિરુદ્ધ તીખી ટીપ્પણી કરી છે. દિલ્હી ખાતે આયોજીત એઆઇ ઇમ્પેક્ટ સમીટ બાબતે જયરામ રમેશે મોદી પર ટીપ્પણી કરી છે. એમણે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે 'મોદી ગવર્નન્સનો મતલબ 'મેક્સીમમ ઓપ્ટીક્સ ડેમેજીંગ ઇન્ડિયા' એટલે કે ભારતને વધુમાં વધુ નુકસાન થઈ રહ્યું છે. એમણે લખ્યું છે કે, અમેરિકા - પાકિસ્તાન વચ્ચે રોમાન્સ ચાલુ છે. જ્યારે આ બની રહ્યું છે ત્યારે પોતાને વિશ્વ ગુરુ કહેનાર દુનિયાના જ્ઞાાન પીરસી રહ્યા છે. વિવિધ કંપનીના સીઈઓને એક સાથે નિવેદન આપવા મજબૂર કરી રહ્યા છે. સમીટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દુનિયાના અગત્યના નેતાઓ તેમજ ટેક કંપનીના પ્રમુખોને ગ્રુપ ફોટા માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. આ બધાને હાથ ઉંચા કરીને ફોટા પાડવા માટે પણ ફરજ પાડવામાં આવી હતી.

ટ્રમ્પનો ખેલ બગાડનાર ભારતીય નીલ કાત્યાલ કોણ છે

અમેરિકાની સુપ્રિમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાડવામાં આવેલા ટેરીફને બીનબંધારણીય કહીને રદ કરવાનો હુકમ કર્યો છે. આ ઐતિહાસીક નિર્ણય માટે ભારતીય મૂળના નીલ કાત્યાલ જવાબદાર છે. નીલ કાત્યાલે જ કોર્ટમાં ટ્રમ્પના પગલાને ચેલેન્જ કર્યો હતો. ૧૯૭૭ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ એટલે કે આઇઇઇપીએનો ઉપયોગ કરીને વ્યાપારીક સંબંધવાળા દેશો પર ટેરીફ લગાડવામાં આવ્યો હતો. નીલ કાત્યાલએ અમેરિકાની સુપ્રિમ કોર્ટમાં દલીલ કરી હતી કે, ડોનાલ્ડ ટ્રમ્પએ કટોકટી આર્થિક શક્તિનો અર્થ ખોટો કાઢયો હતો. એમની દલીલ હતી કે ટેરીફ ખરેખર તો ટેક્સ હોય છે અને ટેક્સ લાગુ કરવાનો અધિકાર ફક્ત અમેરિકાની કોંગ્રેસ પાસે છે. આ અધિકાર અમેરિકાના પ્રમુખ પાસે નથી. છેવટે સુપ્રિમ કોર્ટે પણ માન્યુ હતું કે ટેરીફ એટલે કે ટેક્સ લાગુ કરવાની સત્તા ફક્ત કોંગ્રેસ પાસે છે.

એન્ડ્રુયુ શાહી ઉત્તરાધિકારીના લીસ્ટમાંથી બહાર

એપસ્ટીન ફાઇલમાં નામ આવવાને કારણે પોલીસે એન્ડ્રુયુ માઉન્ટ બેટનની ધરપકડ કરી છે. હવે બ્રિટનની સરકારે એન્ડ્રયુ માઉન્ટ બેટનને શાહી ઉત્તરાધિકારીના લીસ્ટમાંથી બહાર કરવાનું નક્કી કર્યું છે. એન્ડ્રુયુ હવે કદી રાજા નહીં બની શકે. એન્ડ્રુયુ બ્રિટનના કીંગ ચાર્લ્સના ભાઈ છે. એમના પ્રિન્સ સહિતના તમામ ટાઇટલો ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પરત લઈ લેવામાં આવ્યા હતા. જોકે આમ છતાં ઉત્તરાધિકારીના લીસ્ટમાં તેઓ ૮માં નંબરે હતા. બ્રિટનના રક્ષામંત્રી લ્યુક પોલાર્ડના કહેવા પ્રમાણે તેઓ પોલીસ તપાસના પરિણામની રાહ જોઈ રહ્યા છે. બ્રિટનના લોકો પણ ઇચ્છતા નથી કે એન્ડ્રુયુનું નામ ઉત્તરાધિકારીના લીસ્ટમાં હોય. એમ મનાય છે કે આ બાબતે ઇંગ્લેન્ડના તમામ રાજકીય પક્ષોની વિચારધારા પણ એક છે.

ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી અમિતાભ ઠાકુરની તકલીફ વધી

આવક કરતા વધુ સંપત્તી તેમજ બનાવટી દસ્તાવેજો દ્વારા જમીન પચાવી પાડવાના આરોપ હેઠળ ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી અમિતાભ ઠાકુર સામે વિવિધ કલમ હેઠળ ગુનાઓ દાખલ થયા છે. અમિતાભ ઠાકુરની આગોતરા જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. સરકારી વકીલે આગોતરા જામીનનો વિરુદ્ધ કરતા કહ્યું હતું કે આ કેસમાં ફરિયાદી સંજય શર્માની સૂચનાને આધારે ૨૦૨૫ની ૩૦મી સપ્ટેમ્બરે તાલકટોરા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સંજય શર્માએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, આરોપી પોતાની સત્તાનો દુરઉપયોગ કરીને બેનામી પૈસા કમાયા હતા. ખરગાપુરમાં આવેલી કેટલીક જમીન બનાવટી દસ્તાવેજોને આધારે એમણે પોતાના પત્ની નૂતન ઠાકુરના નામે કરી દીધી હતી. ત્યાર પછી તપાસ માટે એસઆઇટી બનાવવામાં આવી હતી.

તારીક રહેમાનનું કુણુ વલણ કટ્ટરવાદીઓને પસંદ આવ્યું નહીં

બાંગ્લાદેશના વડાપ્રધાન તારીક રહેમાનની સોંગદવીધીના ગણતરીના દિવસોમાં જ કામચલાઉ સરકારમાં સલાહકાર રહેલા નાહીદ ઇસ્લામએ એમને ભીસમા લેવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. નાહીદ ઇસ્લામ નેશનલ સીટીઝન પાર્ટીના સંયોજક છે. નેશનલ સીટીઝન પાર્ટીના સભ્યોએ ૨૦૨૪માં શેખ હસીના સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. એમણે જ મોહમદ યુનુસને પોતાના નેતા બનાવ્યા હતા. શેખ હસીનાના પક્ષે ઘણા સમય પછી બાંગ્લાદેશના કેટલાક જિલ્લાઓમાં પોતાની ઓફિસો શરૂ કરી છે. નાહીદ ઇસ્લામએ આક્ષેપ કર્યો છે કે, તારીક રહેમાનની સરકારની સહમતી વગર આ થાય નહીં. નાહીદ ઇસ્લામનું માનવું છે કે બાંગ્લાદેશની ચૂંટણીમાં ભારત અવામી લીગ અને બીએનપીની મીલીભગત હતી. નવી સરકાર ભારત સાથે સારા સંબંધ રાખવા માંગે છે એ પણ નાહીદને પસંદ આવ્યું નથી.