નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમયમાં જ રાષ્ટ્રપતિ ભવન નજીક બનેલી ઓફિસમાંથી પોતાનું કામ શરૂ કરશે. એમની નવી ઓફિસનું નામ સેવા તીર્થ રાખવામાં આવ્યું છે. આ સ્થળની બીલકુલ નજીક વડાપ્રધાનનું નવું રહેઠાણ બનાવવામાં આવશે. આ બંને મિલકતો સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો હિસ્સો છે. આ પ્રોજેક્ટ ૨૦૨૬માં પુરો થશે. સંપૂર્ણ યોજનાનો ખર્ચ લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. આમ છતાં સરકારે આઇટીઆઇ હેઠળ ખર્ચનું વિવરણ આપવાનો ઇન્કાર કર્યો છે. આ પ્રોજેક્ટની કિંમત વધારવા માટે સરકારે સંસદમાં નિવેદન આપ્યું હતું. જીએસટી દરમાં વધારો, સ્ટીલની કિંમત અને વધારાની સુરક્ષા વ્યવસ્થાને કારણે પ્રોજેક્ટનો ખર્ચ વધી ગયો છે. જોકે જ્યારે વડાપ્રધાનના રહેઠાણનો ખર્ચ કેટલો થશે એની વિગતો પૂછવામાં આવી ત્યારે સરકારે એનો જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો.
હાદીને કવિ કાઝી નઝરૂલની કબરની બાજુમાં જ કેમ દફનાવાયો
૧૯૭૬માં ઢાકા યુનિવર્સિટીની મસ્જિદની પાસે વિદ્રોહી બંગાળી કવિ કાઝી નઝરૂલ ઇસ્લામને દફનાવવામાં આવ્યા હતા. હવે ૫૦ વર્ષ પછી ઇન્કલાબ મંચના કટ્ટરવાદી નેતા સરીફ ઉસ્માન હાદીને એમની બાજુની કબરમાં જ દફનાવવામા આવ્યો છે. હાદીના સુપુર્દ - એ - ખાકની વિધિમાં લાખો લોકો પહોંચ્યા હતા. આજુબાજુના શહેરો અને ગામડામાંથી લોકો ઢાકા પહોંચ્યા હતા. બાંગ્લાદેશમાં ઘણા લોકો હાદીની સરખામણી વિદ્રોહી કવિ સાથે કરવામાં આવે છે એને યોગ્ય માને છે. નઝરૂલની કવિતાઓ હાદી માટે હથિયાર બની ગઈ હતી. વાઇરલ થયેલા રીલ્સ અને શોર્ટ્સમાં જોવામાં આવે છે કે શેખ હસિનાના કટ્ટર નેતા હાદીને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ ક્રાંતિકારી માનતા હતા. હાદી પોતાની રેલીઓમાં કાઝી નઝરૂલ ઇસ્લામની કવિતાઓ વાંચતો હતો.
સીજેઆઇના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, અધિકારીઓ દોડતા થયા
દેશના ચીફ જસ્ટીસ સૂર્યકાંતનું ચાર્ટર્ડ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતું. આ બાબતે સૂચના મળતા જિલ્લાના તમામ અધિકારીઓ એરિયા એરપોર્ટ પર પહોંચી ગયા હતા. ત્યાર બાદ સેફઇમાંથી ક્લિયરન્સ મળતા ચાર્ટર્ડ પ્લેનને ત્યાં ઉતારવામાં આવ્યું હતું. સીજેઆઇ સૂર્યકાંત ઇટાવા હિન્દી સેવા નિધિના ૩૩માં સમારોહમાં ભાગ લેવા ઇટાવા જઈ રહ્યા હતા. ચાર્ટર્ડ પ્લેનને સવારે ૧૧.૩૦ વાગ્યે સેફઇમાં લેન્ડ કરવાનું હતું. એ વખતે આગ્રાના અધિકારીઓને સંદેશો મળ્યો હતો કે, ઇટાવા તરફનું હવામાન ખરાબ છે. એટલે સીજેઆઇના ચાર્ટર્ડ પ્લેનને ખેરિયા વિસ્તારમાં ઉતારવામાં આવ્યું હતું. ટેન્શનમાં આવી ગયેલા અધિકારીઓ પોતાના કામ પડતા મુકીને એરપોર્ટ દોડયા હતા કે જેથી સીજેઆઇના ઠપકાનો ભોગ બનવું પડે નહીં. ભૂતકાળમાં એવી ઘટનાઓ બની છે કે, સીજેઆઇના પ્રોટોકોલમાં બેદરકારી દાખવવા માટે અધિકારીઓ સામે તપાસ નીમવામાં આવી હતી.
બોલવાની સ્વતંત્રતા બાબતે સુપ્રીમે મોટી વાત કહી
સુપ્રિમ કોર્ટે એક અગત્યનો ચૂકાદો આપતા કહ્યુ હતું કે બોલવાની સ્વતંત્રતાને કોઈ મર્યાદા નથી. કોર્ટે બેંગ્લોરના ૨૪ વર્ષના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો. આ વિદ્યાર્થીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જવાહરલાલ નહેરુ સટાયર નામના પેરોડી એકાઉન્ટમાં વડાપ્રધાન અને એમની માતા બાબતે વાંધાજનક પોસ્ટ મૂકી હતી. વિદ્યાર્થીને હાઇકોર્ટ જઈને રાહત માંગવાની સલાહ આપવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, જે લોકો બોલવાની આઝાદીનો દુરઉપયોગ કરે છે એમને કોર્ટોએ રાહત આપવી જોઈએ નહીં. કોર્ટમાં પોલીસે દાખલ કરેલી એફઆઇઆર રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે વિદ્યાર્થીને ધરપકડ સામે રક્ષણ આપવાની કે આગોતરા જામીન આપવાની ના કહી દીધી હતી, કારણ કે તપાસમાં એ જોડાઈ શકે. આરોપીના વકીલે કહ્યું હતું કે એના અસીલે એક પોસ્ટ ફક્ત સવાલ પૂછયું હતો અને એમણે કોઈ પોસ્ટ બનાવી નહોતી. વકીલના કહેવા પ્રમાણે એ કારણસર જ સ્ત્રીનો સમાન ભંગ કરવાનો આક્ષેપ એની સામે લગાડવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં ટ્રાફિક નિયમોના ભંગ બાબતે યોગી લાલઘુમ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સૂચના આપી છે કે, રસ્તાને અડીને ઉભા રહેતા ટેમ્પો, બસ કે રીક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. રસ્તાની નજીક આવેલા આ બધા વાહનોના સ્ટેન્ડ પર પણ ઉત્તર પ્રદેશમાં પ્રતિબંધ મૂકાઈ ગયો છે. એમણે સૂચના આપી છે કે આવા કોઈપણ પ્રકારના સ્ટેન્ડ બનવા જોઈએ નહીં. આવા લોકો પાસેથી ફક્ત દંડ નહીં વસુલાય પરંતુ બીજી કાર્યવાહી પણ કરવામાં આવશે. આડેધડ પેટ્રોલિંગ કરનારાઓને પકડવા માટે પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રસ્તા અવરજવર માટે છે વાહનો ઉભા રાખવા માટે નહીં. હાઇવે અને એક્સપ્રેસ વેની બાજુમાં લાંબા સમય સુધી ઉભા રખાતા વાહનોને કારણે ગંભીર દુર્ઘટના થાય છે.
નીતિન નવીન અને ચૌધરીને પ્રમુખ બનાવવા પાછળ ભાજપની રણનીતિ
છેલ્લા અઠવાડિયા દરમિયાન ભાજપએ રાષ્ટ્રીય પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દીધી છે. જે નામોની ચર્ચા થતી હતી એને બદલે રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નીતિન નવીન અને ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખ તરીકે પંકજ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. નીતિન નવીનને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હોવા છતાં એવી ચર્ચા છે કે એમની નિમણૂક કાયમી પણ હોય. છઠ પર્વ વખતે જ્યારે અમીત શાહ પટણા આવ્યા હતા ત્યારે નીતિન નવીનને ઘરે ગયા હતા. એ મીટીંગમાં નીતિન નવીનને એમની ઇચ્છા પૂછવામાં આવી હોવાની શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જ્યારે ચૂંટણી પ્રચાર માટે બિહાર આવતા હતા ત્યારે નીતિન નવીનને ખાસ મળતા હતા. નીતિન નવીન યુવાન છે, સંગઠન બાબતે એમની શક્તિ બીજા કરતા વધુ છે, કાર્યકર્ર્તાઓ સાથે એમનો સમન્વય વધુ છે. ભૂપન્દ્ર યાદવથી માંડીને શિવરાજસિંહ ચૌહાણના નામની ચર્ચા થઈ એટલે એમના નામ કપાયા હોવાની ચર્ચા થઈ છે.


