નવી દિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકારણ ગરમ છે. નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં કુદકો મારી રહ્યા છે. કેટલાક નેતાઓને પોતાના જૂના પક્ષથી મોહભંગ થયો છે. જેડીયુના સિંકદરા વિસ્તારના સક્રીય નેતા સિંધુકુમાર પાસવાન પક્ષથી નારાજ થઈ ગયા છે. સિંધુકુમાર પાસવાનએ પક્ષના પ્રાથમીક સભ્યપદની સાથે સાથે રાજકીય સલાહકાર સમીતીના સભ્ય તરીકે તેમજ સંગઠનના તમામ હોદ્દાઓ પરથી રાજીનામા આપી દીધા છે. સિંધુકુમાર પાસવાનએ નિતિશકુમારને પત્ર લખ્યો છે. પત્રમાં એમણે લખ્યું છે કે તેઓ ૧૭ વર્ષથી પક્ષના વફાદાર સૈનિક હતા. ત્યાર પછી જિલ્લા પ્રમુખની અવગણના અને અપમાનને કારણે એમણે પક્ષ છોડવો પડે છે. એમનું કહેવું છે કે પક્ષમાં જૂના કાર્યકરોને અવગણવામાં આવે છે અને બીજા પક્ષોમાંથી આવેલાઓને વધુ માન-પાન મળે છે.
ભગીની સંસ્થાઓને સંઘનો સંદેશો, સરકારને કફોડી સ્થિતિમાં ન મૂકો
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘએ એમના તમામ ભગીની સંસ્થાઓને સહકારથી કામ કરવાનો સંદેશો આપ્યો છે. ઘણી વખત જોવા મળે છે કે આરએસએસની ભગીની સંસ્થાઓ જેવી કે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને એબીવીપી સરકારના કેટલાક મુદ્દે અલગ સ્ટેન્ડ લે છે. આને કારણે સંઘમાં ફાટફૂટ હોય એવું લાગે છે. સંઘએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, કોઈપણ એવું કામ નહીં કરો જેને કારણે સરકારે કફોડી સ્થિતિમાં મૂકાવું પડે અને વિરોધીઓને રાજકારણ કરવાની તક મળે. જો કોઈપણ મુદ્દો ઉઠાવવો હોય તો રસ્તા પર આવીને કે મિડિયા દ્વારા નહીં, પરંતુ યોગ્ય માધ્યમ દ્વારા નારાજગી પ્રદર્શિત કરવી જોઈએ. સરકાર સાથે જો કોઈ બાબતે મતભેદ હોય તો સમાધાનનો રસ્તો શોધવો જોઈએ.
'જો તમે ભોગ બનનાર નથી તો હાઇકોર્ટમાં કેમ આવ્યા'
અનામત માટે મરાઠા સમાજના આંદોલન પછી મહારાષ્ટ્ર સરકારે નમતૂ જોખીને મરાઠાઓને અનામત માટે કુણબી જાતીનું પ્રમાણપત્ર આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સામે મહારાષ્ટ્ર હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટે આ અરજી કાઢી નાખી છે. આ અરજી એક વકીલએ કરી હતી. હાઇકોર્ટે આ અરજી સાંભળવાનો ઇન્કાર કરીને કહ્યું છે કે અરજી કરનાર પોતે ભોગ બનનાર નથી. કોર્ટ આ અરજીને ધ્યાનમાં નહીં લે. મુંબઈ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રશેખર અને જસ્ટીસ ગૌતમ અખંડની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ભોગ બનનાર ઓબીસીના લોકો આ પહેલા સુપ્રિમ કોર્ટમાં અરજી કરી ચૂક્યા છે. બીજી બેન્ચ આ અરજીની સુનાવણી કરવાની છે. કોર્ટે કહ્યું હતું કે, 'આ તબક્કે આ પ્રકારની જાહેરહીતની અરજી યોગ્ય નથી. સરકારના નિર્ણયને ચેલેન્જ કરવાનો હક ફક્ત ભોગ બનનારને જ છે.'
ડીયુએસયુના નવા પ્રમુખ આર્યન માન કોણ છે?
દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (ડીયુએસયુ)ની ચૂંટણીની ચર્ચા દિલ્હીમાં હંમેશા થાય છે. ૨૦૨૫ની ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ પ્રમુખ સહિત બીજા ત્રણ હોદ્દાઓ પર જીત મેળવી છે. પ્રમુખ તરીકે એબીવીપીના આર્યન માનએ એનએસયુઆઇના ઉમેદવારને હરાવ્યા છે. આર્યન માન હરિયાણાના બહાદુર ગઢના રહેવાસી છે. તેઓ વિદ્યાર્થી નેતા અને રાષ્ટ્રીયસ્તરના ફૂટબોલ ખેલાડી પણ છે. એમના કુટુંબની કુલ સંપત્તી અધધ ૧૫૯૦ કરોડ રૂપિયા છે. ઉપપ્રમુખ તરીકે એનએસયુઆઇના રાહુલ ઝાસલા ચૂટાયા છે. આર્યન માનને ૫૯,૮૮૨ મત મળ્યા છે. એમ મનાય છે કે, દિલ્હી ભાજપમાં ભવિષ્યમાં એમને કોઈક હોદ્દો મળી શકે છે.
જસ્ટીસ યશવંત વર્મા કેસ કૌભાંડ બાબતે ભૂતપૂર્વ સીજેઆઇએ શું કહ્યું
અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ યશવંત વર્માના દિલ્હી સ્થિત ઘરેથી મોટા પાયે સળગી ગયેલી ચલણી નોટો મળી હતી. યશવંત વર્મા સામે તપાસ કમીટી પણ નિમાય હતી. આ બાબતે હવે ભૂતપૂર્વ સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડે પ્રતિક્રિયા આપી છે. એમણે કહ્યું છે કે આ બાબતે એફઆઇઆર થવી જ જોઈતી હતી. અહીં સવાલ એ છે કે મળેલા પૈસા એમના હતા કે એમના ઘરમાંથી મળ્યા હતા? જસ્ટીસ વર્માને સાંભળવાનો મોકો પણ મળવો જોઈએ. સંપૂર્ણ વિગતો જાણ્યા વગર કોઈ નિર્ણય પર પહોંચવું જોઈએ નહીં. ભૂતપૂર્વ સીજેઆઇએ એમ પણ કહ્યું હતું કે યશવંત વર્માના કિસ્સા બાબતે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિએ કરેલી ટીપ્પણી યોગ્ય નહોતી.
'બે બેઠકો વધુ - ઓછી હોય એ અગત્યનું નથી, સ્ટ્રાઇક રેટ જરૂરી'
બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યનો સત્તા પક્ષ અને વિરોધ પક્ષો પણ બેઠકોની વહેચણી બાબતે ચર્ચા કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના ફૂડ પ્રોસેસીંગ મંત્રીએ સીટ શેરીંગ બાબતે મોટી વાત કરી છે. ચીરાગ પાસવાનએ કહ્યું છે કે, અમારે માટે બેઠકોની સંખ્યા અગત્યની નથી, પરંતુ અમે કઈ બેઠક જીતી શકીએ છીએ એ અગત્યનું છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના રાષ્ટ્રીય પ્રમુખ ચિરાગએ કહ્યું હતું કે, એમના પક્ષે લોકસભામાં જે પ્રકારે દેખાવ કર્યો હતો એ જ પ્રકારે વિધાનસભામાં પણ દેખાવ કરે એવી અપેક્ષા છે. એનો મતલબ એમ થાય કે ૧૦૦ ટકા સ્ટ્રાઇક રેટ થવો જોઈએ. ચિરાગના કહેવા પ્રમાણે કઈ બેઠક પર એમનો પક્ષ જીતી શકે છે એના પર ચર્ચા ચાલી રહી છે.
એનસીપીના કાર્યકરોની ઇચ્છા, અજીત પવાર અને શરદ પવારએ એક થવું જોઈએ
એનસીપી (અજીત પવાર)ના કાર્યકરોની ચિંતન શીબીરનું આયોજન નાગપુર ખાતે કરવામાં આવ્યું હતું. શીબીરના સ્થળે મુકવામાં આવેલા ફલેક્સ અને હોર્ડિંગ્સએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ફલેક્સ પર લખ્યું હતું કે, 'જે થઈ ગયું એને ગંગામાં વહાવી દો, મહારાષ્ટ્રના હીત માટે સાહેબ, દાદા, તાઇ, તમામ એક થાઓ.' એનસીપી (અજીત પવાર)ના મુંબઈ શહેર મહામંત્રી રાજુ ધુગે અને દિનેશચંદ્ર હુલવલે આ ફલેક્સ લગાડયા છે. એમની ઇચ્છા છે કે અજીત પવાર અને શરદ પવાર ફરીથી એક થઈ જાય. ફલેક્સ પર વધુમાં લખ્યું છે કે, 'તમારા ચરણોમાં નતમસ્તક થઈને વિનંતી કરૂ છું કે સાહેબ (શરદ પવાર) દાદા (અજીત પવાર) તાઇ (સુપ્રિયા સુલે) તમને સૌને અમે સાથે જોઈશું તો આનંદ થશે. દેશ હિતમાં પણ એ જરૂરી છે.' રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે અજીત પવારની સહમતી વગર એમના નેતાઓ આટલી મોટી વાત જાહેરમાં નહીં કરે.


