નવીદિલ્હી : કર્ણાટકમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નેતૃત્વ પરિવર્તન બાબતે ચર્ચા ચાલી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને બદલીને ઉપમુખ્યમંત્રી તેમજ પક્ષપ્રમુખ ડી કે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની વાત વારંવાર થતી રહે છે. હવે ડી કે શિવકુમારના એક નિવેદને ફરીથી આ ચર્ચાને જીવંત રાખી છે. શિવકુમારએ કહ્યું છે કે તેઓ ટૂક સમયમાં પક્ષ પ્રમુખ તરીકે રાજીનામું આપી દેશે. પક્ષના એક કાર્યક્રમમાં શિવકુમારએ કાર્યકરોને કહ્યું હતું કે, 'હું આ પદ પર કાયમી ધોરણે રહી શકું નહીં. સાડા પાંચ વર્ષથી હું પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરૂ છું.' એમના કહેવા પ્રમાણે એમણે હવે પ્રદેશ પ્રમુખનું પદ છોડવું પડે એમ છે. ત્યાર પછી એમણે આડકતરો ઇશારો કરતા કહ્યું કે તમે ચિંતા નહીં કરતા હું ઉચ્ચપદ પર રહેવાનો છું. રાજકીય વિશ્લેષકો આ નિવેદનનો એવો અર્થ કાઢે છે કે, પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ રાજીનામું આપે એટલે એમને સિદ્ધારમૈયાને બદલે મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
ઉમર અબ્દુલ્લાને કઈ ચિંતા સતાવી રહી છે
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા આજકાલ થોડા દુઃખી દેખાય છે. એમણે કહ્યું છે કે, કેટલીક વ્યક્તિઓએ કરેલા આતંકી હુમલાને કારણે સમગ્ર કાશ્મીર ખીણ વિસ્તારના લોકો બદનામ થાય છે. ફક્ત આટલું જ નહીં, પરંતુ કાશ્મીરના લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. કાશ્મીરીઓનું જે રીતે પ્રોફાઇલીંગ થઈ રહ્યું છે એને કારણે બહારની વ્યક્તિઓ સાથે વાતચીત કરતા ડરે છે. ઉમરે આ વાત દિલ્હી લાલ કિલ્લા બહાર થયેલા આત્મઘાતી બ્લાસ્ટ સંદર્ભમાં કહી હતી. આતંકવાદી હુમલામાં કાશ્મીરના કેટલાક ડોક્ટરો પણ સામેલ હતા. અબ્દુલ્લાએ કહ્યું હતું કે, 'આ હુમલા માટે જવાબદાર તો થોડા લોકો જ છે, પરંતુ વાતાવરણ એવું બનાવવામાં આવ્યું છે કે બધા જ જવાબદાર હોય.' કેન્દ્રએ ૨૦૧૯માં કહ્યું હતું કે, હવે બધુ ઠીકઠાક થઈ જશે. પરંતુ જમ્મુ - કાશ્મીરને બે કેન્દ્રશાષીત પ્રદેશોમાં વિભાજીત કર્યા પછી પણ કંઈ બદલાયું નથી.
અલ-ફલાહ યુનિવર્સિટીની ક્રિકેટ ટીમને એએમયુમાં રમવા પર પ્રતિબંધ
એક કહેવત છે કે કરે કોઈ અને ભોગવે કોઈ. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ માટે અલ-ફલાહ યુનિવર્સિટીના સીઇઓની ધરપકડ પણ થઈ છે. અલ-ફલાહ યુનિવર્સિટીની માન્યતા રદ કરવામાં આવી છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) ખાતે ૨૨મી નવેમ્બરથી નોર્થ ઝોન ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાવાની છે. આ ટૂર્નામેન્ટમાં અલ-ફલાહ યુનિવર્સિટીની ટીમ પણ રમવાની હતી. જોકે હવે એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (એઆઇયુ)એ અલ-ફલાહની ટીમ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ૨૭મી નવેમ્બરે અલ-ફલાહ યુનિવર્સિટી અને માનવ રચના યુનિવર્સિટી વચ્ચે મેચ રમાવાની હતી. હવે શિડયુલમાં ફેરફાર થશે. ટૂર્નામેન્ટમાં ઉત્તર ભારતની ૮૪ યુનિવર્સિટીની ટીમો ભાગ લઈ રહી છે. એમ કહેવાય છે કે, જાસુસી સંસ્થાઓના રીપોર્ટ પછી અલ-ફલાહ યુનિવર્સિટીને બ્લેક લીસ્ટ કરવામાં આવી છે.
બિહારમાં સૌથી વધુ મતથી જીતેલા 11 ધારાસભ્યો કોણ
બિહાર વિધાનસભાની ચૂંટણીના જીત પછી નિતિશકુમારએ બિહારમાં મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા છે. હજી સુધી પણ પરિણામોનું વિશ્લેષણ ચાલુ છે. આ ચૂંટણીમાં ૧૧ બેઠકો એવી છે કે જ્યાં હાર - જીતનો ફેસલો હજાર કરતા ઓછા મતથી થયો છે. બે બેઠકો પર તો ૫૦ કરતા ઓછા મતોનું માર્જીન હતું. સૌથી મોટી જીત ૭૩ હજાર કરતા વધુ મતોથી થઈ છે. જેડીયુના કલાઘર મંડલને આ જીત મળી છે. સૌથી ઓછા એટલે કે ફક્ત ૨૭ મતોથી જેડીયુના રાધાચરણ શાહ જીત્યા છે. ૫૦ હજાર કરતા વધુ મતોથી ૧૬ ઉમેદવારો જીત્યા છે. ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ૪૫,૮૪૩ મતથી જીત્યા છે. મોટા માર્જીનથી જીતનારાઓમાં ભાજપના સંજીવ ચૌરસિયા, લોજપાના આર કે બબલુ ગુપ્તા, જેડીયુના બુલોમંડલ, ભાજપના રમા નિષાદ, જેડીયુના નરેન્દ્ર નારાયણ યાદવ, જેડીયુના કૌષલ કિશોર, જેડીયુના લેશી સિંહ, ઝંઝારપુરના નિતિશ મિશ્રરા, ભાજપના શ્રેયસી સિંહ અને ભાજપના મુરારી પાસવાન છે.
'.... તો પક્ષમાં શું કરી રહ્યા છો?'*
કોંગ્રેસ નેતા શશી થરૂર કઈ રીતે વારંવાર નરેન્દ્ર મોદીના વખાણ કરીને કોંગ્રેસ હાઇકમાન્ડને પજવે છે એ વિશે ગઈ કાલે દિલ્હીની વાતમાં લખ્યું હતું. હવે છંછેડાયેલા કોંગ્રેસના કેટલાક નેતાઓએ શશી થરૂરને વળતો જવાબ આપવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના નેતા સંદીપ દિક્ષીતએ શશી થરૂરને પૂછયું છે કે, જો થરૂરને એમ લાગે છે કે, ભાજપની રણનીતિ વધુ સારી રીતે કામ કરે છે તો તેઓ કોંગ્રેસમાં શું કરી રહ્યા છે. સંદીપ દીક્ષિતએ એમ પણ કહ્યું હતું કે શશી થરૂરની મુશ્કેલી એ છે કે તેઓ એવા મિથ્યાભિમાનમાં રાચે છે કે એમની પાસે દેશ વિશેની બધી માહિતી છે. જો થરૂરના હિસાબે કોંગ્રેસની નીતિ દેશવિરોધી છે તો એમણે કોંગ્રેસની નીતિનું પાલન કરવું જોઈએ નહીં. શું થરૂર એટલા માટે જ કોંગ્રેસમાં રહ્યા છે કે તેઓ સાંસદ છે?
ભારતમાં અનમોલ બિશ્નોઇના જીવને ખતરો
ગેંગસ્ટર લોરેન્શ બિશ્નોઇ અને અનમોલ બિશ્નોઇના પિતરાઇ ભાઈ રમેશ બિશ્નોઇએ કેન્દ્ર સરકારને એક અપીલ કરી છે. અમેરિકાથી ડિપોર્ટ થઈને ભારત આવ્યા પછી અનમોલની સુરક્ષા વધારવામાં આવે. એમણે કહ્યું છે કે અમારુ કુટુંબ કાયદાને માન આપે છે અને તપાસમાં પણ સહકાર આપશે. એવી જાણકારી મળી છે કે અનમોલ બિશ્નોઇ ૨૦૨૧માં ફરિદાબાદથી ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવીને કેન્યા ગયો હતો. લાંબા સમય સુધી એણે કેન્યાથી ગેંગ ઓપરેટ કરી હતી. બંને ગેંગસ્ટરના પિતરાઇ ભાઈ રમેશ બિશ્નોઇએ હવે અનમોલ બિશ્નોઇના બચાવ માટે વકીલ રોક્યા છે. તેઓ મીડિયાને પણ મુલાકાતો આપી રહ્યા છે. રમેશ બિશ્નોઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ રજૂઆત કરી છે કે, અનમોલ બિશ્નોઇ પર હુમલો કરવા માટે ઘણા ગેંગસ્ટર રાહ જોઈને બેઠા છે.
લાલુ પ્રસાદ યાદવના સાત જમાઈ અને બે વહુ શું કરે છે
લાલુ પ્રસાદ યાદવનું કુટુંબ આજકાલ ચર્ચામાં છે. લાલુના બીજા પુત્રી રોહીણી આચાર્યએ કુટુંબના કેટલાક સભ્યો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. લાલુ અને રાબડી દેવીના કુટુંબમાં નવ બાળકો છે જેમાં બે પુત્રો અને સાત પુત્રીઓ છે. સૌથી મોટા પુત્રી નિષા ભારતીના પતિ શૈલેષકુમાર એન્જિનયર છે. નિષા ભારતી પોતે રાજ્યસભાના સભ્ય છે. રોહીણી આચાર્યના પતિ સિંગાપુરમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કીંગ અધિકારી છે. ત્રીજા નંબરની પુત્રી ચંદાસિંહના પતિ વિક્રમસિંહ પાયલટ છે. રાગીણી યાદવના પતિ રાહુલ યાદવ રાજકારણમાં સક્રિય છે અને સમાજવાદી પક્ષ સાથે જોડાયા છે. હેમા યાદવના પતિ વિનિત યાદવ વેપારી છે. અનુષ્કા રાવના પતિ ચીરંજીવ રાવ પણ રાજકારણ સાથે જોડાયા છે અને એમના પિતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. રાજલક્ષ્મી યાદવના પતિ તેજપ્રતાપસિંહ સાંસદ રહી ચૂક્યા છે. પુત્ર તેજપ્રતાપ યાદવના પત્ની ઐશ્વર્યા રાય રાજકીય કુટુંબમાંથી આવે છે. તેજસ્વી યાદવના પત્ની રાજશ્રી યાદવ હરિયાણાના વતની છે અને ખ્રિસ્તી ધર્મ પાળે છે.


