Get The App

દિલ્હીની વાત : પેટ્રોલપંપ પરના ટોયલેટનો ઉપયોગ સામાન્ય વ્યક્તિ નહીં કરી શકે

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : પેટ્રોલપંપ પરના ટોયલેટનો ઉપયોગ સામાન્ય વ્યક્તિ નહીં કરી શકે 1 - image

નવીદિલ્હી : પબ્લિક વોશરૂમ બાબતે કેરળ હાઇકોર્ટે એક અગત્યનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, પેટ્રોલપંપો પરના ટોયલેટ દરેક સામાન્ય વ્યક્તિના ઉપયોગ માટે નથી. પેટ્રોલપંપના માલિકો તરફથી કોર્ટ પાસે દાદ માગવામાં આવી હતી કે પંપો પરના શૌચાલયોનો સાર્વજનિક ઉપયોગ બંધ કરવામાં આવે. રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તાધિશો દ્વારા પેટ્રોલપંપ પર આવેલા ટોયલેટો સાર્વજનિક ઉપયોગ માટે જાહેર થતા પેટ્રોલપંપના માલિકો નારાજ થયા હતા. અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે કહ્યું હતું કે, પેટ્રોલપંપ પર આવેલા શૌચાલય ફક્ત ગ્રાહકોના ઇમર્જન્સી ઉપયોગ માટે જ છે. હુકમમા સરકારને કહેવામાં આવ્યુ છે કે, આ શૌચાલયો સામાન્ય જનતાના ઉપયોગ માટે ખોલી નહીં શકાય.

બિહારમાં પરિવારવાદની ટીકા કરનારાઓ ભૂંડા દેખાય છે

બિહારના રાજકારણમાં પરિવારવાદ નવી વસ્તુ નથી. લગભગ દરેક પક્ષના નેતાઓના હાથ આ બાબતે ચોખ્ખા નથી. આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના સાળાઓ અનિરૂદ્ધ પ્રસાદ, સાધુ યાદવ અને સુભાષ યાદવ બિહારમાં શક્તિશાળી નેતા મનાતા હતા. લોકસભાના ભૂતપૂર્વ સાંસદ સાધુ અને લોકસભાના ભૂતપૂર્વ સાંસદ સુભાષ બંને લાલુના પત્ની રબડી દેવીના નાના ભાઈ છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવએ એનડીએ પર ભાઈ-ભત્રીજાવાદનો આક્ષેપ કર્યો છે, ત્યારે તેઓ ભૂતકાળ ભૂલી જાય છે. એ જ રીતે લોકજન શક્તિ પાર્ટી (એલજેપી)ના સ્થાપક અને ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી સ્વ. રામવિલાસ પાસવાનએ પોતાના ભાઈઓ પશુપતિકુમાર પારસ અને રામચંદ્ર પાસવાનને રાજકારણમાં આગળ કર્યા હતા. રામવિલાસ પાસવાનના પહેલા પત્નીના કુટુંબીઓએ પણ પાસવાનની સત્તાનો ફાયદો ઉઠાવ્યો હતો.

લાખો કુટુંબોની આવક પર સીધો પ્રહાર

ઉત્તર પ્રદેશની યોગી સરકારે ઓછા વિદ્યાર્થીઓવાળી સરકારી સ્કૂલોને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. યોગી સરકારના આ નિર્ણયની આકરી ટીકા નગીનાના સાંસદ અને આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ)ના રાષ્ટ્રીય પ્રમુખ ચંદ્રશેખરએ કરી છે. ચંદ્રશેખર આઝાદએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'ઉત્તર પ્રદેશ સરકારે ૨૭,૯૬૫ જેટલી પ્રાથમીક શાળાઓને મર્જ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ફક્ત શિક્ષા વિરોધ નથી પરંતુ ભારતના બંધારણના આર્ટીકલ ૨૧-એની અવગણના પણ કરે છે. સરકારના આ નિર્ણયને કારણે ૧,૪૦,૦૦૦ શિક્ષકો ૫૬,૦૦૦ શિક્ષા મિત્રો અને ૫૬,૦૦૦ રસોઇયાઓ બેકાર થઈ જશે. ફક્ત શિક્ષણ પદ્ધતિ પર નહીં, લાખો કુટુંબીઓની આજીવીકા પર પણ આ મોટો હુમલો છે. આ નિર્ણયને કારણે સૌથી વધુ નુકશાન ગામના બાળકો, ખાસ કરીને દલીત અને આદિવાસીનું થશે.'

થરૂરની કબુલાત, કોંગ્રેસના નેતાઓ સાથે એમને મતભેદ છે

ઓલ પાર્ટી ડેલિગેશનના સભ્ય તરીકે વિદેશ જઈને પાકિસ્તાનને ઉઘાડુ કરનાર કોંગ્રેસના સાંસદ શશી થરૂરથી કોંગ્રેસના સિનિયર નેતાઓ નારાજ છે એ વાત નવી નથી. શશી થરૂરે જોકે પહેલી વખત જાહેરમાં કબુલ કર્યું છે કે, પક્ષના કેટલાક ટોચના નેતાઓ સાથે એમને મતભેદ છે. થરૂરે કહ્યું હતું કે, આ નેતાઓને બધા સારી રીતે જાણે છે. એમાંથી કેટલાક જાહેર જીવનમાં છે. થરૂરના કહેવા પ્રમાણે ૧૬ વર્ષ સુધી એમણે પક્ષના કાર્યકર્તાઓ સાથે મળીને કામ કર્યું છે અને એમાંથી કેટલાકને તેઓ નજીકના મિત્ર અને ભાઈ માને છે. થરૂરે આડકતરી રીતે કહ્યું હતું કે પેટા ચૂંટણી પછી તેઓ મતભેદ બાબતે ખૂલીને વાત કરશે. કેરળની નિલાબૂર વિધાનસભા માટે શશી થરૂર પ્રચાર કરવા માટે ગયા નહોતા. જોકે આ બેઠક માટે પ્રચાર કરવા પ્રિયંકા ગાંધી ગયા હતા.

રાજસ્થાનમાં શા માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો બંધ થઈ રહી છે

રાજસ્થાનમાં અંગ્રેજી માધ્યમની ઘણી સ્કૂલો ટપોટપ બંધ થઈ રહી હોવાથી વિરોધ પક્ષે ટીકા કરી છે. રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન બિલાવરે સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. રાજસ્થાન સરકારે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ૩૭૪૧ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બંધ કરવા અથવા તો બીજી સ્કૂલો સાથે મર્જ કરવા બાબતે સમીક્ષા કરી હતી. કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ બધી સ્કૂલો અશોક ગહેલોતની સરકાર હતી ત્યારે શરૂ કરવામાં આવી હતી. જોકે હમણાના શિક્ષણમંત્રીના કહેવા પ્રમાણે સરકારનો નિર્ણય વિચાર કરીને લેવામાં આવ્યો છે. મદન બિલાવરના કહેવા પ્રમાણે કેટલીક સ્કૂલોમાં તો એક પણ વિદ્યાર્થી આવતો નથી. આ પરિસ્થિતિમાં સ્કૂલો બંધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

મુંબઈના ટ્રેન અકસ્માતથી હાઇકોર્ટ ચિંતીત

મુંબઈ લોકલ ટ્રેનમાં વારંવાર થતા અકસ્માતો બાબતે બોમ્બે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. જે રીતે દરરોજ પ્રવાસીઓના મૃત્યુ થઈ રહ્યા છે એ હકીકતને હાઇકોર્ટે ચિંતાજનક ગણી છે. હમણા જ એક મુસાફરોથી ભરેલી ટ્રેનમાંથી પડીને પાંચ પ્રવાસીઓના મૃત્યુ થઈ ગયા હતા. ઉપાય તરીકે કોર્ટે ટ્રેનમાં ઓટોમેટીક દરવાજા મૂકવાની સલાહ આપી છે. જોકે કોર્ટે એમ પણ કહ્યું છે કે આ ઉપાય એક સામાન્ય નાગરીકની દ્રષ્ટિથી સૂચવવામાં આવ્યો છે. આ બાબતે રેલવે નિષ્ણાંતોનો અભિપ્રાય પણ જરૂરી છે. ચીફ જસ્ટીસ દેવેન્દ્રકુમાર અરાડે અને ન્યાયાધિશ સંદીપ મરનેની બેન્ચે કહ્યું હતું કે, 'આવા અકસ્માતો ફરી ન થાય એ માટે જરૂરી પગલા લેવા જોઈએ. રેલવે તરફથી મળેલા આંકડા પ્રમાણે ૨૦૨૪ના વર્ષમાં મુંબઈની લોકલ ટ્રેનમાં અકસ્માતને કારણે ૩૫૮૮ લોકોના મૃત્યુ થયા હતા.'

પ્રશાંત કિશોર પર ભાજપના હુમલા તીવ્ર બન્યા

બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી ચાલી રહી છે ત્યારે ભાજપે જન સુરાજ પાર્ટીના સ્થાપક તેમજ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજયના ઘડવૈયા ગણાતા પ્રશાંત કિશોર પરના હુમલા વધુ તેજ કર્યા છે. ભાજપે તેમના પર સોશિયલ મીડિયા પર ખોટી રીતે ભાજપના નામે એકાઉન્ટ ખોલીને ભાજપના મતદારોમાં ગૂંચવણી ઊભી કરવાનો આરોપ મુક્યો છે. ભાજપે પટણા પોલીસના સાયબર વિભાગમાં ફરિયાદ કરીને તેમની સામે કાર્યવાહીની માગણી પણ કરી છે. તેના પ્રતિસાદમાં પ્રશાંત કિશોરે આરોપ કર્યો છે કે ભાજપના કાર્યકરોને  સોશિયલ મીડિયા વિશે કશી ગતાગમ નથી અને ખોટા આરોપો કરવાના સ્થાને ભૂતપૂર્વ મંત્રી જયસ્વાલએ તેણે કેવી રીતે ગેરકાયદે રીતે નિયંત્રણ મેળવ્યું તેની સ્પષ્ટતા કરવી જોઈએ. પ્રશાંત કિશોરે ત્રીજી વાર જયસ્વાલ સામે આરોપ કર્યો છે. અગાઉ તેમનો જેડીયૂ નેતા અશોક ચૌધરી અને પછી ભાજપ નેતા મંગલ પાંડે સાથે ટકરાવ થયો હતો. જયસ્વાલે જણાવ્યું કે પ્રશાંત કિશોર જન સુરાજ પાર્ટીના લાભાર્થે બોગસ ભાજપ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે માટે તેમની સામે સાયબર સેલની કાર્યવાહી થવી જોઈએ.

ભારત માતાની તસવીર મુદ્દે એલડીએફ અને કેરળ ગવર્નર ફરી આમનેસામને

ગુરુવારે કેરળ મંત્રીએ ભારત માતાના ચિત્રના મુદ્દે રાજભવન ખાતેના એક કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. આ મહિનામાં આ આવો બીજો બનાવ હતો જેમાં એલડીએફ સરકાર  અને ગવર્નર રાજેન્દ્ર આર્લેકર વચ્ચે ટકરાવ થયો હતો. શિક્ષણ મંત્રી વી. સિવાનકુટ્ટીએ એવોર્ડ મેળવનાર બાળકોને શુભેચ્છા આપીને તુરંત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ એવોર્ડ સમારંભનો બહિષ્કાર કર્યો હતો.  તેમણે ત્યાર પછી સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી કે આ કાર્યક્રમ રાજ્ય સરકાર અને રાજ ભવનના સંયુક્ત ઉપક્રમે હતો. છતાં અહીં એક રાજકીય પક્ષના પ્રતીક સમી તસવીર મુકવામાં આવી હતી. આવી તસવીરને સન્માન આપવું યોગ્ય નથી. તેમણે ગવર્નર પર રાજ ભવનને રાજકીય પક્ષની ઓફિસમાં પરિવર્તિત કરવાનો આરોપ કર્યો. અગાઉ કૃષિ મંત્રી પી.પ્રસાદે પણ રાજભવનમાં યોજાયેલા વિશ્વ પર્યાવરણ દિન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. પ્રસાદે પછી સચિવાલય ખાતે અલગ કાર્યક્રમ યોજ્યો હતો. વિપક્ષ કોંગ્રેસે મંત્રીના કાર્યનું સમર્થન કર્યું હતું.

હરિયાણામાં કોંગ્રેસ માટે કપરા દિવસો

હરિયાણાના સ્વતંત્ર રાજ્ય સભા સાંસદ કાર્તિકેય શર્માએ રાજ્યમાં કોંગ્રેસ યુનિટમાં ઊંડે પેસેલા તડાને ફરી ઉજાગર કર્યા છે. તેમણે એક મુલાકાતમાં દાવો કર્યો હતો કે અગાઉ કોંગ્રેસ વિધાયક રહી ચુકેલા અને હવે ભાજપના રાજ્યસભા સાંસદ કિરણ ચૌધરીએ ૨૦૨૨ની રાજ્ય સભાની ચૂંટણીમાં તેમને મત આપ્યો હતો જેના પરિણામે કોંગ્રેસી ઉમેદવાર અજય માકનનો આંચકાજનક પરાજય થયો હતો. ૨૦૨૨ની ચૂંટણીમાં શર્માએ નજીવી તફાવતથી માકનને પરાજય આપ્યો હતો જેમાં કોંગ્રેસના બે મત ગેરકાયદે જાહેર થયા હતા. આ પરિણામમાં ક્રોસ વોટિંગના આરોપ લાગ્યા હતા અને ચૌધરી તેમજ બળવાખોર ઉમેદવાર કુલદીપ બિશ્નોઈ સામે આંગળી ચિંધાઈ હતી. ભૂતપૂર્વ સીએમ ભુપિન્દર સિંહ હૂડાના પુત્ર અને કોંગ્રેસી સાંસદ દીપેન્દર હૂડાએ શર્માના દાવાનો આધાર લઈને ચૌધરી સામે કટાક્ષ કરતા કહ્યું કે તેઓ ભાજપના વિધાયકો ઉપરાંત કોંગ્રેસના બે વિધાયકોની મદદથી વિજયી થયા હતા. પડદા પાછળ રમાયેલી રાજકીય રમત હવે ખુલ્લી પડી ગઈ છે.

- ઈન્દર સાહની