નવીદિલ્હી: સુપ્રિમ કોર્ટે એક અગત્યના ચૂકાદામાં શૈલેષકુમાર સિંહ સામે દાખલ થયેલી એફઆઇઆર રદ કરી દીધી છે. સુપ્રિમ કોર્ટે ચોખ્ખુ કહ્યું છે કે, સિવિલ વિવાદમાં પૈસા વસુલવા માટે ફોજદારી કાર્યવાહીનો સહારો લઈ શકાય નહીં. ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર મહાદેવનની બેન્ચે શૈલેષ સિંહની અપીલ સ્વિકારીને અલ્હાબાદ હાઇકોર્ટના હુકમને રદ કર્યો છે. હાઇકોર્ટે આ કેસ મધ્યસ્થતા માટે મોકલો હતો અને અરજી કરનારને ૨૫ લાખ રૂપિયા ફરીયાદીને આપવા માટે હુકમ કર્યો હતો. અરજી કરનાર એક કંપનીના સહસ્થાપક અને પ્રોડ્કશન હેડ છે. અલ્હાબાદ હાઇકોર્ટમાં એમની સામે થયેલી એફઆઇઆર રદ કરવાની માંગણી એમણે કરી હતી. ફરીયાદીએ આરોપ મૂક્યો હતો કે, મૌખીક સમજૂતીને આધારે પૈસાની લેવડદેવડ થઈ હતી અને છેતરપિંડી થઈ છે. અરજી કરનારે હાઇકોર્ટમાં અરજી કરી હતી કે આ કિસ્સો વ્યવસાયનો વિવાદ છે જેને ફોજદારી બનાવવામાં આવ્યો છે.
કાવડ માર્ગના ઢાબાઓ ઉપર તાળા શા માટે
હરીદ્વારથી કાવડ યાત્રા શરૂ થઈ ચૂકી છે. શિવભક્તો ગંગાજળ લઈને ઉત્તર પ્રદેશના મુઝફ્ફર નગર, મેરઠથી થઈ દિલ્હી, ગૃહગ્રામ અને પંજાબ તરફ જઈ રહ્યા છે. જોકે આ ધાર્મિક યાત્રાના મુખ્ય રસ્તાઓ પર આવેલી હોટલો અને ઢાબાઓ બંધ દેખાઈ રહ્યા છે. લોકોને નવાઇ લાગે છે કે લાખો શિવભક્તો કાવડ લઈને હરીદ્વારથી નિકળ્યા છે ત્યારે તો હોટલો અને ઢાબાઓનો વેપાર ધુમ ચાલે છે. બિઝનેસના પીક સમયએ શા માટે હોટલ અને ઢાબાઓ બંધ દેખાઈ રહ્યા છે? સ્થળ પર ગયેલા પત્રકારોને મળેલી જાણકારી પ્રમાણે ગયા વર્ષે કેટલીક હોટલો અને ઢાબાઓ પર હુમલો કરીને તોડફોડ કરવામાં આવી હતી જેને કારણે આ વખતે કેટલાક ડરેલા વેપારીઓએ હોટલ - ઢાબાઓ બંધ રાખવાનું પસંદ કર્યું છે. મોટા ભાગના કાવડિયા પણ હોટલ કે ઢાબાને બદલે કેમ્પોમાં બનાવવામાં આવતો પ્રસાદ ખાવાનું પસંદ કરે છે.
વિવાદને કારણે ચર્ચામાં આવેલા સાંસદ ઇકરા હસન કોણ છે
સમાજવાદી પક્ષના સાંસદ ઇકરા હસન વારંવાર સમાચારમાં ચમકતા રહે છે. ઉત્તર પ્રદેશની સરકારના અધિકારીએ કૈરાનાના સાંસદ ઇકરા હસનનું અપમાન કર્યું હોવાની વાત ચર્ચામાં છે. એવો આક્ષેપ છે કે ઇકરા હસન અને છૂટમલપુર નગર પંચાયતના અધ્યક્ષ સમા પરવીનને એડીએમએ ઓફિસની બહાર કાઢી મૂક્યા હતા. હવે આ કિસ્સાની તપાસ થઈ રહી છે. ઇકરા હસનની ત્રણ પેઢીના સભ્યો રાજકીય રીતે સક્રિય રહ્યા છે. હસન કુટુંબની સૌથી નાની પુત્રી ઇકરા હસન પહેલી વાર લોકસભાની ચૂંટણી લડી અને મોટા માર્જીનથી જીતી પણ ગઈ. ઇકરા હસનના પિતા સ્વ. ચૌધરી મુનવ્વર હસનનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે. ઇકરાએ દિલ્હી યુનિવસટીમાંથી એલએલબી કર્યું છે અને ત્યાર પછી ઇન્ટરનેશનલ લો એન્ડ પોલીટીક્સનું પોસ્ટ ગ્રેજ્યુએશન લંડનની યુનિવર્સિટીમાંથી કર્યું છે.
ચીરાગ પાસવાન જેપી નડ્ડાને ખાનગીમાં મળતા પટણામાં ચર્ર્ચા
કેન્દ્રીય મંત્રી અને આરએલજેપી (આર)ના પ્રમુખ ચીરાગ પાસવાન દિલ્હીમાં ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને ખાનગીમાં મળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને બિહારના એનડીએ ગઠબંધનમાં ગરબડ ચાલતી હોવાના સમાચારો આવી રહ્યા છે. બિહારમાં બગડેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિને કારણે ચીરાગ પાસવાન અને એમનો પક્ષ જેડીયુના મુખ્યમંત્રી નિતિશકુમારની ટીકા કરી રહ્યા છે. સામે જેડીયુના નેતાઓ પણ ચીરાગ પાસવાનનું નામ લીધા વગર એમને પ્રતિઉત્તર આપી રહ્યા છે. એમ મનાય છે કે ચીરાગ પાસવાન બિહાર ચૂંટણીમાં બેઠકોની વહેંચણી બાબતે જેપી નડ્ડાને મળ્યા હતા. પોતાના પક્ષ માટે ચીરાગ પાસવાન ૪૦ જેટલી બેઠકો માંગી રહ્યા છે.
આઇએએસ ઇન્દ્રજીત સિંહએ લખનૌને ક્લીન સીટી બનાવ્યું
એક સમયએ ઉત્તર પ્રદેશના લખનૌની ગણના દેશના એક સૌથી ગંદા શહેર તરીકે થતી હતી. હવે લખનૌને દેશના સૌથી ચોખ્ખા શહેરોની યાદીમાં ત્રીજા નંબરનું સ્થાન મળ્યું છે. ગયા વર્ષે લખનૌ ૪૧માં સ્થાને હતું. લખનૌવાસીઓ આનો જશ આઇએએસ અધિકારી ઇન્દ્રજીત સિંહને આપી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર પણ ઇન્દ્રજીત સિંહના વખાણ થઈ રહ્યા છે. ઇન્દ્રજીત સિંહ પાસે ઉત્તર પ્રદેશમાં બીજા કેટલાક વિભાગોની જવાબદારી પણ છે. લખનૌમાં કચરાની સફાઈ કઈ રીતે કરવી એનું સંપૂર્ણ આયોજન ઇન્દ્રજીત સિંહએ કર્યું હતું. લખનૌના મ્યુનિસિપલ કમિશનર તરીકે ગૌરવકુમાર છે, પરંતુ ગૌરવકુમારએ લખનૌને સ્વચ્છતા માટેનો સંપૂર્ણ જશ ઇન્દ્રજીત સિંહને આપ્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ એમવીએની એકતા પર સવાલ કર્યો
મુંબઈમાં યોજાય રહેલી કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકારણ ગરમ થઈ રહ્યું છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ અઘાડી ગઠબંધનના પક્ષોની એકતા પર સવાલ કરીને બધાને ચોંકાવી દીધા છે. એમ લાગે છે કે ઉદ્ધવ ઠાકરે હજી પણ મહારાષ્ટ્ર વિધાનસભામાં મળેલી હાર ભૂલ્યા નથી. એમણે જાહેરમાં કહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીની હાર માટે બેઠકોની વહેંચણી, ઉમેદવારોની પસંદગી તેમ જ ઉમેદવારો પસંદ કરવામાં થયેલો વિલંબ જવાબદાર છે. ઠાકરેના કહેવા પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં સારા દેખાવ પછી સાથી પક્ષોમાં એકતાનો અભાવ જોવા મળ્યો હતો. પોતાના પક્ષને વધુ બેઠકો મળે એ માટે જ પક્ષો મહેનત કરતા હતા. આવા વલણને કારણે મતદારોમાં ખોટો સંદેશો ગયો હતો.
તેજપ્રતાપ યાદવ નવો પક્ષ બનાવશે તો અનુષ્કા પણ સાથે હશે
લાલુપ્રસાદ યાદવએ એમના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ અને કુટુંબમાંથી હાંકી કાઢયા છે. છેલ્લા અહેવાલો પ્રમાણે તેજપ્રતાપ યાદવ નવો પક્ષ બનાવવાની તૈયારીમાં છે. નજીકના દિવસોમાં જ તેઓ નવા પક્ષની જાહેરાત કરી શકે છે. જોકે તેજપ્રતાપએ આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. એવી ચર્ચા પણ છે કે એમની પ્રેમિકા અનુષ્કા યાદવ પણ આ નવા પક્ષ સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી શકે છે. અનુષ્કા સાથેના સંબંધની વાત જાહેર થયા પછી જ લાલુ યાદવએ તેજપ્રતાપને પક્ષ અને કુટુંબમાંથી કાઢયા હતા. હમણા તેજપ્રતાપ યાદવ પટણામાં પોતાના સરકારી નિવાસસ્થાને રહે છે. એમને મળવા આવનારા સમર્થકોને તેઓ અહીં જ મળે છે.
તેજસ્વી યાદવે સર સામેની લડાઈ તીવ્ર બનાવી
બિહાર વિધાનસભામાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવે દેશભરના ૩૫ અગ્રણી વિપક્ષી નેતાઓને કાગળ લખીને રાજ્યમાં ચાલી રહેલા સ્પેશિયલ ઈન્ટેન્સીવ રિવિઝન (સર) સામે પોતાના સંઘર્ષમાં સમર્થન માગ્યું છે. તેના મતે આ રિવિઝનથી મતદાર યાદીમાંથી મોટા પ્રમાણમાં નામોની બાદબાકી થઈ જશે. યાદવે આ રિવિઝનને લોકશાહી સામેના હુમલા તરીકે ગણાવ્યું છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે, લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી, પ.બંગાળની સીએમ મમતા બેનર્જી, ઉત્તર પ્રદેશના સપા નેતા અખિલેશ યાદવ સહિત ટોચના વિપક્ષી નેતાઓને સંબોધીને આજેડી નેતાએ ચેતવણી આપી કે બિહારમાં આ કવાયતનો વિરોધ નહિ કરાય તો અન્ય રાજ્યોમાં પણ તેનો પ્રયોગ થશે.
પ્રશાંત કિશોરનો દાવો, બિહારમાં એનડીએ સત્તા ગુમાવશે
જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે તેમનો પક્ષનો આધાર પ્રમાણિકતા હોવાથી પોતાના બળે જ બિહારમાં સત્તા પર આવશે, બીજા પક્ષો સાથે સહયોગ નહિ કરે. પ્રશાંત કિશોરે પોતે પણ ચૂંટણી લડવાનો સંકેત આપ્યો હતો. તેમણે દાવો કર્યો કે એનડીએનો પરાજય નિશ્ચિત છે અને કોઈને બહુમતિ નહિ મળવાના સંજોગોમાં તેમનો પક્ષ આરજેડીની આગેવાની હેઠળના મહાગઠબંધનમાં જોડાઈ શકે છે. તેમના મતે મતદારો પાસે આરજેડી અથવા જન સુરાજ વચ્ચે પસંદગી કરવાનો જ વિકલ્પ છે.
- ઈન્દર સાહની


