નવીદિલ્હી : દરેક રાજકીય પક્ષ ફિલ્મ કલાકારોની સફળતા વટાવી લેવા માટે એમને ચૂંટણી લડાવે છે. આ પ્રથા સ્વતંત્ર ભારતના ઇતિહાસ પછી સતત ચાલુ રહી છે. સુનિલ દત્તથી માંડીને કંગના રનૌત સુધીના ફિલ્મસ્ટારો વિવિધ પક્ષોમાં જોડાઈને સંસદમાં પહોંચ્યા છે. દક્ષિણ ભારતમાં તો જયલલીતા જેવા ફિલ્મસ્ટાર મુખ્યમંત્રી પણ બની ગયા છે. જોકે હમણાના સમયમાં ભાજપને ફિલ્મસ્ટારો ફળ્યા હોય એમ લાગતું નથી. સ્મૃતિ ઇરાની થોડો સમય ચમક્યા પછી હવે અલોપ થઈ ગયા છે. હેમા માલીની ઘણા વખતથી મથુરાના સાંસદ તરીકે ચૂંટાય છે, પરંતુ સંસદમાં કંઈ ઉકાળી શક્યા નથી. હમણા જ બીએમસીની ચૂંટણી વખતે હેમા માલીની જ્યારે મતદાન કરવા ગયા ત્યારે લોકોના ગુસ્સોનો ભોગ એમણે બનવું પડયું હતું. પરેશ રાવળ પણ અમદાવાદથી સાંસદ તરીકે ચૂંટાયા પછી હવે નેપથ્યમાં ધકેલાઈ ગયા છે. કંગના રનૌત ચૂટાઈને લોકસભામાં ગયા હોવા છતાં એમની વર્તણૂકને કારણે ભાજપની ટોચની નેતાગીરી ખાસ ખુશ નથી.
ઇસ્લામીક નાટોનો ઉપાય 'મેડીટેરેનિયમ' ક્વાડ?
સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ના પ્રમુખ મોહમદ બીન જાયદ અલ નાહયાન ભારત આવ્યા છે. વિશ્વ આખામાં જ્યારે જીઓ પોલીટીક્સ બદલાઈ રહ્યું છે ત્યારે એમની આ મુલાકાત ખુબ અગત્યની ગણાય છે. ઇરાન પર અમેરિકા હુમલો કરે એવી શક્યતા છે. બીજી તરફ સાઉદી અરેબિયા અને યુએઇ વચ્ચે પણ ખેંચતાણ ચાલે છે. પાકિસ્તાન અને તૂર્કિ સાઉદી અરેબિયા સાથે મળીને ઇસ્લામિક નાટો જેવું સંગઠન બનાવવાની કોશિષ કરે છે. ભારતે આ બાબતે સચેત રહેવાની જરૂર છે. સાઉદી અરેબિયા અને પાકિસ્તાને ગયા વર્ષે જ સુરક્ષા બાબતે કરાર કર્યા છે. બંને દેશોમાંથી કોઈપણ લશ્કરી હુમલો થાય તો એકબીજાને પડખે રહેવા માટેના કરાર થયા છે. આ સંગઠનમાં હવે તૂર્કિ પણ જોડાઈ શકે એમ છે. આ સંગઠન સામે ભારત અને યુએઇ ભેગા થઈને ગઠબંધન બનાવી શકે છે. ગ્રીસ, સાઇપ્રસ અને ઇઝરાઇલે લશ્કરી સહયોગ માટે કરાર કર્યા છે. આ સંગઠને ભારતને પોતાની સાથે જોડાવા માટે આમંત્રણ આપ્યું છે.
ઇરાન પણ હવે ચીન અને રશિયાના રસ્તે
ઇરાનમાં જેન ઝીએ ત્યાના સત્તાધીશો સામે આંદોલન શરૂ કર્યું ત્યારથી ઇન્ટરનેટ બંધ છે. ઇરાનના ઇતિહાસમાં આટલા લાંબા સમય સુધી ઇન્ટરનેટ પહેલી વખત બંધ રહ્યું છે. નવ કરોડથી વધુ લોકોની ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ફોન દ્વારા મોકલવામાં આવતા સાદા ટેક્સ્ડ મેસેજ પણ બંધ કરવામાં આવ્યા છે. દેખાવકારોને દબાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ઇરાનના આંતરીક સમાચારો વિશ્વ સુધી નહીં પહોંચી શકે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ઇન્ટરનેટ સેવા ફરીથી કયારે ચાલુ થશે એ માટે સરકાર તરફથી કઈ કહેવામાં આવ્યું નથી. હવે ઇરાનની સરકાર જો ઇન્ટરનેટ ફરીથી ચાલુ કરશે તો પણ એની સંપૂર્ણ પકડ પોતાને હસ્તક રાખશે. આતંરરાષ્ટ્રીય ઇન્ટરનેટ એક્સેસ જો ફરીથી શરૂ કરવામાં આવશે તો ચીન અને રશિયાની માફક એને ફિલ્ટર કરવામાં આવશે.
ગેંગસ્ટર અને બંદૂક કલ્ચરને પ્રસિદ્ધી આપતા ગીતો માટે એસટીએફની રચના
સામાન્ય રીતે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની રચના કોઈ ગંભીર ગુનો બન્યો હોય તો એની તપાસ માટે કરવામાં આવે છે. હવે ગેંગસ્ટર અને બંદૂક કલ્ચરને પ્રસિદ્ધી આપતા ગીતો પર બ્રેક મારવા માટે એસટીએફની રચના થઈ છે. હરિયાણા અને પંજાબમાં બંદૂક અને ગુંડાઓના ગુણગાન ગાતા ગીતો ઘણા પોપ્યુલર થાય છે. હવે હરિયાણા પોલીસએ હરિયાણવી ગીતો દ્વારા આ કલ્ચરને અટકાવવા માટે નિર્ણય લીધો છે. હરિયાણા પોલીસે ૬૭ જેટલા ગીતો વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ અને યુ-ટયુબ પરથી દુર કર્યા છે. હરિયાણા પોલીસના કહેવા પ્રમાણે આ ગીતો ગુંડાગીરીને પ્રોત્સાહન આપતા હતા. હરિયાણા પોલીસે વધુ પગલા લેવા માટે એસટીએફની રચના ઉપરાંત સાયબર યુનિટને પણ સત્તા આપી છે. કેટલાક ગીતોમાં હથિયારો અને ગુંડાઓના ગુણગાન સાથે એમની જિંદગી કેવી આરામની છે એવું બતાવવામાં આવતું હતું. પોલીસનું માનવું છે કે આવા ગીતો જોઈને યુવાનો ગુનાખોરી તરફ આકર્ષાતા હતા.
ભાજપને ચૂંટણી ફંડ આપવા પડાપડી
સુપ્રિમ કોર્ટે ૨૦૨૪ના ફેબુ્રઆરીમાં ઇલેક્ટ્રોરોલ બોન્ડની યોજના સમાપ્ત કરી હતી. ત્યાર પછીના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ભાજપને લગભગ છ હજાર કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આ છ હજાર કરોડ રૂપિયાના દાનમાંથી ભાજપને ૩,૬૦૦ કરોડ રૂપિયા ઇલેક્ટ્રોરોલ ટ્રસ્ટમાંથી મળ્યા હતા. કુલ રકમમાંથી આ રકમનો હિસ્સો ૬૨ ટકા હતો. ભારતમાં કંપની એક્ટ હેઠળ રજીસ્ટર થયેલી કોઈપણ કંપની ઇલેક્ટ્રોરોલ ટ્રસ્ટ બનાવી શકે છે. ભારતમાં રહેતો કોઈપણ નાગરીક, ભારતમાં રજીસ્ટર કંપની, કોઈ ફર્મ, હિન્દુ અવિભાજીત પરિવાર કે ભારતમાં રહેતા લોકોનો સમૂહ આ ઇલેક્ટ્રોરોલ ટ્રસ્ટને દાન આપી શકે છે. ત્યાર પછી આ ઇલેક્ટ્રોરોલ ટ્રસ્ટ આ પૈસા રાજકીય પક્ષોને આપે છે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ સીધી રીતે કોઈપણ રાજકીય પક્ષને દાન આપી શકે છે. જો આ દાન ૨૦ હજાર રૂપિયાથી વધુ હોય તો રાજકીય પક્ષોએ એની જાણકારી ચૂંટણી કમિશનને આપવી પડે છે.
ટ્રમ્પની ચાપલુસીનો આનંદ મળી ગયો? પાકિસ્તાની પત્રકારનો ટોણો
પાકિસ્તાનના શાસકો ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ રાખવા માટે ઓપરેશન સિંદુર અટકાવવાનો જશ ટ્રમ્પને આપે છે. ટ્રમ્પે એક કરોડ જિંદગી બચાવવાની વાત પણ વડાપ્રધાન શહબાઝ શરીફ અને લશ્કરના વડા અસીન મુનીર કરતા રહે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે ૭૫ દેશો માટે વિઝા આપવાની પ્રોસેસ રોકવાનો નિર્ણય કર્યો છે. આ યાદીમાં પાકિસ્તાનનું નામ પણ છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના આ નિર્ણયથી પાકિસ્તાનમાં ઉહાપોહ થઈ ગયો છે. શહબાઝ શરીફ અને અસીમ મુનીર અમેરિકા સાથે સંબંધ સુધારવા માટે અમેરિકા પણ જઈ આવ્યા છે. પાકિસ્તાનના સામાન્ય લોકો શહબાઝ અને મુનીરની ચાટુકારીતાથી ખુશ નથી. પાકિસ્તાનના સિનિયર પત્રકાર હામીદ મીરએ આ બાબતે શરીફ સરકારને ટોણો માર્યો છે. પત્રકારે પાકિસ્તાનની મીલીટ્રી લીડરશીપ પર પણ પ્રશ્ન કર્યા છે. મીરનું કહેવું છે કે મુનીર અને શરીફે ટ્રમ્પની ચમચાગીરી કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. આમ છતાં પાકિસ્તાને હંમેશા અપમાનીત થવું પડયું છે.
વિદેશી પુરુષોને ફસાવીને રશિયા તરફથી યુદ્ધ લડવાનું કૌભાડ
૪૦ વર્ષની ભૂતપૂર્વ શિક્ષીકા અજાર્નીખ આજકાલ ચર્ચામાં છે. આ મહિલા પર આક્ષેપ છે કે વિવિધ દેશોના પુરુષોને નોકરીની લાલચે રશિયા મોકલી એમને યુક્રેન સામેના યુદ્ધમાં લડવા મોકલાય છે. એક વિડિયો સામે આવ્યો છે જેમાં સિરિયાના એક યુવાનનો પાસપોર્ટ આ મહિલા સળગાવતી જોવામાં આવી છે. સિરિયાના યુવાનને આ મહિલાએ પૈસાની લાલચ આપીને રશિયા મોકલ્યો હતો અને પછી જ્યારે એને સીધો યુદ્ધ લડવા મોકલવામાં આવ્યો ત્યારે ઇન્કાર કરવાને કારણે એનો પાસપોર્ટ સળગાવી દેવામાં આવ્યો હતો. મીડિયાએ કરેલી તપાસમાં આ પ્રકારના લગભગ ૫૦૦ કિસ્સાઓ સામે આવ્યા છે. આ મહિલાએ વિદેશી યુવાનોને ફસાવવા માટે એમને રશિયામા કામ અપાવવાનું વચન આપ્યું હતું. મોટે ભાગે સિરિયા, મીસ્ર અને યમનના યુવાનો આ કાવતરામાં ફસાયા હતા.


